હજારો નાના રોકાણકારો અને વેપારીઓને રાતેપાણીએ રોવડાવનાર માધવપુરા બૅન્ક કૌભાંડ શું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે

- અમદાવાદ પોલીસની ક્રાઇમ-બ્રાન્ચે મુંબઈના કાંદિવલી ખાતેથી 85-વર્ષીય દેવેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી છે
- તેઓ અમદાવાદસ્થિત માધવપુરા મર્કેન્ટાઇલ કૉ-ઑપરેટિવ બૅન્કના ચીફ ઑપરેટિંગ ઓફિસર હતા
- છેલ્લા એક દાયકાથી સીઆઈડી તેમને શોધી રહી હતી
- આથી ગત મહિને તેમના ઉપર ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું
- દેવેન્દ્ર પંડ્યા, બૅન્કના ચૅરમૅન તથા સહકારી બૅન્કના અન્ય પદાધિકારીઓએ સાંઠગાંઠ કરીને નિયમોને નેવે મૂકીને વિવાદાસ્પદ શૅરબ્રૉકર કેતન પારખને કરોડો રૂપિયાનું ધિરાણ આપ્યું હતું


ઇમેજ સ્રોત, Kalpit Bhachech
અમદાવાદ પોલીસની ક્રાઇમ-બ્રાન્ચે મુંબઈના કાંદિવલી ખાતેથી 85-વર્ષીય દેવેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી છે. તેઓ અમદાવાદસ્થિત માધવપુરા મર્કેન્ટાઇલ કૉ-ઑપરેટિવ બૅન્કના ચીફ ઑપરેટિંગ ઓફિસર હતા.
રિપોર્ટ્સ પ્રમાણે, છેલ્લા એક દાયકાથી સીઆઈડી તેમને શોધી રહી હતી. આથી ગત મહિને તેમના ઉપર ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
દેવેન્દ્ર પંડ્યા, બૅન્કના ચૅરમૅન, તથા સહકારી બૅન્કના અન્ય પદાધિકારીઓએ સાંઠગાંઠ કરીને નિયમોને નેવે મૂકીને વિવાદાસ્પદ શૅરબ્રૉકર કેતન પારેખને કરોડો રૂપિયાનું ધિરાણ આપ્યું હતું.
છેવટે આ બૅન્ક ફડચામાં ગઈ હતી અને પાછળથી તેનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. સહકારીક્ષેત્રને સબળ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ક્યાંક કસર રહી જવા પામી હતી અને લગભગ 18 વર્ષ પછી આવું જ એક ઉદાહરણ જોવા મળવાનું હતું.

નાના વેપારીઓની બૅન્ક
માધવપુરા બૅન્કની સ્થાપના ઑક્ટોબર-1968માં અમદાવાદ થઈ હતી. શહેરમાં અનાજ-કરિયાણાના વેપાર માટે વિખ્યાત વિસ્તાર માધવપુરાના વેપારીઓની સગવડ માટે આ બૅન્કની સ્થાપના કરવામાં આવી હતી.
સમયાંતરે તેની પ્રતિષ્ઠા અને કદ વધતા રહ્યા હતા. જેના કારણે તે નાની સહકારી બૅન્કો અને મંડળીઓની ડિપૉઝિટ લઈ શકતી. કૌભાંડ બહાર આવ્યું તેના બે વર્ષ પહેલાં બૅન્કને શિડ્યુલ્ડ બૅન્કનો દરજ્જો મળ્યો હતો, જેના કારણે તે અન્ય રાજ્યોમાં પણ શાખા ખોલી શકતી હતી.
માધવપુરા બૅન્કે મહારાષ્ટ્રના મુંબઈમાં શાખા ખોલી હતી અને ત્યાંથી જ શૅરબ્રૉકર કેતન પારેખની કંપનીને નાણાં આપવામાં આવ્યા હતા.
આઠમી માર્ચે માધવપુરા બૅન્ક કાચી પડી હોવાની અફવા વહેતી થઈ હતી, જેના કારણે નાના રોકાણકારોએ બૅન્કમાંથી પૈસા ઉપાડવા માટે દોટ મૂકી હતી. જેના કારણે બીજા જ દિવસે બૅન્ક પાસે નાણાંની અછત ઊભી થઈ ગઈ હતી અને અમદાવાદ તથા બૉમ્બેની શાખાઓના શટર પાડી દેવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માધવપુરા બૅન્ક ફડચામાં જતાં તેમાં નાણાં રોકનાર 70થી વધુ નાની સહકારી બૅન્કો અને મંડળીઓ કાચી પડી હતી.

...અને પરપોટો ફૂટ્યો

ઇમેજ સ્રોત, SOPA IMAGES,GETTY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હર્ષદ મહેતાના કૌભાંડનો પર્દાફાશ કરનાર સુચેતા દલાલે એ પછી કેતન પારેખના કૌભાંડ અને બંનેમાં રહેલી સમાનતા વિશે 'ધ સ્કૅમ'નું સંવર્ધિત પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે કેતન પારેખના કૌભાંડની ઉપર પ્રકાશ પાડ્યો છે.
દલાલ લખે છે (પેજનંબર 258-266) માધવપુરા કૉ-ઑપરેટિવ બૅન્કમાં કેતન પારેખે રૂ. 300 કરોડની જામીનગીરીઓ જમા કરાવી હતી. જેમાં મોટાભાગના તેના જ ફૅવરિટ સ્ટૉક હતા, જેને કૃત્રિમ રીતે ઉછાળવામાં આવ્યા હતા.
આ સ્ટૉકના આધારે પારેખને રૂ. 200 કરોડની ધિરાણની સવલત મળેલી હતી. તા. આઠમી અને નવમી માર્ચના (2001) રોજ કેતન પારેખની કંપનીઓ દ્વારા કુલ્લે રૂ. 137 કરોડના પે-ઑર્ડર બૅન્ક ઑફ ઇન્ડિયાને જમા કરાવવામાં આવ્યા. સામાન્ય રીતે તે બે દિવસમાં ક્લિયર થઈ જાય, પરંતુ તા. 10 અને 11ના રોજ રજાઓ હતી.
તા. 12મી માર્ચના રાત્રે આરબીઆઈને માધવપુરા બૅન્કે રૂ. 75 કરોડનું ડિફૉલ્ટ કર્યું હોવાનું બહાર આવ્યું. એ પહેલાં બીઓઆઈએ નાણાં જમા કરાવી દીધા હતા. આરબીઆઈ દ્વારા બાકીની લગભગ 62 કરોડની લેવાલી તા. 20મી માર્ચના કાઢવામાં આવી હતી.
સેબીની તપાસમાં બહાર આવ્યું હતું કે કેતન પારેખની 11 કંપનીઓને રૂ. 798 કરોડ ધીરવામાં આવ્યા હતા, આ સિવાય તેની સાથે સંકળાયેલા બે દલાલોને પણ કેતન વતી રૂ. અઢીસો કરોડ જેટલી રકમ આપવામાં આવી હતી.
જ્યારે બૅન્ક ઑફ ઇન્ડિયાએ માધવપુરા બૅન્કમાં મૂકવામાં આવેલી જામીનગીરીઓને ટ્રાન્સફર કરવા કહ્યું, ત્યારે કેતનપારેખે ખચકાટ અનુભવ્યો. કારણ કે, માધવપુરા બૅન્કમાંથી ઑવરડ્રાફ્ટ અને બૅન્ક ઑફ ઇન્ડિયાની પે-ઑર્ડર ડિસ્કાઉન્ટ ફૅસિલિટીના આધારે તેને બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જમાં પતાવટ માટે એક અઠવાડિયા જેટલો સમય મળી રહેતો. કોઈ વધારાના રોકાણ બદલ તેણે માત્ર આ સવલત બદલ મામૂલી ફિસ ચૂકવવી પડતી.
તા. 15મી માર્ચના બૅન્કના સમગ્ર ડિરેક્ટર મંડળને આરબીઆઈ દ્વારા હઠાવી દેવામાં આવ્યું. જેમાં ચૅરમૅન રમેશ પરીખ, સીઈઓ અને એમડી દેવેન્દ્ર પંડ્યા, રમણલાલ પરીખ, નટવરલાલ દેસાઈ, મણિલાલ શાહ, પ્રભુદાસ કોઠારી, નટવરલાલ ઠક્કર, પુરુષોત્તમદાસ શાહ, પ્રવીણચંદ્ર શાહ, દિનેશ મજૂમદાર, સેવંતીલાલ શાહ અને પ્રવીણચંદ્ર પટેલનો સમાવેશ થતો હતો.
આરબીઆઈની તત્કાલીન જોગવાઈઓ પ્રમાણે, શિડ્યુલ્ડ સહકારી બૅન્ક તેની કુલ નેટવર્થના 10 ટકા સુધીની રકમ શેરબજાર તથા આનુષંગિક પ્રવૃત્તિઓમાં રોકી શકે છે. તા. 31મી ડિસેમ્બર-2001ની સ્થિતિ પ્રમાણે, બૅન્કનો કૅશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને સ્ટેચ્યૂટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર) બરાબર હતા. મતલબ કે બે મહિના દરમિયાન જ અસામાન્ય રીતે રોકાણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાક્રમ વિશે દલાલ તેમના પુસ્તકમાં લખે છે, (પેજનંબર 11-12) તા. 30મી માર્ચ 2001ના બૅન્ક ઑફ ઇન્ડિયાએ કેતન પારેખ વિરૂદ્ધ સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરાવી. કેતન પારેખે આપેલો માધવપુરા કૉઑપરેટિવ બૅન્કનો પે-ઑર્ડર બાઉન્સ થયો હતો. સીબીઆઈએ પારેખની ધરપકડ કરી હતી.
તા. નવથી 11 એપ્રિલ દરમિયાન માધવપુરા બૅન્કના તત્કાલીન ચૅરમૅન રમેશ પરીખની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પોતાના દીકરાનું શૅરબજારનું દેવું ચૂકવવા માટે સહકારી બૅન્કની થાપણનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય તેમણે તથા અન્ય પદાધિકારીઓએ નિયમોને નેવે મૂકીને ધિરાણ આપ્યા હતા.
લગભગ 50 દિવસ જેલમાં રહ્યા બાદ 18મી મેના રોજ તેને જામીન મળી ગયા અને તેણે અઠવાડિયામાં બે વખત સીબીઆઈ સમક્ષ હાજરી પુરાવાની હતી.
કૌભાંડ બહાર આવતાં જ બજારોના નિયમનનું કામ કરતા સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા) દ્વારા પારેખ ઉપર બજારીય પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મળતિયા અને બેનામી રીતે તે સક્રિય હોવાના રિપોર્ટ્સ આવતા રહ્યા.

થાપણ અને રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
હર્ષદ મહેતાએ બૅન્ક રિસિપ્ટ મેળવવા માટે બૅન્ક ઑફ કરાડ તથા મેટ્રોપોલિટિન કૉ-ઑપરેટિવ બૅન્કનો ઉપયોગ કર્યો હતો. એવી જ રીતે કેતન પારેખે અમદાવાદસ્થિત માધવપુરા કૉ-ઑપરેટિવ બૅન્કના ભંડોળનો ઉપયોગ કર્યો હતો.
જ્યારે કેતન પારેખનો પરપોટો ફૂટી ગયો અને કોર્ટમાં તેનો કેસ ચાલી રહ્યો હતો, ત્યારે મહેશ જેઠમલાની તેનો કેસ લડતા હતા. જેઓ વાજપેયી સરકારમાં મંત્રી રામ જેઠમલાનીના પુત્ર થાય. આગળ જતાં ભાજપના નેતા અરૂણ જેટલીએ પણ તેનો કેસ હાથમાં લીધો હતો.
અગાઉ આ અંગે ગુજરાત ભાજપના એક નેતાએ વાત કરતા કહ્યું હતું, "માધવપુરા બૅન્કમાં અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોના હજારો રોકાણકારોના લગભગ સેંકડો કરોડ ડૂબી ગયા હતા, જેના કારણે લોકોમાં આક્રોશ હતો. એ સમયે દિલ્હીમાં ભાજપના મોટા નેતા અરૂણ જેટલીએ તેનો કેસ લડવાનું નક્કી કર્યું હતું, જેના કારણે લોકોમાં ભાજપ પ્રત્યે આક્રોશ ઊભો થયો હતો અને કૉંગ્રેસે પણ તેને હવા આપવાનો પ્રયાસ કર્યો હતો."
"ટેકનિકલી જોવામાં આવે તો વકીલ કોઈપણ આરોપી કે ગુનેગારનો પણ કેસ લે તો તેમાં કોઈ વાંધો ન હોય, પરંતુ અરૂણ જેટલી ગુજરાતમાંથી ચૂંટાઈને રાજ્યસભામાં જતા હતા, એટલે નૈતિક રીતે તેમણે આ કેસ હાથમાં લેવો જોઇતો ન હતો. એ સમયે કોઈ ગુજરાત ભાજપના નેતૃત્વને આ વાત કરી શકે તેમ ન હતું અને તેનો બચાવ કરવો મુશ્કેલ બની જતો."
2010માં વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા અને ઍન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ થઈ, ત્યારે કૉંગ્રેસે આરોપ મૂક્યા હતા કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત રકમ નહીં જમા કરાવી શકવા છતાં કેતન પારેખની ધરપકડ થાય અને તેમના જામીન રદ થાય તે માટે ગુજરાત સરકારે કોઈ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ માટે અમિત શાહે રૂ. અઢી કરોડ લીધા હોવાની ફરિયાદનો અહેવાલ તે સમયે અખબાર 'ધ હિંદુ'માં પ્રકાશિત થયો હતો.

માધવપુરાનું પુનરાવર્તન

ઇમેજ સ્રોત, AFP
2001માં માધવપુરા બૅન્કનો પરપોટો ફૂટ્યો તેના લગભગ 18 વર્ષ બાદ 2019માં મુંબઈની પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્કનો પરપોટો ફૂટ્યો.
હર્ષદ મહેતાના શૅરબજારના કૌભાંડને ખુલ્લું પાડનાર તથા કેતન પારેખના કૌભાંડની ઉપર પુસ્તક લખનાર સુચેતા દલાલે એક લેખ લખ્યો હતો.
જેમાં દલાલે લખ્યું કે જ્યારે કોઈ સહકારી બૅન્કનું કૌભાંડ બહાર આવે એટલે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા નાણાં ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે, જેના કારણે નાના અને મધ્યમ રોકાણકારોની મુશ્કેલીઓ વધી જાય છે.
સહકારી બૅન્કો ઉપર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને રાજ્યના સહકાર વિભાગનું સંયુક્ત નિયંત્રણ હોય છે અને કોઈ પોતાની જવાબદારીમાં ચૂક કરે તેનું નુકસાન રોકાણકારે ભોગવવું પડે છે.
દલાલ તેમના લેખમાં વીમા હેઠળ આવરી લેવાઈ હોય એટલી જ રકમ કોઈપણ સહકારી બૅન્કમાં રોકવાની ભલામણ કરે છે. હાલમાં રૂ. પાંચ લાખ સુધીની સહકારી બૅન્કમાં મૂકવામાં આવેલી થાપણ પર વીમાકવચ મળે છે.














