મહિલાઓ પુરુષો કરતાં વધારે કેમ છૂટાછેડા માટે અરજી કરે છે?

અમેરિકાના બધા જ 50 રાજ્યોમાં સ્વમરજીથી છૂટાછેડા કાયદેસર છે અને આંકડાંની રીતે જોઈએ તો 70% કિસ્સામાં છૂટાછેડાનો નિર્ણય સ્ત્રી લે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના બધા જ 50 રાજ્યોમાં સ્વમરજીથી છૂટાછેડા કાયદેસર છે અને આંકડાંની રીતે જોઈએ તો 70% કિસ્સામાં છૂટાછેડાનો નિર્ણય સ્ત્રી લે છે
    • લેેખક, કેટી બિશપ
    • પદ, બીબીસી ન્યૂઝ

છૂટાછેડાનો નિર્ણય લેવો અઘરો હોય છે અને દંપતી ઘણી વાર વર્ષો સુધી વિમાણસમાં રહે છે કે સંસાર ચાલવા દેવો કે પછી છૂટા પડી જવું? આખરે નિર્ણય લેવાની ઘડી આવે ત્યારે એક પૅટર્ન સ્પષ્ટ દેખાય છે. પશ્ચિમમાં છૂટાછેડાનો નિર્ણય લેવામાં પુરુષો કરતાં મહિલાઓનું પ્રમાણ ઘણું વધારે છે.

અમેરિકાનાં બધાં જ 50 રાજ્યોમાં સ્વમરજીથી છૂટાછેડા કાયદેસર છે અને આંકડાંની રીતે જોઈએ તો 70% કિસ્સામાં છૂટાછેડાનો નિર્ણય મહિલા લે છે; તેમાં પણ જો મહિલા કૉલેજ કરેલી હોય તો 90% કિસ્સામાં તે જ અરજી કરી દેતી હોય છે.

યુકેમાં પણ ONSના આંકડાં અનુસાર 2019ના વર્ષમાં ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં 62% છૂટાછેડાની અરજીઓ પત્નીએ ફાઈલ કરી હતી.

પશ્ચિમના ઘણા દેશોમાં હવે છૂટાછેડાની પ્રક્રિયાને સરળ કરવામાં આવી રહી છે; જેમ કે હાલમાં જ યુકેમાં સહમતીથી દંપતી છૂટું પડે તે માટેની કાર્યવાહીને ઝડપી અને સરળ કરવામાં આવી છે.

કાયદામાં આ સરળતાને કારણે - અત્યાર સુધી લાંબી પ્રક્રિયાને કારણે ખચકાતી મહિલાઓ હવે વધારે પ્રમાણમાં છૂટાછેડાની અરજીઓ કરશે તેવું માનવામાં આવે છે.

આથી સવાલ એ ઊભો થાય છે કે કેમ મહિલાઓ વધારે પ્રમાણમાં છૂટાછેડા માટે આગળ આવી રહી છે?

કેટલાક લોકો માને છે કે લગ્નમાં લાગણીના સંબંધો બંધાતા નથી એ છૂટાછેડા પાછળનું મુખ્ય કારણ છે. બીજા કેટલાક માને છે કે વાત એટલી સરળ નથી, મામલો ઘણો પેચિદો છે.

line

સ્વતંત્રતાનું મહત્ત્વ

દરેક સમાજ અને પ્રદેશમાં આર્થિક રીતે પગભર સ્ત્રીઓ છૂટાછેડા માટે પહેલ કરતી જોવા મળે છે - હેઈડી કેર

ઇમેજ સ્રોત, Getty Images

મોટા ભાગના સમાજમાં હાલના સમયમાં જ છૂટાછેડાનું ચલણ અસ્તિત્વમાં આવ્યુ છે.

1914 પહેલાં યુકેમાં બહુ ઓછા પ્રમાણમાં છૂટાછેડા લેવાતા હતા.

20 સદીના પ્રથમ દાયકામાં 450 લગ્ન પૈકી માંડ એકાદ છૂટાછેડામાં પરિણમતાં હતાં.

લાઇન

સંક્ષિપ્તમાં: છૂટાછેડા માટે પુરુષો કરતાં મહિલાઓ વધારે આગ્રહ રાખે છે?

લાઇન
  • અમેરિકામાં 70% કિસ્સામાં છૂટાછેડાનો નિર્ણય મહિલા લે છે
  • 1914 પહેલાં યુકેમાં બહુ ઓછા પ્રમાણમાં છૂટાછેડા લેવાતા હતા. 20 સદીના પ્રથમ દાયકામાં 450 લગ્ન પૈકી માંડ એકાદ છૂટાછેડામાં પરિણમતાં હતાં.
  • હવે યુકેમાં દર વર્ષે 1,00,000 કરતાં વધારે દંપતી છૂટા પડે છે, જ્યારે અમેરિકામાં 50 ટકા લગ્નો પડી ભાંગે છે
  • ભાવનાત્મક બાબતોને વધુ મહત્ત્વ આપતી હોવાને કારણે મહિલાઓ માટે સંબંધોમાં ઉષ્મા અને લાગણીનો અભાવ તરત સમસ્યારૂપ બને છે.
  • પુરુષો કરતાં મહિલાઓ લગ્નમાં સમાધાન સાધવા માટે પણ વધારે કોશિશ કરે છે
  • સંસારમાં જવાબદારીઓ અસમાન રીતે વહેંચાયેલી છે ત્યારે અને સ્ત્રી અને પુરુષોની અલગ ભાવનાત્મક જરૂરિયાતો હોય છે
લાઇન

હવે યુકેમાં દર વર્ષે 1,00,000 કરતાં વધારે દંપતી છૂટાં પડે છે, જ્યારે અમેરિકામાં 50 ટકા લગ્નો પડી ભાંગે છે.

અમેરિકાના ઍજ્યુકેશન ડેવલપમૅન્ટ સેન્ટરના ડૉમેસ્ટિક વાયોલન્સનાં નિષ્ણાત અને માનસશાસ્ત્રી હેઇદી કૅર કહે છે તે પ્રમાણે નારીમુક્તિના ચલણ સાથે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું તેમાં કોઈ નવાઈ લાગવી જોઈએ નહીં.

તેઓ કહે છે, "મહિલાઓ ઘર છોડતાં પહેલાં, એકલી હોય કે સંતાનો સાથે હોય ત્યારે આર્થિક સ્વતંત્રતા અગત્યની બની જતી હોય છે. પોતાની રીતે પગભર થવાનો કોઈ માર્ગ ના હોય ત્યારે સ્ત્રી માટે અલગ થઈ જવું બહુ મુશ્કેલ હોય છે. સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર બને તે પછી કૌટુંબિક ભૂમિકાઓ બદલાતી જાય છે અને સહજ રીતે ખટરાગ વધવા લાગે છે."

બીજા શબ્દોમાં કહીએ તો રોજગાર મળવા સાથે મહિલાઓ માટે કડવાશભર્યા સંસારમાંથી નીકળી જવાનો માર્ગ મોકળો થયો છે. આર્થિક રીતે કોઈના પર નિર્ભર ના રહેવું પડે તે સ્થિતિમાં બંધનમાંથી મુક્ત થઈ જવાનું સરળ બન્યું અને મહિલાઓ વધારે પ્રમાણમાં છૂટાછેડા માટે પહેલ કરવા લાગી.

કૉલેજ કક્ષાનું ભણતર પ્રાપ્ત કર્યું હોય તેવી મહિલાઓ વધારે પ્રમાણમાં મુક્ત થવા ઈચ્છે તે પણ આ જ બાબતને સાબિત કરે છે.

કૅર ઉમેરે છે, "દરેક સમાજ અને પ્રદેશમાં, પોતાનું કે સંતાનોનું ભરણપોષણ કરી શકે તેમ ના હોય તેવી મહિલાઓની સરખામણીએ આર્થિક રીતે પગભર થઈ હોય તેવી મહિલાઓ - સામાન્ય રીતે ઊચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી મહિલાઓમાં એની શક્યતા વધારે હોય છે - તે છૂટાછેડા માટે વધારે પહેલ કરતી હોય છે."

line

ભાવનાત્મક અને સામાજિક પરિબળો

ભાવનાત્મક બાબતોને વધુ મહત્ત્વ આપતી હોવાને કારણે સ્ત્રી માટે સંબંધોમાં ઉષ્મા અને લાગણીનો અભાવ તરત સમસ્યારૂપ બને છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાવનાત્મક બાબતોને વધુ મહત્ત્વ આપતી હોવાને કારણે સ્ત્રી માટે સંબંધોમાં ઉષ્મા અને લાગણીનો અભાવ તરત સમસ્યારૂપ બને છે

જોકે માત્ર આર્થિક સ્વતંત્રતાને કારણે જ પત્ની પતિ સાથે છેડો ફાડવાની પહેલ કરતી હોય તેવું પણ સંભવ લાગતું નથી. વધુ મહિલાઓ છૂટાછેડા લઈ રહી છે તે વાસ્તવિકતા છે પણ તેનાં કારણો ઘણાં છે.

ઘણી મહિલાઓ ઘરસંસાર પોતાની અપેક્ષાઓ પૂર્તિ કરનારો લાગતો નથી. જાણકારો કહે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને પોતાની ભાવનાત્મક જરૂરિયાતો પતિમાં પૂર્ણ થશે એવી ઈચ્છા હોય છે અને તેમાં લગ્ન પછી નિરાશા સાંપડે છે.

ફ્લૉરિડામાં દંપતી માટે થૅરાપિસ્ટ તરીકે કામ કરતાં ગિલ્ઝા ફોર્ટ-માર્ટિનેઝ કહે છે કે સામાજિક રીતે પુરુષો લાગણીઓની બાબતમાં ઓછા સજાગ હોય છે, તેના કારણે પત્નીને એવું લાગતું હોય છે ઘરસંસારમાં ભાવનાત્મક બાબતોનો બોજ પોતાના પર જ છે.

ભાવનાત્મક બાબતોને વધુ મહત્ત્વ આપતી હોવાને કારણે મહિલાઓ માટે સંબંધોમાં ઉષ્મા અને લાગણીનો અભાવ તરત સમસ્યારૂપ બને છે.

સંબંધોમાં સંવાદ અને સહાનુભૂતિની મુખ્ય ભૂમિકા પોતાની હોવાનું માની લીધેલું હોય છે એટલે આવી ઊણપ જણાય ત્યારે તેનો મુદ્દો ઉપસ્થિત કરવામાં પણ મહિલાને જ પહેલ કરવાની થતી હોય છે. તેના કારણે જ આખરે વાત સંબંધોના વિચ્છેદ સુધી પહોંચતી હોય છે.

લગ્નમાં સ્ત્રીઓને લાગણીઓની બાબતમાં ખાસ કંઈ હાસલ થતું નથી એટલે પણ એકલા અને પોતાની રીતે રહેવાની વાત વધારે આકર્ષક લાગે છે.

લગ્નમાં પુરુષને વધારે ફાયદા છે - વધારે આયુષ્ય ભોગવી શકે છે, વધારે કમાણી કરી શકે છે. આવો કોઈ ફાયદો લગ્નમાં મહિલાને થતો નથી.

એનાથી ઊલટું ઘર અને સંતાનોને સંભાળવાની જવાબદારી તેના પર આવી પડે છે, જેના કારણે ખાસ કરીને કામ કરતી મહિલાની માથે બહુ બોજ અને સ્ટ્રેસ આવી જાય છે એમ ફોર્ટ-માર્ટિનેઝ માને છે.

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ મિત્ર સાથે વધારે નિકટ હોય છે (અમેરિકામાં 15% પુરુષોનું કહેવું છે કે તેમની કોઈ સાથે ગાઢ મિત્રતા કે નીકટતા નથી), એટલે લગ્નસંબંધોની સમસ્યાની ચર્ચા કરવા માટે તેમને કોઈ સાંભળનારું મળી જાય છે.

સાથે જ ફરીથી એકલા રહેવાનું થાય તો મિત્રવર્તુળનો સહયોગ પણ સહેલાઈથી મળી રહેતો હોય છે.

આ પ્રકારની મિત્રતાને કારણે છૂટાછેડા એક વિકલ્પ તરીકે વધારે સ્વીકાર્ય બનતા હોવાનું પણ જોવા મળ્યું છે.

સંશોધનો અનુસાર નિકટના મિત્રે છૂટાછેડા લીધા હોય ત્યારે વ્યક્તિ પોતે પણ તે માર્ગે આગળ વધે તેની શક્યતા 75% વધી જાય છે.

