You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે યોગીના સંબંધોનો મુદ્દો વારંવાર શા માટે ચર્ચાય છે?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
યોગી આદિત્યનાથ 25મી માર્ચના રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે આઠ વર્ષ પૂર્ણ કરશે. 52 વર્ષના યોગી આદિત્યનાથ 1998માં માત્ર 26 વર્ષની વયે લોકસભા સાંસદ બન્યા હતા.
આદિત્યનાથની સામે નરેન્દ્ર મોદીએ 52 વર્ષની વયે પ્રથમ વખત ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે, મોદી રાજકારણમાં પ્રવેશતાવેંત મુખ્ય મંત્રીની ખુરશી પર બિરાજમાન થયા હતા, જ્યારે યોગીએ સાંસદનું પદગ્રહણ કર્યું હતું.
યોગીના સમર્થકો તેમને મોદીના અનુગામી તરીકે વડા પ્રધાન સ્વરૂપે જોવા ઇચ્છે છે, પણ અંદરખાને એક ચર્ચા એ પણ થઈ રહી છે કે, મોદી અને અમિત શાહ યોગીને ખાસ પસંદ કરતા નથી.
આવો મત કેવળ વિરોધ પક્ષોના નેતાઓનો જ નથી, બલકે રાજકીય વિશ્લેષણોમાં પણ આ ચર્ચા વારંવાર થતી રહે છે.
ગયા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલાં દિલ્હીના તત્કાલીન મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનો કથિત ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર છુટકારો થયો હતો.
તે સમયે જેલમાંથી બહાર આવ્યા પછીની તેમની પ્રથમ પત્રકારપરિષદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું, "જો ભાજપ ફરી સત્તા પર આવશે, તો ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને હાંસિયામાં ધકેલી દેવાશે અને અમિત શાહ વડા પ્રધાન બનશે. 75 વર્ષની વયે પહોંચેલા પીએમ મોદી નિવૃત્ત થશે."
પણ, કેજરીવાલનું અનુમાન ખોટું ઠર્યું અને મોદી સળંગ ત્રીજી વખત વડા પ્રધાન બન્યા.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ આ પ્રકારનાં નિવેદનો કરતા રહ્યા છે. જ્યારે યોગી આદિત્યનાથ પીએમ મોદી અને અમિત શાહની સાથે હોય, તે સમયે મીડિયાના કૅમેરાની નજર સતત યોગીની બૉડી લૅંગ્વેજ પર જ મંડાયેલી રહેતી હોય છે, જેના પરથી જાણી શકાય કે, યોગી પ્રત્યે તેઓ કેવી લાગણી ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલીક વખત તો મોદી વિરુદ્ધ યોગીના મુદ્દાને હવા આપવા માટે સોશિયલ મીડિયા પર ડૉક્ટર્ડ વીડિયો પણ વાઇરલ કરવામાં આવતા હોય છે. આવો જ એક વીડિયો ગત વર્ષના જુલાઈમાં વાઇરલ થયો હતો, જેમાં યોગીએ પીએમ મોદીનું અભિવાદન ન કર્યું હોય, એવું દર્શાવવામાં આવ્યું હતું, પણ વાસ્તવમાં એવું નહોતું.
સંબંધો ફરતે આટલી શંકા-કુશંકા શા માટે?
14મી જુલાઈ, 2024ના રોજ લખનૌમાં ભાજપની બેઠક ચાલી રહી હતી. તે સમયે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ઉત્તર પ્રદેશ સરકારના યોગી અને મૌર્યે રાજ્યમાં ભાજપના નબળા દેખાવ માટે જે બે કારણો રજૂ કર્યાં, તે બંને એકમેકથી ભિન્ન હતાં.
યોગી આદિત્યનાથે યુપીમાં પક્ષના નબળા દેખાવ માટે 'વધુ પડતા આત્મવિશ્વાસ'ને જવાબદાર ઠેરવ્યો હતો. તો બીજી તરફ, નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યે 'સંગઠન સરકાર કરતાં મોટું' હોવાનું નિવેદન આપ્યું હતું.
