Ind vs Pak : છેલ્લી ઓવરનો એ બૉલ જેની ટીકા આખું પાકિસ્તાન કરી રહ્યું છે

મૅલબર્નમાં રમાયેલી ટી20 વર્લ્ડકપની મૅચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી દીધું.

મ‌ૅચની અંતિમ ઓવર અત્યંત રોમાંચક રહી હતી અને એ મૅચમાં ભારતને જીતવા માટે 16 રનની જરૂર હતી.

આ ઓવર મોહમ્મદ નવાઝે ફેંકી હતી અને એમાં એમણે કેટલીક એવી ભૂલો કરી હતી કે એક સમયે મુશ્કેલ લાગતો ભારતનો વિજય આસાન બની ગયો હતો.

પ્રથમ બૉલે હાર્દિક પંડ્યાને 40 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કર્યા બાદ દિનેશ કાર્તિક ક્રીઝ પર આવ્યા.

આ ઓવરમાં પણ કોહલી પોતાની સફળ ઇનિંગ આગળ ધપાવી શક્યા. અંતિમ ઓવરના ચોથા બૉલે છગ્ગો ફટકારી તેમણે ભારતને જીતની તરફ વધુ આગળ લઈ જવામાં ભૂમિકા ભજવી. આ બૉલને અમ્પાયરો દ્વારા નો-બૉલ અપાતાં ભારતની જીતની આશા જીવંત રહી.

તે બાદનો બૉલ પણ વાઇડ અપાયો અને અંતે માન્ય બૉલ પર કોહલી ફ્રી હિટમાં બોલ્ડ થયા પરંતુ ત્રણ રન મેળવવામાં સફળતા મેળવી.

ક્રીઝ પર નવા આવેલા કાર્તિક પાસે સ્ટ્રાઇક આવતાં તેઓ આ બૉલે સ્ટમ્પ્ડ આઉટ થયા. અંતે ક્રીઝ પર નવા આવેલા રવિચંદ્રન અશ્વિને અંતિમ બૉલનો સામનો કરવાનો વારો આવ્યો.

જેમાં બે રનની આવશ્યકતા હતી. પરંતુ મોહમ્મદ નવાઝે વાઇડ બૉલ ફેંકતાં માત્ર એક બૉલ પર એક રનની જરૂરિયાત રહી. જે અશ્વિને આસાનીથી મેળવી લીધો.

જોકે, હવે અંતિમ ઓવરના આ ચોથા બૉલ પર પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્બરે ટ્વિટર પર આ બૉલનો સ્ક્રિન શૉટ શૅર કર્યો છે.

તેમણે ટ્વિટ કર્યું, "અમ્પાયર ભાઈઓ, આજ રાત માટે 'ફૂડ ફૉર થૉટ્સ'"

શોએબના આ ટ્વીટ પર અનેક પ્રતિક્રિયાઓ આવી અને એ સાથે જ પાકિસ્તાન અને ભારતમાં ટ્વિટર પર 'નો બૉલ' ટ્રેન્ડ થવા લાગ્યો.

પાકિસ્તાનના જાણીતા ગાયક અને અભિનેતા અલી ઝફરે ટ્વિટ કર્યું, "આની તપાસ થવી જોઈએ? મને નથી ખબર. જાણતલ અને કાયદો શું કહે છે? કેમ કે એ બૉલ ટર્નિંગ પૉઇન્ટ હતો અને એ બાદ બાબર આઝમ અમ્પાયર સામે વિરોધ કરતા જોઈ શકાય છે."

પાકિસ્તાનનાં મહિલા ક્રિકેટર આઇમન અનવરે ટ્વિટર પર લખ્યું, "નો બૉલ, ફ્રી હિટ બૉલ્ડ ત્રણ રન!!! મહત્તમ બાઉન્ડ્રી સાથે ઇંગ્લૅન્ડ કઈ રીતે વર્લ્ડકપ જીત્યું એવું જ કંઈક. સજ્જનોની રમતના નિમયો ઘણા વખત આકરા હોય છે. "

તુર્કિશ લેખક રમાઝાન આઇઝોલે આને 'શરમજનક અમ્પાયરિંગ' ગણાવી.

તેમણે રમીઝ રાજાને ટૅગ કરીને આ મામલે ફરિયાદ નોંધાવવા પણ કહ્યું.

મૅચમાં શું થયું હતું?

આમ, પાકિસ્તાને અંતિમ ઓવરમાં છેક હાથમાં આવેલો વિજય ગુમાવવો પડ્યો.

આ પહેલાં ભારતીય ઇનિંગમાં ચાર વિકેટ શરૂઆતમાં જ પડી જતાં વિજય મેળવવાનું મુશ્કેલ લાગી રહ્યું હતું. પરંતુ ભારતના સદ્ભાગ્યે અંત તેમના માટે સુખદ રહ્યો.

ભારત તરફથી ઓપનિંગ કરવા આવેલા કે. એલ. રાહુલ અને રોહિત શર્મા ચાર-ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તેમજ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ પણ અનુક્રમે 15 અને બે રનના સ્કોરે આઉટ થઈ ગયા હતા.

પાકિસ્તાન તરફથી હૅરિસ રાઉફ, મોહમ્મદ નવાજ અને નસીમ શાહે અનુક્રમે બબ્બે અને એક વિકેટ ઝડપી હતી.

આ પહેલાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો. બૉલિંગમાં ભારતની શરૂઆત અત્યંત સારી રહી. બીજી જ ઓવરમાં અર્શદીપે પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમની વિકેટ લીધી. આ બાદ ચોથી ઓવરમાં તેમણે રિઝવાનને પેવેલિયન પાછા મોકલ્યા.

બાબર આઝમ ખાતું ખોલાવ્યા વગર જ એલબીડબ્લ્યૂ આઉટ થયા અને રિઝવાને કુલ ચાર રન કર્યા. પરંતુ શાન મસૂદ અને ઇફ્તિખાર અહમદે ઇનિંગ સંભાળી. ઇફ્તિખાર અહમદે 51 રન બનાવ્યા અને શાન મસૂદ 52 રન બનાવીને નોટ આઉટ રહ્યા.

ભારત તરફથી અર્શદીપ અને હાર્દિક પંડ્યાને ત્રણ-ત્રણ વિકેટ મળી. પાકિસ્તાનની ટીમે 91 રને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ શમીએ તેમની ત્રીજી ઓવરમાં ઇનિંગ માટે તેમની પ્રથમ સફળતા હાંસલ કરી હતી.

શાદાબ ખાનના સ્વરૂપમાં પાકિસ્તાને તેમની ચોથી વિકેટ પણ 96 રનના સ્કોરે ગુમાવી હતી. ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેમની વિકેટ લીધી હતી.

ઇફ્તિખાર અહેમદ આઉટ થતાં મેદાન પર આવેલા શાદાબ પાંચ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.

એ બાદ ક્રિઝ પર નવા આવેલા હૈદર અલી પણ મેદાન પર ઝાઝું ટકી શક્યા નહોતા અને હાર્દિક પંડ્યાની ત્રીજી ઓવરમાં તેમનો બીજો શિકાર બન્યા હતા.

હૈદર અલી ચાર બૉલ પર માત્ર બે રન જ બનાવી શક્યા હતા. પાકિસ્તાનની ટીમ પાંચ વિકેટના નુકસાને 100 રન બનાવી ચૂકી છે.

હૈદરના સ્થાને આવેલા મોહમ્મદ નવાઝ પણ નવ રન બનાવીને હાર્દિકનો શિકાર બન્યા. વિકેટ કીપર દિનેશ કાર્તિકે તેમનો કૅચ ઝડપ્યો હતો.

મૅચની શરૂઆતમાં જ બે વિકેટો ખેરવી ચૂકેલા અર્શદીપ ફરીથી પાકિસ્તાનના બૅટરો પર હાવી થયા અને નવાઝના સ્થાને આવેલા આસિફ અલીને બે રનમાં જ દિનેશ કાર્તિક પાસે કૅચ કરાવીને આઉટ કરી દીધા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો