જાપાનમાં વાવાઝોડું: નાનમાડોલ જમીન પર ત્રાટકતા લાખો લોકોને સલામત સ્થળે જવાની અપીલ

  • જાપાનમાં ત્રાટકેલું અત્યાર સુધીનું એક સૌથી મોટું વાવાઝોડું નાનમાડોલ દક્ષિણી ટાપુ ક્યુશુ પર ત્રાટક્યું છે
  • વાવાઝોડાને પગલે ઓછામાં ઓછી 180 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં રવિવાર અને સોમવારે 20 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે
  • વ્યાપક પૂર અને ભૂસ્ખલનની આશંકાને પગલે બુલેટ ટ્રેન સેવાઓ, ફેરી અને સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે
  • ઓછામાં ઓછા 40 લાખ લોકોને તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે
  • રવિવારની સાંજ સુધીમાં યુટિલિટી કંપનીઓએ જણાવ્યું હતું કે લગભગ 2,00,000 ઘરો વીજળી વગરનાં હતાં

જાપાનમાં ત્રાટકેલું અત્યાર સુધીનું એક સૌથી મોટું વાવાઝોડું નાનમાડોલ દક્ષિણી ટાપુ ક્યુશુ પર ત્રાટક્યું છે.

વાવાઝોડાને પગલે ઓછામાં ઓછી 180 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં રવિવાર અને સોમવારે 20 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ઓછામાં ઓછા 40 લાખ લોકોને તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

વ્યાપક પૂર અને ભૂસ્ખલનની આશંકાને પગલે બુલેટ ટ્રેન સેવાઓ, ફેરી અને સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

વાવાઝોડું રવિવારે સવારે ક્યુશુના દક્ષિણ છેડે કાગોશિમા શહેર નજીક જમીન પર આવ્યું હતું.

ક્યુશુ એ જાપાનના ચાર ટાપુઓમાં સૌથી દક્ષિણે આવેલો છે અને જાપાનનો મુખ્ય જમીની વિસ્તાર છે. ક્યુશુની વસ્તી 1.3 કરોડ જેટલી છે.

જાપાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, સત્તાવાળાઓએ આ ટાપુ માટે "ખાસ ચેતવણી" જારી કરી હતી, જે ઓકિનાવા પ્રીફેક્ચરની બહાર પ્રથમ વખત મૂકવામાં આવી હતી. જેમાં પૂર્વ ચીની સમુદ્રમાં નાના, દૂરસ્થ જાપાનીઝ ટાપુઓનો સમાવેશ થાય છે.

જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે નાનમાડોલ મુશળધાર વરસાદ લાવશે, દરિયાકાંઠે તોફાન આવશે અને એટલો ભારે પવન ફૂંકાશે કે ઘરો તૂટી શકે છે.

ઇઝુમી શહેરના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે બપોરે પરિસ્થિતિ એકાએક બગડી હતી.

તેમણે સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું હતું કે "પવનની ગતિ એકદમ વધી ગઈ છે. ભારે વરસાદ પણ પડી રહ્યો છે. દૃશ્યતા લગભગ શૂન્ય છે."

વાવાઝોડું હવે ક્યુશુના ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે ટાપુના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

આગામી દિવસોમાં તે મધ્ય જાપાનમાંથી ટોક્યો તરફ જશે તેવી ધારણા છે અને તે આગળ વધતી વખતે તેની તાકાત પણ જાળવી રાખશે.

જીવન અને સંપત્તિ માટે સૌથી મોટો ખતરો વરસાદથી છે, જેના કારણે નદીઓ વહેતી થઈ રહી છે અને તે જમીન અને કાદવને વહાવી શકે છે.

ક્યુશુમાં લોકોને આશ્રયસ્થાનોમાં આશ્રય લેવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ સ્થળાંતર ચેતવણીઓ ફરજિયાત નથી અને સત્તાવાળાઓએ ભૂતકાળમાં લોકોને ભારે હવામાનની ઘટનાઓ પહેલાં આશ્રયસ્થાન પર જવા માટે સમજાવવા માટે સંઘર્ષ કર્યો હતો.

2,00,000 ઘરોની વીજળી ગૂલ

રવિવારની સાંજ સુધીમાં યુટિલિટી કંપનીઓએ જણાવ્યું હતું કે લગભગ 2,00,000 ઘરો વીજળી વગરનાં હતાં.

એક નિવેદનમાં વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ લોકોને કહ્યું હતું કે "જો કોઈ પણ રીતે જોખમમાં હોય તો ખચકાટ વિના સ્થળાંતર કરો."

તેમણે કહ્યું, "હું (દરેકને) વિનંતી કરું છું કે નદીઓ અને અન્ય જળમાર્ગો અથવા ભૂસ્ખલનનું જોખમ ધરાવતા સ્થળો જેવાં સંભવિત જોખમો ધરાવતાં સ્થળોની નજીક જવાનું ટાળો."

"રાતના સમયે સ્થળાંતર કરવું અત્યંત જોખમી છે. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ રાત પડતા પહેલાં સલામત સ્થળે ખસી જાય."

નાનમાડોલ આ સિઝનમાં 14મું પેસિફિક વાવાઝોડું છે અને જાપાન પર પ્રહાર કરનાર અત્યાર સુધીનું સૌથી મોટું વાવાઝોડું છે.

શનિવારે જાપાનની હવામાન એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે તે 2018માં વાવાઝોડા જેબીમાં 14 લોકોનાં મોત થયાં હતાં અને 2019માં વાવાઝોડા હગીબીસમાં વ્યાપક પાવર કટ આવ્યો હતો. વર્તમાન વાવાઝોડું બંને કરતાં વધુ ભયાનક થવાની સંભાવના ધરાવે છે.

આવાં તોફાનોનો સામનો કરવા માટે દેશ સારી રીતે તૈયાર છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આબોહવા પરિવર્તન તેમને વધુ મોટું અને વધુ વિનાશક બનાવી રહ્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો