વિધાનસભા ચૂંટણી 2022 : યુપી, ઉત્તરાખંડ અને ગોવામાં કેવું રહ્યું મતદાન?
સોમવારે ગોવા તથા ઉત્તરાખંડ વિધાનસભાની તમામ બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. આ સિવાય બહુચર્ચિત ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન થયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન ઉત્તર પ્રદેશ, મણિપુર અને પંજાબની વિધાનસભા માટે ચૂંટણી યોજાશે.
ગોવા તથા ઉત્તરાખંડમાં ભાજપની સામે સરકાર ટકાવી રાખવાનો પડકાર છે. યુપીમાં ભાજપ, પંજાબમાં કૉંગ્રેસ તથા મણિપુરમાં ભાજપનો યુતિપક્ષ સત્તા પર છે.
તમામ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ તા. 10મી માર્ચના જાહેર થશે.
ક્યાં કેટલું મતદાન?
ગોવામાં 40, જ્યારે ઉત્તરાખંડમાં 70 ધારાસભ્ય નવા ગૃહની રચના કરશે. બંને રાજ્યમાં અનુક્રમે (સાંજે પાંચ વાગ્યાની સ્થિતિ પ્રમાણે) 75.29 તથા 59.37 ટકા મતાન થયું હતું.
ગોવામાં ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી તથા તૃણમુલ કૉંગ્રેસ જેવા નવા પક્ષો પણ ચૂંટણીમેદાનમાં છે. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપ અને કૉંગ્રેસ જેવા પરંપરાગત હરીફો ઉપરાંત આપ તથા ઉત્તરાખંડ ક્રાંતિદળ પણ મેદાનમાં છે.
સહારનપુર, રામપુર, સંબલ, મુરાદાબાદ, બિજનૌર, બરેલી, શાહજહાંપુર, બદાયું તથા અમરોહાની 55 બેઠક પર 586 જેટલા ઉમેદવારોના ભાવિને મતદારોએ ઈવીએમમાં સીલ કર્યા હતા. અહીં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 60.44 ટકા મતદાન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગોવામાં ગૂંચવાડો

ઇમેજ સ્રોત, Getty Images
60 વર્ષ અગાઉ ગોવા સ્વતંત્ર થયું, તેના પ્રથમ લગભગ અઢી દાયકા સુધી રાજ્ય પર પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ રહ્યું હતું, તે પછી કૉંગ્રેસ પક્ષ પોતાનો પગ જમાવવામાં સફળ રહ્યો હતો.
મોડે-મોડે ભાજપને મનોહર પર્રિકરના નેતૃત્વમાં લોકોના મન સુધી પહોંચવામાં સફળતા મળી. તેમના અવસાન પછી આ વખતે તેમના દીકરા ઉત્પલ પિતાની પરંપરાગત પણજીમ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ આપી તથા ઉત્પલે વૈકલ્પિક બેઠકો સ્વીકારવાનો ઇન્કાર કરતા આ સ્થિતિ ઊભી થઈ હતી.
ભાજપના અડધા કરતાં વધુ ઉમેદવાર અન્ય પક્ષમાંથી આવેલા છે, એટલા માટે ભાજપની ખરી ઓળખ અંગે મતદારના મનમાં સવાલ થાય તે સ્વાભાવિક છે. બીજી બાજુ, કૉંગ્રેસે 38 નવા ચહેરાને ટિકિટ આપી છે. માત્ર પીઢ નેતા દિગંબર કામતને રિપિટ કર્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ચાલુ ચૂંટણી વેળાએ મુખ્ય બે પક્ષ ઉપરાંત દિલ્હીસ્થિત આમ આદમી પાર્ટી તથા કોલકત્તાના તૃણમુલ કૉંગ્રેસે પણ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે.
આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં રાજકીય પત્રકાર પ્રમોદ આચાર્યે બીબીસીને જણાવ્યું, "વર્તમાન સ્થિતિમાં પોતાનો વોટ શૅર કેટલો છે અને મતદારો કેટલા છે તેની જ ભાજપ કે કૉંગ્રેસને ખબર નથી. ભાજપ માટે તેનાં બે કારણ છે. એક તો પોતાના કેટલાક કાર્યકરો અને મતદારો પક્ષથી દૂર થઈ ગયા છે, એ ભાજપ જાણતો નથી. બીજું એ કે પક્ષ બહારથી જે નેતાઓને લાવ્યા તેમની સાથે તેમના મતદારોને પણ લાવ્યા છે કે કેમ? એની ખાતરી નથી. કૉંગ્રેસનું પણ એવું જ છે. જૂના મતદારો પોતાની સાથે છે કે કેમ? તે કૉંગ્રેસ જાણતી નથી."
કૉંગ્રેસ અને ભાજપમાંથી મતદારોએ કોનો સાથ આપ્યો છે, તેના પરથી 10મી માર્ચે પડદો ઉંચકાશે.

રામપુરમાં 'આઝમ' કોણ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા અને મુખ્ય મુસ્લિમ ચહેરો ગણાતા રામપુરના સાંસદ આઝમ ખાન આ વખતે રામપુર વિધાનસભા બેઠક પર જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. 80ના દાયકાથી રામપુરની આ બેઠક આઝમ ખાન અને તેમના પરિવાર પાસે જ રહી છે.
આઝમ ખાન આ બેઠક પરથી નવ વખત ચૂંટણી જીત્યા છે. આઝમ ખાન વિરુદ્ધ કેટલાય કેસ નોંધાવનારા કાર્યકર આકાશ સક્સેનાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસે અહીં નવાબ પરિવારના કાઝિમઅલી ખાનને ટિકિટ આપી છે, જ્યારે બસપામાંથી સદાકત હુસૈન લડી રહ્યા છે.
ચૂંટણીપ્રચાર દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અખિલેશ યાદવ જ નથી ઇચ્છતા કે આઝમ ખાન બહાર આવે, અન્યથા તેમની ખુરશી ઉપર જોખમ ઊભું થાય તેમ છે.
જોકે આદિત્યનાથના નિવેદનને આઝમખાનનાં પત્ની તંઝીમા તથા પુત્રે નકારી કાઢ્યું છે. અન્ય એક બેઠક પર સપાએ આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાહને ઉમેદવાર બનાવ્યા છે.
મતદાન યોજાઈ રહ્યું હોય તેવા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
80 જેટલા જમીન દબાણ, ધાકધમકી સહિતના કેસમાં જેલમાં બંધ આઝમ ખાન પોતાનું રાજકીય પ્રભુત્વ જાળવી શક્યા છે કે નહીં, તેના ઉપર રાજકીય વિશ્લેષકોની નજર છે.

ખેડૂત મુદ્દે રાજકારણની ખેતી

ઇમેજ સ્રોત, Getty Images
લખીમપુર ખીરીમાં ખેડૂતો પર વાહન ચલાવવાના આરોપી આશીષ કુમાર મોનુને જામીન મળી ગયા છે. ત્યારે આ મુદ્દાને રાજકીય રીતે ઉઠાવવો કે નહીં તેની ચર્ચા કરવા માટે ખેડૂત નેતા રાકેશ ટિકૈત મંગળવારે લખીમપુર પહોંચશે.
હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. દરમિયાન અખિલેશ યાદવ, પ્રિયંગા ગાંધી વાડ્રા તથા રાહુલ ગાંધી આરોપીને જામીન સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે.
રાહુલ ગાંધીએ વડા પ્રધાન ઉપર નિશાન સાધતાં કહ્યું હતું કે મોદીએ મૃત ખેડૂતો માટે બે મિનિટ મૌન સુધ્ધાં નથી રાખ્યું. જ્યારે પંજાબના જાલંધર ખાતે ચૂંટણીસભાને સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે પંજાબનું એક જ પરિવારે નુકસાન કર્યું છે. ગાંધીપરિવાર તરફનો સ્પષ્ટ અણસાર આપતાં કહ્યું હતું કે તેઓ પંજાબને આગળ વધતું જોઈ શકતા નથી.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













