સૂકી ઉધરસ થવાનાં ત્રણ કારણ, તેને કેવી રીતે મટાડવી?

ઇમેજ સ્રોત, Getty Images
સૂકી ઉધરસની સમસ્યાને આમ તો ઘણી સામાન્ય ગણવામાં આવે છે પરંતુ ઘણા લોકોને તે કાયમ પરેશાન કરતી હોય છે.
એવા ઉદાહરણો પણ જોવા મળ્યા છે કે ઘણા લોકોને દાયકાઓથી સૂકી ઉધરસની સમસ્યા હોય અને દવા કરવાથી પણ તેમાંથી છૂટકારો ન મળતો હોય.
ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકોને આ સમસ્યા વધુ જોવા મળે છે.
પરંતુ સૂકી ઉધરસ કેમ થાય છે અને તેનાં કારણો શું છે? સૂકી ઉધરસની સમસ્યાથી છૂટકારો મેળવવો શક્ય છે? સામાન્ય ગણાતી આ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા માટે ડૉક્ટર પાસે ક્યારે જવું?
આ વિશે જાણવા બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.
સૂકી ઉધરસ કેમ થાય છે?

અમદાવાદના ફેફસાં અને શ્વાસોચ્છવાસની સમસ્યાના નિષ્ણાત ડૉ. અવકાશ પટેલે સૂકી ઉધરસની સમસ્યા અંગે વાત કરતાં કહ્યું હતું કે, "સૂકી ઉધરસ મોટા ભાગે ત્રણ કારણોને લીધે થતી હોય છે."
"શિયાળામાં દમ ચડવાની તકલીફ સર્જાવાનું વધી જતું હોય છે. આ સમસ્યા એટલા માટે વધુ વિકટ બની જાય છે, કારણ કે તેનું સૌથી વધુ ખોટું નિદાન થાય છે."
તેઓ આગળ કહે છે કે, "તેમાં સામાન્યપણે ઍલર્જીની દવા આપવાની હોય છે. પરંતુ જનરલ ફિઝિશિયનો આ સમસ્યા પારખી શકતા નથી. જેથી તેનો ઇલાજ સમયસર નથી થઈ શકતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૂકી ઉધરસનું અન્ય સંભવિત કારણ જણાવતાં ડૉ. અવકાશ કહે છે કે, "આ સિવાય શિયાળામાં સિઝનલ ઇન્ફેકશન પણ વધી જાય છે. તેમાં ઉધરસની સમસ્યામાં ઇન્ફ્લુએન્ઝા ફૅમિલીના વાઇરસનો ચેપ જવાબદાર હોય છે."
આ સિવાય ત્રીજું કારણ જણાવતાં તેઓ કહે છે કે, "આ ખૂબ જ દુર્લભ કારણ છે, પરંતુ જ્યારે દર્દીને ઍસિડ રિફ્લક્સની સમસ્યા થાય ત્યારે પણ સૂકી ઉધરસ થઈ શકે છે."
ઉધરસને કેવી રીતે મટાડવી?

ડૉ. અવકાશ પટેલ સૂકી ઉધરસની સમસ્યાના ઉપચાર અંગે વાત કરતાં કહે છે કે, "જ્યારે દમના કારણે આ સમસ્યા સર્જાય ત્યારે નિષ્ણાત ડૉક્ટરની સલાહથી દર્દીને ઇન્હેલર વાપરવાનું કહી શકાય છે. પરંતુ દમની સમસ્યા બાબતે તેનું યોગ્ય નિદાન થાય તે પણ જરૂરી છે."
તેઓ ઉપચારો વિશે આગળ વાત કરતાં કહે છે કે, "જ્યારે સિઝનલ ઇન્ફેક્શનના કારણે સૂકી ઉધરસની સમસ્યા થાય તો તેના માટે એન્ટિ-બાયૉટિક કે એન્ટિ-વાઇરલ દવા આપી શકાય છે. તેમજ ઍસિડ રિફ્લક્સની સમસ્યા માટે પણ ડૉક્ટરની સલાહથી દવા લઈને સમસ્યા નિવારી શકાય છે."
આ વિશે જ્યારે ડૉ. અવકાશને પુછાયું કે સામાન્યપણે સૂકી ઉધરસની સમસ્યાને ખૂબ જ નાની તકલીફ ગણીને તેના પર ધ્યાન આપવામાં આવતું નથી, તો આવી પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે ક્યારે જવું?
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે ઘરગથ્થુ ઉપચારો કર્યા છતાં સમસ્યા જળવાઈ રહે કે તેમાં વધારો થાય તો ઓછામાં ઓછા બે દિવસ પછી તો આપના ફૅમિલી ડૉક્ટરની સલાહ જરૂર લેશો. જો તેમ છતાં તકલીફ રહે તો નિષ્ણાત ડૉક્ટરને બતાવવું હિતાવહ છે."
સૂકી ઉધરસનું પ્રમાણ કેમ વધી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
શિયાળામાં સૂકી ઉધરસની સમસ્યા થવાનું પ્રમાણ કેમ વધી જાય છે?
આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, "શિયાળામાં સૂકી ઉધરસની સમસ્યા વધુ સર્જાવાનું કારણ એ છે કે આ સિઝનમાં શ્વાસમાં લેવાતી હવા સૂકી હોય છે અને તાપમાન પણ ઓછું હોય છે. આના કારણે સૂકી ઉધરસની સમસ્યા વધી જાય છે."
જાણીતા પલ્મોનોલૉજિસ્ટ ડૉ. તુષાર પટેલ શિયાળામાં સૂકી ઉધરસની સમસ્યા વધવાનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, "શિયાળામાં શ્વાસને લગતા કૉમન ઇન્ફેક્શન થવાનું પ્રમાણ વધવાની સાથોસાથ હવામાં ઝેરી પ્રદૂષકો નીચે હોય છે. આના કારણે હાઇપર રિએક્ટિવ ઍરવેઝવાળી વ્યક્તિઓને આના કારણે શિયાળામાં સૂકી ઉધરસ થઈ શકે છે."
શિયાળામાં સૂકી ઉધરસની સમસ્યા વધવા માટેનાં કારણો અંગે જણાવતાં કહે છે:
- મોટાભાગે શિયાળામાં લગ્નપ્રસંગો અને અન્ય શુભ પ્રસંગોનું આયોજન વધુ થતું હોય છે
- લોકો પ્રિઝર્વેટિવવાળું અને અલગઅલગ તેલમાં રંધાયેલું ભોજન લે છે
- આવા પ્રસંગે લોકો એકબીજાને મળે તેના કારણે એકબીજાનો ચેપ લાગવાની અને ફેલાવાની શક્યતા પણ રહેલી હોય છે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












