You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત વિ. પાકિસ્તાન : ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં કરેલી એ ત્રણ ભૂલ, જેનાથી ભારતે હારેલી બાજી જીતી લીધી
ભારતીય ક્રિકેટ ટીમે મેલબર્ન ખાતેની ટી-20 મૅચમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું.
ભારતની જીતના હીરો ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી રહ્યા હતા. જેમણે માત્ર 53 બૉલમાં 82 રન બનાવ્યા હતા. શરૂઆતમાં ફટાફટ વિકેટો પડવા છતાં વચ્ચે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની જોડીએ બાજી સંભાળી લીધી હતી.
આ પાર્ટનરશિપ છતાં ચર્ચા પાકિસ્તાનની અંતિમ ઓવરની થઈ રહી છે. જે પાકિસ્તાન માટે હાર તરફ અંતિમ ડગલું બની. ભારતની ટીમ જીતથી માત્ર 16 રન દૂર હતી ત્યારે પાકિસ્તાન તરફથી બૉલિંગની ધુરા મોહમ્મદ નવાજને સોંપાઈ.
પ્રથમ બૉલે હાર્દિક પંડ્યાને 40 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કર્યા બાદ દિનેશ કાર્તિક ક્રીઝ પર આવ્યા. આ ઓવરમાં પણ કોહલી પોતાની સફળ ઇનિંગ આગળ ધપાવી શક્યા.
અંતિમ ઓવરના ચોથા બૉલે છગ્ગો ફટકારી તેમણે ભારતને જીતની તરફ વધુ આગળ લઈ જવામાં ભૂમિકા ભજવી. આ બૉલને અમ્પાયરો દ્વારા નો-બૉલ અપાતાં ભારતની જીતની આશા જીવંત રહી.
તે બાદનો બૉલ પણ વાઇડ અપાયો. અને અંતે માન્ય બૉલ પર કોહલી ફ્રી હિટમાં બોલ્ડ થયા પરંતુ ત્રણ રન મેળવવામાં સફળતા મેળવી.
ક્રીઝ પર નવા આવેલા કાર્તિક પાસે સ્ટ્રાઇક આવતાં તેઓ આ બૉલે સ્ટમ્પ્ડ આઉટ થયા.
અંતે ક્રીઝ પર નવા આવેલા રવિચંદ્રન અશ્વિને અંતિમ બૉલનો સામનો કરવાનો વારો આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં બે રનની આવશ્યકતા હતી.
પરંતુ મોહમ્મદ નવાજે વાઇડ બૉલ ફેંકતા માત્ર એક બૉલ પર એક રનની જરૂરિયાત રહી. જે અશ્વિને આસાનીથી મેળવી લીધો.
અને આમ, પાકિસ્તાને અંતિમ ઓવરમાં છેક હાથમાં આવેલો વિજય ગુમાવવો પડ્યો.
આ પહેલાં ભારતીય ઇનિંગમાં ચાર વિકેટ શરૂઆતમાં જ પડી જતાં વિજય મેળવવાનું મુશ્કેલ લાગી રહ્યું હતું. પરંતુ ભારતના સદ્ભાગ્યે અંત તેમના માટે સુખદ રહ્યો.
ભારત તરફથી ઓપનિંગ કરવા આવેલા કે. એલ. રાહુલ અને રોહિત શર્મા ચાર-ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તેમજ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ પણ અનુક્રમે 15 અને બે રનના સ્કોરે આઉટ થઈ ગયા હતા.
પાકિસ્તાન તરફથી હૅરિસ રાઉફ, મોહમ્મદ નવાજ અને નસીમ શાહે અનુક્રમે બબ્બે અને એક વિકેટ ઝડપી હતી.
ભારતે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો
આ પહેલાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો. બૉલિંગમાં ભારતની શરૂઆત અત્યંત સારી રહી. બીજી જ ઓવરમાં અર્શદીપે પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમની વિકેટ લીધી. આ બાદ ચોથી ઓવરમાં તેમણે રિઝવાનને પેવેલિયન પાછા મોકલ્યા.
બાબર આઝમ ખાતું ખોલાવ્યા વગર જ એલબીડબ્લ્યૂ આઉટ થયા અને રિઝવાને કુલ ચાર રન કર્યા.
પરંતુ શાન મસૂદ અને ઇફ્તિખાર અહમદે ઇનિંગ સંભાળી. ઇફ્તિખાર અહમદે 51 રન બનાવ્યા અને શાન મસૂદ 52 રન બનાવીને નોટ આઉટ રહ્યા.
ભારત તરફથી અર્શદીપ અને હાર્દિક પંડ્યાને ત્રણ-ત્રણ વિકેટ મળી.
પાકિસ્તાનની ટીમે 91 રને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ શમીએ તેમની ત્રીજી ઓવરમાં ઇનિંગ માટે તેમની પ્રથમ સફળતા હાંસલ કરી હતી.
શાદાબ ખાનના સ્વરૂપમાં પાકિસ્તાને તેમની ચોથી વિકેટ પણ 96 રનના સ્કોરે ગુમાવી હતી.
ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેમની વિકેટ લીધી હતી.
ઇફ્તિખાર અહેમદ આઉટ થતાં મેદાન પર આવેલા શાદાબ પાંચ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
એ બાદ ક્રિઝ પર નવા આવેલા હૈદર અલી પણ મેદાન પર ઝાઝું ટકી શક્યા નહોતા અને હાર્દિક પંડ્યાની ત્રીજી ઓવરમાં તેમનો બીજો શિકાર બન્યા હતા.
હૈદર અલી ચાર બૉલ પર માત્ર બે રન જ બનાવી શક્યા હતા. પાકિસ્તાનની ટીમ પાંચ વિકેટના નુકસાને 100 રન બનાવી ચૂકી છે.
હૈદરના સ્થાને આવેલા મોહમ્મદ નવાઝ પણ નવ રન બનાવીને હાર્દિકનો શિકાર બન્યા. વિકેટ કીપર દિનેશ કાર્તિકે તેમનો કૅચ ઝડપ્યો હતો.
મૅચની શરૂઆતમાં જ બે વિકેટો ખેરવી ચૂકેલા અર્શદીપ ફરીથી પાકિસ્તાનના બૅટરો પર હાવી થયા અને નવાઝના સ્થાને આવેલા આસિફ અલીને બે રનમાં જ દિનેશ કાર્તિક પાસે કૅચ કરાવીને આઉટ કરી દીધા.
અર્શદીપે મૅચમાં ત્રણ વિકેટો ઝડપી હતી.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ ગ્રૂપ 2માં છે.
ભારતની ટીમ : રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર. અશ્વિન. ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, મોહમ્મદ શામી અને અર્શદીપ સિંહ.
પાકિસ્તાનની ટીમ : બાબર આઝા, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, શાદાબ ખાન, હૈદર અલી, ઇફ્તખાર અહમદ, મોહમ્મદ નવાઝ, આસીફ અલી, શાહીનશાહ આફ્રિદી, નસીમ શાહ અને હૅરિસ રાઉફ.
મેલબર્નમાં આજે વાદળછાયું હવામાન રહેવાનું છે અને વરસાદની સંભાવનાઓ પણ પ્રબળ છે. પરંપરાગત કટ્ટર હરિફ ગણાતી આ ટીમો વચ્ચે છેલ્લે એશિયા કપમાં બે મૅચ રમાઈ હતી જેમાં એકમાં ભારત અને બીજીમાં પાકિસ્તાનની જીત થઈ હતી.
ભારતે પહેલી મૅચ બે બૉલ બાકી રહ્યા હતા ત્યારે જીતી હતી અને પાકિસ્તાને બીજી મૅચ એક બૉલ બાકી રહ્યો ત્યારે જીતી હતી.
ભારતે રમેલી તાજેતરની 5 ટી-20 મૅચમાંથી ચાર મૅચમાં જીત અને એક મૅચમાં હાર મળી હતી. પાકિસ્તાને પણ છેલ્લે રમેલી 5 ટી-20 મૅચમાંથી 4 મૅચમાં જીત અને એક મૅચમાં હાર મેળવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મૅચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સ્થિતિ એવી છે કે વર્ષ 2012-13થી અત્યાર સુધી બંને ટીમો વચ્ચે એકપણ સિરીઝ થઈ નથી પરંતુ આઈસીસીની ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે મૅચો યોજાતી રહે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો