શ્રીલંકા : ચોતરફ બરબાદી બાદ શ્રીલંકાએ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા શું કરવું પડશે?

આર્થિક સંકટ

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, ફૈસલ મોહમ્મદઅલી
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • રાષ્ટ્રપતિએ દેશ છોડ્યા બાદ હજારો લોકો કોલંબોના રસ્તા પર ઊતરી આવ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે.
  • શ્રીલંકાના બંધારણ અનુસાર, નવી સરકારની રચના કરવી પડશે, જેનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ કરશે. પરંતુ ત્યાર બાદ મહિનાની અંદર નવા રાષ્ટ્રપતિ ચૂંટવા પણ જરૂરી છે.
  • કૃષિના ક્ષેત્રમાં હાલનાં વર્ષોમાં રાજપક્ષે સરકારે ખાતરના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી, જેના કારણે પાકનું ઉત્પાદન ઓછું થઈ ગયું.
  • શનિવારે હજારો લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને રનિલ વિક્રમસિંઘેના ઘરમાં ઘૂસીને ઉપદ્રવ મચાવ્યો હતો.
લાઇન

શ્રીલંકામાં છેલ્લા કેટલાક મહિનાથી અસ્થિરતા વધી ગઈ છે, સાથે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ સાથે વાતચીતનો સિલસિલો પણ રોકાઈ ગયો છે, જે વર્તમાન આર્થિક સંકટને નિવારવા માટે ચાલુ હતો.

વર્ષ 1948માં બ્રિટનથી સ્વતંત્રતા બાદ શ્રીલંકા તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને વિદેશી મુદ્રા કોષના ગંભીર સંકટમાંથી નીકળવા માટે તેને જલદી કમસે કમ ચાર અબજ ડૉલરની જરૂર છે. તેના માટે આઈએમએફ સાથે વાતચીત થઈ રહી હતી.

સંગઠનના એક દળે આ માટે 20 જૂને કોલંબોની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે આર્થિક સહાયતા હાંસલ કરવા માટે શ્રીલંકાએ પોતાના જૂના કરજદારો સાથે વ્યાજ પરત આપવા શરતો સાથે વાતચીત કરવી પડશે અને ત્યાં સંરચનાત્મક બદલાવની પણ જરૂર છે.

આઈએમએફએ હવે હાલત પર નજર રાખવાની વાત કરી છે.

line

ચક્રવ્યૂહમાં ફસાયા જેવી સ્થિતિ

શ્રીલંકા

પબ્લિક પૉલિસી થિન્ક ટૅન્ક ઍડવોકેટા ઇન્સ્ટિટ્યૂટના ચીફ ધનાનથ ફર્નાન્ડો કહે છે કે, "શ્રીલંકાની વર્તમાન સ્થિતિ પાંચ બિંદુ સાથે જોડાયેલી છે. કેટલાક લોકો આ હાલતને એક 'ચક્ર' કે 'વમળ' પણ ગણાવે છે."

ધનાનથ ફર્નાન્ડો કહે છે, "શ્રીલંકામાં વિદેશી મુદ્રા કોષ (ડૉલર)ની કમી થઈ, તેના કારણે જરૂરી સામાન બહારથી આયાત ન કરી શકાયો. સાથે જ કરજદારોને પણ સમય પર વ્યાજ નથી મળ્યું, જૂનાં કરજ પાછાં નહીં આવે તો નવું ઋણ મળવું વધુ મુશ્કેલ થઈ જશે."

"કરજ આપનારી સંસ્થાઓએ માગ કરી છે કે જૂનાં કરજની લેણદેણ માટે ફરીથી વાતચીત થાય અને બૅન્કોમાં રચનાત્મક બદલાવ લાવવામાં આવે."

"જરૂરી વસ્તુઓ- જેવી કે પેટ્રોલ-ડીઝલ, દવાઓ વગેરેની આયાત ડૉલરની કમીને કારણે નહોતી થઈ રહી, જેના કારણે આ સામાનની તંગી ઊભી થઈ અને લોકોના ગુસ્સાએ રાજકીય અસ્થિરતાને જન્મ આપ્યો."

line

સામાજિક અસ્થિરતા

શ્રીલંકા

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ કહે છે કે તેનું એક સામાજિક અસ્થિરતા પણ છે.

હિન્દ મહાસાગરમાં આવેલા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ, દવાઓની રોજિંદી ચીજોની અછતથી લોકો રસ્તા પર ઊતરી આવ્યા, ત્યાર બાદ રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગવું પડ્યું.

રનિલ વિક્રમસિંઘેએ આ મહિનાની શરૂઆતમાં સંસદમાં કહ્યું હતું કે આઈએમએફ પાસે આર્થિક સહાય પૅકેજ પાક્કું કરવા માટે ડેટ રિસ્ટ્રક્ચરિંગ પ્લાન ઑગસ્ટ સુધીમાં સોંપી દેવાશે.

પરંતુ આ શનિવારે હજારો લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને રનિલ વિક્રમસિંઘેના ઘરમાં ઘૂસીને ઉપદ્રવ મચાવ્યો હતો.

line

આઈએમએફ પાસેથી મદદ

શ્રીલંકાની સંસદમાં સ્પીકરે ઘોષણા કરી કે રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું આજે મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા છે. તો વિક્રમસિંઘેએ કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા માટે તૈયાર છે.

ગોટબાયા રાજપક્ષે શ્રીલંકાના પહેલા રાષ્ટ્રપતિ છે, જેમને પોતાના કાર્યકાળની સમાપ્તિ પહેલાં પદ ખાલી કરવું પડી રહ્યું છે. અગાઉ 1953માં વિરોધપ્રદર્શનો બાદ વડા પ્રધાન ડુડલે સેનાનાયકેએ પદ છોડવું પડ્યું હતું.

શ્રીલંકાના બંધારણ અનુસાર, નવી સરકારની રચના કરવી પડશે, જેનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ કરશે. પરંતુ ત્યાર બાદ મહિનાની અંદર નવા રાષ્ટ્રપતિ ચૂંટવા પણ જરૂરી છે.

સવાલ એ છે કે રાજકીય અસ્થિરતાના આ સમયમાં દેશને ગંભીર આર્થિક સંકટમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય, અથવા એ ચક્રવ્યૂહમાંથી, જેમાં શ્રીલંકા ફસાયેલું લાગે છે.

ધનાનથ ફર્નાન્ડો માને છે કે વર્તમાન સંકટને નિવારવા માટે આઈએમએફની સહાય પ્રાથમિકતા હોવી જોઈએ, તો કોલંબો વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના લેક્ચરર ગણેશમૂર્થિ એમ. અનુસાર પર્યટન અને શ્રીલંકન મૂળના લોકોને ફરીથી દેશને પૈસા મોકલવા માટે ઉત્સાહિત કરવાથી વિદેશી મુદ્રાના સંકટમાંથી નજીકના ભવિષ્યમાં ઘણે અંશે નીકળી શકાય.

line

પર્યટન, વિદેશોથી મોકલાતું ફંડ

પર્યટન

ઇમેજ સ્રોત, Getty Images ISHARA S. KODIKARA

ગણેશમૂર્થિ એમ. કહે છે કે વિદેશોથી મોકલાતા ફંડમાં હાલના સમયમાં ભારે ઘટાડો થયો હતો.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, ગત વર્ષે આ 10 વર્ષમાં સૌથી ઓછું 5.49 અબજ ડૉલરનું રહ્યું હતું. વર્ષ 2012માં સૌથી ઊંચા સ્તરે રેકૉર્ડ કરવામાં આવ્યો હતો.

બજારનું કહેવું છે કે શ્રીલંકન મૂળના લોકો દ્વારા ઓછા પૈસા મોકલવાનું કે બૅન્કના માધ્યમથી ન મોકલવાનું એક સૌથી મોટું કારણ બૅન્ક દ્વારા નક્કી કરેલી ડૉલરની કિંમત હતી. બૅન્ક એક ડૉલરના બદલામાં 200થી 203 શ્રીલંકન રૂપિયા આપવા તૈયાર હતી, જ્યારે હવાલા બજારમાં એક ડૉલરની કિંમત 250 શ્રીલંકન રૂપિયા સુધી પહોંચી હતી.

ગણેશમૂર્થિ એમ. માને છે કે સરકાર જો આ સ્થિતિમાં બદલાવ કરે તો તેની પાસે વિદેશી મુદ્રા પાસે પહોંચવાનો સિલસિલો શરૂ થઈ જશે, જેનાથી રોજિંદો સામાન- પેટ્રોલ-ડીઝલ, દવાઓ વગેરેની આયાત કરી શકશે.

ધનાનથ ફર્નાન્ડો માને છે કે જે રીતે શ્રીલંકામાં હાલમાં રાજકીય સ્થિતિ છે, તેમાં પર્યટક ત્યાં જવાનું પસંદ નહીં કરે, તેમજ અન્ય દેશો તેમના નાગરિકોને શ્રીલંકા જવાની સલાહ પણ નહીં આપે.

તેમના અનુસાર, શ્રીલંકામાં પર્યટનને પહેલાંથી ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડ જેવા દેશોથી ભારે પડકાર મળતો હતો, કેમ કે આ દેશોમાં મૂળભૂત સુવિધા સારી છે અને કિંમત ઓછી.

કોવિડ પૂરી રીતે ખતમ ન થવાની અને વિશ્વ મંદી તરફ આગળ વધતું હોવાની વાત પણ ઘણા લોકો આ મામલે કરી રહ્યા છે.

line

ચા, રબ, વસ્ત્ર અને રત્નની નિકાસ

ચા

ઇમેજ સ્રોત, Getty Images

અન્ય ક્ષેત્રો, જેની ઘણી ચર્ચા થઈ રહી છે એ છે ચા, રબર, વસ્ત્રોની નિકાસ અને રત્ન.

બીબીસી સાથે વાત કરનારા જાણકારોનું માનવું હતું કે ચાના ક્ષેત્રમાં શ્રીલંકાની ભારત અને કેન્યા જેવા દેશો સાથે મોટી હરીફાઈ છે અને 'વસ્ત્રોની નિકાસ પણ પોતાની મહત્તમ સીમા સુધી પહોંચી ગઈ છે.'

ધનાનથ ફર્નાન્ડો કહે છે કે ચા અને રબરના ક્ષેત્રમાં એવું લાગે છે કે શ્રીલંકાએ જાતે અન્યોને હરીફાઈ માટે ઊભા કર્યા છે.

1970ના દાયકામાં દેશમાં ચાર અને રબરના બગીચાને ખાનગી લોકો પાસેથી સરકારે લઈ લીધા અને તેને કારણે ઉત્પાદન પણ ઓછું થઈ ગયું, નવાં રોકાણ પણ ન થઈ શક્યાં.

પરિણામ એ આવ્યું કે જેમના બગીચા સરકારે લઈ લીધા, તેઓ નવી જગ્યાએ જેમ કે આફ્રિકી દેશ કેન્યા અને ઇથિયોપિયા શિફ્ટ થઈ ગયા અને કેટલાંક વર્ષોમાં શ્રીલંકાના ઉત્પાદન કરતા વધુ અથવા વધુ સારો માલ બજારમાં સપ્લાય કરવા લાગ્યા.

કપડાંની નિકાસમાં પણ શ્રીલંકાને બાંગ્લાદેશ જેવા દેશોનો સામનો કરવો પડી રહ્યો છે.

કૃષિના ક્ષેત્રમાં હાલનાં વર્ષોમાં રાજપક્ષે સરકારે ખાતરના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી, જેના કારણે પાકનું ઉત્પાદન ઓછું થઈ ગયું અને સ્થિતિને સુધારવા વર્ષો લાગી જશે.

line

નવાં ક્ષેત્રોની શોધ મહત્ત્વની

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

ધનાનથ ફર્નાન્ડોનું અનુમાન છે કે શ્રીલંકાને આર્થિક સ્થાયીત્વ હાંસલ કરવામાં કમસે કમ પાંચથી છ વર્ષનો સમય લાગશે, એ પણ જ્યારે એ આર્થિક સુધારાનું કામ મોટા પાયે શરૂ કરશે.

અર્થશાસ્ત્રી સરકારી દેવાને લઈને નવા નિયમ બનાવવા, સરકારી કંપનીઓમાં સુધારો, મજૂરના નિયમો અને ટૅક્સદરમાં ભારે ફેરફારની વાત કરે છે.

ગણેશમૂર્થિ એમ. કહે છે કે "સરકારે એમ વિચારીને ટૅક્સદર ઓછો કર્યો કે રોકાણ વધશે, માગમાં વધારો થશે, પણ એવું ન થયું અને સરકારને થનારી આવકમાં પણ ઘટાડો થયો. સરકારનો ખર્ચ ઓછો થઈ શકે તેમ નહોતું, કેમ કે તેને 15 લાખ સરકારી કર્મચારીઓને પગાર આપવાનો હતો, બૅન્ક સરકારી ખર્ચને પહોંચી વળવા નોટ છાપતી રહી. તેનું પરિણામ આવ્યું કારમી મોંઘવારી."

છેલ્લા દિવસોમાં શ્રીલંકામાં મોંઘવારીદર 50 ટકા આંકવામાં આવ્યો હતો અને કેન્દ્રીય બૅન્કે કહ્યું હતું કે તે 75 ટકા સુધી જઈ શકે છે.

વેપાર અને ઉદ્યોગજગતના લોકો કહે છે કે શ્રીલંકાએ જો વર્તમાન સ્થિતિમાંથી ભવિષ્યમાં બચવું હશે તો તેણે વૅલ્યુ-ચેઇન અને પ્રોડક્શન નેટવર્કનો ભાગ બનવું પડશે, જે ઇલેક્ટ્રોનિક્સથી લઈને રક્ષા અને વાહન તૈયાર કરવાના ક્ષેત્રમાં થઈ શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન