મૅક્સિકોએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો, ભવિષ્યમાં કોને, કેટલી અસર થશે?

મૅક્સિકોની સંસદે જે દેશો સાથે ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ નથી થયા, એવા દેશો દેશો પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેના કારણે મૅક્સિકોમાં સામાનની નિકાસ કરતા ચીન, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ તથા ભારત સહિત અનેક એશિયન દેશોને અસર થશે.

આ પગલાના કારણે આ દેશોમાંથી મૅક્સિકોમાં જે નિકાસ થઈ રહી છે, તે મોંઘી થઈ જશે. મૅક્સિકોનાં રાષ્ટ્રપતિ ક્લૉડિયો શિનબૉમનું કહેવું છે કે ઘરઆંગણે ઉત્પાદન વધારવા તથા રોજગારમાં વધારો કરવા માટે ટેરિફ વધારવા જરૂરી છે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સ સૂત્રોને ટાંકતા જણાવે છે કે મૅક્સિકોના આ પગલાને કારણે ભારતમાં કાર્યરત્ ફૉક્સવેગન તથા હ્યુન્ડાઈ જેવી ઑટો કંપનીઓને અસર પડી શકે છે, જે વાર્ષિક લગભગ નવ હજાર કરોડ રૂપિયાની નિકાસ મૅક્સિકો કરે છે.

ભારતની કારનિકાસને આંચકો

રૉઇટર્સના અહેવાલ પ્રમાણે, હાલમાં ભારતથી જે ગાડીઓ મૅક્સિકો નિકાસ થાય છે, તેની ઉપર 20 ટકાનો ટેરિફ લાગે છે. મૅક્સિકોના આ નિર્ણયને કારણે તે વધીને 50 ટકા થઈ જશે.

આની અસર ફૉક્સવેગન અને હ્યુન્ડાઈ ઉપરાંત નિસાન તથા મારુતિ સુઝુકીને પણ થશે, કારણ કે આ કંપનીઓ મોટા પાયે મૅક્સિકોમાં નિકાસ કરે છે.

દક્ષિણ આફ્રિકા તથા સાઉદી અરેબિયા બાદ મૅક્સિકો ભારતીય કારનિર્માતા કંપનીઓ માટે સૌથી મોટું બજાર છે.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ પ્રમાણે, ભારતની કારનિર્માતા કંપનીઓના સંગઠન 'સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફેક્ચરર્સ'એ (સિયામ) ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયને પત્ર લખીને માંગ કરી છે કે ભારત સરકાર મૅક્સિકોની સરકાર સાથે વાત કરે તથા ભારતમાંથી જે કારોની નિકાસ થાય છે, તેમના ઉપર લાગતો પ્રવર્તમાન ટેરિફદર જાળવી રાખે.

રૉઇટર્સના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-'25 દરમિયાન ભારતે મૅક્સિકોમાં પાંચ અબજ 30 કરોડના સામાનની નિકાસ કરી હતી, જેમાંથી લગભગ એક અબજ ડૉલરની (રૂ. નવ હજાર કરોડ) ગાડીઓ હતી.

ભારતમાંથી જે ગાડીઓની મૅક્સિકોમાં નિકાસ થાય છે, તેમાંથી અડધોઅડધ જેટલી સ્કૉડા ઑટોની છે. હ્યુન્ડાઈએ 20 કરોડ ડૉલર, નિસાને 14 કરોડ ડૉલર અને મારુતિ સુઝુકીએ 12 કરોડ ડૉલરની ગાડીઓની મૅક્સિકોમાં નિકાસ કરી હતી.

ગયા મહિને સરકારી અધિકારીઓ સાથેની બેઠકો દરમિયાન કારનિર્માતા કંપનીઓનું કહેવું હતું કે ભારતમાંથી જે કારોને મૅક્સિકો મોકલવામાં આવે છે, તે મોટા ભાગે નાની હોય છે. આ ગાડીઓને મૅક્સિકોની બજાર માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી હોય છે, અમેરિકામાં નિકાસ માટે નહીં.

કારકંપનીઓએ ભારતીય અધિકારીઓએ ઉમેર્યું હતું કે દરવર્ષે મૅક્સિકોમાં લગભગ 15 લાખ ગાડીઓ વેચાઈ છે, જેમાંથી લગભગ બે-તૃતીયાંશ આયાત થયેલી હોય છે.

મૅક્સિકો પર અમેરિકાની ધમકીનું દબાણ?

મૅક્સિકો દ્વારા જે નવા ટેરિફદર જાહેર કરવામાં આવ્યા છે, તે પહેલી જાન્યુઆરી 2026થી લાગુ થશે. જે ગાડીઓ ઉપરાંત ધાતુઓ, કપડાં તથા અન્ય ઘરવપરાશના સામાન પર લાગુ પડશે.

મૅક્સિકોએ એશિયાઈ દેશોમાંથી આવતા સામાન ઉપર પાંચથી 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો છે. એશિયામાંથી મૅક્સિકોમાં મોકલવામાં આવતી લગભગ એક હજાર 400 જેટલી ચીજવસ્તુઓ ઉપર અલગ-અલગ દરે ટેરિફ લાગશે.

ચીનનું કહેવું છે કે મૅક્સિકોના ટેરિફને કારણે તેના વેપારીહિતોને ખૂબ જ નુકસાન પહોંચશે. હાલ મૅક્સિકો અને અમેરિકાની વચ્ચે ટ્રેડડીલ માટે વાટાઘાટ ચાલી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૅક્સિકોની નિકાસ ઉપર ઉચ્ચ ટેરિફદર લાદવાની ચીમકી ઉચ્ચારી છે.

મૅક્સિકોએ ચીનની ઉપર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે અમેરિકામાં ચીનના સમાનને ઠલવાતો અટકાવવા માટે ટ્રમ્પે જે પ્રયાસ હાથ ધર્યા છે, તે સફળ થઈ રહ્યા છે.

અમેરિકાનો આરોપ છે કે ચીનની કંપનીઓ દ્વારા મૅક્સિકોમાં પ્રોડ્કશન યુનિટ શરૂ કરવામાં આવે છે અને અમેરિકામાં પોતાનો સામાન વેચવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

ઇલેક્ટ્રિક કાર બનાવતી ચાઇનિઝ કંપની બીવાયડી તથા એમજીએ (મૉરિસ ગૅરેજ) તાજેતરમાં તેમના મૅક્સિકન ઉત્પાદનક્ષમતાનો વિસ્તાર કર્યો છે.

અમેરિકાનું કહેવું છે કે ચીન દ્વારા અમેરિકાના ટેરિફથી બચવા માટે મૅક્સિકોને માધ્યમ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

ટેરિફ મુદ્દે ટ્રમ્પે દબાણ વધાર્યું, એ પછી મૅક્સિકોએ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવાના પ્રયાસો ગતિશીલ કર્યા છે. ટ્રમ્પે તાજેતરમાં મૅક્સિકોના સ્ટીલ તથા ઍલ્યુમિનિયમ સહિત અનેક આઇટમો પર 50 ટકા ટેરિફ લાદવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, ટ્રમ્પે વધુ ટેરિફ લાદવાની વાત પણ કહી છે.

આ સિવાય અમેરિકામાં સિન્થેટિક ડ્રગ ફેન્ટાનિલની સપ્લાઈ અટકાવવા માટે વધારાના 25 ટકા ટેરિફની ધમકી પણ ઉચ્ચારી છે.

સોમવારે ટ્રમ્પે મૅક્સિકો પર પાંચ ટકાનો નવો ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાના ખેડૂતોને પાણી મળે, તે માટે મૅક્સિકો સાથે કરાર થયેલા છે અને મૅક્સિકો તેનો ભંગ કરી રહ્યું છે.

નવા ટેરિફને પગલે મૅક્સિકોને આવતા વર્ષે લગભગ 2.8 અબજ ડૉલરની વધારાની આવક થશે, એવું અનુમાન છે.

મૅક્સિકોનાં રાષ્ટ્રપતિ સિનબૉમે સપ્ટેમ્બર મહિનામાં જ ટેરિફ વધારવાનો પ્રસ્તાવ સંસદને મોકલી આપ્યો હતો, પરંતુ એશિયન દેશો, બિઝનેસ લૉબી તથા વિપક્ષના દબાણને કારણે આ પ્રસ્તાવને પસાર થવામાં સમય લાગ્યો હતો.

મૅક્સિકોનું ઉત્પાદનક્ષેત્ર ચીન, ભારત, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોમાંથી આવતા સામાન પર આધાર રાખે છે.

મૅક્સિકોના ઉદ્યોગપતિઓનું કહેવું છે કે આ ટેરિફને કારણે તેમની પડતરકિંમત ખૂબ જ વધી જશે, જેના કારણે દેશમાં મોંઘવારી વધવાનું જોખમ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન