અફઘાનિસ્તાનમાં અટકાયતમાં લોકોની બ્રિટિશ સ્પેશિયલ ફોર્સ દ્વારા 'હત્યા' કરાતી હતી -બીબીસીની તપાસ

    • લેેખક, હેના ઓ'ગ્રેડી અને જોએલ ગંટર
    • પદ, બીબીસી પનોરમા

બીબીસીની એક તપાસ પ્રમાણે, SAS (સ્પેશિયલ ઍર સર્વિસ)ના ઑપરેટિવ્સે અફઘાનિસ્તાનમાં વારંવાર અટકાયતમાં રખાયેલ અને હથિયાર વગરની વ્યક્તિઓને શંકાસ્પદ સંજોગોમાં મારી છે.

તાજેતરમાં મેળવાયેલ મિલિટરી રિપોર્ટ પ્રમાણે એક યુનિટે છ મહિનાની એક ટૂરમાં ગેરકાયદેસર રીતે 54 લોકોનાં મૃત્યુ નિપજાવ્યાં છે.

SAS સ્ક્વૉડ્રન અફઘાનિસ્તાનમાં રાત્રિ દરોડા પાડતો, જે તાલિબાનના ટાર્ગેટને પકડવા કે મારવાનો હેતુ સાથે કરાતા
ઇમેજ કૅપ્શન, SAS સ્ક્વૉડ્રન અફઘાનિસ્તાનમાં રાત્રિ દરોડા પાડતો, જે તાલિબાનના ટાર્ગેટને પકડવા કે મારવાનો હેતુ સાથે કરાતા

બીબીસીને મળેલ પુરાવા એ વાત તરફ નિર્દેશ કરે છે કે સ્પેશિયલ ફોર્સના વડા મર્ડરની તપાસ માટેના પુરાવા આપવામાં નિષ્ફળ નીવડ્યા હતા.

સંરક્ષણમંત્રાલયે આ મામલે કહ્યું કે, "બ્રિટનની સેનાએ અફઘાનિસ્તાનમાં હિંમતભેર અને વ્યવસાયિકપણે પોતાની ફરજ નિભાવી છે."

બીબીસીને સમજાયું છે કે યુકે સ્પેશિયલ ફોર્સના ભૂતપૂર્વ વડા જનરલ સર માર્ક કાર્લ્ટન- સ્મિથે SAS સ્ક્વૉડ્રન વિરુદ્ધ રૉયલ મિલિટરી પોલીસ દ્વારા મર્ડરની તપાસ શરૂ કરાયા બાદ પણ કથિત ગેરકાયદેસર હત્યા બાબતે એકઠા કરાયેલ પુરાવા તપાસ અધિકારીઓને નહોતા સોંપ્યા.

આ સ્ટોરી બાબતે જનરલ કાર્લ્ટન - સ્મિથે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. નોંધનીય છે કે ગત મહિને તેમણે આર્મી ચીફ બન્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

બીબીસી પનોરમાએ SAS ઑપરેશનલ ઍકાઉન્ટનાં સેંકડો પાનાંનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં હેલમંડમાં 2010/11માં એક SAS સ્ક્વૉડ્રન દ્વારા પાડવામાં આવેલ એક દરોડામાં એક ડઝન કરતાં વધુ 'મૃત્યુ અને ધરપકડ'ના રિપોર્ટ સામેલ છે.

SAS સ્ક્વૉડ્રન સાથે એ દરમિયાન સેવા આપનાર વ્યક્તિઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેમણે SAS ઑપરેટિવને રાત્રિ દરોડા દરમિયાન હથિયાર વિનાના લોકોનાં મૃત્યુ નિપજાવતા જોયા છે.

તેમણે એવું પણ જણાવ્યું કે, "ઑપરેટિવ હથિયાર વગરના લોકોનાં મૃત્યુ નિપજાવવા માટે AK-47 હથિયાર પ્લાન્ટ પણ કરતા હતા. જેથી આ સમગ્ર પ્રક્રિયા ન્યાયોચિત લાગે."

આ વ્યક્તિઓએ એવો પણ ખુલાસો કર્યો કે SAS સ્ક્વૉડ્રન એકબીજા સાથે સૌથી વધુ મૃત્યુ નિપજાવવા મામલે હરીફાઈ પણ કરતા હતા. જે સ્ક્વૉડ્રનની બીબીસીએ તપાસ કરી તેઓ જેના રિપ્લૅસમેન્ટમાં આવ્યા હતા તે સ્ક્વૉડ્રન કરતાં વધુ મૃત્યુ નિપજાવવા માટે પ્રયત્ન કરતા હતા.

સંરક્ષણમંત્રાલયે કહ્યું કે, "તેઓ ચોક્કસ આરોપો પર ટિપ્પણી નહીં કરી શકે, પરંતુ આ મામલે ટિપ્પણી ન કરવાનો અર્થ આ તમામ હકીકતો ચોક્કસ હોવા બાબતના આરોપોનો સ્વીકાર ન ગણવો જોઈએ."

મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, "બ્રિટિશ સેનાએ બહાદુરી અને વ્યવસાયિકપણે અફઘાનિસ્તાનમાં સેવા આપી છે. અને ત્યાં સેવાના ઉચ્ચતમ માપદંડોનું પાલન કર્યું છે."

લાઇન

સંક્ષિપ્તમાં : SAS સ્ક્વૉડ્રન દ્વારા કથિત અફઘાનિસ્તાનમાં ગેરકાયદેસર હત્યા મામલે બીબીસીની તપાસ

લાઇન
  • વર્ષ 2010/11માં બ્રિટિશ સૈન્યના SAS સ્ક્વૉડ્રન દ્વારા અફઘાનિસ્તામાં ફરજ દરમિયાન પડાયેલ રાત્રિ દરોડામાં હથિયાર વગરની વ્યક્તિઓનાં મૃત્યુ નિપજાવાયાં હોવાનું બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે.
  • જોકે, બ્રિટિશ સંરક્ષણમંત્રાલયે આ મામલે જણાવ્યું હતું કે બ્રિટિશ સૈન્ય દળો દ્વારા અફઘાનિસ્તાનમાં સર્વોચ્ચ માપદંડ જાળવવામાં આવ્યા હતા.
  • બીબીસીની તપાસમાં સામે આવ્યું હતું કે ઘટનાસ્થળે ગોળીબારનાં નિશાન તળિયાથી ખૂબ ઓછી ઊંચાઈએ હતાં, આને નિષ્ણાતોએ 'મૃત્યુ નિપજાવવા માટે'નું ફાયરિંગ ગણાવ્યું હતું.
  • બીબીસીએ તપાસેલા દસ્તાવેજોમાંથી એ વાતના નિર્દેશ મળ્યા છે કે SAS સ્ક્વૉડ્રનમાં એ સમયે 'એકબીજા સાથે વધુમાં વધુ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજાવવાની સ્પર્ધા' ચાલી રહી હતી.
લાઇન

શંકાસ્પદ હત્યાની પૅટર્ન

વર્ષ 2019માં બીબીસી અને સન્ડે ટાઇમ્સે એક SAS દરોડા મામલે તપાસ કરી હતી, જેના કારણે યુકેમાં કોર્ટ કેસ થયો હતો અને કોર્ટે યુકેના સંરક્ષણમંત્રાલયને આ આખા મામલા અંગે સરકારના પ્રયાસોની રૂપરેખા અંગે ખુલાસો કરવાના આદેશ કર્યા હતા.

તાજેતરની આ તપાસમાં, બીબીસીએ SASના રાત્રિ દરોડાના એકાઉન્ટની વિગતોવાળા ઑપરેશનલ રિપોર્ટનો આધાર લીધો છે.

અમને અટકાયતમાં રખાયેલા પુરુષોએ પડદા પાછળથી કે ફર્નિચર નીચેથી AK-47 રાઇફલ કાઢવાની સમાન વિગતોની પૅટર્ન ઘણા રિપોર્ટમાં જોવા મળી.

  • 29 નવેમ્બર 2010ના રોજ, એક સ્ક્વૉડ્રન એક વ્યક્તિની અટકાયત બાદ તેમને ફરીથી તે ઇમારતમાં લઈ ગયા જ્યાં અટકાયતમાં રહેલ વ્યક્તિએ 'ફોર્સ પર ગ્રેનેડ વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો.', જેમાં આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
  • 15 જાન્યુઆરી 2011ના રોજ સ્ક્વૉડ્રન એક અટકાયતમાં રખાયેલ વ્યક્તિને ફરીથી ઇમારતમાં લઈ ગયા, જ્યાં તેઓ એક 'ગાદલા પાછળ પહોંચી ગયા, જ્યાંથી તેમણે ગ્રેનેડ કાઢ્યો અને તેને ફેંકવાનો પ્રયત્ન કર્યો.' આ દરમિયાન તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું.
  • 7 ફેબ્રુઆરીના રોજ અટકાયતમાં રહેલ એક વ્યક્તિએ 'પ્રેટ્રોલિંગ પાર્ટી પર રાઇફલ વડે હુમલો કરવાનો પ્રયત્ન' કર્યો અને મૃત્યુ પામ્યા. કંઈક આ જ પ્રકારનો ખુલાસો 9 અને 13 ફેબ્રુઆરીના રોજ અટકાયત કરાયેલ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજાવવા બદલ અપાયો.
  • 16 ફેબ્રુઆરીના રોજ એક સ્ક્વૉડ્રને બે અટકાયત કરાયેલ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં. જેના ખુલાસામાં કહેવાયું હતું આ પૈકી એક 'પડદા પાછળથી' ગ્રેનેડ કાઢ્યો અને બીજાએ 'ટેબલ પાછળથી AK-47 કાઢી હતી.'
  • એક એપ્રિલના રોજ, સ્ક્વૉડ્રને ફરીથી બે અટકાયત કરાયેલ વ્યક્તિનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં, જેમાં ઇમારતમાં પાછા જઈને બંને વ્યક્તિ પૈકી એકે 'AK-47 ઉઠાવી' અને બીજાએ 'ગ્રેનેડ ફેંકવાનો' પ્રયાસ કર્યો.

આ સ્ક્વૉડ્રનની છ માસની ટૂરમાં મૃત્યુનો આંકડો ત્રણ આંકડામાં હતો. બીબીસીએ જે દરોડાની તપાસ કરી તે પૈકી એકમાં પણ SAS ઑપરેટિવને કોઈ ઈજા નહોતી થઈ.

line

સ્પેશિયલ ફોર્સ 'ફર્સ્ટ ઇમ્પ્રેશન રિપોર્ટ'

ઘટના : 16 ફેબ્રુઆરી 2011

યુકે સ્પેશિયલ ફોર્સના મુખ્યમથક ખાતે કામ કરતા એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને કહ્યું કે સ્ક્વૉડ્રન રિપોર્ટ 'ખરા અર્થમાં ચિંતા જન્માવે તેવા છે.'
ઇમેજ કૅપ્શન, યુકે સ્પેશિયલ ફોર્સના મુખ્યમથક ખાતે કામ કરતા એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને કહ્યું કે સ્ક્વૉડ્રન રિપોર્ટ 'ખરા અર્થમાં ચિંતા જન્માવે તેવા છે.'

યુકે સ્પેશિયલ ફોર્સના મુખ્યમથક ખાતે કામ કરતા એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને કહ્યું કે સ્ક્વૉડ્રન રિપોર્ટ 'ખરા અર્થમાં ચિંતા જન્માવે તેવા છે.'

