'લોકોએ અમારા 11 વર્ષના પ્રેમને બદલે અમારા ચહેરાનો રંગ જોયો'

    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

ઋષભ રાજપૂત તથા સોનાલી ચૌકસે કોઈ સૅલિબ્રિટી નથી, છતાં તેમનાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો અને તેના પર ઑનલાઇન ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

23 નવેમ્બરે તેમનાં લગ્ન થયાં, ત્યારે ઋષભનાં બહેને 30 સેકન્ડનો વીડિયો રેકૉર્ડ કર્યો હતો. બે દિવસમાં આ વીડિયો એટલો વાઇરલ થયો હતો કે તે અગણિત વૉટ્સઍપ ગ્રૂપથી લઈને મીમ પેજ પર છવાઈ ગયો.

વાઇરલ મૅસેજોમાં નવદંપતીને લગ્ન માટે મુબારકબાદી નહોતી, પરંતુ ઋષભ તથા સોનાલીનાં વાન અંગે ટિપ્પણીઓ હતી તથા બંનેને ટ્રૉલ કરવામાં આવ્યાં હતાં.

બીજી બાજુ, ઋષભ તથા તેમનો પરિવાર આ બધી વાતોથી અજાણ હતો અને લગ્ન સંબંધિત વિધિઓમાં વ્યસ્ત હતો.

ઋષભ જણાવે છે કે લગ્નની વિધિઓ ચાલી રહી હતી, ત્યારે પાડોશનાં આન્ટીએ આવીને મારાં મમ્મીને કહ્યું, "તમારા દીકરાનો વીડિયો વાઇરલ થયો છે અને તેની ઉપર મીમ બની રહ્યા છે."

ઋષભ કહે છે, "પહેલાં તો અમને આ વાત મજાક જેવી લાગી. થયું કે ઠીક છે કે કેટલાક લોકોએ શૅર કર્યો હશે, પરંતુ જ્યારે મોબાઇલ ખોલીને જોયું તો આંચકો લાગ્યો."

પરિવારજનોનું કહેવું છે કે સ્ક્રિન ઉપર જે પ્રકારની ટિપ્પણીઓ હતી, તેના કારણે લગ્નનો માહોલ અચાનક જ બદલાઈ ગયો.

સોનાલીએ બીજા બધાને અટકાવતા કહ્યું, "એ વીડિયોમાં બે લોકોનો હરખ સૌથી સ્પષ્ટપણે દેખાતો હતો. અમારો હરખ ઑનલાઇન લોકોને દેખાયો નહીં. અમે 11 વર્ષ પહેલાં સાથે મળીને સોણલું સેવ્યું હતું, સોશિયલ મીડિયાની બનાવટી દુનિયામાં અમારો પ્રેમ ક્યાંક ગાયબ થઈ ગયો અને માત્ર અમારી ચામડીના રંગ ઉપર ધ્યાન ગયું."

ઑનલાઇન કૉમેન્ટ્સમાં સોનાલી તથા ઋષભની જોડીને 'કજોડું' કહેવામાં આવ્યું. કોઈકે લખ્યું કે વરનો વાન કાળો છે અને દુલ્હન ગોરી છે, એટલે આ લગ્ન 'અજબ' લાગે છે.

ઋષભ જણાવે છે, "અમારાં બંનેની આસપાસ, ક્યારેય કોઈને એવું કહેતા નહોતા સાંભળ્યા કે સ્કિનનો કલર અમારી વચ્ચે મુદ્દો બની શકે છે. સોશિયલ મીડિયા પર લોકોની વિચારસરણી જોઈને અમને પહેલી વાર સમજાયું કે ઇન્ટરનેટની દુનિયા કેટલી ઉપરછેલ્લી હોઈ શકે છે."

"જે પળ માટે અમે અગિયાર વર્ષ સુધી રાહ જોઈ હતી, તેનો ઇન્ટરનેટ ઉપરના લોકો મજાક ઉડાવી."

સોશિયલ મીડિયા ઉપર લોકોએ કયાસ કાઢ્યા

જોકે, રંગ અંગેની ટિપ્પણીઓ પહેલો અધ્યાયમાત્ર હતી. એ પછી સોશિયલ મીડિયા યૂઝર્સે ઋષભ અંગે જાત-જાતના કયાસ કાઢ્યા અને ટોણાં માર્યાં.

કોઈકે લખ્યું, 'એ ખૂબ જ પૈસાવાળો હશે,' તો કોઈકે દાવો કર્યો કે 'એની પાસે પાંચ પેટ્રોપપમ્પ' છે, તો બીજા કોઈએ લખ્યું 'તે કોઈ મંત્રીનો દીકરો છે.'

કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે સોનાલીએ "સરકારી નોકરી જોઈને જ" ઋષભ સાથે લગ્ન કર્યાં છે. વાસ્તવમાં સોનાલી અને ઋષભ ગ્રૅજ્યુએટ છે અને ખાનગીક્ષેત્રમાં નોકરી કરે છે.

સોનાલીનું કહેવું છે, "અમે બંને ખૂબ જ પૉઝિટિવ છીએ, પરંતુ મને 'ગૉલ્ડ ડિગર' કહેવામાં આવી અને લોકો લખી રહ્યા હતા કે કદાચ મેં આ લગ્ન મજબૂરીમાં કર્યાં છે...આ બધું સાંભળીને અમારા પરિવારજનો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા."

ઋષભનું કહેવું છે, "દેશભરમાં ફેલાયેલા અજ્ઞાત લોકોએ મારા અને સોનાલીની અંગત પળોને જાહેર મજાકનો વિષય બની ગઈ. દરમિયાન દેશમાં પ્રવર્તમાન રંગભેદી માનસિકતા સ્પષ્ટપણે સામે આવી."

ઋષભ કહે છે, "સૌથી વધુ કષ્ટદાયક બાબત એ હતી કે લોકોએ મને તો ઠીક, પણ મારા પરિવારજનોને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. વાઇરલ ફોટો અને વીડિયોમાં મારાં માતા, બહેનો તથા સંબંધીઓ પણ દેખાઈ રહ્યાં હતાં. ઑનલાઇન યૂઝર્સ તેમની ઉપર પણ ગંદી ટિપ્પણીઓ કરી હતી."

સોનાલીનું કહેવું છે, "જે લોકો ટ્રૉલ કરી રહ્યા હતા, તેમના માટે આ બધું માત્ર અમુક વ્યૂઝ મેળવવાનું માધ્યમ હતું, પરંતુ તેના કારણે અનેક લોકોની જિંદગી તથા અમારી પ્રાઇવસીને અસર પહોંચી."

સોનાલી કહે છે કે વાઇરલ વીડિયોની પાછળ 'અમારા 11 વર્ષના પ્રેમને ઇગ્નોર કરી દેવામાં આવ્યો.'

વીડિયો વાઇરલ થયા પછી લોકો સુધી જે કહાણી પહોંચી, તે વાસ્તવિક દાસ્તાનનો ખૂબ જ નાનો અને ઉપરછેલ્લો હિસ્સો હતી.

કેવી રીતે પહેલી મુલાકાત થઈ?

ઋષભનું કહેવું છે કે સોનાલી અને તેમની મુલાકાત વર્ષ 2014માં કૉલેજમાં થઈ હતી.

ઋષભ કહે છે, "વર્ષ 2015માં મેં સોનાલીને પ્રપોઝ કર્યું, તેના 10 દિવસ પછી, તેણે હા પાડી હતી. એ દિવસથી અમને બંનેને ખબર હતી કે અમે લગ્ન કરીશું."

"જે વીડિયો વાઇરલ થયો, તે માત્ર 30 સેકન્ડનો નથી, પરંતુ અમારી 11 વર્ષની સફરનું પરિણામ છે. અમે 11 વર્ષ મહેનત કરી હતી એ પછી આ સપનું સાચું પડ્યું હતું."

આ સંબંધનો આધાર માત્ર અમારો રંગ નથી, પરંતુ એકબીજાની ખૂબીઓના સન્માન પર ટકેલી છે.

ઋષભનું કહેવું છે કે સોનાલીની વિનમ્રતા, તેમની મહેનત તથા જીવન પ્રત્યેની ગંભીરતા જેવી ખૂબીઓએ તેમને સોનાલી તરફ આકર્ષિત કર્યા.

બીજી બાજુ, સોનાલીનું કહેવું છે, "કોઈ પણ સંબંધ એ વાત ઉપર આધાર રાખે છે કે સામેવાળી વ્યક્તિ તમારી સાથે કેવો વ્યવહાર કરે છે, કેટલું સન્માન આપે છે તથા તમને પોતાના જીવનમાં કેટલું સ્થાન આપે છે."

સોનાલી કહે છે, "આ સંબંધમાં ન તો મારી કોઈ મજબૂરી હતી કે ન તો કોઈ પણ જાતનો દેખાડો. આ મારો પોતાનો નિર્ણય છે અને હું મારા નિર્ણયથી ખૂબ જ ખુશ છું."

'રંગભેદી સમાજ'

સમગ્ર ઘટનાક્રમમાં ઇન્ટરનેટ પર સૌથી વધુ ચર્ચા રંગભેદ વિશે થઈ હતી. ભારતના સામાજિક માળખામાં લાંબા સમયથી પ્રવર્તમાન આ ભેદભાવ ડિજિટલ દુનિયામાં પણ એટલો જ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.

ઋષભનું કહેવું છે, "ભારત જેવા દેશમાં 70થી 80 ટકા લોકો શામળા છે, ત્યારે આજે પણ ગોરા વાનને સારો માનવામાં આવે છે, તે દુઃખદ બાબત છે. શું માત્ર કોઈનો વાન જોઈને જ તેનું ચરિત્ર, સારપ કે આચરણ નક્કી કરી શકાય?"

સોનાલીએ આ વાતને આગળ ધપાવતા કહ્યું, "ઘણી વાર લોકો માની લે છે કે રૂપાળી વ્યક્તિ બહેતર હશે અને શામળી વ્યક્તિ ઊતરતી હશે. જોકે, સંબંધ માટે સૌથી વધુ જરૂરી છે – વ્યક્તિનું આચરણ, તેનું હૃદય અને તેની દાનત."

સોનાલી કહે છે, "મને એ નહોતું સમજાતું કે લોકો અમારા કલર ઉપર શા માટે અટકેલા છે. ભારતમાં અલગ-અલગ વાતાવરણ અને અલગ-અલગ રંગ છે....તો તેનો સ્વીકાર કરવો આટલો મુશ્કેલ કેમ છે?"

"જો કોઈ ભૂરો છોકરો તોછડાઈ કરે, ગુનો કરે, તો શું આપણે તેનો રંગમાત્ર જોઈને, તેને સારો માની લઈશું? શું ખરેખર રંગ જ વ્યક્તિની સારપ કે ખરાબ બાબત નક્કી કરી શકે?"

ઋષભ અને સોનાલી બંને એકબીજાની સામે જોતાં કહે છે, "આવી ઘટનાઓને કારણે થોડું અસહજ તો થઈ જવાય, પરંતુ અમે બંને હંમેશાં એકબીજાની પડખે રહ્યાં છીએ તથા એકબીજાની સપોર્ટ સિસ્ટમ છીએ."

બોલતાં-બોલતાં સોનાલી અટકી ગયાં અને થોડી વાર પછી ઉમેર્યું, "અમારા બંનેના પરિવારોને ક્યારેય કોઈ તકલીફ નહોતી થઈ. થોડી સમજાવટ બાદ બધા માની ગયા. અમે પહેલા દિવસથી જ અમારાં લગ્ન વિશે વિચાર્યું હતું."

"અમે નાની-નાની બચત કરીને, એકબીજાના સુખદુખમાં પડખે ઊભા રહીને આ દિવસ તથા આગામી જિંદગીનાં સપનાં જોયાં હતાં અને અમે એ સપનું જ જીવી રહ્યાં છીએ."

ઋષભ સોનાલીને જુએ છે અને પછી કહે છે, "દુનિયાવાળા ભલે ટ્રૉલિંગ કરે છે, પરંતુ અમારી પાસે જે છે, તે મોટા ભાગના લોકો પાસે નથી. મારી પાસે સોનાલી છે અને સોનાલીની પાસે હું છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન