સ્નેહા દેસાઈ : જેમણે 'લાપતા લેડીઝ' ફિલ્મ લખી, તેમને હવે ગુજરાતી ફિલ્મ કેમ લખવી છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

આ વખતે આઇફા (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકેડૅમી) ઍવૉર્ડ્સમાં 'લાપતા લેડીઝ' ફિલ્મ દસ ઍવૉર્ડ્સ મેળવીને છવાઈ ગઈ હતી. તાજેતરમાં જયપુર ખાતે યોજાયેલા એ સમારંભમાં બેસ્ટ સ્ક્રિનપ્લે રાઇટિંગનો ઍવૉર્ડ સ્નેહા દેસાઈને મળ્યો હતો.

'લાપતા લેડીઝ' ફિલ્મ લખનારાં સ્નેહા દેસાઈ મુંબઈમાં વસેલાં ગુજરાતી છે.

તેમણે 'લાપતા લેડીઝ' ઉપરાંત, 'લવયાપા' તેમજ 'મહારાજ' જેવી હિન્દી ફિલ્મોમાં લેખન કર્યું છે. સ્નેહાની દિલી તમન્ના છે કે તેઓ ગુજરાતી ફિલ્મ લખે.

સ્નેહા દેસાઈએ તેમની કૅરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિ – નાટકોથી કરી હતી. નાટકોમાં પણ તેમણે શરૂઆત લેખક તરીકે નહીં, પણ અભિનેત્રી તરીકે કરી હતી.

સ્નેહા ગુજરાતી સુગમસંગીતના જાણીતા ગાયક – સંગીતકાર અસિત દેસાઈ અને હેમા દેસાઈનાં પુત્રવધૂ છે. સ્નેહા દેસાઈના પતિ આલાપ દેસાઈ પણ સંગીતકાર અને ગાયક છે.

આમિર ખાન અને કિરણ રાવે કહ્યું, 'તું ફિલ્મ લખીશ?'

સ્નેહા દેસાઈએ જે પ્રથમ હિન્દી ફિલ્મ લખી તે આમિર ખાનના પુત્ર જુનૈદ અને શર્વરી વાઘને ચમકાવતી 'મહારાજ' ફિલ્મ હતી. 'મહારાજ' લખતી વખતે તેમને 'લાપતા લેડીઝ' ઓફર થઈ હતી.

સંજોગવશાત્ 'લાપતા લેડીઝ'(1 માર્ચ, 2024) પહેલાં રિલીઝ થઈ અને 'મહારાજ' (21 જૂન, 2024) પછી રિલીઝ થઈ હતી. 'મહારાજ' ફક્ત ઓટીટી (ઓવર ધ ટૉપ) પ્લૅટફૉર્મ પર રજૂ થઈ હતી.

'મહારાજ'માં લેખક તરીકે સ્નેહા દેસાઈ સાથે વિપુલ મહેતા, કૌશર મુનીર પણ હતાં.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સ્નેહા દેસાઈ કહે છે, "મહારાજ ફિલ્મ લખતી હતી, એ દરમ્યાન મને લાપતા લેડીઝ લખવાની ઓફર થઈ હતી. લેખક સૌરભ શાહની ગુજરાતી નવલકથા પરથી બનેલી 'મહારાજ' ફિલ્મની પૃષ્ઠભૂમિ ગુજરાત હતી. મને મારા ગુજરાતીપણાને લીધે અને મેં લખેલા નાટકોને લીધે એ ફિલ્મના લેખનમાં તક મળી હતી."

સ્નેહા દેસાઈ કહે છે, "હું જ્યારે જુનૈદ ખાનને મહારાજનું નરેશન (વર્ણન) સંભળાવવા ગઈ હતી. એ વખતે આમિર ખાન અને કિરણ રાવ બંને ત્યાં હતાં. તેઓ પણ નરેશન સાંભળવા આવ્યાં હતાં. તેમને કોઈક રીતે મારું કામ પસંદ પડ્યું અને બીજે દિવસે મને 'લાપતા લેડીઝ' ઓફર કરી.

"બંનેએ કહ્યું કે 'અમારી પાસે આ એક વાર્તા છે. સમય મળે તો તમે ડેવલપ કરશો તો ગમશે.' એ રીતે મેં 'લાપતા લેડીઝ' લખવાની શરૂઆત કરી હતી."

તમે ગુજરાતી છો, 'લાપતા લેડીઝ'ના પાત્રો ભોજપુરી બોલે છે. તો એનું લેખન તમારા માટે પડકારરૂપ રહ્યું?

સ્નેહા દેસાઈ કહે છે કે, "ફિલ્મની વાર્તા મારી નથી, મેં સ્ક્રિનપ્લે - પટકથા લખી છે. ફિલ્મની બોલી ભલે ભોજપુરી લહેકાવાળી હોય પણ દરેક ભારતીયને તે અપીલ કરી શકે એ રીતે ફિલ્મ લખવાની હોય છે. તેથી ભૂગોળ કે ભાષા એટલી અગવડ ઊભા કરતાં નથી."

"હું મુંબઈમાં રહું છું. મુંબઈમાં તમને ભારતભરના લોકો મળી રહે છે. તેથી ફિલ્મ માટે મેં મુંબઈમાં વસતા બિહારી લોકો અને તેમની બોલીનો થોડો અભ્યાસ કર્યો હતો, જે મને પટકથા લખવામાં મદદરૂપ થયો."

ફિલ્મલેખનની કોઈ ઍકેડેમિક તાલીમ લીધી નથી

ફિલ્મની પટકથા લખવા માટે વિવિધ કોર્સ થતા હોય છે. પટકથા લેખનમાં રુચી ધરાવતા લોકો ભારતમાં તેમજ વિદેશમાં એ કોર્સ કરવા પણ જાય છે. ફિલ્મ ઉદ્યોગમાં એવા પણ લેખકો હોય છે કે તેઓ કોઈ કોર્સ વગર પણ માવજતભરી ફિલ્મો લખતા હોય છે.

સ્નેહા દેસાઈ કહે છે કે, "મેં પણ ફિલ્મલેખનની કોઈ વિધિવત્ તાલીમ લીધી નથી. મેં નાટકો તેમજ સિરિયલો લખ્યા છે. તેને લીધે મારું લેખન જે રીતે કેળવાયું એને લીધે મારા માટે ફિલ્મલેખનની કેડી પણ તૈયાર થઈ એવું મને લાગે છે."

અણધાર્યા લેખનનાં ક્ષેત્રમાં આવી ગયાં અને લેખક બની ગયા એટલે સ્નેહા પોતાને 'ઍક્સિડેન્ટલ રાઇટર' માને છે. તેઓ કહે છે, "લેખક તરીકે મારી જે પ્રક્રિયા છે તે સેલ્ફ લર્નિંગ - સ્વતાલીમની જ રહી છે. હું જોઈજોઈને કે કરતાંકરતાં જ શીખી છું. જ્યારે નાટકોમાં અભિનય કરતી કે મારા લખેલા નાટકોમાં અન્ય અદાકારોને અભિનય કરતાં જોતી, ત્યારે સર્વાંગીપણે એ નાટકને હું જોતી."

"એમાં ક્યાં કચાશ રહી ગઈ છે, ક્યાં સુધારાવધારાનો (ઇમ્પ્રૂવાઇઝેશન) અવકાશ છે તે હું જોતી અને એ નિરીક્ષણ કરતાં કરતાં જ મારી લેખનની ધાર નીકળી છે. ઉપરાંત, કેટલાંક કેળવાયેલા લેખક - ડિરેક્ટર સાથે કામ કરવાનો અને ચર્ચા કરવાનો અવસર મળ્યો એટલે ત્યાંથી પણ કલમ વધારે કેળવાઈ. મેં કોઈ વિધિવત્ તાલીમ નથી લીધી, તેથી હું ખૂબ વિચારીવિચારીને અને સેલ્ફ ડાઉટ સાથે બધું લખું છું."

તમે જે લખો તે સતત ચકસતા રહો, સેલ્ફ ડાઉટ કરતા રહો એ લેખક માટે સારી બાબત કહી શકાય?

સ્નેહા દેસાઈ જણાવે છે કે, "સારી અને ખરાબ બંને છે. સારી એ રીતે કે તમે તમારાં લેખનને ડબલ ચૅક કરતા હો છો."

"ખરાબ એ રીતે છે કે લેખક જ્યારે લખતા હોય, ત્યારે કેટલીક વખત તેનો લેખનપ્રવાહ સરસ રીતે જઈ રહ્યો હોય છે. એ સેલ્ફ ડાઉટને લીધે એ લેખન પ્રવાહ ક્યારેક અવરોધાતો હોય છે."

ગુજરાતી ફિલ્મ લખવા માટે ઓફર તો છે, પણ...

સ્નેહા દેસાઈને ગુજરાતી ફિલ્મ લખવાની ખૂબ ઇચ્છા છે. તેમને કેટલીક ફિલ્મો ઓફર પણ થઈ હતી.

સ્નેહા કહે છે કે, "ગુજરાતી ફિલ્મ લખવા માટે મને ઓફર તો ઘણી છે. પ્રામાણિકપણે કહું તો મને પસંદ પડે અને મજા પડી જાય એવા વિષયની હજી હું રાહ જોઉં છું. ગુજરાતી મારી ભાષા છે."

"પૈસા કમાઈ લેવાની કોઈ ગણતરી નથી. ઇરાદો એટલો જ છે કે મારી માતૃભાષામાં હું પ્રથમ ફિલ્મ લખું તો એવી જ લખું કે એમાં માવજતની કોઈ કમી ન રહે."

"હું માનું છું કે હિન્દી ફિલ્મમાં જો સારું કામ મારાથી થઈ શક્યું હોય, તો મારી ભાષામાં હું કંઈક સરસ કામ કરીને જાઉં એ જોવાની મારી નૈતિક ફરજ છે. મને ગુજરાતી ફિલ્મ લખવાની ખૂબ તાલાવેલી છે, હું તક અને સરસ ટીમની ઓફર આવે એની રાહ જોઉં છું."

સ્નેહા દેસાઈએ 'પુષ્પા ઇમ્પૉસિબલ' અને 'વાગલે કી દુનિયા' જેવી સિરિયલો લખી છે. તેમણે 'ક કાનજીનો ક', 'મીરાં', 'કોડમંત્ર', 'બ્લૅક આઉટ', ઐશ્વર્યા બ્યૂટી પાર્લર, સફરજન વગેરે ગુજરાતી નાટકો લખ્યા છે. સ્નેહા કહે છે કે, "નાટકો પ્રત્યે મારી પ્રતિબદ્ધતા છે. મેં મારી જાતને કમિટમેન્ટ આપ્યું છે કે નાટકો તો લખતી જ રહીશ."

સ્નેહા દેસાઈને ગુજરાતીમાં ઉમાશંકર જોષી, ઝવેરચંદ મેઘાણી, વિનેશ અંતાણી વગેરે લેખકો વાચવા ગમે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.