You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં રાજકીય ઘમસાણ, ઇમરાન ખાન બોલ્યા 'છેલ્લા બૉલ સુધી રમીશ'
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવાર સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહેલા ઇમરાન ખાને કહ્યું કે તેઓ અંત સુધી હાર નહીં માને.
અટકળો હતી કે ઇમરાન ખાન રાજીનામું આપી શકે છે પરંતુ તેમણે કહ્યું કે તેઓ છેલ્લા બૉલ સુધી રમશે.
નોંધનીય છે કે પાકિસ્તાનમાં ઇમરાન ખાન સામે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે જેની પર રવિવારે મતદાન થઈ શકે છે. ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીકે-ઇંસાફ પાર્ટીની સાથે ગઠબંધનમાં સામેલ કેટલાંક દળોના નેતાઓએ પણ તેમની સાથે છેડો ફાડી નાખ્યો છે.
પાકિસ્તાનમાં રાજકીય ઘમસાણ વચ્ચે ઇમરાન ખાન પર રાજીનામું આપવાનું દબાણ હતું.
પરંતુ પોતાના 46 મિનિટના સંબોધનમાં ઇમરાન ખાને સ્પષ્ટ કરી દીધું કે તેઓ રાજીનામું નહીં આપે. તેમનાં સહયોગી દળો એમક્યૂએમના નેતાઓ જ નહીં પરંતુ ઇમરાન ખાનની પોતાની પાર્ટીના નેતાઓ પણ તેમનો સાથ છોડી ગયા છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થાય એ પહેલાં જ ઇમરાન ખાનનું રાજકીય ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે. જોકે ક્રિકેટર રહી ચૂકેલા ઇમરાન ખાને કહ્યું કે તેઓ ક્રિકેટ રમતા ત્યારે છેલ્લા બૉલ સુધી રમતા અને અત્યારે પણ તેઓ અંત સુધી લડાઈ લડશે.
ઇમરાન ખાને અમેરિકા પર આક્ષેપ કર્યો કે તેમણે લીધેલી રશિયાની મુલાકાત અમેરિકાને ગમી નથી. તેમણે કહ્યું કે, "જ્યારે હું સત્તામાં આવ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે અમારી વિદેશનીતિ સ્વતંત્ર રહેશે."
"સ્વતંત્ર વિદેશનીતિનો અર્થ છે કે પાકિસ્તાનના ફાયદા માટે હશે. આનો અર્થ એ નથી કે અમે કોઈના દુશ્મન બનશું કે કોઈનો વિરોધ કરીશું."
તેમને વડા પ્રધાન પદ પરથી હઠાવવામાં વિદેશ તાકતનો હાથ હોવાનો આક્ષેપ ઇમરાન ખાને કર્યો હતો.વિદેશનીતિના સંદર્ભમાં ઇમરાન ખાને ભારત વિશે કહ્યું કે, "જ્યારે ભારતે કાશ્મીરનો દરજ્જો બદલી નાખ્યો, માત્ર એ સમયે જ હું ભારતની વિરુદ્ધ બોલ્યો. તે પહેલાં મેં ભારત સાથે મિત્રતાના તમામ પ્રયત્નો કર્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમરાન ખાનના સંબોધનની મુખ્ય વાતો આ પ્રમાણે છે :
"હિંદુસ્તાનમાં જે લોકો સૌથી વધારે કોઈ પાકિસ્તાનીને ઓળખતા તો એ હું હતો એટલે નહીં કે ત્યાં મારા મિત્રો હતા, તેઓ મને ક્રિકેટને કારણે જાણતા હતા."
"હું અમેરિકાને બહુ સારી રીતે ઓળખું છું. તેમની રાજનીતિ અને નેતાઓને ઓળખું છું. ઇંગ્લૅન્ડ મારું બીજું ઘર છે. "
"હું કોઈ પણ માનવીય સમાજની વિરુદ્ધ ન હોઈ શકું. હા, હું તેમની ખોટી નીતિઓની ટીકા કરું છું."
"પાકિસ્તાન જ્યારે વૉર ઑન ટેરરમાં સામેલ થયું, જ્યારે જનરલ મુશર્રફે જ્યારે એ નિર્ણય કર્યો, હું એ બેઠકમાં હતો."
"અમને કહેવામાં આવ્યું કે જો અમે અમેરિકાનો સાથ ન આપ્યો તો તેઓ અમને મારી નહીં નાખે. મેં ત્યારે પણ કહ્યું હતું કે 9/11 સાથે અમારો કોઈ સંબંધ નથી. મેં કહ્યું હતું કે ઉગ્રવાદ સાથે તેમની મદદ કરવી જોઈએ પરંતુ શું તેના માટે પાકિસ્તાનીઓને કુરબાન કરી દેવા જોઈએ."
તેમણે કહ્યું કે "પાકિસ્તાનની હાલત કથળી છે પરંતુ શું આ માત્ર છેલ્લાં સાડાં ત્રણ વર્ષમાં જ થયું છે?"
ઇમરાન ખાને કહ્યું કે,"વિપક્ષે મને કહ્યું કે હું રાજીનામું આપું. પરંતું હું છેલ્લા બૉલ સુધી રમું છું. હું ક્યારેય હાર નથી માનતો. જે પણ પરિણામ આવે હું મજબૂત બનીને બહાર નીકળીશ."
વિપક્ષે કહ્યું કે - ગરિમાપૂર્ણ રીતે ઇમરાન ખાન સત્તા છોડે
પાકિસ્તાની મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા હતા કે ઇમરાન ખાને વિપક્ષના નેતાઓને એક પ્રસ્તાવ મોકલ્યો છે કે જો તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ પાછો ખેંચી લે તો તેઓ સંસદને ભંગ કરી શકે છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના સલાહકાર શહબાઝ ગિલે કહ્યું હતું કે 'વડા પ્રધાન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે.' તેમણે ઇમરાન ખાન દ્વારા વિપક્ષના નેતાઓને કોઈ પ્રસ્તાવ મોકલ્યા હોવાની વાતને ફગાવી હતી.
શહબાઝ ગિલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ઇમરાન ખાન રાજીનામું નહીં આપે અને તેઓ પૂર્ણ ગરિમા સાથે આ લડાઈ લડશે.
બીજી તરફ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે ઇમરાન ખાન ખેલભાવના બતાવતાં રાજીનામું આપી દેવું જોઈએ.
ઇમરાન ખાનની સામે સંયુક્ત વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેની પર આજથી ચર્ચા શરૂ થવાની છે. તેની પર ત્રણ એપ્રિલે વોટિંગ થઈ શકે છે.
પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહી સ્થગિત, હવે ત્રણ એપ્રિલે થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા
પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ વચ્ચે નેશનલ ઍસેમ્બ્લીની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે.
હવે ત્રણ એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થઈ શકે છે.
વિપક્ષી દળ સતત વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની માગ કરી રહ્યા હતા. પરંતુ હવે આ કાર્યવાહી રવિવાર એટલે કે ત્રણ એપ્રિલના રોજ ગોઠવાશે.
એવું મનાઈ રહ્યું છે કે રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાશે કારણ કે બંધારણીય સ્વરૂપે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની સમયસીમા ત્રણ એપ્રિલના રોજ ખતમ થઈ રહી છે.
ડેપ્યુટી સ્પીકરે પોતાના આ કદમ માટે ગૃહના માહોલને જવાબદાર ઠેરવ્યો છે.
તેમણે કહ્યું છે કે ગૃહમાં ચર્ચા કે પ્રશ્નકાળ માટે માહોલ ઠીક નહોતો.
જોકે, કાર્યવાહી સ્થગિત કરાયા છતાં વિપક્ષનાં દળોના સાંસદ પોતાની સીટ પર હાજર છે અને ઇમરાન ખાન વિરુદ્ધ નારાબાજી કરી રહ્યા છે.
ઇમરાન ખાનના સંબોધન બાદ હવે તેમનાં ભાવિ વિશે વાત કરીએ તો બીબીસી ઉર્દૂના એડિટર આસિફ ફારૂકીએ જણાવ્યું હતું કે, "સંકેતો પ્રમાણે ઇમરાન ખાન મુશ્કેલીમાં જણાઈ રહ્યા છે. કેમ કે નંબર ગેઇમ તેમની વિરુદ્ધ જણાઈ રહી છે. આગામી રવિવાર નિર્ણાયક બની રહેશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો