ચંપાઈ સોરેન: 10મું ધોરણ ભણેલા ઝારખંડમાં નવા મુખ્ય મંત્રી કોણ છે?

ઇમેજ સ્રોત, ani
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી ગુજરાતી માટે, રાંચી
ચંપાઈ સોરેને શુક્રવારે (બીજી ફ્રેબુઆરી) ઝારખંડના મુખ્ય મંત્રીપદના શપથ લઈ લીધા છે. ઝારખંડની ચંપાઈ સોરેન સરકારે કહ્યું કે પાંચ ફ્રેબુઆરીએ સદનમાં બહુમતી કરાશે.
એમએમ (ઝારખંડ મુક્તિ મોરચો) પહેલાં જ તેમને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરી ચૂક્યો છે.
હવે ચંપાઈ સરકારે 10 દિવસમાં બહુમતી સાબિત કરવી પડશે. માત્ર 10 દિવસમાં ફ્લોર ટેસ્ટ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનની બુધવારે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેથી ચંપાઈ સોરેન નવા સીએમ બન્યા છે.
હેમંત સોરેનને ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. જમીન કૌભાંડમાં તેમની કથિત સંડોવણી મામલે તેમની સામે કાર્યવાહી કરાઈ રહી છે.
કોણ છે નવા સીએમ ચંપાઈ સોરેન?

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
પગમાં ચંપલ, ઢીલું શર્ટ-પેન્ટ અને માથા પર ફેલાયેલા સફેદ વાળ. આ ચંપાઈ સોરેનની ઓળખ છે. તેઓ સાદું જીવન જીવી રહ્યા છે.
ચંપાઈ સોરેન વિશે કહેવામાં આવે છે કે, જો વ્યક્તિને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય અને તેણે તેમને ટૅગ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હોય તો લગભગ થોડી વારમાં જ તેનું નિરાકરણ ચંપાઈ સોરેન લાવી દેતા હોય છે.
હવે તેમણે ઝારખંડના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારથી મીડિયા અહેવાલોમાં નવા સીએમ તરીકે હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેનના નામની અટકળો ચાલી રહી હતી. જોકે તેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
ગત બુધવારે રાત્રે ઝારખંડની રાજધાની રાંચીમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા બાદ કૉંગ્રેસના નેતા આલમગીર આલમે કહ્યું, “હેમંત સોરેને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમારા ગઠબંધને ચંપાઈ સોરેનજીનું નામ નેતા તરીકે રજૂ કર્યું છે. અમે 43 ધારાસભ્યોની સહીવાળો પત્ર આપ્યો છે. અમારી પાસે 47 ધારાસભ્યોનું સમર્થન છે.”
સતત સાત વખતથી ધારાસભ્ય

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
ઝારખંડ મુક્તિ મોરચાના આ 67 વર્ષીય નેતાને પાર્ટીના વડા શિબુ સોરેન અને તેમના પુત્ર હેમંત સોરેન બંનેના વિશ્વાસુ માનવામાં આવે છે.
હેમંત સોરેનની કૅબિનેટમાં તેઓ ટ્રાન્સપૉર્ટ અને ફૂડ-સપ્લાય ડિપાર્ટમેન્ટનું કામ સંભાળતા હતા.
તેઓ ઝારખંડ રાજ્યની રચનાની ચળવળમાં શિબુ સોરેનના નજીકના સહયોગી રહ્યા છે.
તેઓ ઝારખંડ વિધાનસભામાં સરાયકેલા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આ બેઠક પરથી સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
સરાયકેલા ખરસનવા જિલ્લાના ગમહરિયા બ્લૉકના જીલિંગાગોડા ગામના તેઓ રહેવાસી છે.
તેમના પિતા સેમલ સોરેન ખેડૂત હતા. વર્ષ 2020માં 101 વર્ષની વયે તેમનું અવસાન થયું.
ચંપાઈ સોરેન તેમનાં માતા-પિતાનાં છ બાળકોમાં ત્રીજા નંબરે છે. તેમનાં માતા માધો સોરેન ગૃહિણી હતાં.
ચંપાઈ સોરેનનાં લગ્ન માંકો સોરેન સાથે બહુ નાની ઉંમરે થયાં હતાં. આ દંપતીને સાત બાળકો છે.
1991માં પ્રથમ જીત
વર્ષ 1991માં તેઓ પ્રથમ વખત સરાયકેલા બેઠકની પેટાચૂંટણીમાં જીત્યા અને તત્કાલીન બિહાર વિધાનસભાના સભ્ય બન્યા.
તે સમયના ધારાસભ્ય કૃષ્ણા માર્ડીના રાજીનામાને કારણે પેટાચૂંટણી યોજાઈ હતી. આ પછી તેઓ 1995માં ફરી ચૂંટણી જીત્યા પણ 2000માં હારી ગયા.
તેઓ ફરીથી 2005માં વિધાનસભાની ચૂંટણી જીત્યા અને ત્યાર પછી એક પણ ચૂંટણી હારી ન હતી. તેઓ આ બેઠક પરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
11 નવેમ્બર 1956ના રોજ જન્મેલા ચંપાઈ સોરેન દસમા ધોરણ સુધી જ ભણ્યા છે.
હેમંત સોરેને ખુરશી કેમ છોડી?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બુધવારે ઈડીના અધિકારીઓએ હેમંત સોરેનની પૂછપરછ કરી હતી. આ તપાસ જમીનના કથિત ગેરરીતિના જૂના કેસમાં કરવામાં આવી રહી છે.
આ માટે ઈડીના અધિકારીઓએ મુખ્ય મંત્રી હેમંત સોરેનને પત્ર મોકલી તેમની પાસે સમય માગ્યો હતો.
હેમંત સોરેને 31 જાન્યુઆરીએ બપોરે એક વાગ્યે આ અધિકારીઓને તેમના નિવાસસ્થાને બોલાવ્યા હતા.
ઈડીએ ગત 20 જાન્યુઆરીએ પણ આ જ કેસમાં તેમની પૂછપરછ કરી હતી. ત્યારે પૂછપરછ પૂરી થઈ શકી ન હોવાનું જણાવાયું હતું.
આ પહેલાં ઈડીના અધિકારીઓ 29 જાન્યુઆરીની સવારે દિલ્હીમાં મુખ્ય મંત્રીના નિવાસસ્થાને ગયા હતા પરંતુ તેઓ મળી શક્યા ન હતા.
ત્યાર બાદ હેમંત સોરેન કથિત રીતે ગુમ થયાના અહેવાલો પણ આવ્યા હતા.
જોકે બીજા જ દિવસે હેમંત સોરેન રાંચીમાં જોવા મળ્યા હતા. જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો અને ધારાસભ્યોની બેઠકમાં પણ હાજરી આપી હતી.
ઈડીએ મુખ્ય મંત્રી હેમંત સોરેનની પણ પૂછપરછ કરી હતી અને કથિત ખાણ કૌભાંડમાં તેમનું નિવેદન નોંધ્યું હતું. જોકે, હેમંત સોરેન આ કેસોમાં પ્રાથમિક આરોપી નથી.
તેમની પાર્ટી ઈડી પર કેન્દ્ર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવી રહી છે.
હવે એવું કહેવાઈ રહ્યું છે કે, મુખ્ય મંત્રી હેમંત સોરેન ઈડી સાથે ખુલ્લી કાનૂની લડાઈ લડવા માગે છે. આથી તેમણે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.














