હરિયાણામાં જીતવા કૉંગ્રેસ માટે આપ સાથેનું ગઠબંધન કેટલું જરૂરી

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)
    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગે વાતચીત થઈ રહી છે.

કૉંગ્રેસના શિર્ષ નેતાઓએ કથિત રૂપે આ ગઠબંધન માટે મંજૂરી આપી છે. જોકે, આ બાબતે કેટલીક સમસ્યાઓ છે. બંને પાર્ટી વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.

હરિયાણાની 90 બેઠકો વાળી વિધાનસભા માટે એક મહિના પછી મતદાન થશે. વિધાનસભાની બેઠકોની સંખ્યા ઓછી હોવાને કારણે દરેક બેઠક પર જીત મેળવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) ઉપરાંત કેટલીક નાની પાર્ટીઓ પણ મેદાનમાં છે.

ચૂંટણીમાં વધારે બેઠકો પર કબજો કરવા માટે રાજ્યમાં રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ બનાવી રહી છે.

રાજ્યમાં કૉંગ્રેસ અને આપના ગઠબંધન પર કૉંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું, “અમે લોકસભાની ચૂંટણીમાં આપ પાર્ટીને એક બેઠક આપી હતી. અમારી તેમની સાથે વાતચીત થઈ રહી છે. આ ઉપરાંત બીજા એક-બે દળો સાથે પણ વાતચીત ચાલી રહી છે.”

“અમને આશા છે કે અમે હરિયાણામાં મતોની વહેંચણીને રોકીશું અને રેકૉર્ડ મતોથી જીતીશું.”

હરિયાણામાં પાંચ ઑક્ટોબરના રોજ મતદાન થશે અને પરિણામ આઠ ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.

કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન પર ચાલી રહેલી વાતચીત પર હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અનિલ વીજે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “કૉંગ્રેસ રાજ્યમાં ખૂબ જ નબળી છે એટલે જ એકલી ચૂંટણી લડવાની હિંમત નથી.”

કૉંગ્રેસ-આપ ગઠબંધનની મુશ્કેલીઓ

ચૂંટણીલક્ષી આંકડાઓ દર્શાવે છે કે આમ આદમી પાર્ટીને કારણે કૉંગ્રેસને મોટું નુકસાન થયું છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચૂંટણીલક્ષી આંકડાઓ દર્શાવે છે કે આમ આદમી પાર્ટીને કારણે કૉંગ્રેસને મોટું નુકસાન થયું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માનવામાં આવે છે કે હરિયાણાનાં સ્થાનિક કૉંગ્રેસ નેતા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનના પક્ષમાં નથી. આ એકદમ દિલ્હી જેવી જ સ્થિતિ છે જ્યાં લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના ઘણા સ્થાનિક નેતાઓ આપ સાથે ગઠબંધન કરવા ઇચ્છતા ન હતા.

આ મામલે એક વ્યવહારુ સમસ્યા એ પણ છે કે લોકસભા ચૂંટણી પછી કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં બંને દળો વચ્ચે ગઠબંધન થશે તો આવતા વર્ષે દિલ્હીમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં શું થશે?

દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિધાનસભામાં ખૂબ જ મજબૂત છે અને કૉંગ્રેસમાં દિલ્હી પાસે એક પણ ધારાસભ્ય નથી.

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશીએ કહ્યું, “હરિયાણામાં કૉંગ્રેસની લડાઈ ખૂબ જ સરળ દેખાતી નથી. લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ બરાબરી પર રહ્યા હતા. આ કારણે કૉંગ્રેસના શીર્ષ નેતા વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાબતે વધારે આશ્વસ્ત દેખાતા નથી.”

લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં કૉંગ્રેસને 43 ટકા જ્યારે ભાજપને 46 ટકા મતો મળ્યા હતા. આ બંને પ્રમુખ પાર્ટીઓ વચ્ચે મતોનું અંતર ખૂબ જ ઓછું હતું.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને રાજ્યની 44 વિધાનસભા બેઠકો પર સૌથી વધારે મતો મળ્યા હતા. બીજી તરફ કૉંગ્રેસ 42 બેઠકો પર આગળ રહી હતી. આ રીતે જોઇએ તો બંને દળો વચ્ચે અંતર ખૂબ જ ઓછું છે.

પ્રમોદ જોશી માને છે કે હરિયાણામાં ઘણી વખત ધારાસભ્ય જીત્યા પછી પાર્ટી છોડી જાય છે. આ કારણે જ કૉંગ્રેસ થોડોક મોટો વિજય ઇચ્છે છે જેથી કરીને ભવિષ્યમાં સરકારની સામે કોઈ મુશ્કેલી ઊભી ન થાય.

જોકે, માનવામાં આવે છે કે હરિયાણામાં બેઠકોની વહેંચણી પણ બંને પાર્ટીઓ વચ્ચે મુશ્કેલી ઊભી કરી શકે છે. અહેવાલો પ્રમાણે, આમ આદમી પાર્ટી હરિયાણામાં 10થી વધારે બેઠકોની માગણી કરી શકે છે જ્યારે કૉંગ્રેસ ચારથી વધારે બેઠક છોડવા માટે તૈયાર નથી.

આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સંજયસિહે પત્રકારોને કહ્યું, “અમારી પ્રાથમિકતા ચોક્કસપણે ભાજપને હરાવવાની છે. આ વિશે છેલ્લો નિર્ણય હરિયાણા સાથે જોડાયેલા નેતા અને પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ કરશે.”

આ મામલે સંજયસિંહને બેઠકોની વહેંચણી અને બીજા મુદા વિશે કોઈ વાત ન કરી.

બીએસપી અને આઈએનએલડીનું ગઠબંધન

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે બીએસપી અને ઇન્ડિયન નેશનલ લોકદળ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે બીએસપી અને ઇન્ડિયન નેશનલ લોકદળ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે

હરિયાણામાં વર્ષ 2019માં થયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 40 બેઠકો મળી હતી. ભાજપે તે સમયે 10 બેઠકો જીતનારી દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધનની સરકાર બનાવી હતી.

જોકે, આ વર્ષે માર્ચ મહિનામાં મનોહર લાલ ખટ્ટરે મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારબાદ આ ગઠબંધન તૂટી ગયું.

હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને 31 બેઠકો પર જીત મળી હતી. જોકે, આ વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપને પાંચ-પાંચ બેઠકો પર જીત મળી હતી.

લોકસભા ચૂંટણીમાં ભાજપને દક્ષિણ હરિયાણામાં અને ઉત્તરની તરફ પણ કરનાલ અને કુરૂક્ષેત્રની બેઠકો જીતવામાં સફળતા મળી હતી. જોકે, મધ્ય હરિયાણામાં ભાજપને કોઈ સફળતા મળી ન હતી.

ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છેલ્લી ચૂંટણીમાં બરાબરીની લડાઈને કારણે કૉંગ્રેસને પોતાના માટે કોઈ આશા દેખાઈ રહી છે. આ ઉપરાંત ચૂંટણી સમીકરણોને પોતાના પક્ષમાં કરવા માટે ગઠબંધન પણ જરૂરી છે.

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે બીએસપી અને ઇન્ડિયન નેશનલ લોકદળ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે.

વીનેશ ફોગાટને લઈને અટકળો

અટકળો લગાવાઈ રહી છે કે વીનેશ ફોગાટ કૉંગ્રેસમાં સામેલ થઈ શકે છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અટકળો લગાવાઈ રહી છે કે વીનેશ ફોગાટ કૉંગ્રેસમાં સામેલ થઈ શકે છે

આ વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટી આઈએનએલડી તથા બીએસપીએ લગભગ ત્રણ ટકા વોટ હાંસલ કર્યા હતા. જોકે, રાજ્યમાં ગત વિધાનસભા ચૂંટણીમાં માત્ર બીએસપીને જ ચાર ટકા વોટ મળ્યા હતા.

આમ નાની પાર્ટીઓનું ગઠબંધન હરિયાણાની ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી કૉંગ્રેસ વોટના ભાગલા રોકવા માટે ગઠબંધનની જરૂર હોવાની વાત કરે છે.

હરિયાણાની ચૂંટણી પહેલાં બુધવારે ભારતીય પહેલવાન વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. તેઓ હરિયાણાથી જ આવે છે.

અટકળો લગાવાઈ રહી છે કે વીનેશ ફોગાટ કૉંગ્રેસમાં સામેલ થઈ શકે છે. જો આમ થાય છે તો કૉંગ્રેસ વીનેશ ફોગાટની લોકપ્રિયતાને કારણેમ ચૂંટણીમાં ફાયદાની આશા રાખી શકે છે.

જોકે, કૉંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલે દાવો કર્યો છે કે બંને પહેલવાનો રાહુલ ગાંધીને મળ્યા તેનો હરિયાણાની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી.

પરંતુ પ્રમોદ જોશી માને છે, “તમે જોશો કે બંને હરિયાણામાં કૉંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડશે. તેનાથી કૉંગ્રેસને નવી તાકત મળશે કારણકે વીનેશ ફોગાટને ઑલિમ્પિકને ધ્યાનમાં લઈને વધારે સહાનુભૂતિ મળી છે.”

વીનેશ ફોગાટ પેરિસ ઑલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચ્યાં બાદ સ્પર્ધા માટે અયોગ્ય જાહેર થયાં હતાં કારણ કે તેમનું વજન જરૂર કરતાં સહેજ વધારે હતું.

વીનેશ ફોગાટ જો ફાઇનલ જીત્યાં હોત તો તેમને ગોલ્ડ મેડલ મળ્યો હોત અને હાર્યાં હોત તો પણ સિલ્વર મળ્યો હોત. પરંતુ તેમના હાથે કશું ન લાગ્યું. જેને કારણે દેશમાં તેમને લઈને સહાનુભૂતિ જોવા મળી હતી.

આ પહેલાં ગત વર્ષે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ રહેલ બ્રજભૂષણ શરણ સિંહની સામે થયેલાં પ્રદર્શનોમાં વીનેશ ફોગાટ એક ચહેરો બનીને સામે આવ્યાં હતાં.

બ્રજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપો લાગ્યા છે. જોકે તેઓ આ આરોપોને નકારતા આવ્યા છે.

વર્ષ 2023માં તેમની સામે પ્રદર્શનો ચાલતાં રહ્યાં. આ દરમિયાન એવાં દૃશ્યો પણ જોવાં મળ્યાં જે ખેલના ઇતિહાસમાં ક્યારેય જોવાં નહોતાં મળ્યાં.

પહેલવાન બજરંગ પુનિયા અને વીનેશ ફોગાટે પોતાના સરકારી સન્માન ‘ખેલ રત્ન’ અને ‘અર્જુન પુરસ્કાર’ ફૂટપાથ પર છોડી દીધા. બંને પહેલવાનોએ પોલીસને વડા પ્રધાનને સુપ્રત કરવાનો અનુરોધ કર્યો હતો.

આ બંને પહેલવાનો ખેડૂત આંદોલનોમાં પણ જતા હતા અને કેન્દ્ર સરકાર સામેના ચહેરા તરીકે જોવાતા હતા.

કૉગ્રેસને આપને કારણે થઈ ચૂક્યું છે મોટું નુકસાન

આમ આદમી પાર્ટી સામે લડીને કૉંગ્રેસ બંને રાજ્યોમાં સરકાર ગુમાવી ચૂકી છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટી સામે લડીને કૉંગ્રેસ બંને રાજ્યોમાં સરકાર ગુમાવી ચૂકી છે

આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના વોટમાં ભાગલા પડાવીને ઘણાં રાજ્યોમાં તેને નુકસાન પહોંચાડ્યું છે.

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસને માત્ર 28 ટકા વોટ મળ્યા હતા અને તેને માત્ર 17 બેઠકો મળી હતી. (હવે ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાતા આ સંખ્યા તેનાથી પણ ઘટી ગઈ છે.)

આ પહેલાં આપ દિલ્હી અને પંજાબમાં કૉંગ્રેસ પાસેથી સરકાર પણ છીનવી ચૂકી છે. આ બંને રાજ્યોમાં ભાજપ કૉંગ્રેસને પરાસ્ત નહોતી કરી શકી.

એટલે જ્યાં ભાજપ પોતે મોટી તાકત છે ત્યાં કૉંગ્રેસ સામે આપ પણ હોય તો તેના માટે સ્પર્ધા કરવી આસાન નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.