You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
C-17 ગ્લોબમાસ્ટર : વિદેશમાં ફસાયેલા ભારતીયોને બચાવતું મિશન સંજીવની કેવી રીતે બન્યું?
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2023ની શરૂઆત થઈ ચૂકી હતી અને દિલ્હી પાસે આવેલા ભારતીય વાયુ સેનાના ઍરબેઝમાં હૅંગરો, હવાઈપટ્ટી અને ટેકનિકલ વસ્તુઓનું રેગ્યુલર નિરીક્ષણ ચાલી રહ્યું છે.
છ જાન્યુઆરીનો દિવસ હતો અને સમગ્ર વિશ્વમાં તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપોના સમાચાર પ્રસરી રહ્યા હતા. કહેવાઈ રહ્યું હતું કે આવો ભયાનક ભૂકંપ દાયકાઓ બાદ આવ્યો છે.
ભારત સરકારે આ આપત્તિ પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “ભારત ગમે એ પ્રકારની મદદ માટે તૈયાર છે.”
આ દરમિયાન તૈયારીઓની શરૂઆત થઈ ગઈ. હિંડન ઍરબેઝ પર કામ કરનારા એક સિનિયર ઑફિસર પ્રમાણે, “અમારી પાસે સૌથી મોટાં, બહેતરીન માલવાહક અને રેસ્ક્યૂ કરનાર હવાઈ જહાજ C-17 છે, જે નાના કે મોટા ગમે તેવા મિશન માટે હંમેશાં તૈયાર રહે છે.”
એક તરફ હવાઈ જહાજ હતાં, બીજી તરફ એ વાતનો નિર્ણય થઈ ચૂક્યો હતો કે પહેલાં તેઓ એનડીઆરએફની ટીમને લઈને જશે અને તે બાદ મેડિકલ ટીમો આવશે.
બીજા દિવસે ભારતનું C-17 હવાઈ જહાજ ઘણા ટન મશીનરી, એનડીઆરએફના 46 કર્મચારી, ત્રણ વરિષ્ઠ અધિકારી અને ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી શોધવામાં મદદ કરવા માટે ડૉગ સ્કવૉડને લઈને તુર્કીમાં લૅન્ડ કરી ચૂક્યું હતું.
આગામી ઘણા દિવસો સુધી ‘ઑપરેશન દોસ્ત’ અંતર્ગત ભારતીય સેનાનાં C-17 હવાઈ જહાજોએ લગભગ એક ડઝન કરતાં વધારે ઉડાણો ભરીને હજારો ટન રાહત સામગ્રી, ડૉક્ટરોની એક મોટી ટીમ, ઑપરેશન થિયેટર, અનેક ટ્રકો, ગાડીઓ અને ઘણા પ્રકારનો સામાન તુર્કી પહોંચાડ્યો.
C-17 ગ્લોબમાસ્ટર
બે દિવસ પહેલાં પણ ભારતીય વાયુ સેનાનાં C-17 ગ્લોબમાસ્ટર હવાઈ જહાજે સુદાનમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી કાઢીને હિંડન ઍરબેઝ પર સુરક્ષિત પહોંચાડ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાસ વાત એ પણ છે કે આ પ્રતિષ્ઠિત હવાઈ ટીમનાં એકલાં મહિલા પાઇલટ ‘હર રાજકોર બોપરાય’એ પણ આ મિશનમાં ભારતીય વાયુ સેનાના સૌથી મોટા હવાઈ જહાજ C-17 ગ્લોબમાસ્ટરને ઉડાડ્યું.
ખરેખર, C-17 ગ્લોબમાસ્ટરને વર્ષ 2013માં અમરિકાથી પહેલી વાર આ હવાઈ જહાજ ખરીદાયું હતું અને ત્યાંર દસ હવાઈ જહાજની કિંમત પાંચ અબજ અમેરિકન ડૉલર હતી. એક ઉડાણમાં આ હવાઈ જહાજ 80 ટન વજન અને સાથે શસ્ત્રસરંજામથી સજ્જ 150 સૈનિકોને લઈને વિશ્વના ગમે તે ખૂણે પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
ભારતીય વાયુ સેનાના નિવૃત્ત વિંગ કમાન્ડર કે. એસ. બિષ્ટ પ્રમાણે, “જ્યારે તેને વાયુ સેનામાં લેવાયાં, ત્યારથી તેની ક્ષમતા આર્મી ટૅન્કો અને ભારે આર્ટિલરીને સીમાવર્તી વિસ્તારોમાં પહોંચાડવાની છે.”
“તેની ખૂબી એ જ છે કે તે નાના રનવે પર પણ લૅન્ડ કરી શકે છે અને ટેક-ઑફ પણ સરળતાથી કરી શકે છે.”
2013માં તત્કાલીન વાયુ સેના પ્રમુખ એનએકે બ્રાઉને કહ્યું હતું કે, “C-17 ગ્લોબમાસ્ટર માલવાહક હવાઈ જહાજ આવ્યા બાદથી ઉત્તરઅને ઉત્તર-પૂર્વ સરહદે આપણી હાજરી મજબૂત બનશે.”
C-17 ગ્લોબમાસ્ટર કેમ ખાસ છે?
ઑગસ્ટ, 2021માં પણ ભારતે અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં ફસાયેલા સેંકડો ભારતીયો અને ભારતમાં રહેનારા પરંતુ ત્યાં ફસાયેલા અફઘાન નાગરિકોને C-17 ગ્લોબમાસ્ટર વડે જ રેસ્ક્યૂ કર્યા હતા.
અમેરિકામાં બનેલા આ હવાઈ જહાજની અમુક વાતો અત્યંત ખાસ છે, જે તેને દુનિયાના બીજાં માલવાહક જહાજોની સરખામણીએ વધુ સફળ બનાવે છે.
- 53 મીટરની લંબાઈ અને વિંગ્સ સહિત 51 મીટરની પહોળાઈ તેને વિશ્વનાં સૌથી મોટાં જહાજોની યાદીમાં સામેલ કરાવી દે છે
- 28 હજાર ફૂટ સુધીની ઊંચાઈએ ઊડી શકતા આ હવાઈ જહાજને એક ઉડાણમાં 2,400 માઇલ કે 3,862 કિલોમીટર સુધી રિફ્યુઅલ કર્યા વગર પણ ઉડાડી શકાય છે
- તેને લૅન્ડ કરવા માટે 3,500 મીટરવાળી કોઈ પણ નાના રન વેની જરૂરિયાત હોય છે અને તેના ચાલકદળમાં ત્રણ સભ્ય હોય છે
ભારતીય સેનાએ C-17 ગ્લોબમાસ્ટરનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો છે અને આ વાતની પ્રશંસા ખુદ અમેરિકાએ પણ હાલમાં કરી છે.
અમેરિકન વાયુ સેનાના મેજર જનરલ જુલિયન ચીટરે આ વર્ષે જ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, “ઑપરેશન દોસ્ત દ્વારા ભારતે તુર્કી અને સીરિયામાં જે પ્રકારે મદદ કરી છે એ સરાહનીય છે. તેમાં તેમનાં C-17 ગ્લોબમાસ્ટર જહાજોએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
શું C-17 ગ્લોબમાસ્ટર પૂરતાં છે?
ભારતીય વાયુ સેના હાલ અમેરિકન અને રશિયન માલવાહક હવાઈ જહાજો પર નિર્ભર છે.
અમેરિકાની બોઇંગવાળા C-17 ગ્લોબમાસ્ટર, અમેરિકાની લૉકહીડ માર્ટિનવાળાં C-130J, રશિયન ઇલ્યૂશિન IL-76s અને એન્ટોનોવ AN-32 હવાઈ જહાજ વિશાળકાય ભારતીય સેનાની અને સીમા પર તહેનાત સેંકડો-હજારો સૈનિકોની જરૂરિયાતો પૂરી કરે છે.
પરંતુ જાણકારોનો મત છે કે પાકિસ્તાન અને ચીનની સરહદે જરૂરિયાતોમાં વધારો થઈ રહ્યો છે.
ડિફેન્સ ઍક્સપર્ટ મારૂફ રઝાને લાગે છે કે, “ચીનની સરહદે ભારતીય સેના પોતાની હાજરી અગાઉ કરતાં વધુ મજબૂત કરતી દેખાઈ રહી છે અને તેમાં વાયુ સેનાનાં માલવાહક જાહાજોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે કારણ કે ઓછા સમયમાં એ જ એ વિશાળકાય અને મુશ્કેલ બૉર્ડર પર જરૂરિયાત પૂરી કરશે.”
અન્ય એક પડકાર એ વાતનો પણ રહેશે કે વાયુ સેનામાં મોટા ભાગનાં માલવાહક વિમાન 1980ના દાયકા કે 90નાં શરૂઆતનાં વર્ષોમાં ખરીદાયાં હતાં અને તેની જાળવણી માટેનો ખર્ચ પણ વધુ આવે છે અને સમય પણ ઘણો લાગે છે.
વર્ષ 2015માં ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (કૅગ)ના એક રિપોર્ટમાં પણ એ વાતનો ઉલ્લેખ મળે છે કે વધુ માલવાહક જહાજોની જરૂરિયાત છે.
પરંતુ હાલ તો લાગે છે કે એક પછી એક રેસ્ક્યૂ મિશનમાં ભારતનો વિશ્વાસ C-17 ગ્લોબમાસ્ટર હવાઈ જહાજ પર અટલ થતો જઈ રહ્યો છે.