ગરમીમાં તરબૂચ ખાધા પછી પાણી પીવાથી બીમાર પડી જવાય? ફળો અંગેની માન્યતા અને સવાલોના જવાબ

    • લેેખક, આસિયા અનસર
    • પદ, બીબીસી ઉર્દૂ

'ટેટી ખાધા પછી પાણી ના પીતા, નહીંતર ડાયેરિયા એટલે કે ઝાડા થઈ જશે...'

'ખાલી પેટે તરબૂચ ખાવાનું રાખો, ભરેલા પેટે ખાશો તો કોલેરા થઈ જશે...'

'ગરમીમાં પહેલા વરસાદ પહેલાં જો કેરી ખાશો તો શરીર પર દાણા નીકળશે...'

ગરમીનાં પરંપરાગત ફળો સંબંધિત આવી તો અનેક વાતો આપણને સાંભળવા મળે છે. ગુજરાત સહિત દેશમાં ગરમી શરૂ થતાં જ તરબૂચ, ટેટી અને કેરી જેવાં રસદાર ફળો બજારમાં દેખાવાં લાગે છે.

આવાં ફળો કેટલાંક અઠવાડિયાં સુધી બજારની રોનક વધારે છે. તરબૂચને તો 'ગરમીનો તોડ' પણ માનવામાં આવે છે.

પરંતુ સવાલ એ છે કે આવાં ફળો સાથે જોડાયેલી કેટલીક ભ્રામક વાતોમાં સચ્ચાઈ છે કે પછી માત્ર ગપગોળા?

જોકે આવી વાતો ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તેની શોધ તો ખરેખર મુશ્કેલ છે, પરંતુ પરંપરાગત વાતો આપણે જરૂર સાંભળેલી હોય છે.

તો શું ખરેખર ગરમીનો તોડ મનાતા અને વિટામિન, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ફળોને અવારનવાર અથવા તો કસમયે ખાવાથી નુકસાન થઈ શકે કે પછી આવાં ફળોને ગમે ત્યારે ગમે તેટલી માત્રામાં ખાઈ શકાય.

આ જટિલ સમસ્યાના ઉકેલ માટે અમે ભોજન સંબંધિત બાબતોના કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હૉસ્પિટલનાં પ્રખ્યાત ડાયટિશિયન ઝેનબ ગયૂર અને ગૅસ્ટ્રોઍન્ટ્રોલૉજીના નિષ્ણાત ડૉક્ટર મયાઝ બિન બાદશાદને અમે કેટલાક પ્રશ્નો કર્યા હતા.

ફળો ખાવાથી અપચો થાય?

ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ ડૉક્ટર મયાઝ બિન બાદશાહને અમે પૂછ્યું કે શું ખાલી પેટે અથવા તો ભરેલા પેટે તરબૂચ ખાવાથી ડાયેરિયા-ઝાડા થઈ શકે છે?

ડૉક્ટર મયાઝે આ સવાલનો જવાબ નકારમાં આપ્યો હતો અને કહ્યું હતું કે "તરબૂચ, ટેટી પછી તરબૂચ જેવાં કોઈ પણ ફળને ખાવાથી ટીબીની બીમારી કે અન્ય કોઈ પણ જાતની બીમારી થતી નથી. આવી વાતો માત્ર ખોટી ધારણા પર જ આધારિત હોય છે. વૈજ્ઞાનિક તપાસના આધારે આવા કોઈ જ પુરાવા મળ્યા નથી."

"છતાં ગરમીનાં આવાં ફળોમાં ફાઇબર અને પાણીની માત્રા વધુ હોવાથી બની શકે કે મળ નરમ બની જાય. કદાચ એટલા માટે જ લોકો આને ડાયેરિયા માની લે છે. પણ ખરેખર એવું હોતું નથી, હાં, મળ જરૂર નરમ બની જાય છે."

ડૉક્ટર મયાઝ અનુસાર, જોકે એવું બની શકે કે આપણે કોઈ પણ ફળને ધોયાં વગર અને ગંદા હાથે તેને ખાઈએ તો પેટની બીમારીઓ થઈ શકે છે.

પ્રખ્યાત ડાયટિશિયન ઝેનબ ગયૂરે આ સવાલના જવાબમાં કહ્યું, "જો તમને પહેલાંથી જ અપચો કે પેટની અન્ય કોઈ બીમારી હોય તો આવી સ્થિતિમાં તરબૂચ જે ફોડમૅપ પરિવારમાં સામેલ હોય છે, તેનાં ફળો દર્દીની મુશ્કેલી વધારી શકે છે. એટલે પહેલાંથી જ જેને અપચો કે પેટની કોઈ બીમારી હોય તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત ડાયટિશિયન-નિષ્ણાતોએ ફળોને બે ભાગમાં વહેંચ્યાં છે. શાકભાજી અને ખાવાની અન્ય વસ્તુઓને તેઓ બે ભાગમાં ગણે છે.

હાઇફોડમેપમાં એવાં શાક કે ફળો હોય જેમાં કાર્બોહાઇડ્રેટના કારણે ખોરાકને પચવામાં સમય લાગે છે, જ્યારે લો ફોડમેપમાં સામેલ કાર્બોહાઇડ્રેટ ખૂબ જ સરળતાથી ખોરાક કે ફળને પચાવી દે છે.

આ વાતને ખુલાસો કરતાં ડૉક્ટર ઝેનબ ગયૂરે કહ્યું હતું કે "તરબૂચ, ટેટી અને આ પ્રકારનાં ફળોમાં કેટલીક બાબતો એવી હોય છે જેને હાઇફોડમેપમાં મૂકી શકાય છે અને જેને પચવામાં સમય પણ લાગે છે. જોકે તમામ ફળો માટે એવું કહી શકાય નહીં. હાઇફોડમેપમાં એવાં ફળો સામેલ હોય છે જે પાચનક્રિયા માટે મુશ્કેલી પેદા કરે છે અને કેટલાક લોકોને આના કારણે પેટમાં બ્લૉચિંગ એટલે કે ગૅસના કારણે પેટ ફૂલી જવાની અને ગાંઠની તકલીફ થાય છે. ઉપરાંત ઝાડા અને અપચાની તકલીફ પણ વધી જાય છે. જોકે બધા જ કેસમાં એવું થાય એ જરૂરી નથી.

તેમણે સલાહ આપતાં કહ્યું હતું કે તરબૂચને પચવામાં થોડો સમય લાગે છે. માટે જ એક સમયે વધારે પડતું તરબૂચ ન ખાવું જોઈએ. જો આપણે યોગ્ય માત્રામાં ફળોનો આહાર કરીએ તો શરીરને ફાયદો થઈ શકે છે અને પાચનક્રિયામાં કોઈ મુશ્કેલી પણ પડતી નથી.

તરબૂચ ખાધા પછી તરત પાણી પીવાય ખરું?

તરબૂચ અંગે તો આપણે નિષ્ણાતોનાં મંતવ્ય જાણી લીધાં. હવે બીજો પ્રશ્ન એ છે કે શું તરબૂચ ખાધા પછી પાણી પીવાથી ડાયેરિયા થઈ શકે છે?

ડૉ. ઝૈનબ કહે છે કે "તરબૂચ, ટેટી કે અન્ય કોઈ પણ ફળ ખાધાં પછી તરત જ પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું ના કહેવાય, કારણ કે તેના કારણે આપણા શરીરમાં રહેલા પીએચનું બેલેન્સ બગડી જાય છે. આથી કોઈ પણ જાતનાં ફળ ખાધાં પછી તરત જ પાણી ના પીવું જોઈએ. હા, થોડા સમય પછી પી શકાય.

તેમણે વધુમાં કહ્યું કે તરબૂચ અથવા તો ટેટીને બીમારી સાથે કોઈ જ સંબંધ નથી.

તો પછી પ્રશ્ન એ થાય છે કે કયા સમયે ફળ ખાવાં જોઈએ.

નિષ્ણાતો કહે છે કે ફળ અને શાકભાજીમાં વિટામિન, ફાઇબર અને શક્તિવર્ધક અંશો હોય છે જે શરીરની ઊર્જાને જાળવી રાખે છે. આવાં ફળોનો સ્વાદ લોકોને ખાવા માટે લલચાવે છે.

નિષ્ણાતો કહે છે ફળની માત્રા યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ. અનેક પ્રયોગોએ સાબિત કર્યું છે કે ફળો તો દિવસે જ ખાવાં જોઈએ.

નાસ્તો કર્યાના થોડા સમય પછી ફળો ખાવામાં કોઈ જ વાંધો નથી.

ડૉક્ટર ઝૈનબ કહે છે કે કેળાં, અમરુદ, કેરી, સંતરાં, દ્રાક્ષ, તરબૂચ અને ટેટી અથવા તો અન્ય કોઈ પણ ફળ દિવસે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. ભોજન કર્યાના એક કલાક પહેલાં અથવા તો એક કલાક પછી જ ફળ ખાવાં જોઈએ, જેથી ફાયદો થાય. ગરમી અને લૂના સમયે દિવસમાં તરબૂચ અથવા ટેટી ખાવાં જોઈએ. ગરમીમાં શરીરમાં દિવસે ઇલેકટ્રોલ્સ અને પાણીની કમી થઈ શકે છે, એવામાં દિવસે રસદાર ફળો ખાવાં જોઈએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા એશિયન ભોજનમાં મોટા ભાગે કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. આપણે તો દાળ-ભાત, બટાકાની સાથે રોટી અથવા દૂધમાં ખાંડ નાંખીએ છીએ, એટલે તે કાર્બોહાઇડ્રેટ્સમાં આપણે જ વધારો કરીએ છીએ. પરિણામે ખાધા પછી જ્યારે આપણે ફળો ખાઈએ તો કાર્બોહાઇડ્રેટમાં વધારો કરીએ છીએ, જેના કારણે શરીરમાં અનેક ગૂંચવણો પેદા થાય છે.

ઝૈનબ ગયૂર કહે છે કે નાસ્તાના સમયે ફળો ખાવાથી વધારે ફાયદો થાય છે. તેઓ ભલામણ કરે છે કે-

  • મધ્યમ કદના એક ફળમાં ડબલરોટીની એક સ્લાઇસ જેટલું કાર્બોહાઇડ્રેટ હોય છે
  • ફળ એ વખતે ખાવું જોઈએ કે જ્યારે ભોજન લીધાને એકાદ કલાક પસાર થઈ ગયો હોય
  • ફળ ખાતી વખતે પેટ એકદમ ખાલી ન હોવું જોઈએ, બલકે એટલો સમય ગુજરી ગયો હોવો જોઈએ કે જેટલા સમયમાં શરીરના કાર્બોહાઇડ્રેટ પચી ગયું હોય

તેમના જણાવ્યા અનુસાર, કાર્બોહાઇડ્રેટ આપણા શરીરમાં એ કામ કરે છે જે વાહનમાં ઈંધણ કરે છે. ગરમીમાં પરસેવો અને સખત મહેનત પછી થાક ઉતારવા માટે પણ ફળ અતિ ઉત્તમ વસ્તુ છે. પરસેવો થવાથી શરીરમાંથી સોડિયમ, પોટાશિયમ અને ઇલેકટ્રોલાઇટ્સ એટલે કે ખારાશ ઓછી થાય છે, જે ફળો પૂરી કરે છે. ફળ ખાવાનો સૌથી ઉત્તમ સમય સવારે અગિયાર વાગ્યે અને સાંજે લગભગ ચારથી પાંચ વાગ્યાનો હોય છે.

ફળ કેટલી માત્રમાં ખાવાં જોઈએ?

નિષ્ણાતો ફળ ખાવાની માત્રા અંગે પણ માર્ગદર્શન આપે છે. ગરમીમાં વિવિધ સાઇઝનાં ફળો આવતાં હોય છે, તો તેની માત્રા કેવી રીતે નક્કી કરવી?

ડૉક્ટર ઝૈનબ આ સમસ્યાના ઉકેલ માટે કહે છે કે મધ્યમ આકારનું ફળ શ્રેષ્ઠ હોય છે. સફરજન, અમરુદ, નારંગી અને માલ્ટા જેવાં ફળો જે મધ્યમ સાઇઝનાં હોય તેને પસંદ કરવાં જોઈએ. દ્રાક્ષ અને બેરી નાની હોય તો પણ ચાલે. તરબૂચ અને ટેટી એક બાઉલ-પ્યાલામાં આવી જાય એટલી માત્રામાં ખાવી શ્રેષ્ઠ મનાય છે. જો વધારે ખાવાની ઇચ્છા હોય તો વધુ એકાદ લઈ શકાય, પણ એનાથી વધુ ન લેવી જોઈએ.

તેમના જણાવ્યા અનુસાર, એક કરતાં વધારે ફળ ખાવાથી પણ શરીરમાં બગાડ પેદા થઈ શકે છે. પરિણામે ઇન્સ્યુલિન રેસિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે.

ફળોને જોઈ ધોઈને ખાઈએ તો બીમારીઓથી બચી શકાય

અન્ય સિઝન કરતાં ગરમીમાં પેટના બગાડની શક્યતાઓ વધુ રહે છે. આ સંદર્ભમાં વાત કરતાં ડૉક્ટર મયાઝ બિન બાદશાહ કહે છે કે ગરમીમાં પેટની બીમારીઓનું મુખ્ય કારણ અણઘડ ખોરાક અને વધારે માત્રામાં લેવાતું ભોજન મનાય છે. ગરમી વધુ હોવાના કારણે બૅક્ટેરિયા અને અન્ય વાઇરસ મોટી સંખ્યામાં ફળોમાં આવી જાય છે. જો તમે ધ્યાન ન રાખો તો નાની બીમારી પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

તેમના અનુસાર કેટલીક પાયાની વાતો આ મુજબ છેઃ

  • કંઈ પણ ખાતાં પહેલાં સારી રીતે હાથ ધોઈ લેવા
  • બહારની ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો
  • જો નાછૂટકે બહારની વસ્તુઓ મંગાવવી પડે તો ધ્યાન રાખવું કે તે સારી રીતે રાંધેલી હોય
  • દરેક ફળને સારી રીતે ધોયાં પછી જ એનો ઉપયોગ કરવો. યોગ્ય માત્રામાં ખાશો તો બીમાર નહીં પડો. ઉપરાંત પેટની બીમારીઓથી પણ બચી શકાશે

ડૉક્ટર ઝૈનબના અનુસાર, વરસાદ પહેલાં શરીરમાં જોવા મળતા દાણાનો ઋતુ સાથે કોઈ જ સંબંધ હોતો નથી.

તેમના કહેવા અનુસાર, કેરીમાં મોટી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જ્યારે આપણે વધારે માત્રામાં ખાઈએ તો પેટમાં અને શરીર પર તેની અવળી અસર થાય છે. આ અસર કેટલી હોઈ શકે તેનો આધાર વ્યક્તિના સ્વાસ્થ્ય પર રહે છે.