You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના ધારાસભ્યે પોલીસ સ્ટેશનમાં જ વિરોધીને ચાર ગોળી મારી દીધી, શું છે સમગ્ર મામલો?
શુક્રવાર બીજી જાન્યુઆરીની મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનમાં જ ગોળીબાર કરીને બે રાજકીય નેતાઓને ગંભીરરૂપે ઘાયલ કરી દીધા છે. મહારાષ્ટ્રમાં મુંબઈના ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરની નજર સામે જ આ ઘટના બની.
ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે કરેલા ગોળીબારમાં એકનાથ શિંદે જૂથના મહેશ ગાયકવાડ અને તેમના સાથી રાહુલ પાટિલ ઘાયલ થયા છે.
બન્નેનો ઇલાજ થાણેના જ્યૂપિટર હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે. મહેશ ગાયકવાડની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
મહેશ ગાયકવાડ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેના પક્ષ શિવસેનાના કલ્યાણ શહેરના પ્રમુખ અને પૂર્વ કૉર્પોરેટર છે.
ગણપત ગાયકવાડ કલ્યાણ પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય છે.
કેવી રીતે બની આ ઘટના?
શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ અને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ બન્ને જમીન વિવાદ મામલે એક-બીજાની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. એ સમયે જ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. ત્યારે જ પોલીસના કહેવા અનુસાર ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ પર કુલ છ ગોળીઓ ચલાવી.
ત્યારબાદ પોલીસે ધારાસભ્ય ગણપત ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી. તેમને શનિવાર (3 જાન્યુઆરી)એ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવનાર હતા.
ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થાણેના અધિક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ દત્તા શિંદએ કહ્યું કે ગણપત ગાયકવાડ પર આઈપીસીની કલમ 307, 120 (બી), 143, 147, 148, 149 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઘટના બાદ ઉલ્હાસનગર અને તેની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ દળોને ઉતારી દેવામાં આવ્યાં છે.
આ દરમિયાન ઉપમુખ્ય મંત્રી અને રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ ઘટનાની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટીની રચના કરવામાં આવી છે.
એસીપી નીલેશ સોનાવણેના વડપણ હેઠળ આ ઘટનાની તપાસ કરવામાં આવશે.
આ ઘટના બાબતે અજિત પવારે પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ આ બાબતે ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરશે.
ધારાસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને વખોડી કાઢતા અજિત પવારે કહ્યું, “ઉલ્હાસનગરની ઘટના બધાએ જોઈ છે. ધારાસભ્ય ગાયકવાડ એક નિરાશ વ્યક્તિની જેમ વાત કરી રહ્યા હતા. પરંતુ તેમણે સાવધાન રહેવું જોઈએ કે તેઓ બંધારણ દ્વારા મળેલા અધિકારોનો દુરુપયોગ ના કરે.”
પોલીસ સ્ટેશનમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સામે બની ઘટના
બન્ને નેતાઓ જમીન વિવાદને ઉકેલવા માટે બીજી ફેબ્રુઆરીની રાત્રે લગભગ 9:30 વાગ્યે ઉલ્હાસનગર હિલલાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પોલીસ એફઆઈઆર અનુસાર, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ જગતાપની કૅબિનમાં ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને મહેશ ગાયકવાડ વચ્ચે બોલાચાલી થઈ ગઈ.
ત્યારે જ અચાનક ગણપત ગાયકવાડ અને હર્ષલ કેને પોતાની પાસેની બંદૂકોથી મહેશ ગાયકવાડ અને રાહુલ ગાયકવાડ પર ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું.
ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ પર એક પછી એક ચાર ગોળીયો ચલાવી. મહેશ ગાયકવાડના પેટ અને અન્ય અંગોમાં ચાર ગોળીઓ વાગી અને તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, ગણપત ગાયકવાડના સમર્થકોએ મહેશ ગાયકવાડના સમર્થકો સાથે ગાળાગાળી કરી. આ એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખુરશીઓ ફેંકીને મારામારી કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજ અનુસાર ગોળીબાર પછી હંગામો જોવા મળ્યો હતો.
ગોળી ચલાવનાર ધારાસભ્ય ગણપત ગાયકવાડે શું કહ્યું?
પોલીસ સ્ટેશનમાં જ બનેલી ગોળીબારની આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ઊહાપોહ થઈ ગયો છે.
વિરોધ પક્ષોએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો કરવાના શરૂ કરી દીધા છે. તેમની માગણી છે કે આ ઘટનાને કારણે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દેવું જોઈએ.
સંજય રાઉતે ઘટનાના મુદ્દે રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું, “જો આ રાજ્યમાં એકનાથ શિંદે જેવા મુખ્ય મંત્રી હોય તો અહીં અપરાધીઓ જ પેદા થશે. ભાજપના ધારાસભ્યોને હવે કાયદાનો ડર નથી રહ્યો.”
સંસદ સભ્ય સુપ્રિયા સુલેએ પણ આ ઘટનાની ટીકા કરીને દેવેન્દ્ર ફડણવીસને ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, “શું ગૃહમંત્રીએ ભાજપના નેતાઓને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા સાથે ખિલવાડ કરવાનો ખુલ્લો પરવાનો આપી દીધો છે? પુણેમાં ભાજપના ધારાસભ્ય દ્વારા પોલીસને માર મારવામાં આવ્યો અને ઉલ્હાસનગરમાં પૂર્વ નગરસેવક પર ગોળીબાર કરવામાં આવ્યો. આ ડબ્બા સરકારની સત્તા અને પૈસાની મસ્તી છે.”
તેમણે વધુમાં કહ્યું, “મહારાષ્ટ્રમાં ભાજપનું ખુલ્લું ‘ગુંડારાજ’ ચાલી રહ્યું છે. મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી મોઢા પર હાથ મૂકીને ચુપચાપ આ બધું જોઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ અને મહારાષ્ટ્રની સરકારને તરત જ બરખાસ્ત કરવી જોઈએ.”
બીજી તરફ, ગોળીબાર કર્યા બાદ ગણપત ગાયકવાડે મીડિયા સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપતા મુખ્ય મંત્રી એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપો મૂક્યા છે.
તેમણે માગણી કરતા કહ્યું, “એકનાથ શિંદેએ અત્યાર સુધી મારી પાસેથી મારા પૈસા ઠગ્યા છે. ધારાસભ્યના ભંડોળમાંથી મેં કરેલાં ઘણાં કાર્યોનો શ્રેય લેવા માટે શ્રીકાંત શિદેએ જબરદસ્તીથી યોજનાનાં સ્થળે પોતાના નામનું બોર્ડ લગાવી દીધું છે. એકનાથ શિંદેએ અપરાધને ઉત્તેજન આપ્યું છે. ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રીનું રાજીનામું માગી લેવું જોઈએ.”