"રાત્રિ દરોડા દરમિયાન ઘણા બધા લોકોનાં મૃત્યુ નીપજી રહ્યાં હતાં અને તે અંગેના ખુલાસા એટલા સંતોષકારક નથી."

તેમણે કહ્યું કે, "જ્યારે કોઈની અટકાયત કરાય, તો તે વ્યક્તિનું મૃત્યુ નીપજે તે જરૂરી નથી. આવું વારંવાર બનવાના કારણે મુખ્યમથકમાં ચિંતા સર્જાઈ હતી. એ સમયે કશુંક ખોટું બની રહ્યું હતું તે નક્કી છે."

આંતરિક ઇમેઇલ અંગે મેળવાયેલ ડેટા પરથી જાણવા મળે છે કે તે સમયે અધિકારીઓએ આ રિપોર્ટ બાબતે કેવી પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે આ રિપોર્ટને 'ખૂબ અદ્ભુત' ગણાવ્યો છે. તેને સ્ક્વૉડ્રનનો 'નવીન નરસંહાર' ગણાવ્યો છે.

ઑપરેશન્સ ઑફિસરે એક સહકર્મીને કરેલ મેઇલમાં લખ્યું હતું કે, 'પાછલાં બે અઠવાડિયાંમાં કદાચ દસમી વખત જોવા મળ્યું છે કે સ્ક્વૉડ્રન અટકાયત કરેલ વ્યક્તિને પાછા બિલ્ડિંગમાં લઈ ગયા અને તે AK-47 સાથે જોવા મળી.'

'અને જ્યારે તેઓ એ(ઇમારતમાં)માં ગયા જેમાં તેમની સાથે બી(પુરુષ લડવૈયા) હતા, તેમણે પડદા પાછળથી ગ્રેનેડ કાઢીને SAS ટીમ તરફ તે ફેંક્યો. જે નસીબજોગે ફાટ્યો નહીં... આ આઠમી વખત આવું થઈ રહ્યું છે... કશું સમજાતું નથી!'

ચિંતામાં વધારાની સાથે, સ્પેશિયલ ફોર્સના એક ઉચ્ચતમ દરજ્જાના ઑફિસરે સિક્રેટ મેમોમાં જણાવ્યું કે, 'કદાચ આ એ સમયે "જાણીજોઈને ઘડાયેલી નીતિ" હશે જે ઑપરેશનમાં ગેરકાયદેસર હત્યા માટે હશે. ઉચ્ચતમ સ્તરે લીડરશિપ એટલા ચિંતામાં હતા કે સ્ક્વૉડ્રનની વ્યૂહરચનાઓ અંગે એક ખૂબ જ જૂજ સંજોગોમાં કરાતા ફૉર્મલ રિવ્યૂના આદેશ અપાયા હતા.'

'પરંતુ જ્યારે સ્પેશિયલ ફોર્સના એક અધિકારીને સ્ક્વૉડ્રનના અધિકારીઓની પૂછપરછ કરવા માટે મોકલવામાં આવ્યા ત્યારે તેમણે SASનાં નિવેદન જેમ અપાયાં તેમ સ્વીકારી લીધાં.'

બીબીસીને સમજાયું કે ઑફિસરે દરોડાના કોઈ સ્થળની મુલાકાત લીધી નહોતી કે સેના બહારના કોઈ સાક્ષી તપાસ્યા નહોતા. કોર્ટના દસ્તાવેજોથી માલૂમ પડે છે કે આ રિપોર્ટ પર શંકાસ્પદ હત્યા માટે જવાબદાર SAS યુનિટના કમાન્ડિંગ ઑફિસરે સહી કરી હતી.

line

સ્પેશિયલ ફોર્સના ડિરેક્ટરનું સ્પેશિયલ મેમો

7 એપ્રિલ 2011

આ પૈકીના કોઈ પણ પુરાવા મિલિટરી પોલીસને સોંપવામાં આવ્યા નહોતા
ઇમેજ કૅપ્શન, આ પૈકીના કોઈ પણ પુરાવા મિલિટરી પોલીસને સોંપવામાં આવ્યા નહોતા

આ પૈકીના કોઈ પણ પુરાવા મિલિટરી પોલીસને સોંપવામાં આવ્યા નહોતા. બીબીસીને જાણવા મળ્યું કે ચિંતા જન્માવે તેવાં નિવેદનોને ક્લાસિફાઇડ ફાઇલમાં પહોંચથી દૂર મૂકવામાં આવ્યાં હતાં. 'કિસ્સા પર આધારિત માહિતી જેમાં ગેરકાયદેસર કરાયેલ હત્યાઓ' અંગેની માહિતી સામેલ હતી, તે સ્પેશિયલ ફોર્સના અમુક અધિકારીઓ જ જોઈ શકે તેવી શ્રેણીમાં મુકાઈ છે.

SAS સ્ક્વૉડ્રનને ફરીથી વર્ષ 2012માં છ માસ માટે અફઘાનિસ્તાનમાં તહેનાત કરાયા હતા.

જ્યારે રૉયલ મિલિટરી પોલીસે વર્ષ 2013માં આ મર્ડર તપાસ શરૂ કરી, જે પછીની એક ટૂર બાબતે હતી, તેમાં સ્પેશિયલ ફોર્સ ડિરેક્ટર જનરલ કાર્લ્ટન - સ્મિથે પોલીસને ગેરકાયદેસર હત્યા બાબતે ચિંતાજનક હકીકતો જણાવી નહોતી, જ્યારે વ્યૂહરચના સંદર્ભે ચાલી રહેલ રિવ્યૂની પણ માહિતી આપી નહોતી.

કર્નલ ઓલિવર લીએ, જેઓ વર્ષ 2011માં અફઘાનિસ્તાનમાં રૉયલ મરિનના કમાન્ડર હતા, બીબીસીને જણાવ્યું કે, "અમારી તપાસમાંથી સામે આવેલ અનુચિત વ્યવહાર અંગેના આરોપો ખૂબ આશ્ચર્યચકિત કરનારા હતા, તે બાબતે જાહેર તપાસ થવી જોઈતી હતી. સ્પેશિયલ ફોર્સની લીડરશિપ દ્વારા કોઈ પણ પ્રકારના પુરાવા આપી શકવા મામલાની અસફળતા બિલકુલ અસ્વીકાર્ય છે."

વર્ષ 2013માં જ્યારે મિલિટરી પોલીસે SASની તપાસ કરી તે સમયે જનરલ સર માર્ક કાર્લ્ટન - સ્મિથ યુકે સ્પેશિયલ ફોર્સના વડા હતા.

line

મારો કે પકડો

વર્ષ 2013માં જ્યારે મિલિટરી પોલીસે SASની તપાસ કરી તે સમયે જનરલ સર માર્ક કાર્લ્ટન - સ્મિથ યુકે સ્પેશિયલ ફોર્સના વડા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2013માં જ્યારે મિલિટરી પોલીસે SASની તપાસ કરી તે સમયે જનરલ સર માર્ક કાર્લ્ટન - સ્મિથ યુકે સ્પેશિયલ ફોર્સના વડા હતા

બીબીસીની તપાસ પ્રાથમિકપણે નવેમ્બર 2010માં અફઘાનિસ્તાન પહોંચેલ SAS સ્ક્વૉડ્રનની સેવાના છ માસ પર કેન્દ્રિત હતી.

આ સ્ક્વૉડ્રન મોટા ભાગે અફઘાનિસ્તાનની સૌથી ખતરનાક જગ્યા એવા હેલમંડ પ્રાંતમાં તહેનાત હતો. આ વિસ્તારમાં તાલિબાનના હુમલા, રસ્તા પરના બૉમ્બ અને સૈનિકોનાં મૃત્યુની સંખ્યા વધુ હતી.

આ સ્ક્વૉડ્રનની પ્રાથમિક ભૂમિકા અટકાયત ઑપરેશન યોજવાની હતી - જેને 'મારો કે પકડો' એવા પ્રકારના દરોડા તરીકે પણ ઓળખવામાં આવે છે - જેને તાલિબાનના કમાન્ડરોને પકડવા માટે, બૉમ્બ બનાવતા નેટવર્કને રોકવા માટે ડિઝાઇન કરાઈ હતી.

સ્પેશિયલ ફોર્સ માટે વર્ષ 2011માં હેલમંડ ખાતે ટાર્ગેટ પસંદ કરવાના કામમાં સામેલ કેટલાંક સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે "પસંદગીપ્રક્રિયા પાછળની ઇન્ટેલિજન્સમાં ગંભીર સમસ્યા હતી. તે અંગે ખૂબ ટૂંકી ચર્ચા કરાતી. આ પછીની માહિતી સ્પેશિયલ ફોર્સને આપવામાં આવતી જેઓને મારો કે પકડોના આદેશ આપવામાં આવતા."

સૂત્રો અનુસાર, "ટાર્ગેટ કરવાની પ્રક્રિયા ખૂબ દબાણવાળી અને ખૂબ ઉતાવળભરી હતી."

"એવું જરૂરી નથી કે તેનો અર્થ એવો થતો હતો કે ચાલો તેમની હત્યા કરીએ, પરંતુ હકીકત તો છે કે તે સમયે દબાણ હતું, મૂળપણે આ લોકો અંગે ઝડપથી અંતિમ નિર્ણય લેવાનો હતો."

સૂત્રો અનુસાર, ટાર્ગેટ કરવાની પ્રક્રિયા ખૂબ દબાણવાળી અને ખૂબ ઉતાવળભરી હતી
ઇમેજ કૅપ્શન, સૂત્રો અનુસાર, ટાર્ગેટ કરવાની પ્રક્રિયા ખૂબ દબાણવાળી અને ખૂબ ઉતાવળભરી હતી

દરોડા સમયે, SAS સ્ક્વૉડ્રન એક એવી વ્યૂહરચના અપનાવતા જેમાં એક ચોક્કસ ઇમારતમાંથી તમામને બહાર બોલાવવામાં આવતા, તેમની ઝડતી લેવાતી અને તેમને કેબલ વડે બાંધવામાં આવતા - હાથકડી કરવામાં આવતી, અને સ્પેશિયલ ફોર્સને તપાસમાં સાથ આપવા માટે એક પુરુષને ફરીથી અંદર લઈ જવામાં આવતા.

પરંતુ સિનિયર અધિકારીઓની ચિંતા ત્યારે વધી જ્યારે સ્ક્વૉડ્રનના પોતાના અહેવાલોમાંથી સામે આવ્યું કે વારંવાર અટકાયત કરાયેલ વ્યક્તિને પાછી ઇમારતમાં લઈ જવામાં આવતી જ્યાં તેઓ કોઈ હથિયાર લેવા માટે જતા અને માર્યા જતા. આ પ્રકારની વ્યૂહરચના અફઘાનિસ્તાનમાં તહેનાત અન્ય કોઈ બ્રિટિશ સુરક્ષાદળના રિપોર્ટમાંથી સામે આવી નહોતી.

અધિકારીઓ એ બાબતે પણ ચિંતિત હતા કે ઘણા એવા દરોડા પણ હતા જેમાં દરોડા દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિઓ કરતાં જપ્ત કરાયેલ હથિયારોની સંખ્યા ઓછી મળી આવતી - જેના કારણે એવી ચર્ચા થવા લાગી કે SAS હથિયાર વગરના લોકોને પણ મારી રહ્યા હતા - તેમજ એવી પણ શંકા સર્જાઈ કે SASના ઑપરેટિવ હત્યા નિપજાવવા માટે ખોટા પુરાવા ઊભા કરવા હથિયાર જાતે મૂકી દેતા હતા.

