બાંગ્લાદેશને સંકટમાંથી બહાર આવવામાં શું ભારત કોઈ મદદ કરી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમય સુધી વડાં પ્રધાન રહેલાં શેખ હસીનાએ નાટ્યાત્મક રીતે રાજીનામું આપ્યાં બાદ સીધા ભારત આવ્યાં હતાં. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે સંબંધ કેટલા સારા છે તે પણ સામે આવ્યું છે.
17 કરોડની વસતી ધરાવતા બાંગ્લાદેશમાં શેખ હસીનાએ આશરે 15 વર્ષ શાસન કર્યું છે.
જોકે, સરકારી નોકરીઓમાં અનામત હટાવવાની માગ સાથે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક સ્વરૂપ લઈ લેતાં શેખ હસીનાએ પદ અને દેશ બંને છોડવું પડ્યું છે.
પોલીસ અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 280 લોકોનું મૃત્યુ થયું છે.
આ પહેલાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં. ત્યાર બાદ તેઓ બે દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યાં હતાં.
તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં ભારતની મુલાકાત લેનાર પ્રથમ વિદેશી નેતાં હતાં.
આ મુલાકાત બાદ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં વડા પ્રધાને કહ્યું હતું કે, "છેલ્લા એક વર્ષમાં 10 વાર અમારી મુલાકાત થઈ છે. જોકે, આ મુલાકાત ખાસ છે કારણ કે અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં શેખ હસીના પ્રથમ મેહમાન છે."
આવી જ મૈત્રીપૂર્ણ ભાષામાં શેખ હસીનાએ જણાવ્યું હતું, "ભારત સાથેના સંબંધો બાંગ્લાદેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે શું કર્યું છે અને ભવિષ્ય માટે અમારી શું યોજનાઓ છે તે જાણ્વા માટે બાંગ્લાદેશ આવો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભારત અને બાંગ્લાદેશની ખાસ મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધ કાયમ ખાસ રહ્યા છે. બંને દેશો વચ્ચે 4 હજાર 96 કિલોમીટર લાંબી સરહદ છે. બંનેના ભાષાકીય, આર્થિક અને સાંસ્કૃતિક હિતો એકસરખાં છે.
ક્યારેક પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું બાંગ્લાદેશ સાલ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી અલગ દેશ બન્યું હતું. આ યુદ્ધમાં ભારતે બાંગ્લાદેશને તમામ મદદ કરી હતી.
બંને દેશો વચ્ચે 16 અબજ ડૉલર એટલે કે આશરે એક હજાર 342 અબજ રૂપિયાનો વેપાર થાય છે. સમગ્ર એશિયામાં ભારતથી સૌથી વધુ આયાત બાંગ્લાદેશ કરે છે.
જોકે, આટલું બધું હોવા છતાં બંને દેશો વચ્ચેના સંબંધોને 'પરફેક્ટ' કહી શકાય નહીં.
ચીન સાથે બાંગ્લાદેશની વધતી નિકટતાના કારણે તેના અને ભારત વચ્ચે ઘણી વખત મતભેદ સર્જાયા છે. ઉપરાંત સરહદી સુરક્ષા અને સ્થળાંતરના મુદ્દા પર બંને દેશો અલગ-અલગ વલણ ધરાવે છે. બાંગ્લાદેશના કેટલાક અધિકારીઓની મોદી સરકારની હિન્દુ રાષ્ટ્રવાદી રાજકારણ સામે જે વાંધો છે એ પણ સમાંયતરે બહાર આવતી રહે છે.
શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને દેશમાં વચગાળાની સરકારની રચનાની વાત કરી છે. આ અંગે તેમણે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની પણ મુલાકાત લીધી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના નેતૃત્વમાં વિરોધ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ આજે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જોકે, વચગાળાની સરકારનો ચહેરો કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બાંગ્લાદેશ મુદ્દે ભારત કેમ ચૂપ છે?

ઇમેજ સ્રોત, Getty Images
અત્યાર સુધી ભારતે હિંસક વિરોધને બાંગ્લાદેશનો 'આંતરિક મામલો' ગણાવ્યો છે.
પરંતુ શું ભારત ઝડપથી બદલાતા ઘટનક્રમ વચ્ચે કોઈ નિવેદન કરશે અથવા કોઈ પગલું ભરશે?
સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર ભારતીય વિદેશ નીતિના નિષ્ણાત હેપ્પીમૉન જેકબ લખે છે, "કંઈ પણ નહીં. હાલ તો નહીં. હજુ પણ કેટલીક માહિતી બહાર આવી રહી છે અને આ ભારત વિશે નથી. આ તો બાંગ્લાદેશના રાજકારણ વિશે છે. એટલા માટે તેમને આ મુદ્દાને ઉકેલવા દો."
અમેરિકન થિંક-ટેંક વિલ્સન સેન્ટરના માઇકલ કુગેલમેન માને છે કે, "હસીનાનું રાજીનામું અને દેશમાંથી વિદાય એ ભારત માટે એક મોટો ફટકો છે. લાંબા સમયથી ભારત શેખ હસીના અથવા તેમના પક્ષના કોઈ પણ વિકલ્પને તેના હિતો માટેના જોખમ તરીકે જોતું આવ્યું છે."
તેઓ વધુમાં કહે છે કે ભારત ટૂંક સમયમાં બાંગ્લાદેશ આર્મીનો સંપર્ક કરી પોતાની ચિંતાઓ જણાવી શકે છે. ભારત આશા રાખશે કે વચગાળાની સરકારની રચનામાં તેના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવશે.
તેઓ કહે છે, "આ સિવાય ભારતે માત્ર રાહ જોવી પડશે અને આગળની સ્થિતિ પર નજર રાખવી પડશે. બની શકે કે ભારત સ્થિરતા માટે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીને સમર્થન આપે પરંતુ તે કોઈ પણ સંજોગોમાં નહીં ઇચ્છે કે બીએનપી સત્તામાં આવે. પછી ભલે બીએનપી પહેલાંથી નબળી અને વિખરાયલો પક્ષ કેમ ન હોય. આ એક એવું કારણ છે જેના લીધે ભારત લાંબા સમય સુધી પાડોશી દેશમાં વચગાળાની સરકાર ચલાવવાનો વિરોધ નહીં કરે."
શેખ હસીનાના અચાનક થયેલા પતનથી તેમના સાથી પક્ષો મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયા છે.
બાંગ્લાદેશના સંસ્થાપકનાં પુત્રી શેખ હસીના સૌથી લાંબા સમય સુધી વિશ્વના કોઈપણ દેશમાં સર્વોચ્ચ નેતાનું પદ સંભાળનાર મહિલા છે. શેખ હસીના આશરે 15 વર્ષથી બાંગ્લાદેશનાં વડાં પ્રધાન છે.
આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવ્યું છે. દક્ષિણ એશિયાના દેશોની સરખામણીમાં અહીંના લોકોના જીવનધોરણમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
પરંતુ તેમના શાસનમાં વિરોધ પક્ષોનું દમન, વિરોધ કરનાર વ્યક્તિઓને ગાયબ કરી નાખવા અને ગેરકાયદેસર હત્યાના આક્ષેપો પણ થતા રહ્યા છે. શેખ હસીના અને તેમની પાર્ટી અવામી લીગે આ આરોપોને ફગાવી દીધા છે. તેમની સરકારે વિરોધ પક્ષો પર પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે જાન્યુઆરીમાં શેખ હસીના સતત ચોથી વખત ચૂંટણી જીતી ગયાં હતાં. જોકે બાંગ્લાદેશની આ ચૂંટણી વિવાદિત રહી હતી.
વિપક્ષનાં દળો બીએનપીએ આનો બહિષ્કાર કર્યો હતો અને ચૂંટણીમાં ગોટાળા, મોટા પાયે વિપક્ષના સભ્યોની ધરપકડ જેવા આક્ષેપ લાગ્યા હતા.
બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ પાછળ કેટલીક હદે શેખ હસીના સરકારને ભારત તરફથી મળતું પીઠબળ પણ છે. ટીકાકારોની નજરમાં આ બાંગ્લાદેશની રાજનીતિમાં ભારતના હસ્તક્ષેપ સમાન છે.
ઇલિનૉઈ સ્ટેટ યુનિવર્સિટીમાં બાંગ્લાદેશી- અમેરિકન પૉલિટિકલ સાયન્ટિસ્ટ અલી રિયાઝે બીબીસીને જણાવ્યું કે, "આ સમગ્ર મામલે ભારતની ચુપકિદી આશ્ચર્યચકિત કરનારી નથી કારણ કે છેલ્લાં 14 વર્ષથી તે હસીના સરકારને સમર્થન આપનાર સૌથી મોટો દેશ છે અને અસલમાં તેમણે બાંગ્લાદેશથી લોકશાહીને નબળી કરવામાં યોગદાન આપ્યું છે."
તેઓ કહે છે કે, "શેખ હસીના સરકારને મળેલા અપાર સમર્થનને કારણે જ તે માનવ અધિકારના હનનના આરોપ છતાં દબાણમાં નહોતાં આવી રહ્યાં. તેના બદલામાં ભારતને આર્થિક મોરચે ફાયદો થયો અને તેની નજરમાં બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે શેખ હસીનાની સરકાર જ એકમાત્ર રસ્તો હતો."
બાંગ્લાદેશનો હાલન વિપક્ષ અને તેના સહયોગીઓને ભારત ખતરનાક ઇસ્લામિક શક્તિઓ તરીકે જુએ છે. શેખ હસીના સરકારે પોતાની જમીન પર ભારત વિરોધી ઉગ્રવાદીઓ પર કાર્યવાહી કરી અને બાંગ્લાદેશથી સરહદથી જોડાયેલા ભારતનાં પાંચ રાજ્યો મારફતે સુરક્ષિત વેપારી માર્ગને મંજૂરી આપી.
ભારતના પૂર્વ વિદેશ સચિવ અને બાંગ્લાદેશમાં ઉચ્ચાયુક્ત રહી ચૂકેલા હર્ષવર્ધ ઋંગલાએ શેખ હસીનાના રાજીનામાંના ચાર કલાક પહેલાં જ બીબીસીને કહ્યું હતું કે, "એક શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ બાંગ્લાદેશ ભારતના હિતમાં છે. આ સ્થિતિને જાળવી રાખવા માટે ભારતે શક્ય એવા બધા જ પ્રયાસો કરવા જોઈએ."
હાલ સ્થિતિ અનિશ્ચિતતામાં ઘેરાયેલી છે. એક વરિષ્ઠ રાજદ્વારીએ બીબીસીને કહ્યું કે, "આ સમયે ભારતની પાસે વધારે વિકલ્પ નથી. આપણે આપણી સરહદો પર કડક નિયંત્રણ રાખવું પડશે. એ સિવાય કંઈ પણ કરવું એ હસ્તક્ષેપ ગણાશે."