આમ, મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી, બંનેએ યુપીમાં કમજોર દેખાવ માટે બે જુદાં કારણો આપ્યાં હતાં, પણ કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનને યોગી સરકાર સામે કરવામાં આવેલી ટિપ્પણી ગણવામાં આવી હતી.
મૌર્ય એમ કહેવા માગતા હતા કે, રાજ્યની યોગી સરકાર પક્ષ કરતાં મોટી બની ચૂકી છે. બીજી તરફ, યોગીના નિવેદનને એવી રીતે લેવામાં આવ્યું, જાણે કે કેન્દ્રીય નેતાગીરી વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચે છે.
મૌર્ય અને યોગીનાં વિભિન્ન નિવેદનોને પણ યોગી વિરુદ્ધ મોદી અને અમિત શાહ તરીકે જોવાયાં હતાં. કેશવ પ્રસાદ મૌર્ય અમિત શાહના વિશ્વાસુ ગણાય છે.
ગયા વર્ષની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ન હતી અને ભાજપને સૌથી મોટો ઝાટકો ઉત્તર પ્રદેશમાંથી લાગ્યો હતો.
2024ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ યુપીની 80માંથી કેવળ 33 બેઠકો પર જ કબજો જમાવી શક્યું હતું, તેની સામે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેણે કુલ 62 બેઠકો પર જીત હાંસલ કરી હતી. આમ, 2024ની ચૂંટણીમાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણી કરતાં 29 બેઠકો ઓછી અને 2014ની ચૂંટણી કરતાં 38 બેઠકો ઓછી મેળવી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે યુપીની 80માંથી 71 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો.
ભાજપની ધુરા જ્યારે અટલ-અડવાણીના હાથમાં હતી, ત્યારે યોગી ભાજપની નેતાગીરીને ખુલ્લો પડકાર ફેંકતા હતા. હવે, વર્તમાન સમયમાં એ ભૂતકાળનું ફરી પુનરાવર્તન થઈ રહ્યું હોય, એવું જણાઈ રહ્યું છે. મોદી અને શાહના એવા ઘણા નિર્ણયો છે, જેનાથી યોગી નારાજ હોવાનું મનાય છે.
અટલ-અડવાણીના ભાજપમાં યોગી
2016માં ભાજપે શિવપ્રતાપ શુક્લાને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. એક રીતે જોતાં, શિવપ્રતાપ 14 વર્ષ પછી સક્રિય રાજકારણમાં પરત ફર્યા હતા.
શુક્લાને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા, તેના એક વર્ષ પછી તેમને મોદી સરકારની પ્રથમ ટર્મમાં રાજ્ય કક્ષાના નાણામંત્રીનું પદ સોંપવામાં આવ્યું. આ નિર્ણય મોદી-અમિત શાહનો યોગીને પાઠવવામાં આવેલો સંદેશ માનવામાં આવે છે.
શિવપ્રતાપ શુક્લા 1989, 1991, 1993 અને 1996માં સળંગ ચાર વખત ગોરખપુર શહેરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2002માં યોગી આદિત્યનાથ શિવપ્રતાપ શુક્લાને ટિકિટ ન આપવા માટે પક્ષ પર દબાણ લાવ્યા હતા, પણ પક્ષે તેમની વાત કાને ધરી ન હતી.
અવગણનાથી છંછેડાયેલા યોગીએ તેના વળતા જવાબરૂપે તેમના સહકર્મી રાધામોહનદાસ અગ્રવાલને શુક્લા સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતાર્યા હતા.
પરિણામે શુક્લા હારી ગયા. એ પછી ગોરખપુર અને તેની આસપાસનું ભાજપ યોગીના તાબા હેઠળ આવી ગયું અને શિવપ્રતાપ શુક્લાને હાંસિયામાં ધકેલી દેવાયા.
