ઉત્તરાખંડ : મદરેસાને હઠાવવાની કાર્યવાહી દરમિયાન હિંસા, શું છે સમગ્ર મામલો?

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં આવેલા બનભૂલપુરામાં ગુરુવારે સાંજે હિંસાની ઘટનાઓ થઈ હતી.

નૈનીતાલ પોલીસે કહ્યું કે હલ્દ્વાની પોલીસચોકીના બનભૂલપુરામાં પહેલાંથી જ નક્કી કરાયેલાં સ્થળો પર અતિક્રમણ હટાવવાનું કામ ચાલી રહ્યું હતું અને ત્યારે જ પથ્થરમારો શરૂ થઈ ગયો.

પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે એક વિશેષ સમુદાય દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા અને આગને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. આ કારણે સામાન્ય લોકોની સાથે સરકારી સંપત્તીઓને પણ નુકશાન થયું છે.

રાજ્યના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું છે કે અરાજક તત્ત્વોને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસ બનભૂલપુરામાં ગેરકાયદેસર રીતે બનાવેલા એક મદરેસાને તોડવાનું કામ કરાવી રહી હતી ત્યારે જ સ્થાનિક લોકોએ આગ ચાંપી દીધી અને પથ્થરમારો શરૂ કરી દીધો.

મદરેસાને હટાવવાના કાર્યમા નગરપાલિકાના કર્મચારી અને પોલીસ સામેલ હતાં

પીટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં થયેલી હિંસામા ઓછામાં ઓછા 60 લોકોને ઈજા પહોંચી છે.

નૈનીતાલની જિલ્લાનાં માહિતી અધિકારી જ્યોતિ સુંદરિયાલે બીબીસીના સહયોગી પત્રકાર રાજેશ ડોબરિયાલ સાથેની વાતચીતમાં ચાર લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે હિંસક ટોળાએ કેટલાંક વાહનો સળગાવી નાંખ્યાં હતાં. જોકે, વાહનોની સંખ્યા વિશે હાલમાં સ્પષ્ટપણે કંઈ કહી શકાય એમ નથી.

એક ડઝન જેટલા પત્રકારો સહિત કેટલાક પોલીસકર્મીઓ અને સિવિલ ઍડમિનિસ્ટ્રેશનના લોકો પણ આ હિંસામા ઇજાગ્રસ્ત થયા છે.

સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુરુવારે સાંજે જ કેન્દ્રીય સુરક્ષાદળોની ચાર બટાલિયન સહિત નજીકના જિલ્લાઓમાંથી પોલીસદળોને હલ્દ્વાની બોલાવી લેવાયાં છે.

આ વિસ્તારના એસએસપી પ્રહ્લાદ મીણાએ કહ્યું છે કે મદરેસાને સરકારી જમીન પર ગેરકાયદે બનાવવામાં આવી હતી અને તેને તોડવાની નોટીસ પહેલાંથી જ આપી દેવાઈ હતી.

નૈનીતાલનાં ડીએમ વંદના સિંહે કહ્યું છે કે હલ્દ્વાનીમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, જે આગામી આદેશો સુધી ચાલુ રહેશે.

મુખ્ય મંત્રીએ શું કહ્યું?

ઉત્તરાખંડનાં મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીના કાર્યાલાય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવદેનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય મંત્રીએ હલ્દ્વાનીના બનભૂલપુરા વિસ્તારમાં ગેરકાયદેસર નિર્માણને તોડવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પર થયેલા હુમલાઓ અને વિસ્તારમાં થયેલી ઘટનાની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે.

મુખ્ય મંત્રી કાર્યાલાયે નિવેદનમાં જણાવ્યું છે, “મુખ્ય મંત્રીએ સપષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિને કાયદો વ્યવસ્થા સાથે છેડછાડ કરવાની છુટ ન મળવી જોઈએ. વહીવટી તંત્રના અધિકારીઓ આ વિસ્તારમાં કાયદોવ્યવસ્થા જાળવી રાખવાના સતત પ્રયાસો કરી રહ્યા છે.”

કાર્યાલયે નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે જિલ્લા અધિકારીએ મુખ્ય મંત્રીને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે બનભૂલપુરામાં કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે અને સ્થિતિને સામાન્ય રાખવા માટે અરાજક તત્ત્વોને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

હલ્દ્વાનીના બનભૂલપુરા વિસ્તારમાં રેલવેની જમીન પર કરાયેલ ગેરકાયદેસર બાંધકામને હટાવવા માટે વહીવટી તંત્ર અભિયાન ચલાવી રહ્યું છે. આ એક ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જ્યાં લઘુમતીઓની સંખ્યા વધુ છે.

ગુરુવારે સાંજે મદરેસાને તોડવાનું કામ શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા અને ધક્કામુક્કી થઈ હતી. એ બાદ પથ્થરમારો શરૂ થયો અને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

વહીવટી તંત્રે કહ્યું છે કે આક્રોશિત ટોળાએ બનભૂલપુરા પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો અને અનેક પોલીસવાહનોને આગ ચાંપી દીધી હતી.

પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગૅસ છોડ્યો હતો.

ભાજપનાં નેતા નેહા જોષીએ આ હિંસાને રાજ્યામાં લાગુ કરવામાં આવેલ સમાન નાગરિક સંહિતા સાથે જોડી છે.

સોશિયલ મીડિયા સાઈટ ‘એક્સ’ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, “આ માત્ર સંજોગ ન હોઈ શકે. યુસીસી પસાર થયાના 24 કલાકની અંદર હલ્દ્વાનીમાં હિંસા ફાટી નીકળી. પોલીસ અને મીડિયાકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આગચંપી કરવામાં આવી હતી.”