You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માસિક સમયે સામાન્ય કરતાં વધારે પડતું બ્લીડિંગ થાય છે તે મેનોરેજિયા શું છે?
- લેેખક, સુઝાના વિલિયમ્સ અને ટોમી એડેનિરાન
- પદ, બીબીસી મુન્ડો
- મેનોરેજિયાનો સામનો લગભગ 25 ટકા મહિલાઓ કરતાં હોય છે, તેને હેવી મેનસ્ટ્રુઅલ બ્લીડિંગ પણ કહેવામાં આવે છે અને આ સ્થિતિમાં પિરિયડ્સ અસાધારણ પ્રમાણમાં પીડાકારી અને લાંબા હોય છે
- 'નૉર્મલ' પિરિયડ્સ દરમિયાન સ્ત્રીઓમાંથી 70થી 80 મિલીલિટર પ્રવાહી વહેતું હોય છે જેમાં આશરે 50 ટકા લોહી હોય છે, પરંતુ હેવી મેન્સ્ટ્રુઅલમાં સ્ત્રીઓનું શરીર આશરે 160થી 400 મિલીલિટર પ્રવાહી વહેતું હોય છે
- હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગમાં દર એકથી બે કલાકે પેડ અથવા ટેમ્પનમાં રક્તસ્રાવ થાય છે, સાત દિવસથી વધારે સમય માસિક ચાલતું રહે છે અને બ્લડ ક્લોટ્સનો પેસેજ અઢી સેન્ટીમીટરથી મોટો હોય છે
પોતાના પિરિયડ્સ નૉર્મલ છે કે નહીં એ ઘણી સ્ત્રીઓ જાણતાં નથી હોતાં. આ વાત આશ્ચર્યજનક નથી.
દરેક સ્ત્રી અલગ હોય છે અને તેઓ ચોક્કસ પ્રકારના સવાલો પૂછતા અથવા તો પોતાની સાથે દર મહિને જે થાય છે એ વિશે સખીઓ તથા પરિવારજનો સાથે વાત કરવામાં મૂંઝારો અનુભવે છે.
ઘણી વખત માસિક દરમિયાન વધારે પ્રમાણમાં લોહી પડે છે. વાસ્તવમાં મેનોરેજિયા તરીકે ઓળખાતી આ ક્લિનિકલ પરિસ્થિતિનો સામનો લગભગ 25 ટકા સ્ત્રીઓ કરે છે.
મેનોરેજિયાને હેવી મેનસ્ટ્રુઅલ બ્લીડિંગ પણ કહેવામાં આવે છે. એ સ્થિતિમાં પિરિયડ્સ અસાધારણ પ્રમાણમાં પીડાદાયી અને લાંબા હોય છે.
સામાન્ય કરતાં વધારે બ્લીડિંગ
'નૉર્મલ' પિરિયડ્સ દરમિયાન સ્ત્રીઓમાંથી 70થી 80 મિલીલિટર પ્રવાહી વહે છે. એ પ્રવાહીમાં આશરે 50 ટકા લોહી હોય છે, પરંતુ હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગની તકલીફ ધરાવતી સ્ત્રીઓના શરીરમાંથી આશરે 160થી 400 મિલીલિટર પ્રવાહી વહેતું હોય છે.
હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગનાં સર્વસામાન્ય લક્ષણો આ મુજબ છેઃ
- દર એકથી બે કલાકે પેડ અથવા ટેમ્પનમાં રક્તસ્રાવ થાય છે
- સાત દિવસથી વધારે સમય માસિક ચાલતું રહે છે
- બ્લડ ક્લોટ્સનો પેસેજ અઢી સેન્ટીમીટરથી મોટો હોય છે
હેવી પિરિયડ્સ ખરાબ બાબત છે?
મેનોરેજિયાની સ્થિતિ બહુ સામાન્ય હોય છે એટલે તેનાથી પીડાતાં સ્ત્રીઓને તેની ખબર હોતી નથી.
કેટલીક સ્ત્રીઓ તો એવું માની લે છે કે તેમના પિરિયડ્સ નૉર્મલ છે, પરંતુ આ પ્રકારે વિચારવું જોખમી છે, કારણ કે હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ ક્યારેક ફ્રાઈબ્રોઈડ્ઝ, એન્ડોમેટ્રીઓસિસ, યોનીમાર્ગમાં ચેપ અથવા બ્લીડિંગ સંબંધી રોગ જેવી અજાણી સમસ્યાનો સંકેત હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગર્ભાધાન રોકવા માટે તાજેતરમાં મુકાવેલી ઈન્ટ્રાયુટેરિન ડિવાઇસ (આંકડી) પણ થોડા સમય માટે હેવી બ્લીડિંગનું કારણ બનતી હોય છે.
હેવી બ્લીડિંગને કારણે અંદાજે બે-તૃતીયાંશ સ્ત્રીઓના શરીરમાં લાંબા ગાળે આયર્નની ઊણપ સર્જાતાં એનેમિયા આકાર પામે છે.
પિરિયડ્સ દરમિયાન સ્ત્રીઓના શરીરમાંથી જે લોહી વહી જાય છે તેમાં તેઓ રક્તકણો પણ ગુમાવે છે. આ રક્તકણો શરીરને ઓક્સિજન એટલે કે ઊર્જા પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
કોઈ સ્ત્રીને દર મહિને હેવી બ્લીડિંગ થતું હોય તો તેનું શરીર સામાન્ય કરતાં વધુ પ્રમાણ રક્તકણો ગુમાવે તે દેખીતું છે.
એનીમિયા વિકસવામાં સમય લાગે છે અને એ સ્ત્રીના રોજિંદા જીવન પર મોટી અસર કરતાં વિવિધ લક્ષણોના સર્જનનું કારણ બની શકે છે. એનિમિયાને કારણે માથાનો દુખાવો, બ્રેઈન ફોગ, હૃદયના ધબકારામાં વધારો અને વજનમાં ઘટાડો પણ થઈ શકે છે.
હેવી પિરિયડ્સ આવતા હોય તો શું કરવું?
હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ થવાની શંકા હોય તો સૌપ્રથમ તો શક્ય હોય તેટલી ત્વરાએ ડૉક્ટર સાથે વાત કરવી જરૂરી છે. ડૉક્ટર સાથેની પહેલી મુલાકાત બાદ તેના નિદાનમાં ઘણા મહિનાનો સમય લાગી શકે છે. તેથી અધવચ્ચે સારવાર છોડવી નહીં.
ડૉક્ટર સાથે મુલાકાત વખતે તમારી પાસે તમારી સમસ્યા સંબંધી તમામ માહિતી હોય તો એ બહુ ઉપયોગી સાબિત થશે.
પિરિયડ્સ વખતે તમે શરીરમાંથી કેટલું લોહી ગુમાવો છો તેની ગણતરી, મેસ્ટ્રુઅલ કપના ઉપયોગ અથવા તો દર મહિને પિરિયડ્સ વખતે તમે કેટલી સેનિટરી આઇટમ્સનો ઉપયોગ કરો છો તેના વડે કરી શકો. એ માહિતી ડૉક્ટરને આપી શકાય.
મેન્સ્ટ્રુઅલ ડાયરી રાખવાનું અથવા તો ટ્રેકિંગ ઍપનો ઉપયોગ મદદરૂપ બની શકે. ઉપરાંત પરિવારમાં કોઈ સ્ત્રીને આવી સમસ્યા હતી કે નહીં એ જાણી લેવું જોઈએ. તમે આ બધું નહીં કર્યું હોય તો ડૉક્ટર અંતિમ નિદાન કરતાં પહેલાં આવી બાબતો પર થોડા મહિના ધ્યાન રાખવાનું કહી શકે છે.
ડૉક્ટર તમને હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગની અસર ઘટાડે તેવી બર્થ કન્ટ્રોલ પિલ અથવા ટ્રેક્સામિડ એસિડ સહિતની દવાઓ લેવાની ભલામણ કરી શકે. ફાઈબ્રોઇડ્ઝ જેવી અન્ય તકલીફને લીધે હેવી બ્લીડિંગ થતું હોય તો તેના નિવારણ માટે શસ્ત્રક્રિયાના વિકલ્પને અજમાવવો પડે.
તમને એવું લાગતું હોય કે તમને એનીમિયા હોઈ શકે છે તો તમારાં શારીરિક લક્ષણો પર નજર રાખવી એ પણ એટલું જ મહત્ત્વનું છે, ખાસ કરીને પિરિયડ્સ પહેલાં અને પછી.
ચિંતા, ઉધરસ, ફ્લૂ અને અમુક ખોરાકની ઍલર્જી જેવી સામાન્ય બીમારીઓ તથા આયર્નની ઊણપના એનિમિયાનાં લક્ષણો લગભગ સમાન હોય છે. તેથી તમારે બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર છે કે કેમ તે ડૉક્ટરને પૂછી લેવું જરૂરી છે, કારણ કે તમને એનીમિયા છે કે નહીં તેની ખબર એ ટેસ્ટથી પડશે.
તમને એનીમિયા થયાનું નિદાન થશે તો તમને ડૉક્ટર આયર્ન સપ્લિમેન્ટ્સ લખી આપશે. આયર્ન સપ્લિમેન્ટ્સ તમારા શરીરને નવા લાલ રક્તકણો બનાવવામાં મદદ કરશે. પાંદડાંવાળાં લીલાં શાકભાજી અને કઠોળ જેવો આયર્નથી સમૃદ્ધ તથા સંતુલિત ખોરાક ખાવાથી પણ મદદ મળી શકે.
મદદ લેવી શા માટે જરૂરી?
હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગની સમસ્યાનો સામનો કરતી ઘણી સ્ત્રીઓ જાણે છે તેમ જરૂરી મદદ મેળવવામાં લાંબો સમય વીતી જાય છે.
તેના પરિણામે તેમણે વર્ષો સુધી બિનજરૂરી પીડા ભોગવવી પડે છે, કારણ કે આ તકલીફ તેમના અંગત જીવન, સ્કૂલમાં હાજરી, સ્પૉર્ટ્સમાં હાજરી અને નોકરી એમ તમામ બાબતોને અસર કરે છે. જે સ્ત્રીઓને એનીમિયા થાય તેમણે વધારે શારીરિક અને માનસિક પીડા ભોગવવી પડે છે.
મહિલાઓના આરોગ્ય બાબતે વધારે મોકળાશ અને શિક્ષણ આ કારણસર બહુ જરૂરી છે. પિરિયડ્સ આવે ત્યારે શું નૉર્મલ અને શું એબ્નૉર્મલ છે તેની જ ચર્ચા નહીં કરવાની.
આરોગ્યકર્મીઓ આ સ્થિતિ બાબતે પૂરતી માહિતી ધરાવતા હોય તે અનિવાર્ય છે. મોકળા મને ચર્ચા કરવાથી અને જાગૃતિના પ્રસાર વડે વધારે મહિલાઓ મદદ અને જરૂરી સારવાર મેળવી શકશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો