You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવમાં વિધાનસભા પેટાચૂંટણી : પાંચ વાગ્યા સુધીમાં 67%થી વધારે મતદાન
ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ સાથે ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.
ચૂંટણીપંચે આપેલી માહિતી અનુસાર વાવમાં પાંચ વાગ્યા સુધી 67 ટકાથી વધારે મતદાન થયું છે. બીબીસી સહયોગી પરેશ પઢિયારે જણાવ્યું હતું કે આ આંકડાં અપડેટ થઈ રહ્યા છે.
વાવમાં બનાસકાંઠાનાં કૉંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે મતદાન કર્યું હતું. તેઓ વાવનાં ધારાસભ્ય હતાં પરંતુ લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
મતદાન દરમ્યાન વાવમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, "લોકોએ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને કમળ ખીલશે."
તેમણે કહ્યું કે, "અહીં સાત વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ન હોવાને કારણે અહીં જોઈએ એવો વિકાસ થયો નથી, સ્વાભાવિક છે કે જેમની સરકાર હોય તેમના કામ થતા હોય છે અને વિકાસ તરફ આગળ વધતા હોય છે."
બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે "ચૂંટણીમેદાનમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર પણ છે પરંતુ તેમને મુકાબલો મુશ્કેલ નથી લાગી રહ્યો અને કૉંગ્રેસ એકતરફી જીતશે."
તેમણે કહ્યું કે, "લોકો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે અને લાગે છે કે આ ઉત્સાહ કૉંગ્રેસ પાર્ટી માટે છે. આ ઠાકોરની વધુ વસતી ધરાવતો પટ્ટો છે અને એવું લાગી રહ્યું છે કે ઠાકોર સમાજના 50 ટકાથી વધારે મતદારો કૉંગ્રેસને મત આપી રહ્યા છે. ચૌધરી સમાજ ભાજપની મૂળ વોટબૅન્ક છે એ અપક્ષ સાથે છે."
તેમણે કહ્યું કે ભાજપની વોટ બૅન્ક છે એ કૉંગ્રેસ સાથે અથવા અપક્ષ સાથે છે અને તેનાથી કૉંગ્રેસને ફાયદો થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગેનીબહેન ઠાકોરે શું કહ્યું?
કૉંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે મતદાન બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, "2027 લોકસભા ચૂંટણીનું રણશિંગું વાવ વિધાનસભાના પરિણામથી ફૂંકાવાનું છે. ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પાંચ લાખની લીડથી જીતવા માગતો હતો પણ બનાસકાંઠા બેઠક પર મતદારો કૉંગ્રેસને આશીર્વાદ આપ્યા હતા."
તેમને આશા વ્યક્ત કરી કે "લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરના પરિણામનું પુનરાવર્તન થશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે."
ગેનીબહેન ઠાકોરે વધુ મતદાનની આશા વ્યક્ત કરતા કહ્યું કે સામાન્ય ચૂંટણીમાં 75 ટકા મતદાન થાય છે તેમાં પાંચ ટકા વધશે મતદાન થશે.
વાવ વિધાનસભામાં ‘ત્રિપાંખિયો જંગ’
ગુજરાતની વાવ વિધાનસભાથી 2022માં ચૂંટાયેલ ગેનીબહેન ઠાકોર હવે લોકસભાનાં સાંસદ બની ગયાં હોવાથી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
કૉંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત તથા ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર ચૂંટણી મેદાનમાં છે.
પરંતુ ભાજપના પૂર્વ નેતા માવજી પટેલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઝુકાવતાં આ જંગ ત્રિપાંખિયો બન્યો હતો.
કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે તથા 2022માં તેઓ એ જ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. તેઓ હવે વાવથી પેટાચૂંટણી લડ્યા હતા.
વાવની બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ મનાતી રહી છે. અહીં 2007 અને 2012 સિવાય ભાજપના ઉમેદવાર જીતી શક્યા નથી.
આ વિસ્તારમાં ભાજપના નેતા શંકર ચૌધરી તથા કૉંગ્રેસનાં નેતા ગેનીબહેન ઠાકોરનો જબરદસ્ત પ્રભાવ હોવાથી પણ આ ચૂંટણીજંગ રોચક બન્યો હતો.
વાયનાડથી પ્રિયંકા ગાંધી ચૂંટણીમેદાનમાં
આ સિવાય કુલ 11 રાજ્યોની 31 વિધાનસભાની બેઠકો અને વાયનાડ લોકસભાની બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે મતદાન થયું હતું.
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. જેમાં આજે પહેલા તબક્કામાં કુલ 81માંથી 43 બેઠકો પર મતદાન યોજાયું હતું.
જ્યારે વાયનાડ લોકસભાથી કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણીમેદાનમાં ઊતરી રહ્યાં હોવાથી એ બેઠક પણ ચર્ચામાં છે.
કૉંગ્રેસનાં ઉમેદવાર પ્રિયંકા ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણીમેદાનમાં પ્રથમ વખત ઊતર્યાં છે.
વાયનાડમાં પણ મતદાન ચાલી રહ્યું છે ત્યારે પ્રિયંકા ગાંધી વાયનાડ પહોંચ્યાં હતાં. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "લોકો બહાર નીકળી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે એ સારી વાત છે. મને આશા છે કે લોકો મતદાનના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરશે. સંવિધાન દ્વારા તેમને આ સૌથી મોટી તાકાત આપવામાં આવી છે અને તેનો તેમણે સારો ઉપયોગ કરવો જોઈએ."
લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડ એમ બંને બેઠકોથી જીત મેળવી હતી. ત્યારબાદ તેમણે વાયનાડ બેઠક ખાલી કરી હોવાથી અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
વાયનાડ લોકસભાથી કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને જ ટિકિટ આપી છે. આમ, પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણીમેદાનમાં હતાં.
પ્રિયંકા ગાંધી સામે લૅફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટના સત્યન મોકેરી અને ભાજપનાં નવ્યા હરિદાસ મેદાનમાં છે.
આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ મનાય છે.
2019માં રાહુલ ગાંધીએ અહીંથી 4.31 લાખ મતે તથા 2024માં 3.64 લાખ મતે જીત મેળવી હતી.
અહીં કૉંગ્રેસની આસાન જીતની ધારણા છે. શું પ્રિયંકા ગાંધી તેમના ભાઈ કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકશે અને છ લાખથી વધુ મતોના અંતરથી જીતી શકશે? કૉંગ્રેસ પક્ષના કાર્યકરોમાં આ સવાલની ચર્ચા વધુ છે.
ઝારખંડમાં પહેલા તબક્કાનું મતદાન
ઝારખંડમાં 81 બેઠકોમાંથી કુલ 43 બેઠકો પર આજે મતદાન થયું.
43 બેઠકો પર કુલ 685 ઉમેદવારો ચૂંટણીમેદાનમાં છે. પરંતુ મુખ્ય મુકાબલો એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જ છે.
ઇન્ડિયા ગઠબંધન હેઠળ ઝારખંડ મુક્તિ મોરચા અને કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જેમાં કૉંગ્રેસ 30 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 11 બેઠકો સાથીપક્ષો રાષ્ટ્રીય જનતા દળ અને સીપીઆઈ(એમએલ)એલને આપવામાં આવી છે. બાકીની બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા ચૂંટણી લડી રહ્યો છે.
એનડીએ ગઠબંધન હેઠળ ભાજપ કુલ 68 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે જ્યારે બાકીની બેઠકો પર તેના સાથી પક્ષો ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન, જેડીયુ અને એલજેપી (રામવિલાસ) ચૂંટણી લડી રહ્યા છે.
2019ની વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાએ કુલ 30 બેઠકો પર અને કૉંગ્રેસે 16 બેઠકો પર વિજય મેળવ્યો હતો. બંને પક્ષોએ સાથે મળીને સરકાર રચી હતી.
જ્યારે ભાજપને 2019ની ચૂંટણીમાં 25 બેઠકો પર વિજય મળ્યો હતો.
ઝારખંડમાં પહેલા તબક્કામાં ક્યા ઉમેદવારો પર નજર રહેશે?
સેરાઇકેલા:
આ બેઠક પરથી ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી ચંપાઈ સોરેન હવે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમેદાનમાં છે. આ જ વર્ષે અસંતોષ પછી તેઓ ઝારખંડ મુક્તિ મોરચા છોડીને ભાજપમાં જોડાયા હતા. ચંપાઈ સોરેન છ વખતના ચૂંટાયેલા ધારાસભ્ય છે. તેમની સામે ઝારખંડ મુક્તિ મોરચાએ ગણેશ મહલીને ઉતાર્યા છે.
રાંચી:
રાંચી વિધાનસભા બેઠક પરથી ઝારખંડ મુક્તિ મોરચાએ હાલના રાજ્યસભા સાંસદ મહુઆ માઝીને ઉતાર્યાં છે. તેમની સામે ભાજપ તરફથી સીપી સિંઘ ચૂંટણી લડી રહ્યા છે. મહુઆ માઝી ઝારખંડમાંથી ચૂંટાયેલાં પ્રથમ મહિલા રાજ્યસભા સાંસદ છે.
જમશેદપુર વેસ્ટ:
આ બેઠક પરથી કૉંગ્રેસના નેતા અને સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે જેડી(યુ)ના નેતા સરયુ રૉય ચૂંટણી લડી રહ્યા છે. જેડી(યુ)ના નેતા સરયુ રૉય એ ‘જાયન્ટ કિલર’ ભૂતકાળમાં ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી રઘુવર દાસને પણ હરાવી ચૂક્યા છે.
જગનાથપુર:
પૂર્વ મુખ્ય મંત્રી મધુ કોડાના પત્ની ગીતા કોડા એ ભાજપની ટિકિટ પર જગનાથપુરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને કૉંગ્રેસના સોનારામ સિંકુ ટક્કર આપી રહ્યા છે. ગીતા કોડા આ પહેલાં કૉંગ્રેસ તરફથી લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ આ વર્ષે જ ભાજપમાં સામેલ થયા હતા.
જમશેદપુર ઈસ્ટ:
કૉંગ્રેસના નેતા અજોય કુમાર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપનાં ઉમેદવાર પૂર્ણિમાદાસ સાહુ મેદાનમાં છે. જમશેદપુર ઈસ્ટ બેઠક પર કૉંગ્રેસ 1985થી જીત મેળવી શકી નથી. પરંતુ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અજોય કુમાર કૉંગ્રેસના મજબૂત ઉમેદવાર મનાતા હોવાથી કૉંગ્રેસને આ વખતે ત્યાં જીત મળશે તેવી આશા છે.
કયાં રાજ્યોમાં આજે પેટાચૂંટણી?
11 રાજ્યોની કુલ 31 વિધાનસભાની બેઠકો પર આજે પેટાચૂંટણી માટે મતદાન થયું.
ગુજરાતની વાવ વિધાનસભા, છત્તીસગઢની રાયપુર સિટી સાઉથ, મેઘાલયની ગામ્બેગ્રે, કેરળની ચેલ્લાક્કારા અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી યોજાઈ હતી..
એ સિવાય આસામની પાંચ બેઠકો ધોલાઈ, સિદલી, બંગાઇગાંવ, બેહાલી અને સમાગુરી તથા બિહારની ચાર બેઠકો રામગઢ, તરારી, ઇમામગંજ અને બેલાગંજમાં આજે મતદાન થયું.
કર્ણાટકની ત્રણ બેઠકો શિગાઓં, સંદુર અને છન્નાપટના તથા મધ્યપ્રદેશની બે બેઠકો બુધની તથા વિજયપુરમાં આજે મતદાન યોજાયું.
રાજસ્થાનની સાત બેઠકો ચોરાસી, ખિંસવાડ, દૌસા, ઝૂંઝુનુ, દેઓલી-ઉનિયારા, સાલુમ્બેર અને રામગઢમાં આજે પેટાચૂંટણી યોજાઈ હતી.
તાલડાંગરા, સિતાઈ, નૈહાતી, હરોઆ, મેદિનીપુર અને મદારીહાટ એમ પશ્ચિમબંગાળની છ બેઠકો પર પણ આજે મતદાન થયું.
સિક્કિમની બે બેઠકો સોરેંગ-ચાકુંગ અને નામચી-સિંગાઈથાંગમાં પણ આજે મતદાન થવાનું હતું પરંતુ આ બેઠકો સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાએ નિર્વિરોધ જ જીતી લીધી છે.
આ સિવાય વિધાનસભાની પંજાબની ચાર બેઠકો, ઉત્તર પ્રદેશની નવ બેઠકો તથા કેરળની એક બેઠકો પર પેટાચૂંટણી હતી, પરંતુ તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી ત્યાં 20 નવેમ્બરે મતદાન થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન