International Happiness Day : એક સમયે સરમુખત્યારશાહીથી ગ્રસ્ત તાંઝાનિયાને મહિલા રાષ્ટ્રપતિએ ‘વિશ્વમાં સૌથી ખુશાલ’ કેવી રીતે બનાવ્યો?

    • લેેખક, સામ્મી અવામી
    • પદ, આફ્રિકન સંવાદદાતા

તાંઝાનિયાના રાષ્ટ્રપતિ જોન મગુફુલીના મૃત્યુ પછી સામિયા સુલુહુ હસન દેશનાં પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં હતાં. એક વર્ષમાં આ મહિલા રાષ્ટ્રપતિના કામથી તાંઝાનિયામાં કેવું પરિવર્તન આવ્યું છે?

સોશિયલ મીડિયા પર કેટલાક તાંઝાનિયનો અનુસાર, જો પાછલાં અમુક અઠવાડિયાંમાં ખુશાલી સૂચકાંક (હેપીનેસ ઇન્ડેક્સ)ની વાત કરીએ તો તાંઝાનિયા વિશ્વનો સૌથી ખુશાલ દેશ છે.

પાછલાં અમુક અઠવાડિયાંમાં, પ્રમુખ મામા સામિયા તરીકે જાણીતાં સામિયા સુલુહુ હસન વિપક્ષ ચાડેમાના બે અગ્રણી નેતાઓ ટુંડુ લિસુ અને ફ્રીમેન એમ્બાવેને મળ્યાં હતાં, આવી મુલાકાતની એક વર્ષ પહેલાં કલ્પના પણ થઈ શકતી નહોતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાછલાં અમુક અઠવાડિયાંમાં, પ્રમુખ મામા સામિયા તરીકે જાણીતાં સામિયા સુલુહુ હસન વિપક્ષ ચાડેમાના બે અગ્રણી નેતાઓ ટુંડુ લિસુ અને ફ્રીમેન એમ્બાવેને મળ્યાં હતાં, આવી મુલાકાતની એક વર્ષ પહેલાં કલ્પના પણ થઈ શકતી નહોતી

પાછલાં અમુક અઠવાડિયાંમાં, પ્રમુખ મામા સામિયા તરીકે જાણીતાં સામિયા સુલુહુ હસન વિપક્ષ ચાડેમાના બે અગ્રણી નેતાઓ ટુંડુ લિસુ અને ફ્રીમેન એમ્બાવેને મળ્યાં હતાં. આવી મુલાકાતની એક વર્ષ પહેલાં કલ્પના પણ થઈ શકતી નહોતી.

ટુંટુ લિસુનો ચાડેમા પક્ષ (ડાબે) અને ફ્રીમેન એમ્બાવે (જમણે)એ અગાઉ તત્કાલીન રાષ્ટ્રપતિ મગુફુલી દ્વારા વિપક્ષ પર કરાઈ રહેલ બળપ્રયોગના કારણે તાંઝાનિયા પર પ્રતિબંધ લાદવાની માગ કરી હતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ટુંટુ લિસુનો ચાડેમા પક્ષ (ડાબે) અને ફ્રીમેન એમ્બાવે (જમણે)એ અગાઉ તત્કાલીન રાષ્ટ્રપતિ મગુફુલી દ્વારા વિપક્ષ પર કરાઈ રહેલ બળપ્રયોગના કારણે તાંઝાનિયા પર પ્રતિબંધ લાદવાની માગ કરી હતી

ટુંડુ લિસુની 2017માં 16 ગોળી મારીને હત્યાનો પ્રયાસ કરાયો હતો જેના પગલે તેઓ દેશ બહાર રહે છે. ફ્રીમેન એમ્બાવે તાજેતરમાં જ જેલમુક્ત થયા છે અને તેમની બંધારણીય સુધારાની માંગ સાથેની જાહેર રેલી યોજવાના પ્રયાસમાં ગત જુલાઈ માસમાં ઉગ્રવાદના આરોપ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

બેલ્જિયમમાં પ્રમુખ સામિયા અને મિસ્ટર લિસુ વચ્ચેની મિટિંગના સમાચારના કલાકો પછી ટ્વિટર પર પર ઉજાણીનો માહોલ સર્જાયો. એક યુઝર સારા એઝરા લખ્યું, "સાચાં નેતા. તેઓ #ServantLeadership માં અજોડ છે."

વકીલ અને અગ્રણી કાર્યકર્તા ફાતમા કરુમેએ ટ્વિટ કર્યું: "મને તમારા પર ગર્વ છે, એસએસએચ (સામિયા સુલુહુ હસન). લિસુને પણ તમારા પર ગર્વ છે."

એક વર્ષ પહેલાં, તાંઝાનિયા ઘણો અલગ દેશ હતો.

મરહૂમ પ્રમુખ જ્હોન મગુફુલી માનતા હતા કે વિરોધ વિદેશી હિતોને ઇશારે થઈ રહ્યો છે. વિપક્ષ પ્રત્યે તેમનું બળપ્રયોગનું જ વલણ રહેતું અને તેમણે બહુપક્ષીય રાજકારણને ખતમ કરવાનું પોતાનું મિશન બનાવ્યું હતું.

પરંતુ આજે બધું બદલાઈ ગયું છે.

લિસુએ કહ્યું, "હું ચીયરલીડર નથી, (પરંતુ) મામા [સામિયા]એ ઉમદાં કાર્યો કરવાનું શરૂ કર્યું છે. અમે તેમને વધુ સારું કરવા માટે ટેકો આપીશું."

એવું શું બન્યું છે કે પ્રમુખ સામિયાને સુધારાનો તમામ શ્રેય આપવામાં આવે છે. તાંઝાનિયા જે પક્ષના શાસન હેઠળ સરમુખત્યારશાહીમાં સ્થપાઈ હતી તે જ પક્ષ, ચામા ચા માપિન્ડુઝી (સીસીએમ)નાં સામિયા અધ્યક્ષ છે.

સામિયા એવી સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતાં જેમણે વિપક્ષને ખતમ કરવા માટે ભારે મહેનત કરી અને માત્ર ટીકા કરવા બદલ લોકોને જેલમાં ધકેલ્યા હતા. ઘણા અપહરણ અને બળજબરીથી ગુમ થવાના બનાવો બન્યા હતા.

રાષ્ટ્રપતિ સામિયા અગાઉ તેમના પુરોગામી જ્હોન મગુફુલીના (જમણે) શાસનકાળમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યરત્ હતાં

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ સામિયા અગાઉ તેમના પુરોગામી જ્હોન મગુફુલીના (જમણે) શાસનકાળમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યરત્ હતાં

હાલમાં જે સુધારા થઈ રહ્યા છે તે ક્યાં સુધી આગળ જશે તે પણ એક પ્રશ્ન છે.

કેમ કે વિપક્ષના નેતાઓને મળવું એ ચોક્કસ વિશ્વાસ કેળવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પરંતુ, વિવાદાસ્પદ પૉલિટિકલ પાર્ટીઝ ઍક્ટ આજે પણ યથાવત્ છે. જેમાં પક્ષોની નોંધણી રદ કરવાની અને એક વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

એ જ રીતે, જ્યારે કેટલાંક મીડિયા સંસ્થાનો પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે, તો પણ સેન્સરશિપમાં વધારો કરતા 2016 મીડિયા સર્વિસ ઍક્ટ, 2018 ઓનલાઇન કન્ટેન્ટ રેગ્યુલેશન્સ અને 2015 સાઇબર ક્રાઇમ ઍક્ટ હજુ પણ લાગુ છે.

અલબત્ત, પ્રમુખ સામિયાએ સરમુખત્યારશાહી પર બ્રેક મારી છે અને દેશને 2015 પહેલાંના સમયમાં લઈ ગયાં છે, પરંતુ સંસ્થાકીય માળખામાં ફેરફાર માટે ઘણું કરવાનું બાકી છે.

રાજકારણના વધુ સહિષ્ણુતા તરફ દોરી જતાં આ પગલાં સૂચવે છે કે રાષ્ટ્રપતિ ફેરફારો કરવા માંગે છે. પરંતુ તેમની પોતાના પક્ષને સત્તામાં પણ જાળવી રાખવાની મથામણ છે. તેઓ વિપક્ષી નેતાઓને મળ્યાં છે પરંતુ તેમના પરના રેલી નહીં યોજવા સહિતના પ્રતિબંધો હજુ પણ યથાવત્ છે.