બીજું કે મોટા ભાગના કેસમાં મહિલાઓને જ સંતાનોની કસ્ટડી મળે છે. તેથી સ્ત્રીઓને એવું લાગતું હોય છે કે પોતાને ભાગે ગુમાવવાનું ઓછું આવે છે.

કેટલેક અંશે તે વાત સાચી પણ છે - છૂટાછેડા પછી પુરુષોનું જીવન વધારે એકાએક અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે તેવું અભ્યાસોમાં જોવા મળ્યું છે.

જોકે આ અસરો ટૂંકા ગાળાની હોય છે. કૅર કહે છે, "ટૂંકા ગાળામાં પુરુષનું જીવન વધારે કપરું બને છે અને તેને વધારે એકાકીપણું લાગે છે. પરંતુ લાંબા ગાળે સ્ત્રીઓના ભાગે વધારે શોષાવાનું આવે છે, કેમ કે આશરો જતો રહે છે, આર્થિક મુશ્કેલી વધે છે અને સિંગલ પેરન્ટ તરીકે સંતાનોનો ઉછેર સ્ટ્રેસ વધારનારો બને છે."

જોકે આવી સ્થિતિને કારણે સ્ત્રીઓ વધારે અફસોસ કરતી હશે તેવું પણ નથી. આવી મુશ્કેલીઓ છતાં માત્ર 27% સ્ત્રીઓ છૂટાછેડા લીધાનો અફસોસ વ્યક્ત કરે છે, જ્યારે પુરુષોમાં આ પ્રમાણ ઘણું ઊંચું 39% જેટલું છે.

આ દર્શાવે છે કે કડવા સંસારમાં રહેવું તેના કરતાં એકલું રહીને મુશ્કેલી ભોગવવી એ મહિલાઓને વધારે સારું લાગે છે.

line

સમાધાન માટેના પ્રયાસ

ભરણપોષણ માટે છૂટાછેડાની અરજી કરવાની જરૂર ઊભી થતી હોય છે. પોતે પગભર ના હોય તેના કારણે સ્ત્રીઓ માટે આવું કરવું વધારે જરૂરી હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભરણપોષણ માટે છૂટાછેડાની અરજી કરવાની જરૂર ઊભી થતી હોય છે. પોતે પગભર ના હોય તેના કારણે સ્ત્રીઓ માટે આવું કરવું વધારે જરૂરી હોય છે

જોકે છૂટાછેડા માટેનો કેસ કરવો એટલે લગ્નનો અંત જ લાવી દેવો તેવી વાત પણ નથી હોતી.

અભ્યાસો દર્શાવે છે કે મહિલાઓ છૂટા પડવાનો નિર્ણય વધારે કરતી હોય છે, પણ સાથે જ એવી મહિલાઓ પણ છે જે સંબંધવિચ્છેદના બદલે સમાધાન માટે કોશિશ કરે છે.

યુકેની વિન્ક્સવર્થ શેરવૂડ ફર્મના કૌટુંબિક કાયદાનો વિભાગ સંભાળતાં કૅટી સ્પૂનર કહે છે, "પુરુષો કરતાં સ્ત્રીઓ લગ્નમાં સમાધાન સાધવા માટે વધારે કોશિશ કરે છે.

પોતાના ક્લાયન્ટ્સના રેકોર્ડના આધારે તેઓ કહે છે કે મોટા ભાગના પુરુષો અલગ રહેવાનું વધારે પસંદ કરતા હોય છે. સિવાય કે કોઈ અન્ય સાથે પ્રેમ થાય અથવા નાણાકીય બાબતોમાં ઉકેલ લાવવાની જરૂર ઊભી થાય.

તેની સામે મહિલામાં છૂટાછેડા લેવાની ઈચ્છા વધારે તીવ્ર હોય છે.

સ્પૂનર કહે છે, "ભરણપોષણ માટે છૂટાછેડાની અરજી કરવાની જરૂર ઊભી થતી હોય છે. પોતે પગભર ના હોય તેના કારણે સ્ત્રીઓ માટે આવું કરવું વધારે જરૂરી હોય છે."

બીજા શબ્દોમાં કહીએ તો પતિ કરતાં પત્ની ઓછું કમાતી હોય ત્યારે તે નોકરી છોડવાનું અથવા સંતાનોની કાળજી લેવા માટે પાર્ટ ટાઇમ કામ સ્વીકારી લેવાનું પસંદ કરતી હોય છે. પતિ કરતાંય વધારે નોકરી હોય ત્યારે પણ આવું થતું હોય છે.

line

પુરુષો કરતાં ઘરસંસારમાં સમાધાનની વૃત્તિ વધારે

પુરુષો કરતાં ઘરસંસારમાં સમાધાનની વૃત્તિ વધારે સ્ત્રીઓમાં હોય છે - કેટી સ્પૂનર
ઇમેજ કૅપ્શન, પુરુષો કરતાં ઘરસંસારમાં સમાધાનની વૃત્તિ વધારે સ્ત્રીઓમાં હોય છે - કેટી સ્પૂનર

આનો અર્થ એ થયો કે છૂટાછેડાના ઍગ્રીમેન્ટ વિના ઘર ત્યજી દેનારી મહિલાઓ માટે આર્થિક મુશ્કેલી વધે છે, કેમ કે સત્તાવાર રીતે છુટાછેટા લઈને ભરણપોષણ મેળવાયું ના હોય ત્યારે પતિની સંપતિ પર અધિકાર મળતો નથી.

છેવટે છૂટાછેડા ના લે અને સમાધાન પણ કરી લે, પરંતુ મિલકત અને ભરણપોષણ મળી રહે તે માટે જ મહિલાઓ પ્રથમ કેસ દાખલ કરી દેવાનું પસંદ કરતી હોય છે.

સ્પૂનર કહે છે કે યુકેમાં 1996માં સ્ત્રીઓ છૂટાછેડા માટે અરજી કરતી થઈ તે માટેનો ટર્નિંગ પૉઈન્ટ આવ્યો હતો. તે વખતે ગૃહિણીને પણ લગ્નમાં એટલો જ ફાળો આપનારી ગણવામાં આવી અને મિલકતોમાં યોગ્ય હિસ્સો મેળવવા માટે લાયક ગણવામાં આવી.

તે પહેલાંના જમાનામાં છૂટાછેડા પછી માત્ર જીવનનિર્વાહ માટે જરૂરી ભરણપોષણ જ આપવામાં આવતું હતું. આજે મોટા ભાગના દેશોમાં આવી સ્થિતિ છે અને તેના કારણે છૂટાછેડા પછી મહિલાઓ રસ્તા પર આવી જવું પડે તેવું બનતું નથી.

તેથી જ મિલકતોમાં યોગ્ય હિસ્સો મેળવી લેવા માટે વધારે પ્રમાણમાં મહિલાઓ છૂટાછેડાના કેસ કરતી થઈ છે.

યુકેના નવા કાયદા વિશે વાત કરતાં સ્પૂનર કહે છે કે તેને લાગુ કરાયો તે પછી મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી, જે દર્શાવે છે કે ઘણાં દંપતીઓ કાયદો બદલાય તેની રાહ જ જોઈ રહ્યાં હતાં.

જોકે હવે નવા કાયદાને ઘણાં વર્ષો થઈ ગયાં છે તે પછી હવે આ પ્રવાહ કેવો રહે છે તે જોવું રહ્યું.

સ્પૂનરને લાગે છે કે કદાચ આગામી વર્ષોમાં સ્ત્રીઓ દ્વારા થતી અરજીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, કેમ કે હવે દંપતી સહમતીથી સાથે અરજી કરી શકે છે.

કાયદાને કારણે લગ્ન જેવા સંબંધોનો વિચ્છેદ મુશ્કેલ સ્થિતિ પેદા કરતો હોય છે. વર્ષોની કડવાશ પછી અરજી કરવાની વાત પણ મૂંઝવી નાખનારી હોય છે.

કેટલાક લોકો માટે તે એક વ્યવહારુ ઉકેલ પણ હોય છે, ખાસ કરીને કેવી રીતે આર્થિક સમાધાન થાય છે તેના આધારે.

એક વાત સ્પષ્ટ છે કે મહિલાઓ વધારે પગભર થવા લાગી છે, સંસારમાં જવાબદારીઓ અસમાન રીતે વહેંચાયેલી છે ત્યારે અને સ્ત્રી અને પુરુષોની અલગ ભાવનાત્મક જરૂરિયાતો હોય છે તેના કારણે પણ છૂટાછેડા લેવાની બાબતમાં પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે ફરક રહેવાનો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન