યુરોપમાં રશિયન ગુપ્તચરોનું નેટવર્ક, બે મહિલા જાસૂસની બીબીસીએ ઓળખ કરી

    • લેેખક, ડેનિયલ ડી સિમોન, ક્રિસ બેલ, ટૉમ બીલ અને નિકોલાઈ એટીફી
    • પદ, બીબીસી ન્યૂઝ ઇન્વેસ્ટિગેશન

બ્રિટનથી ચલાવાતા રશિયન જાસૂસી નેટવર્કનો ભાગ રહેલાં બે મહિલાનાં નામ પહેલી વાર બીબીસીની તપાસમાં બહાર આવ્યાં છે.

બલ્ગેરિયન નાગરિક ક્વેટેલીના ગેનચેવા અને ત્સ્વેતાંકા ડોનચેવાએ સેલ દ્વારા જાસૂસી કરાયેલા લોકોની વિસ્તૃત દેખરેખ કામગીરીમાં ભાગ લીધો હતો.

બીબીસીએ સંપર્ક કર્યો ત્યારે બંનેમાંથી કોઈએ પણ પ્રશ્નોના જવાબ આપ્યા નહીં.

ઍરપૉર્ટ કર્મચારી ગેનચેવાનો ફોન પર સંપર્ક કરાતા તેમણે ફોન કાપી નાખ્યો અને કહ્યું કે તેઓ આ કેસ પર કોઈ ટિપ્પણી કરવા માગતાં નથી.

ડોનચેવાનો સંપર્ક તેમના ઑસ્ટ્રિયાના વિયેનામાં આવેલા ઘર પર કરવામાં આવ્યો ત્યારે પોતાની સાચી ઓળખનો ઇનકાર કરીને તેઓ ત્યાંથી ચાલ્યાં ગયાં.

સેલના ભાગરૂપે રશિયા માટે જાસૂસી કરવામાં અન્ય છ અન્ય બલ્ગેરિયનો યુકેમાં સજાની રાહ જોઈ રહ્યા છે.

પોલીસે આ નેટવર્કને "એકદમ આયોજનબદ્ધ" કામગીરી કરતું હોવાનું કહ્યું જે લોકોના જીવ જોખમમાં મૂકનાર હતું. ત્રણે લોકોએ દોષી જાહેર થયા હતા અને તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ રશિયા માટે કામ કરી રહ્યા છે, જ્યારે ઓલ્ડ બેઇલી ખાતે ચાલી રહેલી ટ્રાયલ પછી આ મહિને ત્રણ વધુ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, કારણ કે તેઓ જ્યૂરીને સમજાવવામાં નિષ્ફળ ગયા હતા કે તેઓ આ કાવતરામાં સામેલ નથી.

આ સેલનું નિર્દેશન વિદેશથી ઑસ્ટ્રિયાના રહેવાસી જાન માર્સાલેક દ્વારા કરવામાં આવતું હતું. તેઓ જર્મનીમાં એક બિઝનેસ એક્ઝિક્યુટિવ હતા અને રશિયન ગુપ્તચર વિભાગની એજન્ટ બન્યા હતા.

સેલના નિશાન પર એક પત્રકારનો પણ સમાવેશ થતો હતો જેમણે રશિયન જાસૂસીકાંડની તપાસ કરી હતી. એક રોમન ડોબ્રોખોટોવ નામના એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે વ્લાદિમીર પુતિન આના માટે જવાબદાર છે.

અદાલતને યુરોપમાં દેખરેખ કામગીરીમાં ભાગ લેનારી બે રહસ્યમય મહિલાઓ વિશે પણ જાણ કરવામાં આવી હતી.

બીબીસીએ ઓપન સોર્સ ડિજિટલ રિસર્ચ અને સૂત્રો સાથે વાત કરીને આ બંને મહિલાઓની ઓળખ શોધી કાઢી અને તેની પુષ્ટિ પણ કરી.

રહસ્યમય ઍરપૉર્ટ કર્મચારી

બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં રહેતાં ગેનચેવાએ જાસૂસી સેલના નિશાને હોય તેવા લોકોની ખાનગી ફ્લાઇટ અંગેની વિગતો મેળવવા માટે ઍરલાઇનમાં તેમના કામનો ઉપયોગ કર્યો.

જાસૂસો વિમાનમાં લોકોનો પીછો કરતા હતા અને તેઓ નજીકની સીટો પર બેસી શકે તે રીતે ટિકિટ બુક કરાતી હતી. તેઓ એટલા નજીક જઈ શકતા કે તેમના નિશાને હોય તેના મોબાઇલ ફોનમાં શું ટાઇપ થઈ રહ્યું છે તે જોઈ શકતાં. એક તબક્કે તેઓ પત્રકાર રોમન ડોબ્રોખોટોવના ફોનનો પીન નંબર પણ જોઈ ગયા હતા.

ગેનચેવા એ ડોબ્રોખોટોવની જાસૂસી કરવા માટે બર્લિન મોકલવામાં આવેલી ટીમનો ભાગ હતાં. તેઓ યુકે કેસમાં જાસૂસીના દોષિત ત્રણ લોકો - સેલ લીડર ઓર્લિન રૂસેવ, બિસર ઝામ્બાઝોવ અને કેટરીન ઇવાનોવા- સાથેનાં ચેટ ગ્રૂપનાં સભ્ય પણ હતાં, જેનો ઉપયોગ જાસૂસીનું સંકલન કરવા માટે કરાતો હતો.

તેમણે પત્રકાર ક્રિસ્ટો ગ્રોઝેવની ફ્લાઇટની વિગતો પૂરી પાડી હતી. તેમને સેલના બીજા નિશાન એવા રશિયન અસંતુષ્ટ કિરીલ કચુર વિશે શક્ય તેટલી વધુ મુસાફરીની માહિતી એકત્રિત કરવાનું કામ સોંપાયું હતું.

ઓલ્ડ બેઇલી ટ્રાયલ દરમિયાન રહસ્યમય ઍરલાઇન કર્મચારીને "ક્વેત્કા" અથવા "સ્વેતી" તરીકે ઓળખવામાં આવતી હતી.

બીબીસીએ સૌપ્રથમ ગેનચેવાની ઓળખ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલથી કરી હતી. ફેસબુક પર તેમણે કેટરીન ઇવાનોવા અને બિસર ઝામ્બાઝોવ સાથે વાતચીત પણ કરી હતી.

ત્યારે બીબીસીને ખબર પડી કે તેઓ એક ઍરલાઇનનાં કર્મચારી હતાં.

તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તેઓ ટ્રાવેલ કંપનીઓનાં ટિકિટ વેચાણ વિભાગમાં કામ કરતાં હતાં.

"અમેડિયસ" તરીકે ઓળખાતા ઍરલાઇન ઉદ્યોગના સોફ્ટવૅરમાંથી આ લોકોએ ડેટા લીધો હતો. જેના સ્ક્રીનશૉટ સેલ લીડર રૂસેવની હાર્ડ ડ્રાઇવમાંથી મળી આવ્યા હતા. ગેનચેવાએ આ સોફ્ટવૅરમાં તેમની નિપુણતાની નોંધી લિંક્ડઇન કરી હતી.

બીબીસીના સંશોધનમાં ગેનચેવાની ઓળખ થયા પછી એક સૂત્રે બીબીસીને તપાસને પુષ્ટિ આપી કે બલ્ગેરિયન સુરક્ષા સેવાઓ તેમને જાસૂસી નેટવર્ક સાથે જોડાયેલી શંકાસ્પદ વ્યક્તિ તરીકે ઓળખે છે. જોકે તેમના પર કોઈ ગુનાનો આરોપ નથી.

અમે ગેનચેવાનો સંપર્ક એક બલ્ગેરિયન ફોન નંબર પર કર્યો જેનો ઉપયોગ તેઓ રિયલ એસ્ટેટના કામ માટે કરે છે. જ્યારે તેમને ખબર પડી કે કોલ બીબીસી ન્યૂઝનો છે અને રેકૉર્ડ થઈ રહ્યો છે ત્યારે તેમણે ફોન કાપી નાખ્યો. અમે શા માટે ફોન કરી રહ્યા છીએ તેવું પણ પૂછ્યું નહીં.

