યુપીએસ : મોદી સરકારના નિર્ણયની આગામી વિધાનસભા ચૂંટણીઓ ઉપર કેવી અસર પડશે

- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને ન્યૂ પેન્શન સ્કીમ(એનપીએસ)ને બદલે યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે યુપીએસની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેનો લાભ કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને મળશે.
રાજ્ય સરકારો પણ ઇચ્છે તો યુપીએસનો અમલ કરી શકે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પણ આ નવી યોજનાનો અમલ કરશે.
કર્મચારીઓ એનપીએસ અથવા યુપીએસમાંથી કોઈ એકની પસંદગી કરી શકશે. સરકારના આ નિર્ણયની અસર આગામી મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર તથા ઝારખંડ વિધાનસભાની ચૂંટણી ઉપર થઈ શકે છે.
વિપક્ષ કૉંગ્રેસ દ્વારા તેને મોદી સરકારના 'યુ-ટર્ન' તરીકેનો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપનું કહેવું છે કે આ 'સમજી વિચારીને' લેવાયેલો નિર્ણય છે.
સરકારના નિર્ણયને કારણે જૂની પેન્શન સ્કીમની માગ કરી રહેલા આંદોલનકારી કર્મચારીઓનું મનોબળ પણ વધશે, એમ માનવામાં આવે છે.
વિધાનસભા ચૂંટણી પહેલાંના નિર્ણયનો અર્થ

જોકે, એનપીએસ માટે આંદોલન કરી રહેલાં સંગઠનોનું કહેવું છે કે તેઓ તેમની જૂની પેન્શન યોજના(ઓપીએસ)ના અમલની માંગને વળગી રહેશે.
કર્મચારી સંગઠનો ઓપીએસ અમલ માટે ઘણાં વર્ષોથી આંદોલન કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુપીએસ હેઠળ, નિવૃત્ત થનારા કર્મચારીઓને તેમના છેલ્લા બાર મહિનાના સરેરાશ બેઝિક પગારના 50 ટકા નાણાં પેન્શન સ્વરૂપે મળશે.
દરમિયાન વિરોધ પક્ષે યુપીએસના અમલના નિર્ણયને કેન્દ્ર સરકારનો વધુ એક યુ-ટર્ન ગણાવ્યો છે.
આ યોજનાની જાહેરાત બાદ કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું, "યુપીએસમાં યુનો અર્થ મોદી સરકારનો યુ-ટર્ન એવો થાય છે. વડા પ્રધાનના સત્તાના ઘમંડ પર ચોથી જૂન પછી જનતાની તાકાત હાવી થઈ ગઈ છે."
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઓપીએસની માંગ એક મહત્ત્વનો મુદ્દો બની રહી હતી અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ને તેનાથી નુકસાન પણ થયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014માં સત્તા પર આવ્યા હતા. તેમણે છેલ્લાં દસ વર્ષ દરમિયાન સરકારી કર્મચારીઓ વિશે ભાગ્યે જ કોઈ નિવેદન કર્યું છે, પરંતુ હવે સરકારે અચાનક યુપીએસની જાહેરાત કરી છે.
વિશ્લેષકો માને છે કે યુપીએસની જાહેરાત એક રીતે સરકાર પરના માનસિક દબાણને પણ દર્શાવે છે.
રાજકીય વિશ્લેષક હેમંત અત્રી કહે છે, "ઑક્ટોબર-નવેમ્બરમાં હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપ માટે આ રાજ્યો મહત્ત્વનાં છે. આ રાજ્યોમાં ભાજપને નુકસાન થશે તો તે તેના માટે ગંભીર હશે."
પેન્શન કર્મચારીઓ માટે કાયમ એક મહત્ત્વનો મુદ્દો હોય છે. આ વર્ષના અંત સુધીમાં ચાર રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારે એવું પણ માનવામાં આવે છે કે સરકારના આ નવા નિર્ણયની અસર ચૂંટણી પર પણ થઈ શકે છે.
જોકે, વિશ્લેષકો માને છે કે સરકાર દ્વારા વધુ એક પેન્શન યોજનાની જાહેરાત એવું પણ દર્શાવે છે કે હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દબાણ અનુભવી રહી છે.
હેમંત અત્રી કહે છે, "દબાણ ગઠબંધનના સાથી પક્ષોનું હોય કે વિરોધ પક્ષનું, પરંતુ કેન્દ્ર સરકાર એક રીતે દબાણ હેઠળ કામ કરી રહી હોવાનું પાછલા કેટલાક મહિનાઓમાં સ્પષ્ટ થઈ ગયું છે."
કર્મચારી સંગઠનો છેલ્લાં ઘણાં વર્ષથી ઓપીએસ માટે આંદોલન કરી રહ્યાં છે. રાજ્ય અને સામાન્ય ચૂંટણી દરમિયાન કર્મચારી સંગઠનોએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવવાના પ્રયાસ પણ કર્યા છે.
વિરોધ પક્ષ શાસિત હિમાચલ પ્રદેશ અને પંજાબ જેવા કેટલાંક રાજ્યોમાં ઓપીએસને પૂર્વવત પણ કરવામાં આવી છે. છત્તીસગઢ અને રાજસ્થાનની અગાઉની કૉંગ્રેસ સરકારોએ ઓપીએસ પૂર્વવત કરી હતી.
જોકે, બાદમાં આવેલી ભાજપ સરકારોએ ઓપીએસ ચાલુ રાખવાને બદલે યુપીએસના અમલનો વિચાર કર્યો છે.
આ વર્ષના અંત સુધીમાં હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી થવાની છે, જ્યારે કે આગલા વર્ષના ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.
હરિયાણામાં શું થશે અસર?
હરિયાણા દિલ્હીને અડીને આવેલું રાજ્ય છે અને હાલ ત્યાં ભાજપની સરકાર છે. તાજેતરનાં વર્ષોમાં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન આંદોલનકર્તાઓને દિલ્હી સુધી પહોંચવા ન દેવામાં હરિયાણા સરકારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. રાજધાની દિલ્હી હરિયાણાથી ત્રણ તરફથી ઘેરાયેલી છે.
વિશ્લેષકો માને છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરિયાણામાં નુકસાન થશે તો આંદોલનકર્તાઓ માટે દિલ્હી પહોંચવાનું આસાન થઈ જશે.
હેમંત અત્રી કહે છે, "ખેડૂતોના મુદ્દાઓનું સમાધાન હજુ સુધી થયું નથી. ખેડૂતોએ થોડા મહિના પહેલાં પણ આંદોલન કર્યું હતું, પરંતુ તેઓ દિલ્હી પહોંચી શક્યા ન હતા. તેમને હરિયાણા બૉર્ડર પર જ અટકાવી દેવામાં આવ્યા હતા."
"હરિયાણામાં સત્તા ટકાવી રાખવી તે ભાજપ માટે મહત્ત્વનું છે. યુપીએસની જાહેરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે."
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને મહારાષ્ટ્રમાં પણ મોટું નુકસાન થયું હતું. આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આર્થિક ગતિવિધિઓના સંદર્ભમાં મહારાષ્ટ્ર મહત્ત્વનું રાજ્ય છે. દેશનાં મોટાં કૉર્પોરેટ ગૃહોના હિત મહારાષ્ટ્રમાં છે.
મહારાષ્ટ્રમાં પણ ઓપીએસની માંગ થતી રહી છે. કેન્દ્ર સરકારની યુપીએસની જાહેરાતના એક જ દિવસ પછી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પણ રાજ્યમાં યુપીએસના અમલની જાહેરાત કરી દીધી છે.
હેમંત અત્રી કહે છે, "હાલ જે રાજકીય પરિસ્થિતિ આકાર પામી રહી છે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રક્ષણાત્મક વલણ અપનાવી રહ્યા છે. તેથી યુપીએસ કર્મચારીઓને ખુશ કરવાનો પ્રયાસ વધારે લાગે છે."
"સરકારે તેની જાહેરાત અચાનક કરી છે, પરંતુ સવાલ એ પણ છે કે યુપીએસથી કર્મચારીઓ ખુશ થશે? જો એવું જ હોય તો તેનો અમલ લોકસભાની ચૂંટણી પહેલાં શા માટે કરવામાં આવ્યો ન હતો?"
યુપીએસની જાહેરાત બાદ કેટલાંક કર્મચારી સંગઠનોએ તેનું સ્વાગત કર્યું છે. ઑલ ઇન્ડિયા રેલવેમૅન ફૅડરેશનના અધ્યક્ષ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે યુપીએસ મોટી સિદ્ધિ છે અને તેના અમલથી કર્મચારીઓને લાભ થશે.
શિવ ગોપાલ મિશ્રાનો સમાવેશ એવા ચોક્કસ લોકોમાં થાય છે, જેમણે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
હજુ પણ વિવાદ શા માટે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
જોકે, કેટલાંક કર્મચારી સંગઠનો યુપીએસનો વિરોધ કરી રહ્યાં છે અને ઓપીએસની માંગને વળગી રહ્યાં છે.
નૅશનલ મૂવમૅન્ટ ફૉર ઑલ્ડ પેન્શન સ્કીમ(એનએમઓપીએસ)ના અધ્યક્ષ વિજય કુમાર બંધુએ સવાલ કર્યો છે કે સરકાર યુપીએસનો અમલ કરી શકતી હોય તો ઓપીએસના ફરી અમલ સામે શું વાંધો છે?
તેમના કહેવા મુજબ, આ તો એનપીએસનો અમલ નવા નામ સાથે કરવા જેવું છે.
આ સંગઠનના મહામંત્રી દયાનંદ ચહલના કહેવા મુજબ, યુપીએસની જાહેરાત બાદ કર્મચારી સંગઠનોની ઓપીએસની માંગ બળવતર બનશે.
વિશ્લેષક પણ સવાલ કરે છે કે યુપીએસ આટલો સારો નિર્ણય હોય તો દેશના કર્મચારીઓમાં એ બાબતે ઉત્સાહનું વાતાવરણ કેમ નથી?
હેમંત અત્રી કહે છે, "પેન્શન કર્મચારીઓ માટે મોટો મુદ્દો છે. યુપીએસનો નિર્ણય બહુ જ મહત્ત્વનો હોય તો અત્યાર સુધીમાં કર્મચારીઓમાં ઉત્સાહનું વાતાવરણ હોવું જોઈતું હતું. એવું દેખાતું નથી. તેથી સ્પષ્ટ છે કે કર્મચારીઓ યુપીએસ બાબતે અત્યારે અવઢવમાં છે."

ઇમેજ સ્રોત, Getty Images
યુપીએસની જાહેરાતથી રાજકીય ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે યુપીએસ સરકારે વિચારપૂર્વક લીધેલું પગલું છે.
ઓપીએસના મુદ્દે કૉંગ્રેસ સરકારની ટીકા કરતાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે કૉંગ્રેસ માત્ર બોદા વચનો આપે છે અને તેનો અમલ કરતી નથી.
તેમણે સવાલ કર્યો હતો, "કૉંગ્રેસે અત્યાર સુધીમાં કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં ઓપીએસનો અમલ કેમ કર્યો નથી? કૉંગ્રેસ બોદા ચૂંટણી વાયદાઓ કરીને પેન્શનના મુદ્દે વિશ્વસનીયતા ગુમાવી રહી છે."
રાજ્યોની ચૂંટણી દરમિયાન પેન્શન કૉંગ્રેસ માટે મહત્ત્વનો મુદ્દો હતું, પરંતુ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઓપીએસના અમલના મુદ્દાને કૉંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો ન હતો.
બીજી તરફ આમ આદમી પાર્ટી(આપ)એ તો યુપીએસને એનપીએસ કરતાં પણ ખરાબ ગણાવી છે. આપના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે જણાવ્યું હતું કે યુપીએસ તો એનપીએસ કરતાં પણ ખરાબ છે. આ દેશના કર્મચારીઓ સાથેની એક છેતરપિંડી છે.
સંજય સિંહે એવી દલીલ પણ કરી હતી કે યુપીએસના દાયરામાં દેશના અર્ધસૈનિક દળો નહીં આવે, કારણ કે સૈન્યના મોટા ભાગના કર્મચારીઓની સેવા કાર્યકાળ 25 વર્ષ સુધીનો થતો નથી. યુપીએસ માટે 25 વર્ષના સેવા કાર્યકાળની શરત છે.
ઓપીએસ હટાવવાનું સૌથી મોટું કારણ હતું તેના લીધે સરકારો પર સર્જાતો આર્થિક બોજો.
ઓપીએસ એક નિશ્ચિત પેન્શનની ગેરન્ટી આપે છે અને તેમાં કર્મચારીઓએ યોગદાન પણ આપવાનું હોતું નથી.
નવી પેન્શન યોજનાઓમાં કર્મચારીઓએ તેમના પગારમાંથી યોગદાન પણ આપવું પડશે અને પેન્શનની રકમ પણ નિશ્ચિત નથી.
પેન્શન પરનો સરકારનો ખર્ચ ઘટાડવાના હેતુસર નવી પેન્શન યોજના લાવવામાં આવી છે ત્યારે મહત્ત્વનો સવાલ એ છે કે કર્મચારી સંગઠનો યુપીએસ સાથે સંમત થશે?
કર્મચારી સંગઠનો ઓપીએસની માંગને બળવતર બનાવે તેવો કોઈ સંકેત અત્યાર સુધીમાં મળ્યો નથી.
યુપીએસના નિર્ણય બાબતે ટિપ્પણી કરતાં એનએમઓપીએસના વિજય કુમાર બંધુએ જણાવ્યું હતું કે યુપીએસની જાહેરાતથી ઓછામાં ઓછું એટલું તો નક્કી થઈ જ ગયું છે કે સરકારે અમારી માંગને ધ્યાનમાં લીધી છે. હવે ઓપીએસની અમારી માંગને અમે બળવતર બનાવીશું.
બીજી તરફ વિશ્લેષકો માને છે કે વિધાનસભાની આગામી ચૂંટણી દરમિયાન પેન્શન એક મોટો મુદ્દો બની શકે છે.
હેમંત અત્રીએ કહ્યું હતું, "યુપીએસની જાહેરાત સરકારી કર્મચારીઓના પેન્શનના મુદ્દાને વિધાનસભા ચૂંટણીના કેન્દ્રમાં લાવી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














