ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી રૂપિયા 350 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું - પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, Getty Images
ફરી એક વાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્ઝનો જથ્થો મળી આવ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, મુંદ્રા બંદરેથી રૂપિયા 350 કરોડથી વધુનું હેરોઇન ઝડપાયું છે.
ગુજરાતના ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મંગળવારે મુંદ્રા પોર્ટમાં સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 70 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો.
એક વર્ષથી ઓછા સમયમાં મુંદ્રા બંદરેથી પકડાયેલો આ બીજો મોટો ડ્રગનો જથ્થો છે.
ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે આ કન્ટેનર ગલ્ફ કન્ટ્રીમાંથી મોકલવામાં આવ્યું હતું. કન્ટેનર કચ્છ જિલ્લાના દરિયાકાંઠે અદાણી જૂથ દ્વારા સંચાલિત મુંદ્રા બંદરે આવ્યું હતું ત્યારે તેની તપાસ કરવામાં આવી હતી.
આ ડ્રગ્સ કપડાની આડમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું. જોકે ફિઝિકલ વેરિકેશન કરતા તેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2021માં કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી 3 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ડીઆરઆઈએ આ ડ્રગ બે કન્ટેનરમાંથી જપ્ત કર્યું હતું.

ગુજરાત : બાળકોને ફરજિયાત ગીતા ભણાવવા અંગે હાઈકોર્ટની સરકારને નોટિસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની શાળાઓમાં ફરજિયાત ભગવદ્ગીતા ભણાવવાની જાહેરાત થયા બાદ આ નિર્ણયને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન સરકારને નોટિસ પાઠવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનડીટીવીના અહેવાલ અનુસાર, ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બૅન્ચે જમિયત ઉલામા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સરકારને નોટિસ પાઠવી હતી.
અરજીમાં સરકારના આ નિર્ણય પર સ્ટે લાવવાની માગ કરાઈ હતી પરંતુ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને 18 ઑગસ્ટ સુધીમાં સરકાર પાસેથી જવાબ માગ્યો હતો.
ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ચાલુ વર્ષે માર્ચમાં આ જાહેરાત કરી હતી.
જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે 'અભ્યાસક્રમમાં ભગવદ્ગીતાનો કોઈ અલગ પાઠ નહીં હોય પરંતુ તેના અધ્યાયો અને શ્લોકોને જુદાજુદા વિષયોમાં આવરી લેવામાં આવશે.'
જોકે, હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકારનારી સંસ્થાનું માનવું છે કે રાજ્ય સરકારનું આ પગલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ઉલ્લંઘન છે.

'ઉદયપુર હત્યાકાંડના આરોપી વિરુદ્ધ કાર્યવાહી ન કરવા ભાજપના નેતાએ ભલામણ કરી'

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે જયપુરમાં યોજેલી પત્રકારપરિષદમાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે જ્યારે ઉદયપુર હત્યાકાંડના એક આરોપી વિરુદ્ધ તેના મકાનમાલિકે સ્થાનિક પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ભાજપના એક નેતાએ પોલીસને ફોન કરીને તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા ભલામણ કરી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, અશોક ગેહલોતે પત્રકારપરિષદમાં કહ્યું, "દરેક લોકો જાણે જ છે કે ઉદયપુર હત્યાકાંડના મુખ્ય આરોપીના ભાજપ સાથે કેવા સંબંધો છે."
"તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે આરોપી જે ભાડાના મકાનમાં રહેતા હતા, તેના માલિક દ્વારા તેમના વિરુદ્ધ સ્થાનિક પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી."
તેમણે વધુમાં કહ્યું કે મકાનમાલિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આ લોકો ભાડું ચૂકવતા ન હતા અને વિવિધ રીતે હેરાન પરેશાન કરતા હતા. ત્યારે ભાજપના નેતાઓએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહ્યું હતું કે 'આ અમારો કાર્યકર છે અને તેને પરેશાન કરશો નહીં.'

આંતરરાષ્ટ્રીય વેપારમાં 'રૂપિયા'થી કરી શકાશે ચુકવણી

ઇમેજ સ્રોત, Getty Images
આરબીઆઈએ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે હવે રૂપિયામાં ચૂકવણી કરવાની સુવિધા શરૂ કરી છે.
રિઝર્વ બૅન્કે સોમવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી હતી.
રિઝર્વે બૅન્કે ભારતીય રૂપિયામાં ઇનવૉઇસિંગ, પેમેન્ટ અને આયાત કે નિકાસ માટે એક વધારાની વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.
આ મૅકેનિઝમને લાગુ કરતા પહેલાં અધિકૃત બૅન્કોને ભારતીય રિઝર્વ બૅન્ક, મુંબઇના કેન્દ્રીય કાર્યાલયના વિદેશી મુદ્રાવિભાગની અનુમતિ અનિવાર્ય રહેશે.
આ વ્યવસ્થા અંતર્ગત વેપારમાં લેણદેણ ભારતીય રૂપિયામાં થઈ શકશે.
આરબીઆઈએ કહ્યું કે આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગુ થઈ શકે છે. આ વ્યવસ્થાને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે એનાથી આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન મળે અને નિકાસ ઝડપી બને.
આ વ્યવસ્થામાં ભારતના આયાતકારોએ ભારતીય રૂપિયામાં ચૂકવણી કરવી પડશે. જે ભાગીદાર દેશોની બૅન્કના વિશેષ ખાતામાં જમા કરાશે.

પાંચ સપ્ટેમ્બરે બ્રિટનના નવા વડા પ્રધાનની જાહેરાત થશે

ઇમેજ સ્રોત, PA Media
બ્રિટનમાં પાંચ સપ્ટેમ્બરે દેશના નવા વડા પ્રધાનનાં નામની જાહેરાત કરાશે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વએ જણાવ્યું કે તે દિવસે પાર્ટીના નેતાની ચૂંટણી યોજાશે જે દેશના આગામી વડા પ્રધાન હશે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને ગયા અઠવાડિયે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપ્યું હતું. તેમની સરકારના કેટલાક વરિષ્ઠ મંત્રીઓએ તેમના નેતૃત્વ પર સવાલ ઊઠાવીને પદ છોડી દીધું હતું.
પાર્ટીના ઘણા સાંસદોએ પણ બોરિસ જોન્સનનું સમર્થન કરવાથી ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ 7 જુલાઇએ તેમણે રાજીનામું આપી દીધું હતું. જોકે, નવા વડા પ્રધાનની નિમણૂક સુધી તેઓ વડા પ્રધાન રહેશે.
વડા પ્રધાનપદની રેસમાં અત્યાર સુધી 11 ઉમેદવારો સામે આવ્યા છે. જેમાં નાણામંત્રીપદેથી રાજીનામું આપનારા ભારતીય મૂળના ઋષિ સુનક અને સ્વાસ્થ્યમંત્રીપદેથી રાજીનામું આપનારા મૂળ પાકિસ્તાનનાં સાજિદ જાવિદ સામેલ છે.
ભારતીય મૂળનાં પ્રીતી પટેલની દાવેદારીને લઈને અત્યાર સુધી સ્પષ્ટપણે જાણી શકાયું નથી.
દરેક ઉમેદવારને દાવેદારીમાં સામેલ થવા માટે ઓછામાં ઓછા 20 સાંસદોનું સમર્થન જરૂરી હોય છે. ત્યાર બાદ સાંસદો દ્વારા વોટિંગ કરવામાં આવે છે અને અંતે પાર્ટીના સદસ્યો મતદાન કરીને વડા પ્રધાનના નામની જાહેરાત કરે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













