પુતિનની સેના યુક્રેન સામે લાચાર કઈ રીતે થઈ ગઈ અને યુક્રેન રશિયામાં 1000 કિલોમીટર અંદર ઘૂસી ગયું

યુક્રેનના સૈનિકો રશિયામાં ઘૂસ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના સૈનિકો રશિયામાં ઘૂસ્યા છે, યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ તેની પુષ્ટિ કરી છે.

યુક્રેને દાવો કર્યો છે કે તેની સેના રશિયામાં 1000 કિલોમીટર અંદર ઘૂસી ગઈ છે. રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલાને ‘ઉશ્કેરણીજનક પગલું’ ગણાવ્યું છે અને તેમણે રશિયાની સેનાને આદેશ આપ્યો છે કે ‘દુશ્મનને આપણા ક્ષેત્રમાંથી બહાર ખદેડવામાં આવે.’

આ પરિસ્થિતિમાં યુક્રેનના સૈનિકો કુર્સ્ક ક્ષેત્રમાં તહેનાત છે. અહીં બંને દેશોની સેનાઓ વચ્ચે અંદાજે એક અઠવાડિયાથી સંઘર્ષ થઈ રહ્યો છે.

ગત અઠવાડિયે રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેને હુમલો કર્યો હતો. પણ આ હુમલાનો નિર્ણય યુક્રેને શા માટે કર્યો?

સરહદપાર યુક્રેનના આ ઑપરેશન સાથે જોડાયેલા પાંચ સવાલ છે, જેના જવાબ અમે તમને આ અહેવાલમાં આપીશું.

રશિયાના કુર્સ્કમાં શું થયું હતું?

રશિયા અને યુક્રેન યુદ્ધ, પુતિન, ઝેલેન્સ્કી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ બીજા સુધી યુદ્ધ લઈ ગયા હતા હવે યુદ્ધ તેમની પાસે આવ્યું છે.

છઠ્ઠી ઑગસ્ટના રોજ યુક્રેનના સૈનિકોએ યુક્રેનની સરહદે આવેલા રશિયાના કુર્સ્ક વિસ્તારમાં અચાનક હુમલો કરી દીધો. જોકે, આ હુમલો એટલો મોટો હતો કે તેની સાચી જાણકારી ભેગી કરવી મુશ્કેલ છે.

શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે આ ઑપરેશન વ્લાદિમીર પુતિનની સરકાર સામે રશિયાના જ જૂથો તરફથી સમયાંતરે કરવામાં આવતી ઘૂસણખોરી જ છે. આ દળોએ યુક્રેનના રસ્તેથી રશિયામાં આવવાની કોશિશ કરી હતી.

એવું લાગી રહ્યું હતું કે સેંકડો અન્ય રશિયન લોકો સામેલ હોય.

પરંતુ જેવો આ નવો હુમલો રશિયન ક્ષેત્રમાં આગળ વધ્યો કે તરત જ રશિયન સેનાના બ્લૉગર્સે સરહદથી લગભગ 30 કિલોમીટર અંદર સુધી ભારે લડાઈની સૂચના આપી હતી.

કુર્સ્ક ક્ષેત્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિ પુતિનને જણાવ્યું હતું કે 28 ગામડાં યુક્રેનના હાથમાં છે અને તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ હુમલામાં યુક્રેનિયન સૈનિકો સામેલ છે.

તેનાથી એવું માલૂમ થાય છે કે જ્યારે ભારે જંગ ખેલાતો હોય તેવા વિસ્તારમાં રશિયા તેની સૈન્ય શક્તિને મુખ્ય વિસ્તારો પર કેન્દ્રિત કરી રહ્યું હતું ત્યારે યુક્રેને જ્યાં હળવી સુરક્ષા હોય તેવી સરહદનો ફાયદો ઉઠાવીને રશિયામાં ઘૂસી જવાનો નિર્ણય કર્યો હતો.

એક વરિષ્ઠ યુક્રેની સુરક્ષા અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે, "અમે આક્રમક છીએ. અમારો હેતુ દુશ્મનોના સૈનિકોને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનો અને રશિયામાં પરિસ્થિતિને વધુ અસ્થિર બનાવવાનો છે, કારણ કે તેઓ પોતાની સરહદોની રક્ષા કરવા માટે અસમર્થ છે."

યુક્રેને કુર્સ્કમાં રશિયા પર હુમલો શા માટે કર્યો?

રશિયા અને યુક્રેન યુદ્ધ, પુતિન, ઝેલેન્સ્કી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

શરૂઆતમાં આ હુમલા અંગે યુક્રેને વધુ કંઈ કહ્યું ન હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પરોક્ષરૂપે 10 ઑગસ્ટે એ વાતનો સ્વીકાર કર્યો.

તેમણે દાવો કર્યો હતો કે ‘યુક્રેને આક્રમણવાળા વિસ્તારોમાં યુદ્ધને આગળ લઈ જવાનું’ શરૂ રાખ્યું છે. તેમણે તેની પાછળ કોઈ સ્પષ્ટ કારણ બતાવ્યું નથી.

પરંતુ 12મી ઑગસ્ટે જાહેરાત કરવામાં આવી હતી કે અંદાજે એક હજાર વર્ગ ચોરસ કિલોમીટર રશિયાનું ક્ષેત્ર હવે યુક્રેનના કબ્જામાં છે.

ત્યારપછી સૈન્ય અને રાજકીય વિશ્લેષકો એ પ્રશ્નનો ઉત્તર આપવાની કોશિશ કરી રહ્યા છે કે શા માટે યુક્રેને કુર્સ્કમાં હુમલો કર્યો.

મોટાભાગના લોકો એ વાત સાથે સહમત છે કે રશિયાનું ધ્યાન ભટકાવવું એ આ ઘૂસણખોરી પાછળનું એક કારણ હોઈ શકે છે.

યુક્રેન છેલ્લા ઘણા મહિનાથી પોતાના પૂર્વ વિસ્તારમાં રશિયાની સેનાને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

રશિયાની સેના ગત મહિને ચૈસિવ યારના કૂટનીતિક શહેર પર કબ્જો કરીને આગળ વધી રહી છે. યુક્રેન માટે ઉત્તર-પૂર્વ અન દક્ષિણમાં પણ મુશ્કેલભર્યા સંજોગો છે.

યુક્રેનની સેના રશિયામાં કેમ ઘૂસી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુક્રેને પોતાના પૂર્વના વિસ્તારોમાંથી દબાણ ઓછું કરવા માટે રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં અંદાજે 1100 કિલોમીટરની સરહદની અનેક જગ્યાઓ પર યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો છે.

રશિયાની સેનાની સરખામણીએ ઓછા સૈનિકો અને હથિયારો હોવા છતાં પણ યુક્રેનના અધિકારીઓએ દુશ્મન સૈનિકોને અલગ-અલગ મોરચા શરૂ કરીને વિખેરવા માટે મોટો જુગાર રમ્યો છે.

સુરક્ષા વિશેષજ્ઞ પ્રોફેસર માર્ક ગેલોટીએ બીબીસીને જણાવ્યું કે યુક્રેન છેલ્લા ઘણા મહિનાથી સંઘર્ષમાં ફસાયેલું છે. ત્યાં જમીન પર બહુ ઓછી હીલચાલ છે પણ હવે યુક્રેનને યુદ્ધમાં હવે પોતાનું પ્રભુત્વ વધારવા માટે જોખમ લેવાની જરૂર છે.

એક યુક્રેનિયન કમાન્ડરે ‘ધી ઇકોનૉમિસ્ટ’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ એક જુગાર જ હતો, "અમે યુદ્ધ માટે તૈયાર એવી અમારી ટુકડીને તેમની સરહદની સૌથી નબળી જગ્યાએ ઉતારી હતી."

તેમણે કહ્યું કે આ જુગાર જોકે એટલી જલ્દી સફળ થઈ રહ્યો ન હતો જેટલી યુક્રેનને આશા હતી.

"તેમના કમાન્ડરો મૂર્ખ નથી. તેઓ સેનાને આગળ વધારી રહ્યા છે, પરંતુ એટલી જલ્દી નહીં કે જેટલું અમે ઇચ્છીએ છીએ. તેઓ જાણે છે કે અમે આ સાજોસામાનને 80થી 100 કિલોમીટર સુધી આગળ નહીં વધારી શકીએ."

બીબીસી ગુજરાતી

યુક્રેન-રશિયાના ઇતિહાસ વિશે વધુ વાંચો

બીબીસી ગુજરાતી

રશિયાએ શું પ્રતિક્રિયા આપી છે?

રશિયા અને યુક્રેન યુદ્ધ, પુતિન, ઝેલેન્સ્કી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેનાને યુક્રેનના સૈનિકોને રશિયાની ધરતી પરથી ખદેડી દેવાનું કહ્યું છે.

રશિયાએ તત્કાળ જ યુક્રેનની ઘૂસણખોરીને ડામવાની ઘટનાને ‘આતંકવાદ વિરોધી અભિયાન’ ગણાવ્યું હતું.

રશિયાએ 1 લાખ 20 હજારથી વધુ લોકોને કુર્સ્ક ક્ષેત્રથી હઠી જવા માટે કહ્યું છે અને અન્ય 11 હજાર લોકોને પાડોશમાં આવેલા બેલગોરોડ વિસ્તારમાંથી હઠાવ્યા છે.

રશિયાના અધિકારીઓએ સ્થાનિક નિવાસીઓને પ્રતિવ્યક્તિ 115 ડૉલરના વળતરની રજૂઆત કરી છે અને આ વિસ્તારમાં કેન્દ્રીય આપાતકાળની જાહેરાત કરી છે.

રશિયન આર્મીના જનરલ સ્ટાફના વડા, જનરલ વેલેરી ગેરાસિમોવે ગયા અઠવાડિયે ઘણી વખત દાવો કર્યો હતો કે યુક્રેનિયન આક્રમણ અટકાવવામાં આવ્યું છે, જ્યારે જમીન પર પરિસ્થિતિ તદ્દન વિપરીત હતી.

રશિયન આર્મીના જનરલ સ્ટાફના વડા, જનરલ વેલેરી ગેરાસિમોવે ગયા અઠવાડિયે ઘણી વખત દાવો કર્યો હતો કે યુક્રેનિયન આક્રમણ અટકાવવામાં આવ્યું છે, જ્યારે જમીન પર પરિસ્થિતિ તદ્દન વિપરીત હતી.

આ સંકટના ઉકેલ માટે રાષ્ટ્રપતિ પુતિનની અધ્યક્ષતામાં રશિયાની સુરક્ષા પરિષદની નવી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, જનરલ ગેરાસિમોવ આ ખાસ બેઠકમાં હાજર ન હતા.

બીજી તરફ, પુતિનના સૌથી નજીકના સહયોગીઓમાંના એક એવા રશિયાની સુરક્ષા સેવા (FSB)ના વડા ઍલેક્ઝાન્ડર બૉર્ટનિકોવ બેઠકમાં હાજર હતા.

ઘટનાઓ પરના તેમના તાજેતરના નિવેદનમાં રશિયાના પ્રમુખ પુતિને યુક્રેન પર શાંતિપૂર્ણ નાગરિકો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો અને ‘યોગ્ય જવાબ’ આપવાનું વચન આપ્યું હતું.

પ્રોફેસર ગેલોટી કહે છે કે યુક્રેનને રશિયા તરફથી જબરદસ્ત વળતા હુમલાનો વાસ્તવિક ખતરો છે.

"પુતિન એક મોટી અપીલ સાથે તેના સશસ્ત્ર દળોમાં લાખો સૈનિકોની ભરતી કરી શકે છે."

તેમણે કહ્યું કે રશિયા સંઘર્ષને વધારવા માટે અન્ય માર્ગો પણ શોધી શકે છે.

તાજેતરના મહિનાઓમાં યુક્રેનને તેના ઊર્જાના મૂળ માળખાં પર વિનાશક રશિયાન બૉમ્બમારાનો પણ સામનો કરવો પડ્યો છે. જેના કારણે તેનો મોટાભાગનો નાશ થઈ ગયો હતો અથવા તો તેને આંશિક રીતે નુકસાન થયું છે.

રશિયા દ્વારા આ અભિયાન સંભવિતપણે વધુ ગંભીર બની શકે છે.

શું યુક્રેને યુદ્ધમાં વળાંક લાવી દીધો છે?

રશિયા અને યુક્રેન યુદ્ધ, પુતિન, ઝેલેન્સ્કી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના પ્રમુખ પુતિને યુક્રેન પર શાંતિપૂર્ણ નાગરિકો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો

રશિયામાં યુક્રેનની ઘૂસણખોરીની સહજતાને સંદર્ભોમાં મૂકીને જોવાની જરૂર છે અને જરૂરી નથી કે જલ્દી આ સંઘર્ષનો અંત આવે.

માર્ક ગેલોટી કહે છે, "આ અંદાજે 50 માઇલ લાંબો અને 20 માઇલ પહોળો વિસ્તાર છે. રશિયા અને યુક્રેનના ક્ષેત્રફળની સરખામણીએ આ કંઈ જ નથી. પણ તેની રાજકીય અસર ખૂબ મહત્ત્વપૂર્ણ છે."

કેટલાક વિશ્લેષકોનો એ તર્ક છે કે યુક્રેન પોતાના પશ્ચિમી દેશોના સહયોગીઓ અને ખાસ કરીને અમેરિકા એ દર્શાવવા માંગે છે કે તેની સેના લડાઈ શરૂ રાખી શકે છે.

તેના કારણે યુક્રેનની પણ તત્કાલ સંજોગોમાં વાતચીત કરવાની ક્ષમતા વધી છે.

રશિયાના ક્ષેત્રની અંદર 30 કિલોમીટરના વિસ્તારમાં જ્યાં યુક્રેનના સૈનિકો ઊભા છે ત્યાં સંભાવના ઓછી છે કે રશિયાના યુદ્ધવિરામના કોઈ પ્રસ્તાવને સ્વીકાર કરે.

યુક્રેનના આ ઑપરેશને દેશની અંદર રશિયન નાગરિકો માટે યુદ્ધની કહાણીને પણ બદલી નાખી છે.

હવે એ માત્ર ‘વિશેષ સૈન્ય અભિયાન’ નામનો જ એક સંઘર્ષ નથી રહ્યો પણ તેને પ્રત્યક્ષરૂપે પ્રભાવિત કરવાની પણ ઘટના છે.

બીબીસીના પૂર્વ યુરોપના સંવાદદાતા સારા રૅન્સફૉર્ડ કહે છે, "રશિયામાં પ્રેસ પર નિયંત્રણના માહોલમાં કુર્સ્ક ક્ષેત્રમાંથી આવનારા અહેવાલોથી એ સ્પષ્ટ છે કે કેટલાક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે."

બીબીસી ગુજરાતી

રશિયાના ઇતિહાસ વિશે વધુ વાંચો

બીબીસી ગુજરાતી

ઝેલેન્સ્કી અને પુતિનના ભવિષ્ય પર શું અસર પડશે?

રશિયા અને યુક્રેન યુદ્ધ, પુતિન, ઝેલેન્સ્કી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયા યુક્રેન યુદ્ધને બે વર્ષથી વધુનો સમય થયો છે.

રશિયા અને યુક્રેન બંને દેશોના રાષ્ટ્રપતિ માટે આ અગત્યનો તબક્કો છે.

સત્તાવાદી અને કઠોર નેતા મનાતા વ્લાદિમીર પુતિન પોતાના નજીકના લોકો અને ખાસ કરીને સુરક્ષા સેવાઓ પર ભરોસો રાખે છે.

તેમના માટે યુક્રેને કરેલો આ હુમલો મોટો પડકાર બનીને સામે આવ્યો છે. તેમાં માર્યા ગયેલા કે ઘાયલ થયેલા રશિયન સૈનિકોની સંખ્યાને છુપાવવું પણ પુતિન માટે તેમને મુશ્કેલ બનતું જાય છે.

હજારો રશિયન લોકો વિસ્થાપિત થવાને કારણે રશિયા માટે પણ એ સાબિત કરવું મુશ્કેલ છે કે બધું તેના નિયંત્રણમાં છે અને આ એક પૂર્ણ યુદ્ધ નથી.

માર્ક ગેલોટી કહે છે, "દરેક વખતે રશિયાના પ્રોપેગેન્ડામાં વધુમાં વધુ ધીરજ જોડાતી જાય છે."

"અમે જૂના યુદ્ધમાં આ જોયું છે. અફઘાનિસ્તાનમાં સોવિયેટ યુદ્ધથી લઈને ચેચન્યા સુધી રશિયા એક કહાણીને બનાવી રાખવામાં સફળ થયું છે, પરંતુ કેટલાક સમય પછી તેની અસલિયત સામે આવતી જાય છે."

અનેક કારણોથી રશિયામાં આ ઘૂસણખોરી વોલોદિમીર ઝેલેન્સ્કી માટે પણ એટલી જ મુશ્કેલ થઈ શકતી હતી.

વિશ્લેષક એમિલ કસ્તેહેલ્મીનું કહેવું છે કે યુક્રેન માટે સૌથી સારું પરિણામ એ હશે કે, "નુકસાન છતાં પણ પોતાનો વિસ્તાર પાછો મેળવવા માટે રશિયા પોતાના મહત્ત્વપૂર્ણ મોરચાને સંસાધનોને હઠાવી દે."

જોકે, તેનાથી થોડા સમય માટે યુક્રેનનો ઉત્સાહ વધશે. પરંતુ તેના કારણે તેને પૂર્વ વિસ્તારમાં પણ વધુ જમીન ગુમાવવી પડી શકે છે.

બંને દેશો વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે અને કેટલાક રશિયન સૈન્ય બ્લૉગર અહીં સફળતા મળવાની વાત કરી રહ્યા છે. જોકે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ શકી નથી.

પ્રોફેસર ગેલોટીનું કહેવું છે કે યુદ્ધમાં હાલનો ગતિરોધ દૂર કરવા માટે કેટલીક ચીજોને આગળ વધારવાની જરૂર છે. જોકે, આ ઉઠાપટક પણ ખૂબ ઝડપથી ચાલી રહી છે. પરંતુ તેનું પરિણામ શું આવશે એ હજુ સુધી સ્પષ્ટ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.