જ્યારે કંઈક આવી જ ચિંતા ઑસ્ટ્રેલિયામાં જન્મી ત્યારે એક ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક તપાસ શરૂ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે, "ઑસ્ટ્રેલિયન સ્પેશિયલ ફોર્સ 39 લોકોનાં ગેરકાયદેસર મૃત્યુ નિપજાવવા માટે જવાબદાર હતી, જેમાં તેઓ પણ હથિયાર મૂકી દેવાની વ્યૂહરચના અપનાવી રહ્યા હતા."

બે દિવસ બાદ, યુકે સ્પેશિયલ ફોર્સના આસિસ્ટન્ટ ચીફ ઑફ સ્ટાફે ચેતવ્યા કે SASના ડિરેક્ટર એવી નીતિ સંચાલિત કરી રહ્યા હતા કે જેમાં 'પુખ્ત પુરુષોનું મૃત્યુ નિપજાવવા'નું હતું, આમાં એવા પણ લોકો સામેલ હતા જેમનાથી ખતરો નહોતો.'

SAS સ્ક્વૉડ્રન દક્ષિણ અફઘાનિસ્તાનના સૌથી ખતરનાક વિસ્તારોમાં તહેનાત હતા, જ્યાં તેઓ અવારનવાર નિવાસી કંપાઉંડ પર દરોડા પાડતા
ઇમેજ કૅપ્શન, SAS સ્ક્વૉડ્રન દક્ષિણ અફઘાનિસ્તાનના સૌથી ખતરનાક વિસ્તારોમાં તહેનાત હતા, જ્યાં તેઓ અવારનવાર નિવાસી કંપાઉંડ પર દરોડા પાડતા

બીબીસીએ વર્ષ 2010/11માં જ્યાં SAS સ્ક્વૉડ્રને દરોડા પાડ્યા હતા એવાં કેટલાંક ઘરોની મુલાકાત લીધી હતી.

હેલમંડ ખાતેના નાદ અલીના નાના ગામમાં એક ઈંટવાળું ગેસ્ટ હાઉસ હતું જ્યાં 7 ફેબ્રુઆરી 2011ના રોજ વહેલી સવારે એક તરુણ સહિત સાત અફઘાન પુરુષોનાં મૃત્યુ નિપજાવાયાં હતાં.

SASના ઑપરેટિવ હેલિકૉપ્ટર મારફતે નજીકના એક ખેતરમાંથી ઘર તરફ આગળ વધ્યા. તેમના અનુસાર વિદ્રોહીઓએ તેમના પર ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું.

જે કારણે તેમણે જવાબમાં ફાયરિંગ કર્યું અને ગેસ્ટહાઉસમાં રહેલા લોકોનાં મૃત્યુ નીપજ્યાં.

આ કાર્યવાહીમાં માત્ર ત્રણ AK-47 કબજે કરાઈ હતી, SASના એકાઉન્ટ પ્રમાણે - સ્ક્વૉડ્રનના દરેક છમાંથી એક દરોડામાં કબજે કરાયેલ હથિયારોની સંખ્યા મૃત્યુ પામેલ લોકોની સંખ્યા કરતાં ઓછી હતી.

ગેસ્ટ હાઉસની અંદર, બુલેટનાં છિદ્ર જેવાં દેખાતાં નિશાન તળિયાથી ખૂબ ઓછી ઊંચાઈએ દીવાલ પર હતાં. બીબીસીએ આ તમામ નિશાનની તસવીરો બૅલિસ્ટિક નિષ્ણાતોને બતાવી. જે જોઈને તેમણે તારણ આપતાં કહ્યું કે આ તમામ નિશાન જોઈને એવું લાગે છે કે મૃતક પર ઉપરથી નીચેની દિશામાં ઘણા રાઉન્ડ ફાયરિંગ કરાઈ છે. આ નિશાન બંદૂકોની લડાઈ જેવાં લાગી નહોતાં રહ્યાં.

યુકે સ્પેશિયલ ફોર્સ દ્વારા જેમની સેવાઓ લેવામાં આવે છે તેવા લેહ નેવીલ જણાવે છે કે, "ગોલીનાં નિશાનની પૅટર્ન જોઈને એવું લાગે છે કે ટાર્ગેટ નીચે જમીન પર હતા, તેઓ કદાચ બેઠા હતા અથવા ઘૂંટણીયે હતા. આ એક ખૂબ જ અસામાન્ય સ્થિતિ છે, જ્યારે તમે બંદૂકની લડાઈમાં સામેલ હો."

line

દીવાલ પર બંદૂકનાં નિશાન ગ્રાઉન્ડ લેવાલ પર જોવા મળ્યાં હતાં

બીબીસી દ્વારા તપાસ કરાયેલ બે લૉકેશન પર સમાન નિશાનવાળી પૅટર્ન જોવા મળી હતી
ઇમેજ કૅપ્શન, બીબીસી દ્વારા તપાસ કરાયેલ બે લૉકેશન પર સમાન નિશાનવાળી પૅટર્ન જોવા મળી હતી

બીબીસી દ્વારા તપાસ કરાયેલ બે લૉકેશન પર સમાન નિશાનવાળી પૅટર્ન જોવા મળી હતી.

ઘટનાસ્થળની તસવીરો તપાસનાર બૅલિસ્ટિક્સ નિષ્ણાતે કહ્યું કે 'ગોળીનાં નિશાન બંદૂકની લડાઈ કરતાં વધુ મૃત્યુ નિપજાવવા માટે છોડાયેલ ગોળીનાં વધુ લાગતાં હતાં.'

નામ ન છાપવાની શરતે રૉયલ મિલિટરી પોલીસના એક તપાસાધિકારીએ બીબીસીને જણાવ્યું કે, "તેમણે ઘટનાસ્થળની તસવીરો જોઈ હતી અને ગોળીનાં નિશાનના કારણે ચિંતા પણ સર્જાઈ હતી."

"તમે જોઈ શકો છો અમે ચિંતિત કેમ હતા, ગોળીનાં આટલાં નીચાં નિશાન સ્પેશિયલ ફોર્સ દ્વારા અપાયેલ ખુલાસા બાબતે શંકા ઉપજાવતાં હતાં."

વર્ષ 2014માં, રૉયલ મિલિટરી પોલીસે ઑપરેશન નોર્થમૂરની શરૂઆત કરી, જેમાં બ્રિટિશ સૈન્ય દળો પર અફઘાનિસ્તાનમાં થયેલા 600 આરોપોની તપાસ શરૂ કરવામાં આવી. જેમાં SAS સ્ક્વૉડ્રન દ્વારા નિપજાવાયેલ મૃત્યુ પણ સામેલ હતાં. પરંતુ રૉયલ મિલિટરી પોલીસે બીબીસીને જણાવ્યું કે બ્રિટિશ સૈન્ય દ્વારા પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયામાં રુકાવટ સર્જવામાં આવી હતી.

વર્ષ 2017માં ઑપરેશન નૉર્થમૂરની પ્રક્રિયા ધીમી પડી અને વર્ષ 2019માં તે બંધ કરી દેવાયું. સંરક્ષણમંત્રાલયે કહ્યું કે ગુનાખોરીના કોઈ પુરાવા મળ્યા નહોતા. તપાસ જૂથના સભ્યોએ બીબીસીને કહ્યું કે તેઓ આ તારણ સ્વીકારતા નથી.

સંરક્ષણમંત્રાલયે કહ્યું કે બ્રિટિશ સૈન્ય સેવાના ઉચ્ચતમ માપદંડો જાળવી રાખ્યા હતા.

એક પ્રવક્તાએ કહ્યું કે, "કોઈ નવા પુરાવા રજૂ કરાયા નથી, પરંતુ સર્વિસ પોલીસ દ્વારા આરોપોની નોંધ ત્યારે લેવાશે જો કોઈ નવા પુરાવા સામે આવે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