બાંગ્લાદેશમાં ચૂંટણીઃ દુનિયાના શક્તિશાળી દેશઓની 'દખલ'થી ભારતને શું આશંકા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમૃતા શર્મા
- પદ, બીબીસી મોનિટરિંગ
બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીની તૈયારી ચાલી રહી છે અને આ રાજકીય ગતિશીલતામાં દુનિયાના મોટા દેશો પોતાના પગ જમાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
આ ચૂંટણી કોઈ વાસ્તવિક રાજકીય ચૂંટણીની સરખામણીએ વધારે કડવાશ અને અનિશ્ચિતતાથી ભરેલી છે.
આ અનિશ્ચિતતાને ગતિ મળવાનું કારણ એ છે કે બાંગ્લાદેશના મુખ્ય વિરોધ પક્ષોએ આ ચૂંટણીનો અસ્વીકાર કર્યો છે. તેમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી) અને જમાત-એ-ઇસ્લામી જેવા પક્ષોનો સમાવેશ થાય છે.
આ પક્ષો દેશમાં મોટાપાયે રેલીઓ યોજી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે સામાન્ય ચૂંટણી રખેવાળ સરકારની દેખરેખ હેઠળ યોજાવી જોઈએ.
દેશમાં 44 રજિસ્ટર્ડ રાજકીય પક્ષો છે. એ પૈકીના 26 ચૂંટણીમાં ભાગ લેવાના છે, જ્યારે 14 પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
બાંગ્લાદેશમાં રાજકીય સમીકરણ શું છે?

ઇમેજ સ્રોત, ANI
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ગત 11 મહિનામાં રાજકીય હિંસામાં 82 લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ 8,150 લોકો ઘાયલ થયા છે. આ માટે વિરોધ પક્ષ જવાબદાર હોવાનો સરકારનો આક્ષેપ છે.
બાંગ્લાદેશમાં સાતમી જાન્યુઆરીએ મતદાન થવાનું છે અને આવામી લીગના નેતૃત્વ હેઠળની સરકારે વિરોધ પક્ષના અનેક નેતાઓની ધરપકડ કરી છે. વિરોધ પક્ષનો આરોપ છે કે ઑક્ટોબરથી અત્યાર સુધીમાં જુદાજુદા મામલાઓમાં બીએનપીના 21,835 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનાક્રમથી એવું ભૂ-રાજકીય સમીકરણ બહાર આવ્યું છે, જે ઘણા સંદર્ભમાં અસામાન્ય છે. ‘સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની’ બીએનપીની માગને અમેરિકાએ ટેકો આપ્યો છે અને એવી ચેતવણી પણ આપી છે કે જે ચૂંટણીમાં વિક્ષેપ સર્જશે તેના વિઝા પર અંકુશ લાદવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ બાંગ્લાદેશના નજીકના સહયોગી ભારતે રશિયા તથા ચીનની માફક સ્પષ્ટ કહ્યું છે કે બાંગ્લાદેશમાં ચૂંટણીમાં બીજા દેશોએ દખલ ન કરવી જોઈએ.
ભારતે કથિત રીતે ચિંતા વ્યક્ત કરી છે કે અમેરિકાની સક્રિયતા ક્ષેત્રને અસ્થિર કરી શકે છે અને કટ્ટરપંથીઓને પ્રોત્સાહિત કરી શકે છે તેમજ દક્ષિણ એશિયામાં ચીનના પ્રભાવને મજબૂત કરી શકે છે.
બાંગ્લાદેશ પર ચૂંટણી માટે અમેરિકાનું દબાણ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાંગ્લાદેશની ચૂંટણી ‘વૈશ્વિક ભૂ-રાજકીય હૉટસ્પોટ’માં પરિવર્તિત થઈ ગઈ છે, જેમાં અમેરિકા, ચીન અને રશિયા જેવી વૈશ્વિક શક્તિઓ સાથે ક્ષેત્રીય શક્તિ ભારત પણ છે. આ બધા પોતપોતાના વ્યૂહાત્મક હિતનું રક્ષણ કરવા ઇચ્છે છે.
આ ચૂંટણીમાં ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરી રહ્યો છે, કારણ કે અમેરિકા ફરીથી એકલું પડી ગયું છે.
2014ની ચૂંટણી પહેલાં પણ ચીન, રશિયા અને ભારત કથિત રીતે એ મુદ્દે સહમત હતા કે ટોચના પદ પર શેખ હસીના જ હોવાં જોઈએ.
અમેરિકાએ મે, 2023માં સ્પેશિયલ વિઝા નીતિની જાહેરાત કરી હતી અને જણાવ્યુ હતું કે તેનો હેતુ બાંગ્લાદેશમાં લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાને નબળી બનાવવા માટે જવાબદાર બાંગ્લાદેશી લોકોને વિઝા આપવાનું કામ અટકાવવાનો છે.
આ નીતિ બાબતે જણાવવામાં આવ્યું હતું કે તેનો હેતુ "બાંગ્લાદેશમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રાષ્ટ્રીય ચૂંટણીનું સમર્થન કરવાનો છે."
અમેરિકાએ જણાવ્યું હતું કે તેની નીતિમાં બાંગ્લાદેશના વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓ, સરકાર સમર્થિત અને વિરોધ પક્ષોના સભ્યો, કાયદાકીય એજન્સીઓ, ન્યાયપાલિકાઓ તેમજ સુરક્ષા સેવાના સભ્યો સામેલ હશે.
આ બાબતે પ્રતિક્રિયા આપતા બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા વિઝા પ્રતિબંધ લાદવાનો કોઈ 'તાર્કિક આધાર' નથી.
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઢાકા આ જાહેરાતને હસીના સરકારની "તમામ સ્તરે સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની સ્પષ્ટ પ્રતિબદ્ધતાના વ્યાપક સંદર્ભમાં" જોવા ઇચ્છે છે.
ચીન અને રશિયાનું અમેરિકા પર નિશાન

ઇમેજ સ્રોત, ANI
જોકે, અમેરિકાના આ પગલાંની ચીન તથા રશિયાએ તરત ટીકા કરી હતી.
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કથિત રીતે જણાવ્યું હતું કે હસીનાએ ઑગસ્ટમાં બેઠક દરમિયાન કહ્યું હતું કે "બાંગ્લાદેશના રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતાની સલામતીનું ચીન સમર્થન કરે છે."
બાંગ્લાદેશમાં ચીનના રાજદૂત યાઓ વેને તાજેતરમાં અમેરિકાનું નામ લીધા વિના કથિત રીતે જણાવ્યું હતું કે એક દેશ બાંગ્લાદેશમાં માનવાધિકાર, લોકતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની વાત કરે છે, પરંતુ તેની સાથે વિઝા પર એકતરફી પ્રતિબંધ પણ લાદે છે.
યાઓના કહેવા મુજબ, એ દેશ બાંગ્લાદેશના લોકો પર આર્થિક પ્રતિબંધ પણ લાદે છે.
બાંગ્લાદેશની ચૂંટણી સંબંધે અમેરિકા તથા ચીનના અલગ-અલગ નિવેદન "પ્રભાવ માટેની લડાઈને" પણ દર્શાવે છે.
એક તરફ અમેરિકા બાંગ્લાદેશમાં સૌથી મોટું વિદેશી રોકાણકાર છે અને બાંગ્લાદેશ દક્ષિણ એશિયાના દેશોમાં રેડીમેઇડ કપડાનું સૌથી મોટું માર્કેટ છે.
બીજી તરફ ચીન બાંગ્લાદેશનો સૌથી મોટો ડિફેન્સ સપ્લાયર છે, ટ્રેડિંગ પાર્ટનર દેશ છે. આ કારણને લીધે પણ બન્ને સુપર પાવર વચ્ચે હિતની ટક્કર થાય છે.
એક ભારતીય મીડિયા રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશમાં ચૂંટણીના સંદર્ભે અમેરિકાનો હેતુ “હસીના પર દબાણ લાવવાનો છે, જેથી ઢાકા પર બેઇજિંગનો પ્રભાવ ઓછો રહે.”
બાંગ્લાદેશ સાથેના પોતાના સંબંધને રશિયા પણ મજબૂત કરી રહ્યું છે અને તેણે પાંચ દાયકામાં પહેલીવાર તાજેતરમાં જ પોતાનું યુદ્ધ જહાજ બાંગ્લાદેશ મોકલ્યું હતું. તેણે અમેરિકા પર ચૂંટણીમાં હસ્તક્ષેપના પ્રયાસનો આક્ષેપ પણ કર્યો હતો.
રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવે 15 ડિસેમ્બરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચૂંટણી અમેરિકાની પસંદ મુજબ નહીં થાય તો તેની દખલનો હેતુ બાંગ્લાદેશમાં પરિસ્થિતિને આરબ સ્પ્રિંગની માફક અસ્થિર કરવાનો છે.
સપ્ટેમ્બરમાં ઢાકાની પોતાની પહેલી યાત્રા દરમિયાન રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લેવરોફે પણ અમેરિકાના પગલાંની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ પગલું ભારત-પ્રશાંત પ્રદેશમાં "ચીનને નિશાન બનાવવા અને રશિયાને એકલું પાડી દેવા માટેનું છે."
ચીન અને ભારતનો એકમત

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશની આગામી ચૂંટણીએ ભારતને ચીન તથા રશિયા સાથે એક હરોળમાં ઊભું કરી દીધું છે.
બાંગ્લાદેશમાં વિરોધ પક્ષ બીએનપીના સત્તા પર આવવાની શક્યતા બાબતે ભારત સાશંક છે, કારણ કે એવું થશે તો ક્ષેત્રમાં ઇસ્લામી કટ્ટરપંથને પ્રોત્સાહન મળવાની ભારતને શંકા છે.
સત્તારૂઢ આવામી લીગ સરકાર ઇસ્લામી ઉગ્રવાદીઓ પર લગામ તાણવા માટે જાણીતી છે. આ કારણસર ભારત સાથેનો તેનો સંબંધ મજબૂત થયો છે.
હસીના સરકારે દેશમાં શરિયા કાયદા અમલી બનાવવાની માગ કરતા વિદ્રોહી સમૂહો સામે આકરા પગલાં લીધાં હતાં.
આવા સમૂહો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા બીએનપી અને જમાત-એ-ઇસ્લામી જેવા પક્ષો સામે પણ સરકારે આકરા પગલાં લીધાં હતાં.
જોકે, હસીના સરકારે ચૂંટણી પહેલાં બીએનપીના કાર્યકરો સામે લીધેલાં મોટા પગલાં આંતરરાષ્ટ્રીય સ્તરે સમાચારમાં ચમક્યાં હતાં અને ખાસ કરીને અમેરિકાએ એ બાબતે પ્રતિક્રિયા આપી હતી.
બીજી તરફ ભારતે બાંગ્લાદેશની ચૂંટણીને તેની આંતરિક બાબત ગણાવી હતી. ભારતે કથિત રીતે અમેરિકાને ઢાકાની વર્તમાન સરકાર પર વધુ પડતું દબાણ લાવવા બાબતે સાવધાન રહેવા જણાવ્યું હતું, કારણ કે બાંગ્લાદેશ પર દબાણ લાવવાથી પ્રાદેશિક સ્થિરતા જોખમાઈ શકે તેમ છે અને ચરમપંથી જૂથો મજબૂત બની શકે છે.
બાંગ્લાદેશ સ્થિત અંગ્રેજી અખબાર ઢાકા ટ્રિબ્યુને ઓગસ્ટમાં લખ્યું હતું કે “બાંગ્લાદેશમાં કટ્ટરપંથ અને ઉગ્રવાદને સંરક્ષણ આપતો કોઈ પક્ષ સત્તા પર આવે એવું ભારત ઇચ્છતું નથી.”