ફીમેન એમ્બાવે સામેના ઉગ્રવાદના આરોપો હઠાવી લેવાયા બાદ લોકોની ભીડે ઉજવણી કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફીમેન એમ્બાવે સામેના ઉગ્રવાદના આરોપો હઠાવી લેવાયા બાદ લોકોની ભીડે ઉજવણી કરી હતી

જોકે, પ્રમુખ સામિયાએ હવે સત્તાધારી પક્ષ પર તેમની પકડ એકદમ મજબૂત કરી લીધી છે એટલે સ્થિતિના સુધારા માટે આશાવાદ જાગ્યો છે.

શ્રી મગુફુલીના મૃત્યુ પછીના પ્રથમ થોડા મહિનામાં, તેઓએ યાદ અપાવવું પડ્યું કે તેઓ રાષ્ટ્રપતિ છે. તે સમયે, મંત્રીઓ માત્ર આંશિક રીતે તેમના નિર્દેશોનું પાલન કરતા હતા.

તેમની સત્તા ઉપરની પકડનો એક સંકેત ફ્રીમેન એમ્બાવેની મુક્તિ છે.

કેટલાક સામિયાના માર્ગદર્શક અને શ્રી મગુફુલીના પુરોગામી એવા ભૂતપૂર્વ પ્રમુખ જકાયા કિકવેટેના કાળ સાથે વર્તમાન બદલાવોની તુલના કરે છે.

તેમની નેતૃત્વ શૈલી સમાધાનકારી હતી અને વિપક્ષો સાથેના રાજકીય મતભેદો ઘણીવાર ચાના ટેબલ પર વાતચીત દ્વારા ઉકેલવામાં આવતા હતા.

વર્તમાનમાં આર્થિક ઉદારીકરણની નીતિઓ લાગુ કરવામાં આવી છે. વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે, પશ્ચિમ દાતાઓને હવે સામ્રાજ્યવાદીઓને બદલે વિકાસના સહભાગી ગણવામાં આવે છે. મગુફુલી તેમને અપમાનજનક શબ્દો કહેતા હતા.

સામિયાનો ઉછેર ઝાંઝીબારમાં થયો હતો, જ્યાં નમ્રતા અને આતિથ્યની સંસ્કૃતિ છે એટલે તેમની નેતૃત્વશૈલી અલગ છે.

જોકે વિપક્ષની લાંબા સમયથી પડતર માંગણી એવા, બંધારણીય સુધારાઓ પર લોકમત માટે સંમત થાય તો તેમને સીસીએમ તરફથી ભારે પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે.

ફ્રીમેન એમ્બાવે અગાઉના રાષ્ટ્રપતિ જ્હોન મગુફુલીના કટ્ટર વિરોધી હતા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ફ્રીમેન એમ્બાવે અગાઉના રાષ્ટ્રપતિ જ્હોન મગુફુલીના કટ્ટર વિરોધી હતા

સામિયા અસાધારણ સંજોગોમાં રાષ્ટ્રપતિ બન્યાં. પિતૃસત્તાક વલણનું પ્રભુત્વ ધરાવતા પક્ષની ધુરા સંભાળી અને પકડ મજબૂત કરી.

એક જાહેર સંબોધનમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મગુફુલીએ તો મજાકમાં વિરોધ કરી રહેલી મહિલાઓને પણ માર મારવાની વાત કરી હતી. એકવાર તેમણે મહિલા સાંસદો વિશે તેમની નાજુક ત્વચાને લઈને જાતીય ટિપ્પણી કરી હતી. બંને પ્રસંગોએ તેમને ટીકાને બદલે તાળીઓ મળી હતી.

એક વર્ષ પછી, પ્રમુખ સામિયા નવી શરૂઆતની આશાઓ જાગૃત કરવામાં સફળ થયાં છે.

જોકે, સ્થાયી ફેરફારો કરવાના તેમના ઇરાદાનું સાચું માપ કાનૂની અને સંસ્થાકીય સુધારાઓ થશે ત્યારે છતું થશે. એમ થશે ત્યારે તાંઝાનિયનોની સ્વતંત્રતા અબાધિત થશે અને દેશને ભવિષ્યના સંભવિત સરમુખત્યારશાહી નેતાઓમાંથી મુક્તિ મળશે.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો