You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુતિને વિક્ટ્રી ડેના ભાષણમાં કહ્યું, 'રશિયા માતૃભૂમિ માટે યુક્રેનમાં લડી રહ્યું છે'
રશિયાની રાજધાની મોસ્કોમાં રેડ સ્ક્વેર ખાતે વિજયદિવસના ભાષણમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેનમાં વિશેષ સૈન્ય કાર્યવાહીની જરૂર હતી.
તેમણે કહ્યું કે રશિયાએ આ નિર્ણય યોગ્ય સમય પર કર્યો હતો. પુતિને આ નિર્ણયને એક સ્વતંત્ર, મજબૂત અને સંપ્રભુ રાષ્ટ્ર માટે યોગ્ય નિર્ણય ગણાવ્યો છે.
પુતિને રશિયાના લડવૈયાઓને સંબોધિત કરતા કહ્યું કે તેઓ રશિયાની સુરક્ષા માટે લડી રહ્યા છે.
રશિયામાં વિજયદિવસ પરેડ બીજા વિશ્વયુદ્ધમાં રશિયાએ જર્મનીની નાઝી સેના પર મેળવેલી જીતના સંદર્ભમાં યોજાય છે.
યુરોપ રશિયાને સાંભળવા માગતું ન હતું
પુતિને સ્વીકાર કર્યો કે ગત વર્ષથી અન્ય યુરોપિયન દેશો અને નેટોની સાથે તણાવ ચાલી રહ્યો હતો.
તેમણે કહ્યું કે રશિયાએ યુરોપને અપીલ કરી હતી કે તે એક નિષ્પક્ષ કરારને શોધે, પરંતુ યુરોપ રશિયાને સાંભળવા માગતું ન હતું.
પુતિને કહ્યું કે યુરોપ ડોનબાસમાં કાર્યવાહીની યોજના બનાવી રહ્યું હતું, પરંતુ હવે રશિયાની કાર્યવાહી ત્યાં કેન્દ્રિત છે.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું, "કિએવ કહી રહ્યું હતું કે તેમને કદાચ પરમાણુ હથિયાર મળી જશે અને નેટો આપણી વધારે નજીકમાં જમીન શોધવા લાગશે. આ આપણા દેશ અને સરહદ માટે એક સ્પષ્ટ ભય બની ગયો હતો. તમામ વસ્તુઓ એમ કહી રહી હતી કે લડાઈની જરૂરિયાત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'કોઈ મોટી ઘોષણા નહીં'
પુતિને પોતાના સંબોધન દરમિયાન બીજા વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા રશિયન લોકો અને ડોનબાસમાં લડી રહેલા સૈનિકો માટે બે મિનિટનું મૌન રાખવાની અપીલ કરી.
પોતાના સંબોધનમાં પુતિને કહ્યું કે પશ્ચિમના દેશો રશિયાને સાંભળવા માગતા ન હતા અને તેમની યોજના અલગ હતી. તેમણે કહ્યું કે પશ્ચિમના દેશો આપણી જમીન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતાં.
મોસ્કોથી બીબીસી સંવાદદાતા વિલે વેનૉને કહ્યું કે પુતિને પોતાના સંબોધનમાં કોઈ મોટી ઘોષણા નથી કરી, જેની સંભાવના કહેવામાં આવી રહી હતી પરંતુ તેમણે યુક્રેન પર રશિયાના હુમલાને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો