સુરત : AI ઍપ્લિકેશનના માધ્યમથી પરીક્ષામાં 'ચોરી'નો આરોપી વિદ્યાર્થી કઈ રીતે પકડાયો?

    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી

શુક્રવારે સુરતમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીએસઈ) અંતર્ગત આવતી શાળાઓમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષામાં એક વિદ્યાર્થી એઆઈ ઍપ્લિકેશનના માધ્યમથી 'ચોરી' કરતા પકડાયો છે.

વિદ્યાર્થીએ AI ઍપ્લિકેશનના માધ્યમથી પ્રશ્નનો ઉત્તર લખ્યો હોવાની વાત કબૂલી છે. હાલ આ વિદ્યાર્થી આગળની પરીક્ષા આપી રહ્યો છે. પરંતુ આ ગેરરીતિ અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓનાં નિવેદન લઈ અને તમામ પુરાવા સાથે સીબીએસઈ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી છે.

બોર્ડ દ્વારા જો આ બાળકોને દોષિત ઠેરવવામાં આવે તો સીબીએસઈના નવા નિયમો હેઠળ વિધાર્થીને બે શૈક્ષણિક વર્ષ 2025-26 અને 2026-27 માટે બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.

સીબીએસઈની ધોરણ દસ અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ છે. સુરત અને તાપીમાં 23 સેન્ટર ઉપર આ પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં 77 શાળાના 15,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે.

એઆઈનો ઉપયોગ કરી કઈ રીતે 'ચોરી' કરી?

આ વિદ્યાર્થી સુરત જિલ્લાની લસકાણાની સ્વામિનારાયણ મિશન સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે 'ચોરી' કરતી વખતે પકડાયો હતો.

તે મોબાઇલ અને તેમાં પણ એઆઈ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને 'ચોરી' કરી રહ્યો હતો.

સ્વામિનારાયણ મિશન સ્કૂલના પ્રિન્સિપાલ શૈલેશભાઈ સુતરિયા એ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "અમારી શાળામાં હાલમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં ધોરણ દસના 738 અને ધોરણ 12ના 967 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે."

"ફિઝિક્સના પેપર દરમિયાન પીપી સવાની સીબીએસઈ સ્કૂલ અબ્રામાનો 12 સાયન્સનો વિદ્યાર્થીને સુપરવાઇઝરે મોબાઇલમાંથી ઉત્તર લખતા ઝડપી પાડ્યો હતો. આ વિદ્યાર્થી સવારે સાડા દસ વાગ્યે પરીક્ષા આપવા બેઠો હતો અને 12:30 વાગ્યાની આસપાસ વૉશરૂમ ગયો હતો, જ્યાં તેની સાથે એક શિક્ષક પણ ગયા હતા."

"વિદ્યાર્થીને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે વૉશરૂમમાં ગયો તે દરમિયાન તેણે ChatGPTનો ઉપયોગ કરી પ્રશ્નનો ઉત્તર મેળવ્યો હતો."

"બાદમાં આ મોબાઇલ તેણે મોજામાં મૂકી ક્લાસરૂમમાં પરત આવી તેમાંથી ઉત્તર લખ્યા હતા. વિદ્યાર્થીએ એક જ ઉત્તર લખ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ મોબાઇલની હિસ્ટ્રી ચેક કરતા તેણે બે ઉત્તર સર્ચ કર્યા હોવાનુ સામે આવ્યું છે."

શૈલેશભાઈ સુતરિયાએ વધુમાં જણાવ્યું, "સામાન્ય રીતે અમારી શાળામાં પરીક્ષા પહેલાં દરેક વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવે છે, જેમાં તેમનાં પાકીટ, મોજાં, બૅગ સહિતની તપાસ થાય છે, પરંતુ વિદ્યાર્થી અન્ડરવેર માં મોબાઇલ છુપાવીને લાવ્યો હતો અને એટલે એ તપાસમાં સામે આવ્યું ન હતું."

આ પ્રકારના બીજા એક કિસ્સામાં શુક્રવારે ડુમસ રોડ પર આવેલ એસબીઆર મહેશ્વરી વિદ્યાપીઠમાં પણ પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિની મોબાઇલ સાથે પકડાઈ હતી.

આ શાળા પ્રશાસન દ્વારા જણાવ્યા મુજબ વિદ્યાર્થિની વર્ગખંડમાં પેપર નીચે મોબાઇલ ફોન મૂકીને જવાબ લખી રહી હતી. આ દરમ્યાન સુપરવાઇઝરનું ધ્યાન જતાં તેમણે વિદ્યાર્થિનીની તપાસ કરતા તેના પેપર નીચેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

આ મોબાઇલ ફોનથી વિધાર્થિનીએ કેટલા જવાબો લખ્યા તે વિશે શાળા પ્રશાસન દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વિદ્યાર્થી સામે શું કાર્યવાહી થશે?

શૈલેશ સુતરિયાએ જણાવ્યું કે, "અમારી શાળામાં ગેરરીતિ કરતા જે વિદ્યાર્થી પકડાયો છે, તેનું નિવેદન લઈ તમામ પુરાવા સાથે આ વિશે CBSE બોર્ડને રિપૉર્ટ કરવામાં આવ્યો છે. જેમાં આગળ બોર્ડ પોતાની ગાઇડલાઇન્સ પ્રમાણે વિદ્યાર્થી જે શાળાનો છે, તે સ્કૂલ સાથે સંકલન કરી નિર્ણય લેવાશે."

બીજી તરફ એસબીઆર મહેશ્વરી વિદ્યાપીઠના સત્તાધીશો તરફથી પણ આ જ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને હાલ વિદ્યાર્થીની આગળની પરીક્ષા આપવા દેવામાં આવી રહી છે.

જોકે, બોર્ડના નિર્ણય બાદ તેઓની આ પરીક્ષા માન્ય ગણાશે કે નહીં તે નક્કી થશે.

સુરત અને તાપીના સીબીએસઈ સિટી કૉર્ડિનેટર રાજીવ શ્રીવાસ્તવે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ચીટિંગ કરતા પકડાયેલા બંને વિદ્યાર્થીઓનો મામલો હવે કંટ્રૉલ ઑફ ઍકઝામિનર પાસે જશે. અહીં અમે જે પુરાવાઓ મોકલીશું એના આધારે વિદ્યાર્થીઓને તેઓ દ્વારા સજા કરવામાં આવશે. હાલમાં તો આ બંને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાથી રોકવામાં નહીં આવે. જ્યારે કેસ બનશે ત્યારે સીબીએસઈના પ્રમુખ નક્કી કરશે કે વિદ્યાર્થીઓને કેટલાં વર્ષ સુધી પરીક્ષા ન આપવા દેવી."

તેમણે વધુમાં જણાવ્યું કે સીબીએસઈના નવા નિયમો પ્રમાણે, જો બાળકો 'ચોરી' કરતા પકડાશે તો તેમને બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપવા દેવાય.

એટલે કે નવા નિયમો આવા વિદ્યાર્થીને બે વર્ષ - 2025-26 અને આગામી શૈક્ષણિક વર્ષ, 2026-27 માટે બોર્ડની પરીક્ષામાં બેસવાથી રોકશે.

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પર કઈ રીતે નજર રખાઈ રહી છે અને 'ચોરી' રોકવા માટેના આયોજન અંગે રાજીવ શ્રીવાસ્તવે જણાવ્યું, "સીબીએસઈના દરેક સેન્ટર પર સીસીટીવી અને સુપરવાઇઝર ફરજિયાત કરવામાં આવ્યા છે, આ ઉપરાંત બાળકો જ્યારે પરીક્ષા આપવા આવે છે, ત્યારે તેઓ તેમની સાથે ફક્ત પારદર્શક પાણીની બૉટલ અને કમ્પાસ લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્કૂલના ગેટ પર પણ બાળકોનું ચેકિંગ કરાય છે અને ત્યાર બાદ ક્લાસરૂમની બહાર પણ બાળકોનું ચેકિંગ કરવામાં આવે છે."

બોર્ડના નિયમો શું છે? છેતરપિંડી રોકવા માટે સીબીએસઈએ શું પગલાં લીધાં?

વર્ષ 2024માં દેશનાં ઘણાં રાજ્યોમાં પેપર લીક અને ચીટિંગની હાઇ-ટેક પદ્ધતિઓના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સીબીએસઈએ એક મોટું અને કડક પગલું ભર્યું છે.

આ પગલું પરીક્ષામાં 'ચોરી' કરનારા વિદ્યાર્થીઓ માટે ખતરાની ઘંટડી સાબિત થઈ રહ્યું છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પરીક્ષામાં છેતરપિંડી રોકવા માટે આ પગલું અસરકારક સાબિત થશે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપૉર્ટ અનુસાર સીબીએસઈએ 2025માં યોજાનારી ધોરણ દસ અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે, જે તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.

આ પ્રતિબંધ પછી પણ જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાકેન્દ્ર પર કે પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન કે અન્ય કોઈ વિદ્યુત ઉપકરણ સાથે પકડાશે તો તેના પર બે વર્ષ માટે સીબીએસઈ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.