એવું કહેવાય છે કે, શિવપ્રતાપ શુક્લા અને યોગી વચ્ચેની 2002ની ચૂંટણી વખતની દુશ્મનાવટ બે વ્યક્તિઓ વચ્ચેની નહીં, બલકે બ્રાહ્મણ અને ઠાકુર - એ બે જ્ઞાતિઓ વચ્ચેની હતી.
ગૅંગસ્ટર શ્રીપ્રકાશ શુક્લાની હત્યા અને શિવપ્રતાપ શુક્લાને કદ પ્રમાણે વેતરી નાંખ્યા બાદ આ પ્રદેશમાં બ્રાહ્મણોએ જમાવેલી પકડ પણ નબળી પડવા માંડી. એ જ રીતે, યોગીની પ્રગતિને આ વિસ્તારમાં ઠાકુરોના રાજકીય દબદબાના ઉદ્ભવની દૃષ્ટિએ જોવામાં આવે છે.
જોકે, કેન્દ્રમાં મંત્રીપદ મળ્યા પછી પણ શિવપ્રતાપ શુક્લાની રાજકીય કારકિર્દીને જોઈએ એવો વેગ મળ્યો નહીં. અત્યારે તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે અને એ તો સર્વવિદિત છે કે, રાજ્યપાલનો હોદ્દો રાજકારણમાં નિવૃત્તિનો છેલ્લો તબક્કો માનવામાં આવે છે.
શું કેન્દ્રીય નેતાગીરી અને યોગી વચ્ચે ખટરાગ છે?
10મી માર્ચના રોજ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવ ખાતે પુછાયેલા આ સવાલ પર હસી પડતાં યોગી આદિત્યનાથ જવાબ આપતા કહ્યું હતું, "ભાઈ, હું એક યોગી છું. મારે વળી કોઈની સાથે અણબનાવ શા માટે થાય? વડા પ્રધાન અમારા નેતા છે અને રાષ્ટ્રીય નેતૃત્વનો આદર કરવો એ મારી ફરજ છે."
"અમે પૂર્ણ કટિબદ્ધતા સાથે આદર કરીએ છીએ. મેં જ્યારે સંન્યાસ લીધો, ત્યારે પણ લોકો આવી જ વાતો કરતા હતા. જો આપણે આવી અફવાઓ પર ધ્યાન આપવા માંડીશું, તો કશું કરી શકીશું નહીં."
રાષ્ટ્રીય નેતાગીરી સાથેના તેમના સંબંધો વિશે યોગીએ શું કહ્યું?
યોગીએ કહ્યું હતું, "અમે અમને સોંપવામાં આવેલી જવાબદારી પૂરેપૂરી ઇમાનદારીથી નિભાવીએ છીએ. હું બોલનારનું મોં બંધ કરી શકું નહીં. રાજકારણમાં ઘણી બાબતોમાં કેટલીક મજબૂરીઓ પણ રહેલી હોય છે."
"ટિકિટ આપવા પાછળ એક સિસ્ટમ કામ કરતી હોય છે. શું મારી કામ કરવાની પદ્ધતિ પરથી એવું લાગે છે કે, હું નિયંત્રણોમાં બંધાઈને કામ કરું છું?"
શું યોગીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મતભેદો છે? એવા સવાલના જવાબમાં લખનૌનાં વરિષ્ઠ પત્રકાર સુનીતા આરોન કહે છે, "આ પ્રશ્ન હંમેશાં સપાટી પર તરતો રહે છે, પણ તેનો જવાબ આપવો એટલો સરળ નથી. અમિત શાહ અને યોગીને હોદ્દા માટેની મહત્ત્વાકાંક્ષા હોઈ શકે છે. જો સમાન હોદ્દા માટેની મહેચ્છા હોય, તો મહત્ત્વાકાંક્ષા વચ્ચે ટકરાવ સર્જાય, એ શક્ય છે."
"યોગીજીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. તેઓ હિંદુત્વના રાજકારણ પર મક્કમ છે, પણ સામે પક્ષે મોદીજીનો કરિશ્માયે હજી ઓસર્યો નથી. મને લાગે છે કે, યોગીને હજી પણ મોદીની જરૂર છે. એવું કહી શકાય કે, બંને નેતાઓને એકમેકની જરૂર છે."
શું મોદી અને યોગીના ટેકેદારો જુદા-જુદા છે? આ સવાલના જવાબમાં સુનીતા આરોન કહે છે, "મારા મતે, મોદી અને યોગી, બંનેના ટેકેદારો સમાન છે. એવું ન કહી શકાય કે, બંનેના સમર્થકો ભિન્ન છે. મોદીજી વિકાસનું મૉડલ ધરાવે છે, પણ યોગીજીની આ ઇમેજ હજી મજબૂત બની નથી. યોગીની ભાષા પણ મોદી કરતાં વધુ આક્રમક છે. તેના આધારે, વોટબૅન્કમાં થોડો ફરક જોવા મળે છે."
શું યોગી ઉત્તર પ્રદેશમાં સ્વતંત્રપણે કામ કરી રહ્યા છે?
સુનીતા આરોન જણાવે છે, "ભાજપની કાર્યપ્રણાલીમાં ઘણો જ અંકુશ જોવા મળે છે. આ સ્થિતિમાં તેઓ સ્વતંત્ર રીતે કામ કરે છે, એમ કહેવું 100 ટકા સત્ય નહીં ગણાય. ભાજપમાં ઘણી બાબતો પર ચુસ્ત દેખરેખ રાખવામાં આવતી હોય છે.''
"મોદી-શાહના ભાજપમાં આવી દેખરેખ વધી ગઈ છે. પણ મને લાગે છે કે, યોગી છેલ્લા કેટલાક મહિનાઓમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપશાસિત અન્ય રાજ્યોના મુખ્ય મંત્રીઓ તરફ નજર કરો અને યોગીને જુઓ, તો તફાવત તરત જ દેખાઈ આવે છે. યોગીને લોકપ્રિય ચહેરા તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યા છે અને તેમનો દરજ્જો અન્યો કરતાં મોટો હોય, એવું દેખાઈ રહ્યું છે.''
શું અટલ-અડવાણીના ભાજપમાં યોગી વધુ આક્રમક હતા? સુનીતા આરોનના મત અનુસાર, "તે સમયે યોગી ભાજપના સાંસદ હોવા છતાં તેઓ હિંદુ યુવાવાહિની ધરાવતા હતા. તે સમયે યોગી તે પ્રદેશના નેતા હતા, રાજ્યના મુખ્ય મંત્રી નહોતા. ગોરખપુર પર તેમનું નિયંત્રણ હતું અને ટિકિટની ફાળવણીમાં અંતિમ નિર્ણય તેમનો જ રહેતો હતો."
"તે સમયે યોગી સ્વતંત્રપણે રાજકારણમાં સક્રિય હતા, પણ હવે તેઓ સિસ્ટમની અંદર સામેલ છે. તેમ છતાં, કોઈ નેતા યોગી જેટલા મજબૂત નથી. મને લાગે છે કે, ભાજપ અને આરએસએસએ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) જ યોગીને આટલા મોટા નેતા બનાવ્યા છે."
તો શું યોગીને ચૂંટણી જીતવા માટે હવે મોદીના સહારાની જરૂર નથી? જ્યારે 2023માં વડા પ્રધાન મોદી પર પુસ્તક લખનારા લેખક અને પત્રકાર નીલાંજન મુખોપાધ્યાયને આ સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમનો જવાબ હતો, "2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતનું શ્રેય મોદીને જાય છે. 2022ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતનું શ્રેય મોદી અને યોગી, બંનેને જાય છે.''
"હવે યોગી સ્વયં પણ ઘણા લોકપ્રિય નેતા બની ચૂક્યા છે. યુપીમાં આગામી વિધાનસભાની ચૂંટણી 2027માં યોજાશે. 2027 વિશે અત્યારે કંઈ પણ કહેવું ઘણું વહેલું ગણાશે. પણ, એટલું તો ચોક્કસ કહી શકાય કે, યોગીની ચૂંટણી જીતવા માટે મોદી પરની નિર્ભરતા ઘટી ગઈ છે.''
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન