પીએમ મોદીએ બદલાતાં રાજકીય સમીકરણ વચ્ચે લાલ કિલ્લાથી આપેલા ભાષણનો અર્થ શો નીકળે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, દીલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે દેશના 78મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા ઉપરથી પ્રજાજોગ સંબોધન કર્યું હતું.
આ વર્ષે મોદીએ નવી રાજકીય પરિસ્થિતિમાં પોતાનું ભાષણ આપ્યું હતું. 2014 પછી પહેલી વખત ભાજપની પાસે પૂર્ણ બહુમતી નથી તથા કેન્દ્રની સરકાર સહયોગીપક્ષોના ટેકા ઉપર ટકેલી છે.
આથી, તેમના ભાષણ ઉપર રાજકીય વિશ્લેષકોની નજર હતી. તેમનું માનવું છે કે મોદીએ પોતાનું રાજકીય પ્રભુત્વ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.
પોતાના 100 મિનિટના ભાષણમાં મોદીએ દેશના સૈનિક, મહિલા, યુવાન તથા ખેડૂતોનો ઉલ્લેખ કર્યો હતો.
'પ્રભુત્વ દેખાડવા પ્રયાસ'

ઇમેજ સ્રોત, Getty Images
મોદીએ કહ્યું હતું, "આપણે જ્યારે 40 કરોડ હતા, ત્યારે સફળતાપૂર્વક સ્વતંત્રતાનું સપનું જોયું. આજે આપણે 140 કરોડ છીએ. સાથે મળીને કોઈપણ અવરોધને પાર કરી શકીએ છીએ. આઝાદીના દિવાનાઓએ આપણને સ્વતંત્રતાના શ્વાસ લેવાનું સૌભાગ્ય આપ્યું છે. આ દેશ તેમનો ઋણી છે. આવા દરેક મહાપુરુષ પ્રત્યે આપણો શ્રદ્ધાભાવ વ્યક્ત કરીએ છીએ."
આ બધી ચર્ચાની વચ્ચે વડા પ્રધાનનું ભાષણ '240 બેઠકવાળી ભાજપ'એ સહયોગીપક્ષો અસહજ ન થાય તેવું કંઈ ન કહેવાનું દબાણ દેખાયું હતું ?
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીનાં કહેવા પ્રમાણે, "ગત બે મહિના દરમિયાન સંસદ તથા અન્યસ્થળોએ મોદીને જોઈને એવું લાગતું હતું કે તેઓ નબળા પડી ગયા છે, પરંતુ લાલ કિલ્લા પરથી મોદીએ તેમના ચિરપરિચિત અંદાજમાં ભાષણ કર્યું હતું. તેમના ભાષણમાં ઉત્સાહ તથા આક્રમકતા દેખાયા હતા."
ચૌધરીના કહેવા પ્રમાણે, મોદીએ પોતાની પાર્ટીની સિદ્ધિઓ ગણાવી તથા અન્ય દેશોને પણ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. મોદીએ એવું જણાવવાનો પ્રયાસ કર્યો કે ભારતની ઉન્નતિથી અન્ય કોઈ દેશ ઉપર જોખમ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સેક્યુલર સિવિલ કોડ'
વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈના કહેવા પ્રમાણે, "વડા પ્રધાન મોદીએ પૂર્ણ બહુમત ન હોવા છતાં પરિસ્થિતિ તેમના નિયંત્રણમાં છે તથા તેઓ કડક પગલાં લેતા નહીં ખચકાય એવું દેખાડવાનો પ્રયાસ કર્યો."
રશીદ કિદવઈ આ માટે યુનિફૉર્મ સિવિલ કોડનું ઉદાહરણ ટાંકે છે. વડા પ્રધાને પોતાના ભાષણમાં તેનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે દેશનો સિવિલ કોડ એક રીતે કોમવાદી સિવિલ કોડ છે, જે ભેદભાવ કરે છે.
મોદીએ પોતાના ભાષણમાં 'સેક્યુલર સિવિલ કોડ' વિશે વાત કરી તથા આ મુદ્દે દેશભરમાં ચર્ચાની માગ કરી. કિદવઈ કહે છે, "મોદીજીએ કહ્યું કે દેશભરમાં યુનિફૉર્મ સિવિલ કોડની વાત કહી, પરંતુ તેને કેવી રીતે લાગુ કરશે, તેના વિશે ઊંડાણપૂર્વક વાત ન કરી. તેમણે માત્ર ભાજપનો એજન્ડા આગળ ધપાવવાની દૃષ્ટિએ આ વાત કહી."
અત્યારસુધી ભાજપ દ્વારા યુનિફૉર્મ સિવિલ કોડ ઉપર ભાર મૂકવામાં આવતો, ત્યારે સેક્યુલર સિવિલ કોડના ઉલ્લેખને કારણે નવી ચર્ચા શરૂ થઈ શકે છે.
વન નેશન, વન ઇલેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રશીદ કિદવાઈના કહેવા પ્રમાણે, "વડાપ્રધાન એવી ધારણા રજૂ કરવા માગે છે કે ધર્મ સાથે સંકળાયેલા જેટલા સિવિલ કોડ છે, તેમને માન્યતા આપવામાં નહીં આવે તથા એવો સિવિલ કોડ લાવવામાં આવશે, જે ધર્મઆધારિત નહીં હોય."
સિવિલ કોડ અંગે અનેક મહિલા તથા અન્ય કેટલાંક નાગરિક સંગઠનો સિવિલ મામલાઓના કાયદામાં મહિલાઓ સાથે થઈ રહેલા જાતીય ભેદભાવને દૂર કરવાની માગ કરતા રહ્યા છે. જેમાં પૈત્તૃક સંપત્તિ, વારસો, લગ્ન તથા છૂટાછેડા જેવી બાબતો સમાવિષ્ટ છે.
કિદવઈના કહેવા પ્રમાણે, "આ સરળ બાબત નહીં હોય, કારણ કે ધાર્મિક-સામાજિક માન્યતાઓ ઉપર રૂઢિવાદની અસર હોય છે. તે માત્ર ઇસ્લામમાં જ નહીં, પરંતુ અન્ય ધર્મોમાં પણ હોય છે. આ પ્રકારના કાયદા લાવવા માટે સરકાર પાસે પ્રચંડ બહુમતી હોવી જોઈએ."
આ સિવાય વડા પ્રધાને 'વન નેશન, વન ઇલેક્શન'નો ઉલ્લેખ કર્યો તથા આના માટે દેશને આગળ આવવા આહ્વાન કર્યું હતું. સરકારનો તર્ક છે કે આમ કરવાથી ચૂંટણીખર્ચ ઘટશે તથા વિકાસકાર્યોને વેગ મળશે.
ચૂંટણી જાહેર થતાંની સાથે આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે, જેથી નવા પ્રોજેક્ટ ઉપર કામ શરૂ નથી થઈ શકતું. નવી નોકરી તથા નીતિઓની જાહેરાત નથી થઈ શકતી, જેના કારણે વિકાસના કામો ઉપર અસર પડે છે, એવો તર્ક આપવામાં આવે છે.
મોદી સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશની લોકસભાની ચૂંટણી તથા રાજ્યોની વિધાનસભા ચૂંટણીને એકસાથે કરાવવા ચર્ચા કરી રહી છે. જોકે, ચૂંટણી પછી કેટલાક સમયથી આ મુદ્દે ભાજપ તથા કેન્દ્ર સરકારે મૌન સેવી લીધું હોય તેમ લાગે છે.
રશીદ કિદવઈ કહે છે, "જો મોદીને આ વાત લાગતી હોત, તો આ વર્ષે લોકસભાની ચૂંટણી સાથે જ ભાજપશાસિત 20-22 રાજ્યમાં પણ એકસાથે વિધાનસભાની ચૂંટણી કરાવી દીધી હોત. તેમની પાસે સારી તક હતી. પરંતુ તેઓ માત્ર 'રેટોરિક'ની જેમ વાતનો પુનર્રોચ્ચાર કરી રહ્યા છે."
કિદવઈના કહેવા પ્રમાણે, તેઓ માત્ર લોકોનું ધ્યાનાકર્ષિત કરવા માગે છે. તેઓ માત્ર ચર્ચા ચાલુ રાખવા માગે છે, જેથી કરીને લોકોને લાગે કે વડા પ્રધાન કરવા ચાહે છે, પરંતુ વિપક્ષ આમ નથી કરવા દેતો.
જાણકારોના કહેવા પ્રમાણે, આમા અનેક વ્યવહારુ સમસ્યા છે. આને માટે દેશભરની વિધાનસભાઓ એકસાથે ભંગ થાય તે જરૂરી છે. વર્ષ 1952માં પહેલી વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી. ત્યારથી 1967 સુધી લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ લગભગ સાથે જ થતી.
વર્ષ 1957માં કેરળની સામ્યવાદી સરકારને અનુચ્છેદ 356નો ઉપયોગ કરીને હઠાવી દેવામાં આવી. એ પછી આ કલમના ઉપયોગ તથા રાષ્ટ્રપતિશાસનને કારણે વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાનો ક્રમ તૂટી ગયો.
મહિલા સુરક્ષા અને ન્યાયનો મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે મહિલાઓ સામે જે કોઈ ગુના થઈ રહ્યા છે, તેને ગંભીરતાથી લેવા જોઈએ તથા દોષિતોમાં ભય પેદા થાય તે જરૂરી છે. તેમણે ઝડપભેર તપાસ, ઝડપભેર કડકમાં કડક સજાની માગ કરી, જેથી કરીને સમાજમાં વિશ્વાસ પેદા થાય.
મોદીએ કહ્યું, "આજે હું લાલ કિલ્લા ઉપરથી પીડા વ્યક્ત કરવા માગું છું. આપણે ગંભીરતાથી વિચારવું પડશે. આપણી માતાઓ, બહેનો, દીકરીઓ પ્રત્યે જે અત્યાચાર થઈ રહ્યા છે, તેના પ્રત્યે જનસામાન્યમાં આક્રોશ છે. તેને દેશ, સમાજ તથા આપણી રાજ્ય સરકારોએ ગંભીરતાથી લેવાની જરૂર છે."
નીરજા ચૌધરી કહે છે, "કોલકતાના મામલે મહિલાઓમાં આક્રોશ છે. આ સિવાય પેરિસ ઑલિમ્પિકમાં વીનેશ ફોગાટનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં રહ્યો હતો. મહિલાઓમાં જાગૃતિ આવી છે તથા આ વાતને મોદી સારી રીતે સમજે છે. એટલે તેમણે પોતાના ભાષણમાં મહિલાઓનો વિશેષ ઉલ્લેખ કર્યો છે."
ભારતમાં કાયદો અને વ્યવસ્થાએ રાજ્ય સરકારને આધીન મુદ્દો છે તથા કેન્દ્ર સરકારે તેમાં ખાસ કોઈ ભૂમિકા ભજવવાની નથી હોતી. મોદીએ કોઈ ઘટનાનો ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ પશ્ચિમ બંગાળના કોલકતામાં મહિલા તબીબ સાથે બળાત્કાર તથા હત્યાના મામલે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
રશીદ કિદવઈ કહે છે, "જો ભાજપશાસિત રાજ્યો વડા પ્રધાનની માગને આગળ ધપાવે તો અન્ય રાજ્યો ઉપર પણ દબાણ ઊભું થશે. અમારી પાસે ભાજપશાસિત રાજ્યોના સેંકડો કિસ્સા છે, પરંતુ વડા પ્રધાને એવું કોઈ નિવેદન નહોતું આપ્યું, જેથી કરીને એવું લાગે કે આ મુદ્દે વડા પ્રધાન ખાસ ગંભીર છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)













