ગુજરાત: પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ યથાવત્

પરશોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ શરૂ થયેલો વિરોધ રૂપાલાની માફી અને ભાજપની પ્રદેશ નેતાગીરીએ કરેલા અનેક પ્રયત્નો છતાં પણ અટક્યો નથી.

આજે ક્ષત્રિય સમાજ દ્વારા અમદાવાદ જિલ્લાના ધંધુકામાં અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ફરી એકવાર રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગણી કરવામાં આવશે એ સ્પષ્ટ છે.

બીબીસી સહયોગી પ્રશાંત ગુપ્તાએ આપેલી માહિતી અનુસાર કચ્છમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યક્રમ સ્થળે પહોંચીને વિરોધ કર્યો હતો.

તો બીજી તરફ ગોધરા શહેરમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું અને તેમણે પંચમહાલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બીબીસી સહયોગી દક્ષેશ શાહે આ વાતની પુષ્ટિ કરી છે.

આ સિવાય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પરશોત્તમ રૂપાલાની સામે વિરોધપ્રદર્શન સતત ચાલુ છે.

સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર પણ પરશોત્તમ રૂપાલાને લઈને #ભાજપા_હટાઓ_રાજપૂત_બચાઓ ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં તેમનો બોયકોટ કરવાનો સંદેશ ધરાવતા પોસ્ટર સાથે તેમનો વિરોધ થઈ રહ્યો છે.

મોટા પ્રમાણમાં થઈ રહેલા વિરોધપ્રદર્શનો જોતા આ વિવાદ હજુ પણ ચાલુ રહેશે તેવું પ્રતીત થાય છે.

બિહાર: ચૂંટણીપ્રચારમાં નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતાઓ પર સનાતન ધર્મનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો

બિહારના નવાદામાં એક ચૂંટણીસભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન પર જોરદાર પ્રહારો કર્યા.

તેમણે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પર સનાતન ધર્મનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો.

તેમણે કહ્યું, “અત્યાર સુધીમાં ઘણું બધું કર્યું છે...હજુ તો આ ટ્રેલર છે, આટલેથી આપણે અટકવાનું નથી. હજુ તો ગાડીને ટોપ ગિયરમાં લઈને જવાનું છે, હજુ તો આપણે રનવે પર છીએ. નવી ઉંચાઈઓને પાર કરવાની છે, હજુ તો ઘણું બધું કરવાનું બાકી છે.”

તેમણે કહ્યું, “મોદી ગેરંટી એટલા માટે આપે છે કારણે કે તેની પાસે ગેરંટી પૂરી કરવાની તાકાત છે, સાફ નિયત છે. મોદી ગેરંટી એટલા માટે આપે છે કારણ કે તે ગેંરટી પૂરી કરવા માટે મહેનત કરે છે.”

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને ટોણો મારતા પીએમ મોદીએ કહ્યું, “ઇંડી ગઠબંધન પાસે ન તો કોઈ વિઝન છે, ન તો કોઈ વિશ્વસનીયતા છે. દિલ્હીમાં જે લોકો એકઠા થાય છે એ જ લોકો બીજા રાજ્યમાં જઈને એકબીજાને ગાળો આપે છે. બિહારમાં તો અંદરખાને જ લડાઈ છે. આ લોકો મજબૂરીમાં સાથે આવેલા છે.”

તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘જય છઠ્ઠી મઈયા’ ના નારા અને સ્થાનિક બોલી મગહીમાં અભિવાદન કરીને કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીએ અફઘાનિસ્તાનના સાત વિદ્યાર્થીને હૉસ્ટેલ ખાલી કરવા નોટિસ કેમ આપી?

ગુજરાત યુનિવર્સિટીએ અફઘાનિસ્તાનના સાત વિદ્યાર્થીઓને હૉસ્ટેલના રૂમ ખાલી કરવા માટે સત્તાવાર નોટિસ પાઠવી છે.

સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું છે કે સાતમાંથી પાંચ વિદ્યાર્થીઓ હૉસ્ટેલ રૂમ છોડી ચૂક્યા છે.

સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતા ગુજરાત યુનિવર્સિટીનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “આ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂરો કરી લીધો છે અને સર્ટિફિકેટ કે ટ્રાન્સક્રિપ્ટસ મેળવવા જેવી બાબતો જ બાકી છે, જેના માટે કૅમ્પસમાં તેમની હાજરી જરૂરી નથી. યુનિવર્સિટીના નિયમો પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થી તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી હૉસ્ટેલનો ઉપયોગ કરી ન શકે. આ સાત વિદ્યાર્થીઓ આ કૅટેગરીમાં આવે છે. ચાર વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અને ત્રણ વિદ્યાર્થીઓનું માત્ર વહીવટીકાર્ય બાકી છે.”

યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે પાંચ વિદ્યાર્થીઓએ હૉસ્ટેલ ખાલી કરી દીધી છે અને અન્ય બે વિદ્યાર્થીઓ પણ નિયમોનું પાલન કરશે.

તેમણે ઉમેર્યું, “અમે આ બાબતે અફઘાનિસ્તાન કૉન્સ્યૂલેટને જાણકારી આપી છે. આ મુદ્દા વિશે તેમની છેલ્લી મુલાકાત દરમિયાન પણ અમે ચર્ચા કરી હતી.”

અહીં ઉલ્લેખનીય છે ગયા મહિને જ ગુજરાત યુનિવર્સિટીના હૉસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર નમાજ પઢવા મામલે થયેલા હુમલા બાદ ગુજરાતમાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે ગંભીર સવાલ ઊઠ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ગત મહિને જે ઘટના ઘટી તેમાં જેમને નોટિસ મોકલાઈ છે તે વિદ્યાર્થીઓ સામેલ ન હોવાની કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ પુષ્ટિ કરી હતી.

રાજકોટમાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ 400 ઉમેદવાર ઉતારશે

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી અને રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેના નિવેદન બાદ હજુ પણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ છે.

રૂપાલાએ અંગે જાહેરમાં બે વાર માફી માગી છે, છતાં તેમની ઉમેદવારી રદ થાય તેવી માગ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે.

ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ “ઑપરેશન રૂપાલા”ના ભાગરૂપે 400 ઉમેદવારોને રાજકોટ સીટ પરથી ઉતારશે. આ નિર્ણય ક્ષત્રિય સમાજનાં અલગ-અલગ સંગઠનનો દ્વારા ગઈ કાલે રાજકોટમાં કરવામાં આવેલી બેઠકમાં લેવામા આવ્યો છે.

આ ઉપરાંત રાજકોટમાં ક્ષત્રિય સમાજે રૂપાલાની વિરોધમાં એક રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને એક આવેદન આપ્યું જેમાં પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરાઈ હતી.

અમદાવાદમાં પણ આ મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરવામા આવ્યું હતું, જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા પણ જોડાયા હતા અને ભીડ વધતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. જોકે, મહીપાલસિંહ મકરાણા અને તેમના સાથી વીરભદ્રસિંહને ડિટેઇન કરીને રાજસ્થાન લઈ જવામાં આવ્યા હતા.

મહીપાલસિંહ મકરાણાએ કહ્યું, “અમે અહીં અમારી બહેનોને સમજાવવા માટે આવ્યા છીએ કે તેઓ જોહર ન કરે, કારણ કે તેમના ભાઈઓ હજુ જીવે છે.”

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ખંભાળિયામાં યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન પણ ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને તેમની ઉમેદવારી રદ કરવાની માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ અમરેલીમાં એક સભામાં પરશોત્તમ રૂપાલાએ સભા પરથી લોકોને કહ્યું હતું કે હું જ્યારે ફૉર્મ ભરવા જાઉં ત્યારે બધાએ પાઘડીબંધ આવવાનું છે.

મોહન ભાગવતની ગુજરાતમાં મુલાકાત

ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને રૂપાલાના વિવાદ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.

સમાચારપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ભાગવત ભરૂચ, વડોદરા અને ગાંધીનગરમાં અલગ-અલગ બેઠકોમાં ભાગ લેશે.

અહેવાલ પ્રમાણે, ભાગવત તેમની મુલાકાત દરમિયાન કોઈ રાજકીય નેતાઓને મળવાના નથી, તેમ છતાં કેટલાક પસંદગીના "બુદ્ધિજીવીઓ" (બૌદ્ધિકો) અથવા "પ્રખ્યાત નાગરિકો"ને ત્રણેય સ્થાનો પર આરએસએસના વડા સાથે વાર્તાલાપ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “ ભાગવતજીનો ગુજરાત પ્રવાસ પહેલાંથી જ પ્લાન હતો જ્યારે સ્થાનિક સ્તરે રાજકીય પ્રશ્નો પણ ન હતા. તેઓ આ પ્રવાસ દરમિયાન અલગ-અલગ શહેરના લોકો સાથે મળશે જે રીતે તેઓ મળતા આવ્યા છે. આ પ્રવાસને આવનારી ચૂંટણી સાથે સાંકળીને જોવાની જરૂર નથી, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચૂંટણીપ્રચાર નથી કરતો. તેમનો બુદ્ધિજીવીઓ સાથેનો વાર્તાલાપ સમાજ અને રાષ્ટ્રનિર્માણને લગતા મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે.”

