You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રયાગરાજ હિંસાનો બદલો લેવા મોરબીમાં ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ, બે લોકોની ધરપકડ- પ્રેસ રિવ્યૂ
ઉત્તર પ્રદેશમાં હિંસક પ્રદર્શનો બાદ પ્રદર્શનકારીઓનાં ઘર પર ફરેલા બુલડોઝરનો બદલો લેવા માટે મોરબીમાં ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ કરનારા બે લોકોની રાજકોટ રેલવે પોલીસે ધરપકડ કરી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, થોડા દિવસ પહેલાં વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનને ઊથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ટ્રેન સર્વિસ માટે મોરબી આવી હતી. જ્યાંથી પાછી ફરતી વખતે વહેલી સવારે ટ્રેનના ચાલકને ટ્રેક પર નડતરરૂપ વસ્તુ પડી હોવાનું જાણવા મળ્યું હતું.
આથી તેમણે ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેન રોકી દીધી હતી અને આ મામલે રેલવે એન્જિનિયર કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.
રાજકોટ રેલવેના ડીવાયએસપી જે. કે. ઝાલાના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ હિંસાના આરોપીનાં ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હોવાથી તેનો બદલો લેવા માટે આ ડેમુ ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું, "આ કારસો ઘડનાર અકબર ઉર્ફે હક્કો દાઉદ મિયાણા અને મગન ઈશોરા હતા. જોકે, ડેમુ ટ્રેનના ચાલક સલીમભાઈની સતર્કતાથી દુર્ઘટના ટળી ગઈ હતી."
ભાજપ જ્યારે 'અછૂત' હતો ત્યારે અમે સાથ આપ્યો: ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર શિવસેનાને ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે એમ પણ કહ્યું છે કે હિંદુત્વના કારણે ભાજપને અછૂત માનીને કોઈ પણ તેમની સાથે જવા માગતું ન હતું. ત્યારે બાળાસાહેબ ઠાકરેએ હિંદુત્વ વોટોનું વિભાજન રોકવા માટે ભાજપનો સાથ આપવાનો નિર્ણય કર્યો હતો, પણ હવે અમે તેનું પરિણામ ભોગવી રહ્યા છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન શુક્રવારે તેમના નિવાસસ્થાન "માતોશ્રી" ખાતે એનસીપી પ્રમુખ શરદ પવાર, ઉપમુખ્ય મંત્રી અજિત પવાર અને જયંત પાટીલ સાથેની મુલાકાત બાદ સામે આવ્યું હતું.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે "અમે ન જીતી શકે એવા લોકોને ટિકિટ આપીને જીતાડ્યા, પણ હવે અમારા જ લોકો અમારી પીઠ પર છરો ભોંકી રહ્યા છે. જ્યારે શરદ પવાર અને સોનિયા ગાંધીએ અમને સમર્થન આપ્યું છે."
તેમણે ભાજપ સાથે જવાની માગને રદિયો આપતા કહ્યું, "શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે જવાની વાત કરી રહ્યા છે જેણે અમારી પાર્ટી અને પરિવારને બદનામ કર્યાં. પણ એમ થવાનો કોઈ સવાલ નથી."
પોતાની પાર્ટી શિવસેના 'સવા શેર' હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે દરેક 'શેર'ને 'સવા શેર' મળતો હોય છે. તેમણે કહ્યું, "શિવસેના તલવારની જેમ છે, મ્યાનમાં રાખો તો કાટ લાગી જાય, જો બહાર કાઢો તો તે ચમકે છે અને હવે તેને બહાર કાઢવાનો સમય આવી ગયો છે."
ચીને પાકિસ્તાનને આપી 2.3 અબજ ડૉલરની લોન
પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઇસ્માઇલે શુક્રવારે જાહેરાત કરી છે કે ચીને પાકિસ્તાનની ઘટી રહેલી વિદેશી હૂંડિયામણમાં વધારો કરવા માટે સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાનમાં 2.3 અબજ ડૉલર જમા કર્યા છે.
તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર લખ્યું, "મને આ કહેતાં ખુશી થાય છે કે 15 અબજ આરએમબી (લગભગ 2.3 અબજ ડૉલર)ની ચીની કન્ઝોર્ટિયમની લોન આજે અમારી વિદેશી હૂંડિયામણમાં વધારો કરતાં એસબીપીના ખાતામાં જમા કરવામાં આવી છે."
બે દિવસ પહેલાં ચીને પાકિસ્તાન સાથે 2.3 અબજ ડૉલરની કૉમર્શિયલ લોનની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ ભંડાર 16 અબજ ડૉલર હતો. જે જૂનના પહેલા અઠવાડિયામાં ઘટીને 10 અબજ ડૉલર સુધી પહોંચી ગયો હતો. આ રકમ માત્ર બે મહિનાની આયાતનું બિલ ચૂકવી શકે તેમ હતી.
લથડતા અર્થતંત્રને બચાવવા માટે પાકિસ્તાને ચીન પાસેથી લોન લીધી છે અને આઈએમએફ પાસેથી પણ આશા રાખી રહ્યું છે.
ચા એક મહત્ત્વનું પરિબળ
પાકિસ્તાન વિશ્વમાં ચાની આયાત કરનાર સૌથી મોટો દેશ છે. પાકિસ્તાનના લથડતા અર્થતંત્ર પાછળ ચા એક મોટું કારણ છે.
પાકિસ્તાન ટી ઍસોસિયેશનના પ્રમુખ જાવેદ ઇકબાલ પરાચા મુજબ, પાકિસ્તાન દર વર્ષે 23-23 કરોડ કિલો ચાની આયાત કરે છે. જેનું વાર્ષિક બિલ અંદાજે 450 મિલિયન ડૉલર આવે છે.
પાકિસ્તાનના કેન્દ્રિયમંત્રી લોકોને ઓછી ચા પીવા માટે અપીલ કરી ચૂક્યા છે.
પાકિસ્તાનમાં દર વર્ષે 10 ટન ચાનું ઉત્પાદન થાય છે અને માત્ર 50 હૅક્ટરમાં તેની ખેતી થાય છે. આ કારણથી પાકિસ્તાને મોટા ભાગની ચા આયાત કરીને મંગાવવી પડે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો