પરીક્ષા આપ્યા વગર સીધી જ સરકારી નોકરી આપવાની વાત નવી નથી, નહેરુએ કરાવી હતી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
સરકારમાં મહત્ત્વના હોદ્દા પર તાજેતરમાં લેટરલ ઍન્ટ્રીને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યાર બાદ મોદી સરકારે 45 જગ્યાઓ પર નિમણૂક અટકાવી દીધી હતી.
પરંતુ મોદી સરકારે 2018થી અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પ્રોફેશનલ લોકોને લેટરલ ઍન્ટ્રીથી નિમણૂક આપી છે અને તેનાથી પહેલાં પણ આ ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો છે.
આ વખતે લેટરલ ઍન્ટ્રીનો વિરોધ કરનારાઓની દલીલ હતી કે સરકારી હોદ્દામાં અનામતને ટાળવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ભારતમાં લેટરલ ઍન્ટ્રીને લઈને અનામતના પ્રશ્નો ઊભા થયા જ હતા.
હકીકતમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુએ જ સરકારી નોકરીઓમાં પરીક્ષા વગર ભરતીની લેટરલ ઍન્ટ્રીની શરૂઆત કરી હતી.
1947માં ભારત આઝાદ થયું ત્યારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુ અને તેમની ટીમ સમક્ષ સૌથી મોટો પડકાર એ હતો કે નવા દેશમાં પાયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર કરવું.
તે એક અલગ સમય હતો. તે સમયે ભારત પાસે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની વ્યવસ્થા ન હતી અને આઈસીએસ સાથે સંકળાયેલા અધિકારીઓનો એક મોટો વર્ગ પાકિસ્તાન જતો રહ્યો હતો.
ભારત જેવો નવો જન્મેલો દેશ યુદ્ધ, દુષ્કાળ અને કોમી તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો.
આઈસીએસ (બ્રિટિશ યુગની ભારતીય સિવિલ સર્વિસીસ) માટેની છેલ્લી પરીક્ષા વર્ષ 1943માં લેવામાં આવી હતી અને આઝાદી પછી ઘણા આઈસીએસ અધિકારીઓએ પાકિસ્તાન જવાનું પસંદ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદેશ સેવામાં પત્રકારને લેટરલ ઍન્ટ્રી મળી

ઇમેજ સ્રોત, HARPERCOLLINS INDIA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખાલી પડેલી વહીવટી જગ્યાઓ ભરવા માટે કોઈ તાત્કાલિક પરીક્ષા લઈ શકાઈ ન હતી, તેથી નહેરુ સરકારે પરીક્ષા વગર જ આ જગ્યાઓ માટે લોકોની ભરતી કરવાનું શરૂ કર્યું.
તેમાંથી ઘણા લોકોને સેના, ઑલ ઇન્ડિયા રેડિયો અને વકીલાતના વ્યવસાયમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. સૌથી પહેલાં ભારતીય વિદેશ સેવા માટે પસંદ કરાયેલા લોકોમાં પીઆરએસ મણિનું નામ આવે છે.
તેમણે વર્ષ 1939માં ઑલ ઇન્ડિયા રેડિયો મદ્રાસ ખાતે પબ્લિસિટી આસિસ્ટન્ટ અને ઉદ્ઘોષક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
રેડિયોમાં પોતાની કારકિર્દી દરમિયાન તેઓ જવાહરલાલ નહેરુના સંપર્કમાં આવ્યા અને નહેરુ જ્યારે 1946માં મલાયાની મુલાકાતે ગયા ત્યારે તેઓ ત્યાં 'ફ્રી પ્રેસ જર્નલ'ના રિપોર્ટર તરીકે તેમની સાથે હતા.
મણિની પ્રથમ પોસ્ટિંગ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભારતીય દૂતાવાસમાં પ્રેસ એટેચી તરીકે થઈ હતી.
કલ્લોલ ભટ્ટાચારજી પોતાના પુસ્તક 'નહેરુઝ ફર્સ્ટ રિક્રુટ્સ'માં લખે છે, "મણિના પ્રયાસોના કારણે જ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો ભારતના પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. આ કામ કોઈ વિદેશ સેવા અધિકારીના કારણે નહીં પરંતુ પીઆરએસ મણિના ઉત્સાહી પ્રયાસોને કારણે થયું હતું."
1995માં ઇન્ડોનેશિયાની સરકારે પીઆરએસ મણિને તેના સર્વોચ્ચ રાજકીય પુરસ્કાર 'ફર્સ્ટ ક્લાસ સ્ટાર ઑફ સર્વિસ'થી સન્માનિત કર્યા હતા.
મણિ પછી ઑલ ઇન્ડિયા રેડિયો પર અંગ્રેજીમાં સમાચાર વાંચતા રણબીર સિંહને ભારતીય વિદેશ સેવામાં સીધા નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ત્યાર પછી ઑલ ઇન્ડિયા રેડિયોના એ આર સેઠીને ભારતીય વિદેશ સેવામાં લેવામાં આવ્યા.
લેટરલ ઍન્ટ્રી દ્વારા નિમણૂકો

પરમેશ્વર નારાયણ હકસર અલાહાબાદ હાઈકોર્ટમાં વકીલાત કરતા હતા. તેઓ કૉંગ્રેસ નેતા અને ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીના મિત્ર હતા.
તેમને પણ નહેરુએ ઑક્ટોબર 1947માં વિદેશ મંત્રાલયમાં ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી તરીકે નિયુક્ત કર્યા હતા.
ત્યાર પછી તેઓ નાઈજીરિયા અને ઑસ્ટ્રિયામાં ભારતના રાજદૂત રહ્યા હતા. બે દાયકા પછી ઇન્દિરા ગાંધી જ્યારે વડાં પ્રધાન બન્યાં, ત્યારે તેમણે તેમને પોતાના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા.
અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવ્યા પછી તેઓ 30ના દાયકામાં ઇંગ્લૅન્ડ ગયા, જ્યાં તેમણે વિખ્યાત માનવશાસ્ત્રી બ્રોનિસ્લાવ લિનોવસ્કીની દેખરેખ હેઠળ માનવશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
હક્સરના જીવનચરિત્ર 'ઇન્ટરટ્વાઇન્ડ લાઇવ્સ પીએન હક્સર ઍન્ડ ઇન્દિરા ગાંધી'માં જયરામ રમેશ લખે છે, "હક્સર વિશે એવું કહેવામાં આવતું હતું કે આધુનિક ભારતના મહત્ત્વના સમયમાં તેઓ માત્ર અહીંના સૌથી શક્તિશાળી બ્યૂરોક્રેટ જ ન હતા, પરંતુ ઇન્દિરા ગાંધી પછી ભારતના બીજી સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા અને તેમની શક્તિનો સ્ત્રોત ઇન્દિરા ગાંધી ન હતાં."
ચીફ ઑફ પ્રોટોકૉલ મિર્ઝા રશીદ બેગ

ઇમેજ સ્રોત, Getty Images
વિદેશ મંત્રાલયમાં સીધો પ્રવેશ મેળવનાર અન્ય વ્યક્તિ હતી મિર્ઝા રશીદ અલી બેગ. બેગે આર્મી ઑફિસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ત્યાર પછી તેઓ મોહમ્મદ અલી ઝીણાના અંગત સચિવ બન્યા હતા. પાકિસ્તાનની સ્થાપનાના મુદ્દે તેમની સાથે મતભેદ થતાં તેમણે ઝીણાનો સાથ છોડી દીધો હતો.
વર્ષ 1952માં તેમને ફિલિપાઇન્સમાં પોસ્ટિંગ મળ્યું હતું. ત્યાર પછી તેઓ ભારતના સૌથી સફળ પ્રોટોકૉલ ચીફ બન્યા હતા.
દિલ્હીમાં પોતાના ચર્ચાસ્પદ કાર્યકાળ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ આઇઝનહોવર, સોવિયેત વડા પ્રધાન ખ્રુશ્ચેવ, ચીનના વડા પ્રધાન ચાઉ એન લાઈ, વિયેતનામના નેતા હો ચી મિન્હ, બ્રિટનનાં રાણી એલિઝાબેથ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ નાસર, સાઉદી અરેબિયાના રાજા સાઉદ, સાઉદી અરેબિયાના રાજા સાઉદ અને ઈરાનના શાહ તથા યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરી ડેગ હેમરશોલ્ડ જેવા નેતાઓનું સ્વાગત કર્યું હતું.
ખુશવંત સિંહે પણ લેટરલ ઍન્ટ્રી કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની આઝાદી પછી ખાન અબ્દુલ ગફાર ખાનના ભાણેજ મોહમ્મદ યુનુસને પણ નહેરુએ વિદેશ મંત્રાલયમાં નિયુક્ત કર્યા હતા. યુનુસ તુર્કી, ઇન્ડોનેશિયા અને સ્પેનમાં ભારતના રાજદૂત રહ્યા હતા અને 1974માં કોમર્સ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા હતા.
ત્યાર બાદ તેમને ટ્રેડ ફેર ઑથોરિટીના વડા બનાવવામાં આવ્યા હતા. તેઓ છેલ્લે સુધી ઇન્દિરા ગાંધીની નજીક રહ્યા. 1977માં જ્યારે ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયાં અને સાંસદનું પદ ગુમાવ્યું ત્યારે તેમણે તેમને રહેવા માટે 12 વિલિંગ્ટન ક્રેસન્ટ ખાતે પોતાનું ઘર આપી દીધું હતું.
વિદેશ મંત્રાલયમાં સીધી નિમણૂક મેળવનારાઓમાં વિખ્યાત કવિ હરિવંશ રાય બચ્ચન પણ સામેલ હતા. તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજીના લેક્ચરર હતા.
તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કર્યું હતું. ત્યાંથી પાછા આવીને તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો, અલાહાબાદમાં પ્રોડ્યુસર તરીકે નિયુક્ત થયા હતા.
જવાહરલાલ નહેરુના કહેવાથી તેમને વિદેશ મંત્રાલયમાં હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી તરીકે નિયુક્ત કરાયા હતા.
કલ્લોલ ભટ્ટાચારજી લખે છે, "હરિવંશરાય બચ્ચનની સલાહ પરથી જ બાહ્ય બાબતોના મંત્રાલયનું નામ બદલીને વિદેશ મંત્રાલય રાખવામાં આવ્યું હતું."
તેમણે ગૃહ મંત્રાલયનું નામ 'દેશ મંત્રાલય' રાખવા સૂચન કર્યું હતું, પરંતુ સરકારે તેને સ્વીકાર્યું ન હતું.
તેમણે વિદેશ મંત્રાલયમાં આવતા ઘણા અધિકારીઓને હિંદી શીખવી. આગળ જઈને વિદેશ મંત્રી બનેલા નટવર સિંહ પણ તેમાંથી એક હતા.
જાણીતા લેખક ખુશવંત સિંહને પણ લેટરલ ઍન્ટ્રી મળી હતી. તે સમયે તેઓ લાહોરમાં કાયદાની પ્રેક્ટિસ કરતા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નાયબ સચિવ અઝીમ હુસૈનના કહેવાથી તેમને લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં માહિતી અધિકારી તરીકે કામ મળ્યું.
ત્યાર બાદ કેનેડાની રાજધાની ઓટાવામાં આ જ પોસ્ટ પર તેમની બદલી કરવામાં આવી હતી. ત્યાં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ત્યાર પછી તેઓ પત્રકારત્વમાં ગયા અને યોજના, 'ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા', હિન્દુસ્તાન ટાઇમ્સ અને નૅશનલ હેરાલ્ડના સંપાદક તરીકે ઘણી નામના મેળવી હતી.
કે આર નારાયણનની નિમણૂક

ઇમેજ સ્રોત, Getty Images
સરોજિની નાયડુનાં પુત્રી લીલામણી નાયડુએ પણ સીધા વિદેશ મંત્રાલયમાં પ્રવેશ કર્યો હતો. 1941થી 1947 સુધી તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગનાં વડાં હતાં.
ત્યાર પછી તેઓ હૈદરાબાદની નિઝામ કૉલેજમાં ફિલોસૉફી વિભાગનાં વડાં બન્યાં હતાં. ત્યાંથી તેઓ સીધા જ વિદેશ મંત્રાલયમાં વરિષ્ઠ પદ પર નિયુક્ત થયાં.
1948માં પેરિસમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રના સંમેલનમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળના સલાહકાર તરીકે નિયુક્ત થયાં હતાં.
નહેરુની ભલામણના આધારે વિદેશ મંત્રાલયમાં નોકરી મેળવનારાઓમાં કે આર નારાયણન પણ સામેલ હતા, જેઓ પાછળથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા.
તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના પ્રોફેસર લાસ્કી તરફથી નહેરુને સંબોધીને એક પત્ર લઈને આવ્યા હતા, જેમાં લાસ્કીએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી.
1949માં તેમની પ્રથમ પોસ્ટિંગ બર્મામાં સેકન્ડ સેક્રેટરી તરીકે થઈ હતી.
1950 અને 1958ની વચ્ચે તેમણે ટોક્યો અને લંડનમાં ભારતીય દૂતાવાસોમાં કામ કર્યું. 1976માં તેમને ચીનમાં ભારતના રાજદૂત બનાવવામાં આવ્યા હતા.
ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટ પુલની સ્થાપના

ઇમેજ સ્રોત, Getty Images
1959માં જવાહરલાલ નહેરુએ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ટોચના હોદ્દા ભરવા માટે ઇન્ડસ્ટ્રીયલ મૅનેજમેન્ટ પુલની સ્થાપના કરી.
તેમાં સમગ્ર ભારતમાંથી કુલ 131 પ્રોફેશનલ લોકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી મંતોષ સોંઢી, વી કૃષ્ણમૂર્તિ, મોહમ્મદ ફઝલ અને ડી વી કપૂર જેવા લોકો સેક્રેટરીના લેવલ સુધી પહોંચ્યા હતા.
તેનાથી અગાઉ 1954માં અર્થશાસ્ત્રી આઈ જી પટેલને પ્રથમ વખત ઇન્ટરનૅશનલ મોનેટરી ફંડમાં ઇકોનૉમિક ડેપ્યુટી ઍડવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ત્યાર પછી તેઓ આર્થિક બાબતોના સચિવ અને રિઝર્વ બૅન્કના ગવર્નર પણ બન્યા હતા.
1971માં મનમોહનસિંહને વાણિજ્ય મંત્રાલયમાં સલાહકાર તરીકે લાવવામાં આવ્યા. તે અગાઉ તેઓ દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા.
મનમોહનસિંહ આર્થિક બાબતોના સચિવ, રિઝર્વ બૅન્કના ગવર્નર, આયોજન પંચના ઉપાધ્યક્ષ જેવા હોદ્દા સંભાળીને ભારતના વડા પ્રધાન પદ સુધી પહોંચ્યા હતા.
આગળ પણ પ્રથા ચાલુ રહી
જનતા સરકારના સમયમાં રેલવે ઍન્જિનિયર એમ મેનેઝીસને સીધે સીધા સંરક્ષણ ઉત્પાદન મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યા હતા.
રાજીવ ગાંધીએ કેરળ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના વડા કેપીપી નામ્બિયારને ઇલેક્ટ્રોનિક્સ સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા.
તે જ વખતે તેમણે સેમ પિત્રોડાને અમેરિકાથી સીધા લાવીને સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ (C-DOT)ના વડા બનાવ્યા હતા.
1980 અને 90ના દાયકામાં મોન્ટેકસિંહ આહલુવાલિયા, રાકેશ મોહન, વિજય કેલકર અને બિમલ જાલાન જેવા ઘણા ટેકનોક્રેટ્સને એડિશનલ સેક્રેટરીના સ્તરે બ્યૂરોક્રેસીમાં સામેલ કરવામાં આવ્યા હતા જેઓ પાછળથી સચિવ સ્તર સુધી પહોંચ્યા હતા.
અટલ બિહારી વાજપેયીના સમયમાં આરવી શાહીને ખાનગી ક્ષેત્રમાંથી સીધા લાવીને પાવર સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.
મનમોહન સિંહની સરકાર વખતે પણ નંદન નીલેકણીને પ્રાઇવેટ કંપની ઇન્ફોસિસમાંથી લાવીને યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાના વડા બનાવાયા હતા.
2018થી અત્યાર સુધીમાં સંયુક્ત સચિવના સ્તરે 63 લોકોને બ્યૂરોક્રેસીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાંથી 35 અધિકારીઓને ખાનગી ક્ષેત્રમાંથી લેવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












