કેજરીવાલ ભાજપ મુખ્યાલય સુધી પહોંચી ન શક્યા, શું આરોપ મૂક્યો?

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, @ArvindKejriwal

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ કાર્યાલય સુધી માર્ચ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસના કડક બંદોબસ્તને કારણે તેઓ આમ આદમી પાર્ટીના મુખ્યાલયથી આગળ જઈ ન શક્યા.

અરવિંદ કેજરીવાલે આ માર્ચ પહેલાં આમ આદમી પાર્ટી મુખ્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.

મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વડા પ્રધાન મોદી અને ભાજપ પર “ઑપરેશન ઝાડુ” ચલાવવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે મારા બધા જ નેતાઓની ધરપકડ કરવાની યોજના તૈયાર કરાઈ છે. આ જ કારણે અમે આજે ભાજપના મુખ્યાલય પર ધરપકડ થવા માટે જઈ રહ્યા છીએ.

કેજરીવાલે કહ્યું કે અમે માર્ચ કાઢીશું અને જ્યાં પણ પોલીસ અમને રોકશે ત્યાં ધરણાં આપીશુ. જો અમારી અડધી કલાકમાં ધરપકડ નહીં કરે તો તે ભાજપની હાર ગણાશે.

તેમણે કહ્યું, “વડા પ્રધાનનો ઇરાદો આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે કચડી નાખવાનો અને ખતમ કરી નાખવાનો છે. આ માટે તે લોકોએ “ઑપરેશન ઝાડુ” ચલાવ્યું છે. ઘણા લોકો તેમને મળવા જાય છે, જે અમને ઓળખે છે. તે લોકો વડા પ્રધાનને મળીને આવ્યા પછી અમને કહે છે કે વડા પ્રધાન આમ આદમી પાર્ટીની વાત કરતા હતા.”

“તેમણે (વડા પ્રધાને) કહ્યું કે આમ આદમી પાર્ટી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને તેનાં કામોની ચર્ચા થઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવનારા સમયમાં રાષ્ટ્રીય સ્તરે ભાજપ માટે એક મોટો પડકાર બની શકે છે. આ કારણે જ વડા પ્રધાન માને છે કે આ પાર્ટીને (આપને) અત્યારે જ ખતમ કરી દેવામાં તો ભાજપ માટે ભવિષ્યમાં પડકાર ઊભો ન થાય.”

“આ ‘ઑપરેશન ઝાડુ’ હેઠળ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના બૅન્ક એકાઉન્ટ પણ આવનારા સમયમાં સીઝ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીની ઑફિસ ખાલી કરાવીને રસ્તા પર લાવી દેશે.”

“હું વડા પ્રધાનને કહેવા માગું છું કે તેઓ એક કેજરીવાલની ધરપકડ કરશે તો આ દેશમાં હજારો કેજરીવાલનો જન્મ થશે.”

કેજરીવાલે કહ્યું કે વર્ષ 2015માં સત્તામાં આવ્યા પછી કેટલાય પ્રકારના ગોટાળાનો આરોપ લગાવ્યો પણ તેના પૈસા ક્યાં છે. તેમણે કહ્યું કે દારૂ ગોટાળામાં હજાર કરોડના ગોટાળાનો આરોપ લગાવ્યો છે. જોકે, તપાસ કરતી એજન્સીને પચ્ચીસ પૈસા પણ મળ્યા નથી.

આ મામલે દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને પાર્ટી ઑફિસની બહાર જ રોકવામાં આવ્યા છે.

સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી હર્ષવર્ધન મંડાવાએ એએનઆઈને કહ્યું, “અમે સુરક્ષા માટે ચોક્કસ આયોજન કર્યું હતું. અમે તેમને (કેજરીવાલને) આમ આદમી પાર્ટીની ઑફિસની બહાર જ રોક્યા હતા. અમે તેમને જણાવ્યું કે અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે.”

'અમારા નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યાં છે'

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે રવિવારે માર્ચ પહેલાં સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “અમારા બધા જ વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ 20 દિવસથી જામીન પર બહાર છે. જોકે, તે (ભાજપ) દરરોજ અમારી સામે ષડયંત્ર રચે છે અને અમારી વિરુદ્ધ કેસો દાખલ કર્યા છે.”

“મોદીજીને જો આમ આદમી પાર્ટીથી નફરત હોય અને તેમને લાગતું હોય કે તેઓ અમારા નેતાઓને જેલમાં નાખીને પાર્ટીને ખતમ કરી નાખશો તો તેઓ ભૂલ કરી રહ્યા છે.”

ભારદ્વાજે કહ્યું કે તેમણે (ભાજપે) એક પછી એક અમારા નેતાઓને જેલમાં નાખવાનું નાટક બંધ કરવું જોઈએ અને અમારા બધાની ધરપકડ એક સાથે જ કરી લેવી જોઈએ.

“અમે દિલ્હી પોલીસ પાસેથી શું આશા રાખીએ? તે (દિલ્હી પોલીસ) કેન્દ્ર સરકારનું કામ કરી રહી છે. જો તે આદેશનું પાલન નહીં કરે તો તેમની ટ્રાન્સફર કરવામાં આવશે અથવા તો સસ્પેન્ડ કરવામાં આવશે. તેમની સામે ખોટા કેસો પણ દાખલ કરી શકે છે.”

ભાજપ મુખ્યાલય આસપાસ સુરક્ષા વધારાઈ

ભાજપનાં મુખ્યાલયની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે

ઇમેજ સ્રોત, ANI

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની માર્ચ શરૂ થાય એ પહેલાં જ ભાજપના મુખ્યાલયની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, “અમારા પ્રયત્નો છે કે કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે અને કોઈને તકલીફ ન થાય. અમે આ જ કારણે કેટલાંક સ્થળો પર પોલીસદળને મોકલ્યાં છે અને બેરિકેડિંગ લગાવ્યાં છે.”

સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી હર્ષવર્ઘન મંડાવાએ કહ્યું કે ડીડીયુ માર્ગ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ત્યાં માર્ચ કરવાની મંજૂરી નથી. ટ્રાફિક પોલીસે પણ આ પહેલાં ટ્રાફિકને લગતી માહિતી જાહેર કરી હતી. ટ્રાફિક પોલીસે કહ્યું હતું કે ડીડીયુ માર્ગ, આઈપી માર્ગ, મિન્ટો રોડ અને વિકાસ માર્ગ પર ભારે ટ્રાફિક રહી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખતા ડીડીયુ માર્ગને 11 વાગ્યાથી બે વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

ભાજપે શું કહ્યું?

ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલા

ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ રવિવારે અરવિંદ કેજરીવાલને સવાલ કર્યો કે તેઓ બિભવકુમાર અને સ્વાતિ માલીવાલના મામલે ચૂપ કેમ છે?

શહઝાદ પૂનાવાલાએ સમાચાર એજન્સી એએનઆઈએ કહ્યું, “અરવિંદ કેજરીવાલ પહેલા ભ્રષ્ટાચાર કરે છે અને પછી દુરાચાર કરે છે. ત્યાર બાદ તેઓ દુષ્પ્રચાર કરે છે અને હવે તેઓ ઇમોશનલ અત્યાચાર કરે છે.”

“બિભવકુમાર અને સ્વાતિ માલીવાલના મામલે અરવિંદ કેજરીવાલ ચૂપ કેમ છે. એવાં ક્યાં રહસ્યો છે જેને કારણે અરવિંદ કેજરીવાલ બિભવકુમાર જેવા ગુનેગારને બચાવી રહ્યા છે.”

પૂનાવાલાએ કહ્યું કે કેજરીવાલની હાજરીમાં એક રાજ્યસભાનાં સંસદસભ્ય પર હુમલો થયો હતો. આ વિશે જવાબ દેવાને બદલે અરવિંદ કેજરીવાલ મુદ્દો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

“સંજયસિંહે આ વાતનો સ્વીકાર કર્યો છે કે બિભવકુમારે સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન કર્યું હતું. એવું શું થયું કે તમારે 72 કલાકની અંદર યૂ-ટર્ન લેવો પડ્યો.”

શું છે મામલો?

આમ આદમી પાર્ટીની રાજ્ય સભા સંસદ સભ્ય અને દિલ્હી મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીની રાજ્ય સભા સંસદ સભ્ય અને દિલ્હી મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ આખો મામલો આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સંસદસભ્ય અને દિલ્હી મહિલા આયોગનાં પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કેજરીવાલના સત્તાવાર નિવાસ પર તેમની (માલીવાલ) સાથે મારપીટ થઈ હોવાના આરોપ પછી શરૂ થયો.

સ્વાતિ માલીવાલે આ જ અઠવાડિયે કહ્યું કે તેમણે કેજરીવાલના ખાસ અને પીએ રહેલા બિભવકુમાર પર મારપીટના આરોપમાં કેસ દાખલ કર્યો છે. ત્યાર બાદ દિલ્હી પોલીસ શનિવારે બિભવકુમારની ધરપકડ કરી હતી.

બિભવની ધરપકડ કર્યા પછી કેજરીવાલે વડા પ્રધાન મોદીને પડકાર આપતા કહ્યું કે હું કાલે (રવિવારે) 12 વાગ્યે ભાજપની ઑફિસ પહોંચી રહ્યો છું.

શનિવારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે દિલ્હીસ્થિત ભાજપ ઑફિસે કૂચ કરવાનું એલાન કર્યું હતું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે કે તેઓ ઇચ્છે તે વ્યક્તિને જેલમાં મોકલી શકે છે.

શનિવારે એક વીડિયો બહાર પાડીને કેજરીવાલે કહ્યું કે, ''ભાજપ આમ આદમી પાર્ટીના માણસો પાછળ પડી ગયા છે. પાર્ટીના મોટા નેતાઓને જેલ મોકલવામાં આવી રહ્યા છે. હું વડા પ્રધાનને કહેવા માગું છું કે, વડા પ્રધાનજી તમે જેલ-જેલ રમી રહ્યો છે. 12 વાગ્યે ભાજપ મુખ્યાલય પર કૂચ કરવાનો છું. તમે ઇચ્છો તેને જેલમાં નાખી શકો છો.''

પ્રવર્તન નિદેશાલયે અરવિંદ કેજરીવાલની કથિત દારૂ ગોટાળાના મામલે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 50 દિવસ પછી ચૂંટણીપ્રચાર કરવા માટે જામીન આપ્યા છે.

અરવિંદ કેજરીવાલને એક જૂન સુધી વચગાળાના જામીન મળ્યા છે. તેમણે બે જૂને ફરીથી જેલમાં જવું પડશે.