તેને લગતા પુરાવા દર્શાવતા પત્રના જવાબમાં તેમણે કહ્યું કે આ "કેસ પર ટિપ્પણી કરવા માગતી નથી" અને તેમના નામનો ઉપયોગ કરવા માટે સંમતિ આપતી નથી.

બલ્ગેરિયનમાં લખતા તેમણે દાવો કર્યો હતો કે તેઓ અંગ્રેજી સારી રીતે બોલી શકતાં નથી. જોકે તેમણે જાહેર લિંક્ડઇન પ્રોફાઇલમાં અંગ્રેજી ભાષા જાણે છે તેમ લખ્યું છે. તેમણે ડિગ્રીના સ્તર સુધી અંગ્રેજીમાં અભ્યાસ કર્યો છે એમ પણ જણાવ્યું છે.

વિયેનામાં રહેતી સ્ત્રી

ડોનચેવાએ વિયેનામાં ખોજી પત્રકાર ક્રિસ્ટો ગ્રોઝેવની જાસૂસી કરવામાં મદદ કરી હતી. તેઓ જ્યાં રહેતાં હતાં તેમની સામેના ફ્લેટમાં રહેતાં અને તેમના ઘરના ફોટા પાડતા કૅમેરા ચલાવતાં હતાં.

તેમને યુક્રેન વિરોધી પ્રચાર ઝુંબેશ ચલાવવા પૈસા આપવામાં આવ્યા હતા. જેમાં વિયેનાના સોવિયેત યુદ્ધસ્મારક સહિતનાં સ્થળો પર સ્ટીકરો લગાવવાના કામનો સમાવેશ થતો હતો. તેનો હેતુ યુક્રેનના સમર્થકોને નિયો-નાઝી જેવા દેખાડવાનો હતો.

ઓલ્ડ બેઇલી ટ્રાયલમાં સેલ સાથે કામ કરતી એક "ત્સ્વેતી" વિશે સાંભળ્યા પછી બીબીસીએ ડોનચેવાને તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા ઓળખી કાઢ્યાં. ત્યાર બાદ ઑસ્ટ્રિયાનાં સૂત્રોએ તેમની ઓળખની પુષ્ટિ કરી હતી.

વિયેનામાં તેઓ યુકેના કેસમાં જાસૂસી માટે દોષિત ઠરેલા ઓછામાં ઓછા ત્રણ લોકોને મળ્યાં - વાન્યા ગેબેરોવા, બિસર ઝામ્બાઝોવ અને કેટરીન ઇવાનોવા.

ડોનચેવા જેની જાસૂસી કરતાં હતાં તેવા લોકોમાં ગુપ્ત સેવાના વડા ઓમર હૈજાવી-પિર્ચનર સહિત ઑસ્ટ્રિયન અધિકારીઓનો સમાવેશ થાય છે. જ્યારે રશિયન જાસૂસી વિશે લખનાર ઑસ્ટ્રિયન ખોજી પત્રકાર અન્ના થલહામર પણ સામેલ હતા.

બેરોજગાર ડોનચેવાની ડિસેમ્બરમાં ઑસ્ટ્રિયન પોલીસે ધરપકડ કરી હતી.

તેમણે તપાસકર્તાઓને જણાવ્યું કે તેમણે લાંબા સમયના મિત્ર વાણ્યા ગેબેરોવા - સજાની રાહ જોઈ રહેલા છ બલ્ગેરિયનોમાંથી એક - દ્વારા પૂછવામાં આવ્યા બાદ જાસૂસી કરી હતી. તેમણે કહ્યું કે ગેબેરોવાએ તેમને નામ, સરનામાં અને ફોટોગ્રાફ્સની યાદી આપી હતી.

શરૂઆતમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમને આ લોકોએ ગેરમાર્ગે દોર્યાં હતાં. પહેલા તેમને કહેવામાં આવ્યું હતું તેઓ આ એક "સ્ટુડન્ટ પ્રોજેક્ટ" છે. અને બાદમાં કહ્યું કે તેઓ ઇન્ટરપોલ માટે કામ કરી રહ્યાં છે. પરંતુ ઑસ્ટ્રિયન તપાસકર્તાઓનું કહેવું છે કે ડોનચેવા આવી "શંકાસ્પદ વાર્તાઓ" પર વિશ્વાસ કરે છે તે માન્યામાં આવે તેવું નથી.

