તમારા મોઢામાં રહેલા બૅક્ટેરિયા યાદશક્તિ વધારવા કેવી રીતે મદદ કરે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અન્ના વાર્લે
- પદ, બીબીસી સંવાદદાતા
કોઈ પણ વ્યક્તિનું મોઢું તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ પ્રકાશ પાડી શકે છે. સંશોધકોને મોઢામાં અમુક પ્રકારના બૅક્ટેરિયા મળી આવ્યા છે, જેનો સંબંધ આપણી યાદશક્તિ અને ચેતાતંત્ર સાથે છે.
ઍક્સ્ટર યુનિવર્સિટીએ કરેલા સંશોધનમાં બહાર આવ્યું છે કે આપણા તો મોઢાના કેટલાક અન્ય પ્રકારના બૅક્ટેરિયા આપણા મગજને નબળું કરે છે અને અલ્ઝાઇમર સાથે પણ જોડાયેલા છે.

શોધપત્રનાં મુખ્ય લેખિકા ડૉ. જોઆના એલ હ્યૂરેક્સ જણાવે છે, "અલ્ઝાઇમર વધી જાય અથવા તો ડૉક્ટર પાસે જવું પડે તેવી સ્થિતિ ઊભી થાય તે પહેલાં જ કદાચ અમે અલ્ઝાઇમર જીન વિશે જણાવી શકીશું."
હાલમાં આ સંશોધન પ્રાથમિક તબક્કામાં છે, પરંતુ આ સંશોધકો એક મહત્ત્વપૂર્ણ બાબતે પડતાલ કરી રહ્યાં છે.
તેમનું માનવું છે કે નાઇટ્રેટથી ભરપૂર લીલાં પાંદડાવાળાં શાકભાજી જેવા સ્વસ્થ ખાદ્યપદાર્થોનું સેવન વધારીને એવા પ્રકારના બૅક્ટેરિયાની સંખ્યા વધારી શકાય છે તે મગજની સ્વસ્થતાને પ્રભાવિત કરી શકાય છે.

આ સંશોધનપત્રનાં સહ-લેખિકા પ્રોફેસર એન. કૉર્બેટનાં જણાવ્યા પ્રમાણે, "અમારાં સંશોધનની ખૂબ જ વ્યાપક અસર થશે."
"અમુક બૅક્ટેરિયા મગજની કામગીરી માટે સહાયક છે અને અમુક નથી. આ સંજોગોમાં ઉપચાર તરીકે બૅક્ટેરિયામાં ફેરફાર કરીને મોં થકી જ ડિમૅન્શિયાને અટકાવી શકાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રો. કૉર્બેટ જણાવે છે, "ખોરાકમાં ફેરફાર કરીને, પ્રોબાયૉટિક્સ, મોઢાની સ્વચ્છતા તથા ટાર્ગેટેડ ઇલાજ દ્વારા આમ કરવું શક્ય છે."

આ સંશોધનમાં 50 વર્ષથી વધુ ઉંમરનાં 115 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અન્ય એક પરીક્ષણ માટે અગાઉ જ તેમની માનસિક સ્થિતિનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંશોધકોએ આ લોકોને બે સમૂહમાં વિભાજિત કરી દીધા. એક સમૂહ એવો હતો કે જેમને કોઈ માનસિક સમસ્યા ન હતી, જ્યારે બીજા જૂથમાં એવા લોકો હતા કે જેમને આંશિક સમસ્યા હતી.
બંને સમૂહના કોગળાના સૅમ્પલ લેવામાં આવ્યા અને તેમાં રહેલા બૅક્ટેરિયાનો અભ્યાસ કરવામાં આવ્યો.
યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, જે સમૂહના મોઢામાં નાઇસીરિયા તથા હેમોફિલસ સમૂહના બૅક્ટેરિયા સારા એવા પ્રમાણમાં હતા, તેમની યાદશક્તિ, સતર્કતા તથા જટિલકાર્યો કરવાની ક્ષમતા સારી હતી.
ડૉ. હ્યૂરેક્સનાં કહેવા પ્રમાણે, જેઓ યાદશક્તિની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા, તેમનામાં પોર્ફિરોમોનસ બૅક્ટેરિયા વધુ પ્રમાણમાં હતા.
જ્યારે નાઇટ્રેટનું પ્રમાણ ઓછું હોય, ત્યારે પ્રિવેટેલા સમૂહના બૅક્ટેરિયા થાય છે. જેમનામાં અલ્ઝાઇમર થવાની શક્યતા વધુ છે. એવા લોકોમાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે.

ડૉ. હ્યૂરેક્સના કહેવા પ્રમાણે, "આ સંજોગોમાં આપણે બીટ, પાલક, લીલાં પાંદડાવાળાં શાકભાજી અને સારી એવી માત્રામાં સલાડ ખાવું જોઈએ. અમે આ સિવાય આલ્કોહોલ અને ખાંડવાળો ખોરાક ઘટાડવવાની સલાહ પણ આપીશું."
લીલાં પાંદડાવાળાં શાકભાજી નાઇટ્રેટનો સૌથી સમૃદ્ધ કુદરતી સ્રોત છે. યુનિવર્સિટીમાં રિસર્ચ ઍન્ડ ઇમ્પૅક્ટનાં પ્રો. વાઇસ ચાન્સેલર પ્રો. એની વાનહાતાલોના કહેવા પ્રમાણે:
"ભવિષ્યમાં જ્યારે કોઈ દર્દી જનરલ પ્રૅક્ટિશનર પાસે જશે, ત્યારે તેના મોઢામાંથી સૅમ્પલ લેવામાં આવશે. જેથી કરીને તેને પ્રોસેસ કરીને એ વાતનો નિષ્કર્ષ કાઢી શકાય કે તેમના પર ડિમૅનશિયા કે અલ્ઝાઇમરનું જોખમ તોળાઈ રહ્યું છે કે નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












