લૉરિયલના વારસ લિલિયન બેટનકોર્ટનું 94 વર્ષની ઉંમરે નિધન

સૌંદર્ય પ્રસાધન બનાવતી ફ્રાન્સની કંપની લૉરિયલના વારસદાર લિલિયન બેટનકોર્ટનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે.

બેટનકોર્ટ પરિવારે આ અંગે પુષ્ટિ કરી છે.

લિલિયન બેટનકોર્ટ દુનિયાના સૌથી ધનવાન મહિલા હતા. 2017માં તેમની સંપત્તિ 33 બિલિયન યુરો (લગભગ રૂ. 250 અબજ) આંકવામાં આવી હતી.

વર્ષ 2017ની ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં લિલિયન 14મા ક્રમે હતા.

લિલિયન 2012માં કંપનીના બોર્ડમાંથી ખસી ગયા. લિલિયનની કથળતી તબિયતનો ગેરલાભ ઉઠાવવાના પ્રયાસમાં આઠ લોકો દોષિત ઠર્યા હતા. લિલિયન ડિમનેશિયા (ચિત્તભ્રંશ)ની બીમારીથી પીડાઈ રહ્યા હતા.

લૉરિયલના ચેરમેન તથા સીઈઓ જ્યાં-પૉલ આર્ગાનના નિવેદન પ્રમાણે, "અમે બધાય લિલિયન બેટનકોર્ટને ખૂબ જ પ્રેમ કરતા. તેમણે હંમેશા કંપની તથા તેના કર્મચારીઓની સંભાળ રાખી. કંપનીની પ્રગતિ અને સફળતા સાથે તેઓ પ્રત્યક્ષ રીતે જોડાયેલા હતા."

"તેમણે ખુદ વર્ષો સુધી લૉરિયલને સફળ બનાવવામાં યોગદાન આપ્યું. એક મહાન મહિલા અમને છોડી ગયા, અમે તેમને ક્યારેય નહીં ભૂલીએ."

લિલિયનના પિતા ઉઝેન શ્વેલરે 1909માં કંપની શરૂ કરી. જે આજે લૉરિયલ ગ્રૂપ બની ગયું છે.