દસ્તાવેજોમાં કહેવાયું છે કે ડોનચેવા જે ગુપ્તચર સેલમાં કામ કરતાં હતાં તે રશિયન ગુપ્તચર સેવાઓ વતી મૉસ્કોથી જાન માર્સાલેક દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હતી. તપાસકર્તાઓ દ્વારા જપ્ત કરાયેલા પુરાવા દર્શાવે છે કે તેમને માર્સાલેક અને યુકે સેલના વડા ઓર્લિન રૂસેવ દ્વારા કરારબદ્ધ કરાયાં હતાં.

દસ્તાવેજો કહે છે કે માર્સાલેકે અન્ના થલહેમરને નિશાન બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ડોનચેવાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે પત્રકારના કાર્યસ્થળના ફોટા પાડ્યા હતા અને નજીકની રેસ્ટોરાંમાંથી તેમના પર નજર રાખવાનો પ્રયાસ કર્યો હતો.

ઑસ્ટ્રિયન ન્યૂઝ મૅગેઝિન પ્રોફાઇલનાં સંપાદક થલહેમરે બીબીસીને જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમને પહેલી વાર કહેવાયું હતું કે તેમની જાસૂસી કરાઈ રહી છે. જેથી તેમને ખબર પડી કે કોઈ તેમના પર નજર રાખી રહ્યું છે.

"તે સ્પષ્ટપણે ઑફિસની સામે આવેલી એક ખૂબ જ સરસ રેસ્ટોરાંમાં બેઠી હતી. હું ખરેખર આની ભલામણ કરતી હતી. તેણે ફરિયાદ કરી કે આ ખૂબ મોંઘી છે, તેને વધુ પૈસાની જરૂર છે. તેને તે પૈસા મળી ગયા."

તેઓ કહે છે કે "તેણે" એ ઘણા "ઉચ્ચ કક્ષાના લોકો"ની પણ જાસૂસી કરી હતી.

થલહેમરને ખબર નથી કે તેમનો પીછો કરાત હતો, પરંતુ તેમના કેટલાક સ્રોતોની ઓળખ છતી થઈ ગઈ હતી અને તેમના ઘરમાં ઘૂસવાના પ્રયાસો પણ કરાયા હતા.

તેઓ કહે છે કે "વિયેના જાસૂસોની રાજધાની છે" પરંતુ શહેરમાં કોઈને જાસૂસી માટે સજા ફટકારાઈ નથી અને "અહીંનો કાયદો જાસૂસો માટે ઉત્તમ છે."

"હું હતાશ છું અને પ્રામાણિકપણે કહું તો મને થોડો ડર પણ લાગે છે," તેમણે ઉમેર્યું.

"હું મારી પુત્રી સાથે એકલી રહું છું. એ જાણીને સારું નથી લાગતું કે રાજ્ય પત્રકારો, રાજકારણીઓ મળતી ધમકીઓની કાળજી નથી લેતું."

તેઓ સોશિયલ મીડિયા યૂઝર છે. તેમની બિલાડીનું પણ ટિકટૉક એકાઉન્ટ છે. ડોનચેવાએ 2022 અને 2023માં ફેસબુક પર વ્લાદિમીર પુતિનના ફોટોવાળી ટી-શર્ટમાં પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. જ્યારે કોઈએ ટિપ્પણી કરી કે રશિયામાં ઘણી સ્ત્રીઓ પુતિનનું બાળક ઇચ્છે છે, ત્યારે ડોનચેવાએ જવાબ આપ્યો કે ફક્ત રશિયામાં જ નહીં... ત્યાર બાદ 'લિપ-લિકિંગ'નું ઇમોજી પણ મૂક્યું હતું.

વિયેનાની એક શેરીમાં બીબીસીએ તેમનો સંપર્ક કર્યો ત્યારે ડોનચેવાએ પોતે ઓળખ છતી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે પ્રશ્નોના જવાબ આપવાનો પણ ઇનકાર કર્યો હતો. પરંતુ બીબીસીએ પુષ્ટિ કરી કે તે મહિલા ખરેખર ડોનચેવા જ હતી.

જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જે કપડાં પહેર્યાં હતાં અને તેમની પાસે જે સામાન હતો તે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જોઈ શકાતી હતી: એક વિશિષ્ટ વાદળી ટ્રેકસૂટ, ચશ્માંની જોડી અને પૅટર્નવાળો મોબાઇલ ફોન કેસ. અમે તેમને ડોનચેવા હોવાનો ઇનકાર કર્યાના 20 મિનિટથી ઓછા સમયમાં ડોનચેવાના રજિસ્ટર્ડ ઘરના સરનામામાં પ્રવેશતા પણ જોયાં.

તેમણે ટિપ્પણી કરવાની તક આપતા પત્રનો પણ જવાબ આપ્યો નથી.

આ બે મહિલા છ બલ્ગેરિયનો સાથે કામ કરતાં, જેમને રશિયા માટે જાસૂસી કરવાનું કાવતરું ઘડવા બદલ દોષિત ઠેરવાયાં હતાં.

યુકે પોલીસે રૂસેવ અને તેમના નિયંત્રક માર્સાલેક વચ્ચેના લગભગ 80,000 ટેલિગ્રામ સંદેશાનો સંગ્રહ જપ્ત કર્યો હતો.

આ સંદેશાઓમાં ફેબ્રુઆરી 2023 પહેલાંનાં વર્ષોમાં સેલ દ્વારા હાથ ધરવામાં આવેલાં અનેક ઑપરેશનોનો ખુલાસો થયો હતો.

યુકેસ્થિત જાસૂસોએ જર્મનીમાં યુએસ લશ્કરી થાણાં પર તાલીમ લઈ રહેલા યુક્રેનિયન સૈનિકોને પણ નિશાન બનાવ્યા હતા. રૂસેવ અને માર્સાલેકે પત્રકારો ક્રિસ્ટો ગ્રોઝેવ અને રોમન ડોબ્રોખોટોવનાં અપહરણ અને હત્યા અંગે પણ ચર્ચા કરી હતી.

યુકેમાં દોષિત ઠેરવવામાં આવેલા છ જાસૂસોથી વિપરીત ડોનચેવા અને ગેનચેવા કસ્ટડીમાં નથી અને તેમને કોઈ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યાં નથી.

ડોનચેવાની પ્રી-ટ્રાયલ અટકાયત માટેની ઑસ્ટ્રિયન સરકારી વકીલની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી અને તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં.

જાસૂસી કરનાર વ્યક્તિને કેમ છોડી મુકાઈ?

ઑસ્ટ્રિયન કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે ડોનચેવાના ફરાર થઈ જાય તેવું "કોઈ જોખમ" નથી, કારણ કે તેઓ દેશમાં "સામાજિક રીતે જોડાયેલાં" છે અને તેમનાં માતાની સંભાળ રાખે છે. અને યુકેમાં સંડોવાયેલા અન્ય લોકોને જેલની સજા થઈ હોવાથી હવે વધુ ગુનાનું જોખમ બહુ રહેતું નથી.

થલહેમરે બીબીસીને કહ્યું કે તેમને "સમજ નથી પડતી" કે તેમના પર જાસૂસી કરનાર વ્યક્તિને કેમ છોડી દેવાઈ.

"તેમણે જાસૂસે કહેલી દરેક વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ."

તેમણે કહ્યું કે ઑસ્ટ્રિયન ગુપ્ત સેવા માને છે કે અન્ય જાસૂસી સેલ પણ છે અને યુકેમાં છ બલ્ગેરિયનોની ધરપકડ પછી પણ તેમની પ્રવૃત્તિ ચાલુ રહી છે.

ગેનચેવા બલ્ગેરિયામાં મુક્ત રીતે રહે છે. જાહેરમાં પોતાને એક અનુભવી ઍરલાઇન અને ટ્રાવેલ ઉદ્યોગ વ્યાવસાયિક તરીકે રજૂ કરે છે.

બીબીસી દ્વારા સંપર્ક કરવામાં આવ્યા બાદ ગેનચેવાએ ફેસબુક અને લિંક્ડઇન પર પોતાનું પ્રોફાઇલ નામ બદલી નાંખ્યું છે. જોકે તેમણે એમેડિયસ ઍરલાઇન સોફ્ટવૅરમાં પોતાની કુશળતાનો ઉલ્લેખ કરવાનું ચાલુ રાખ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.