ભાગવત પોતાની ગુજરાત યાત્રાના ભાગરૂપે સોમવારે અમદાવાદની મુલાકાત લેશે.

આમ આદમી પાર્ટી આજે જંતરમંતર પર કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભૂખ હડતાળ કરશે

દિલ્હીની આબકારી નીતિમાં કથિત ગોટાળાના મામલામાં મુખ્ય મંત્રી કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી રવિવારે દિલ્હીના જંતરમંતર પર ભૂખ હડતાળ કરશે.

દિલ્હી સરકારનાં મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ વિશે જાણકારી આપતા લખ્યું કે સાત એપ્રિલના રોજ 25 રાજ્યોના પાટનગરમાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપવાસ રાખશે.

દિલ્હીના જંતરમંતર પર પાર્ટીના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહને આ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે શરતો સાથે જામીન આપ્યા છે. તેઓ છ મહિના સુધી જેલમાં રહ્યા.

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન હાલમાં જેલમાં છે.

શું કનૈયાકુમાર દિલ્હીથી ચૂંટણી લડશે? કૉંગ્રેસ કયાં નામોની ચર્ચા કરી રહી છે?

કૉંગ્રેસ પાર્ટી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ અને કૉંગ્રેસ નેતા કનૈયાકુમારને દિલ્હીથી લોકસભાના ઉમેદવાર બનાવવા વિચારી રહી છે.

આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનમાં કૉંગ્રેસને ત્રણ સીટો મળી છે અને આ સીટો પર ઉમેદવારની પસંદગી અંતિમ તબક્કામાં હતી પરંતુ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લીધે કૉંગ્રેસ ઉમેદવારની પસંદગીને લઈને અસમંજસમાં છે.

સમાચારપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ચાંદની ચોક અને ઉત્તર પૂર્વી દિલ્હીમાં ઉમેદવારોની પસંદગી માટે આંતરિક સર્વે કરવામાં આવશે.

સમાચારપત્રે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ત્રણેય ઉમેદવારોની પસંદગી પર અંતિમ સહમતિ લગભગ થઈ ગઈ હતી અને શુક્રવારે જ નામની જાહેરાત થવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ આ નિર્ણયને ટાળવામાં આવ્યો.

સૂત્રોનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી લોકોમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધન પ્રત્યે સહાનુભૂતિ જોવા મળી રહી છે અને આ કારણે દિલ્હીની ત્રણેય સીટ પર કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનાં નામ પણ ચર્ચાઈ રહ્યાં છે, જેમાં દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અરવિંદરસિંહ લવલીનું નામ પણ સામેલ છે.

પહેલાં કહેવાઈ રહ્યું હતું કે લવલીએ ચૂંટણી ન લડવાનો સંકેત આપ્યો છે.

પાર્ટીના એક નેતાએ કહ્યું, “દિલ્હીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન પહેલાં ચૂંટણી લડવાની ઇચ્છા જાહેર કરી હતી પરંતુ પાછળથી અંગત કારણસર નામ પાછાં ખેંચી લીધાં. તે સમયે જ પશ્ચિમ દિલ્હી સીટ પરથી કનૈયાકુમારનું નામ એક સંભવિત ઉમેદવારના રૂપે સામે આવ્યું હતું.”

નેતાએ ઉમેર્યું, “કેજરીવાલની ધરપકડ પછી થયેલા સર્વેમાં લોકોની સહાનુભૂતિ જોઈને જે નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી હતી તેમને લાગે છે તેમની પાસે એક મોકો છે.”

સમાચારપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી આ સમયે પૂર્વ ભાજપ સાંસદ ઉદિત રાજનું નામ મોખરે છે.

ઉત્તર પૂર્વી દિલ્હીથી અરવિંદરસિંહ લવલી અને કનૈયાનું નામ સંભવિત છે જ્યારે ચાંદની ચોકથી સંદીપ દીક્ષિત અને જય પ્રકાશ અગ્રવાલના નામની ચર્ચા ચાલી રહી છે.