ફ્રેક્ચર કે બાયપાસ સર્જરી નિમેષ દેસાઈને નાટકથી દૂર ન રાખી શકતા

    • લેેખક, પરેશ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

થોડા દાયકાઓ પહેલાની વાત છે, લગભગ વહેલી સવારનો સમય છે. ગુજરાતી સાહિત્યના બહુ મોટા કવિ અને ગીતકાર રમેશ પારેખ અમદાવાદના બસ સ્ટેશન ઉપર ઉભા છે. તેમની સાથે એક યુવાન દિગ્દર્શક છે.

આ દિગ્દર્શકે કેટલાય દિવસોથી રમેશ પારેખને પોતાની ફિલ્મ માટે ગીત લખવાનું કહ્યું છે.

અંતે રમેશ પારેખને એક ગીત સૂઝ્યું, પણ ત્યારે એ ગીતને ટપકાવવા માટે પારેખ સાહેબ કે દિગ્દર્શક બંનેમાંથી કોઈની પાસે કાગળ નહોતો.

અંતે પારેખ સાહેબે એ ગીત બસની ટીકીટ પાછળ લખી આપ્યું. એ હતું ગુજરાતી ભાષાનું અમર ગીત 'સાંવરિયો રે મારો સાંવરિયો' અને એ દિગ્દર્શક એટલે નિમેષ દેસાઈ.

તમને આ વાંચવું પણ ગમશે :

લગભગ ચાર દાયકા કરતા વધારે સમયથી રંગભૂમિ સાથે જોડાયેલા અને પોતાની અંદર સતત રંગભૂમિને ધબકતી રાખનારા નિમેષભાઈ આપણી વચ્ચેથી અચાનક જ એક્ઝીટ મારી ગયા.

નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી એમના પર આફરીન હતા

નિમેષભાઈનું ગુજરાતી રંગભૂમિ પર બહુ મોટું યોગદાન રહ્યું છે. અઢીથી ત્રણ કલાકના લગભગ ૧૦૫ જેટલા નાટકોનું દિગ્દર્શન, 'નસીબની બલિહારી' અને 'કુખ' જેવી ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું.

૧૯૮૨માં રીલીઝ થયેલી 'નસીબની બલિહારી' ફિલ્મમાં પરેશ રાવલ, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જેવા દિગ્ગજ કલાકારોએ અભિનય કર્યો હતો.

એક વાયકા મુજબ નિમેષ દેસાઈએ ભજવેલા 'વેઈટીંગ ફોર ગોદો'નાટકના ગુજરાતી પ્રયોગ ઉપર નસીરુદ્દીન શાહ અને ઓમપુરી આફરીન પોકારી ગયા હતા.

પોતાના સંઘર્ષના દિવસોમાં પણ આ બે કલાકારોએ તેમનું બે દિવસનું એક સમયનું જમવાનું જતું કરીને બચાવેલા પૈસામાંથી નિમેષ દેસાઈને મોંઘી હોટલમાં લંચ કરાવ્યું હતું.

કહેવાય છે કે આ નાટક એટલું પ્રસિદ્ધ થયું હતું કે તેના કારણે નિમેષભાઈને 'ઉત્સવ' ફિલ્મમાં અભિનય કરવાની તક મળી હતી.

ઇસરોની નોકરી છોડી ‘કોરસ’ બનાવ્યું

કારકિર્દીની શરૂઆતમાં નિમેષભાઈ 'ઇસરો'માં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા અને એ સમયગાળામાં જ પૂનાની એફટીઆઈઆઈમાં ફિલ્મ મેકિંગની ટ્રેનીંગ લીધી હતી.

એ વખતે નિમેષભાઈએ 'કોરસ' થિયેટર ગૃપની સ્થાપના કરી અને પછી શરૂ થઈ અવનવા નાટકો સાથેની આજીવન ચાલનારી યાત્રા.

બસ પછી તો આ નાટકોનો રંગ નિમેષભાઈ ઉપર એવો ચઢ્યો કે એમણે ઈસરોની નોકરી છોડીને પોતાની જાતને રંગભૂમિને સમર્પિત કરી દીધી.

એક કલાકારનું જીવન ક્યારેય સીધી લીટીમાં જતું નથી હોતું. નિમેષભાઈ સાથે પણ એવું જ બન્યું, નાટકો અને સીરીયલ્સમાં નિમેષભાઈ એટલા ખુંપી ગયા હતા કે તેમને આર્થિક બાબતોનો ખ્યાલ જ ન રહ્યો.

આવા સમયે દેવામાં ઉતરી ગયેલા નિમેષભાઈને તેમના પિતા નિરંજનભાઈએ પોતાનો બંગલો અને જમીન વેચીને દેવું ચૂકવવામાં મદદ કરી હતી.

આવા પુત્ર વત્સલ અને કળા વત્સલ પિતાની સ્મૃતિમાં નિમેષભાઈએ નાટકો અને નાટ્ય સંગીતના ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું.

નાટક એ જ જીવન

નિમેષભાઈ માટે નાટક એ એક ઝનુન હતું.

જીવનના છેલ્લા વર્ષોમાં એ લાકડીના ટેકે માંડ ચાલી શકતા પણ જયારે જ્યારે રંગભૂમિ ઉપર અભિનય કરવા આવે ત્યારે આ બધી અગવડો વચ્ચે પણ તેમની અભિનય ક્ષમતાનો ચમકારો જોવા મળી જ જાય.

ઢળતી ઉંમરે પણ ફ્રેકચર હોય, પડી ગયા હોય કે પછી બાયપાસ સર્જરી કરાવી હોય એવી પરિસ્થિતિમાં પણ નિમેષભાઈનું નાટક રોકાય નહીં.

રંગમંચ ઉપર નિમેષભાઈને નાટ્યગીતો ગાતા જોવા એ તો એક લહાવો હતો.

એમણે ગાયેલા ગીતોની યાદી બહુ લાંબી છે, જેમકે 'પીયુજી મારો પાપી, સાવ ખાલી પિયાલી મને આપી.', 'જોજો..જોજો...પડી ન જાય....જોજો પડી ન જાય...કોઈને મકનજી ઢાંકેલું આપણું આંસુ જડી ન જાય.’ ‘લીલી દરાખ દસ રૂપિયે કિલો, પણ આંસુ કિંમતનું શું?', 'ઓ નામો ના પાડનાર રે...આ શેનું નામ પાડ્યું તે જિંદગી', 'એ ચા ઇલાયચીવાળી પીએ, સાથે બટરવાળું બિસ્કુટ પણ લિયે, ને પછી શહેનશાહની જેમ જીવે' આ બધા ગીતોમાં નિમેષભાઈના ક્મ્પોઝીશન અને ગાયકીએ, ગીતોને એક નવો જ અર્થ આપ્યો છે.

નિમેષભાઈએ ગુજરાતી રંગભૂમિ ઉપર 'સરસ્વતીચંદ્ર', 'ભારેલો અગ્નિ', 'મળેલાં જીવ' જેવી નવલકથાઓ પરનાં નાટકો પણ આપ્યાં છે.

શેક્સપિયરથી લઇ અસગર વજાહત, મોહન રાકેશ, ધર્મવીર ભારતી જેવા વિશ્વરંગભૂમિના નાટ્યકારોની કૃતિઓ પણ ગુજરાતી રંગભૂમિ ઉપર ભજવી હતી.

નિમેષભાઈની સાથે નાટકો ઉપરાંત પણ ઘણા કિસ્સાઓ અને વાયકાઓ જોડાયેલી હતી. જેમ કે હોસ્પીટલમાંથી ડાયાબિટીસની સારવાર લઈને બહાર આવતા જ તે સીધા જ લારી પર ફાફડા-જલેબી ખાવા બેઠા હતા.

નિમેષભાઈ હવે જ્યારે પણ ગુજરાતી રંગભૂમિ ઉપર કોઈ ગીત લલકારશે ત્યારે તમારી ખોટ સાલશે....તમે બહુ યાદ આવશો...કદાચ અત્યારે ઈશ્વર તમારું ગીત સાંભળવામાં મશગુલ હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો