કોરોના વાઇરસ : સૌથી કડક નિયંત્રણો છતાં શા માટે ચીનમાં સૌથી છેલ્લે સુધી રોગચાળો ચાલતો રહેશે?
- લેેખક, એન્જલ બર્મૂડેઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
બે વર્ષ પહેલાં ચીનમાં સૌપ્રથમ કોરોના વાઇરસ આવ્યો હતો, અને જાણકારો કહે છે કે કદાચ સૌથી છેલ્લે સુધી વાઇરસ આ દેશમાં રહેવાનો છે. તેના કારણે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પર કોરોનાનું જોખમ પણ સૌથી લાંબો સમય રહેવાનું છે.
વુહાનમાં પ્રથમ વાર વાઇરસ ફેલાયો તે પછી ચીને કડક પગલાં લઈને તેને વધુ ફેલાતો અટકાવ્યો હતો. બીજા દેશો કરતાં સૌથી ઓછો ચેપ અને મરણ ચીનમાં નોંધાયાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર 4 ફેબ્રુઆરીએ ચીનમાં નોંધાયેલા કેસ 1,39,891 હતા અને કુલ મૃત્યુ માત્ર 5,700. તેની સામે ચોથા ભાગની જ વસ્તી ધરાવતા અમેરિકામાં 7.5 કરોડો લોકોને ચેપ લાગ્યો છે અને 8,88,000 જેટલાં મોત થયાં છે.
આંકડા ઓછા આવવાનું કારણ એ છે કે ચીને પહેલેથી બહુ કડક પગલાં લીધાં અને ક્રૂર લાગે તેવા પ્રતિબંધો મૂકીને મહામારીને કાબૂમાં રાખી છે.
વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારથી જ લગભગ ચીનની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી દેવાયેલી છે. દેશની અંદર મોટા પાયે ટેસ્ટિંગ કરાયું હતું અને અસરકારક ટ્રેસિંગ સિસ્ટમ દ્વારા કડકમાં કડક લૉકડાઉન લગાવી દેવાયાં હતાં.
4 ફેબ્રુઆરીથી બીજિંગ વિન્ટર ઑલિમ્પિક્સ શરૂ થયું છે અને ત્યારે છેક હવે સરહદો ખૂલી છે. જોકે પ્રેક્ષકો વિના અને ખેલાડીઓને બબલ્સમાં રાખીને રમતોત્સવ યોજાઈ રહ્યો છે. માસ્ક પહેરી રાખવાના અને રોજ પીસીઆર ટેસ્ટ પણ કરવાના.
જોકે કડક પગલાંથી રોગચાળાને કાબૂમાં રાખવાની આ નીતિ સામે સવાલો થઈ રહ્યા છે, કેમ કે તેનાથી માત્ર ચીન સાથે નહીં, વિશ્વ સામે પણ ભવિષ્યમાં ખતરો ઊભો થઈ શકે છે.

કેવી રીતે?

ઇમેજ સ્રોત, Getty Images
કોવિડ-ઝીરોની નીતિ ચીન સિવાય અન્ય કેટલાક દેશોએ પણ અપનાવી હતી. ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, સિંગાપોર અને દક્ષિણ કોરિયાએ પણ કડક નિયંત્રણોથી રોગચાળો કાબૂમાં રાખવાની નીતિ રાખેલી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે કોરોનાની રસી શોધાઈ અને ડેલ્ટા તથા ઓમિક્રૉન જેવા ઝડપથી ફેલાતા વૅરિયન્ટ આવ્યા તે પછી હવે આ દેશો નીતિ બદલી રહ્યા છે. વાઇરસને નાબૂદ કરવાના બદલે વાઇરસ સાથે જીવવાની જ નીતિ હવે અપનાવાઈ રહી છે.
પરંતુ ચીને હજી નીતિ બદલી નથી અને નિષ્ણાતો તેને ભૂલ ગણાવી રહ્યા છે.
યુરેસિયા ગ્રૂપના વાર્ષિક અહેવાલમાં ચીનની કોવિડ-ઝીરો નીતિ 2022માં મુખ્ય વૈશ્વિક જોખમ છે એવું જણાવાયું છે.
વિકસિત દેશોમાં રસીકરણને કારણે તથા સારવાર પણ ઉપલબ્ધ થવા લાગી છે તેના કારણે હૉસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ ઘટી ગયું છે, જ્યારે ચીનમાં સ્થિતિ જુદી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અહેવાલ અનુસાર "2020માં બહુ સફળ લાગેલી ઝીરો-કોવિડની નીતિ પછી ચીન હવે બહુ મુશ્કેલ સ્થિતિમાં લાગે છે, કેમ કે વધારે ફેલાતા વૅરિયન્ટ આવ્યા છે અને લૉકડાઉન તથા રસીથી બહુ ફેર પડી રહ્યો નથી. ઓમિક્રૉન સામે ઍન્ટીબોડી પણ પ્રજામાં વિકસિત થયા નથી. બે વર્ષ સુધી દેશને બંધ રાખ્યા પછી હવે તેને ખોલવાથી વધારે જોખમ તોળાઈ રહ્યું છે."
અમેરિકાના પ્રમુખ બાઇડનના કોરોના વાઇરસ ટ્રાન્ઝિશન ટીમના વડા ડૉ. એઝિકિઅલ ઇમાન્યુઅલે પણ આવી જ ટીકા કરી છે. મિનેસોટા યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત ડૉ. માઇકલ ટી. ઓસ્ટરહોમ પણ આવું જ જણાવી રહ્યા છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સમાં આ બંને નિષ્ણાતોએ લખ્યું કે "કોવિડ ઝીરોની નીતિ મોટી ભૂલ ગણાશે. આ નીતિને કારણે કોવિડ એન્ડેમિક થઈ જાય તે માટે ચીન તૈયાર જ થઈ શક્યું નથી."
તેમણે વધુમાં કહ્યું કે "આગામી વર્ષોમાં દુનિયાના મોટા ભાગના લોકોને ચેપ લાગવાનો છે, તેમાં ચીનના લોકો પણ આવી ગયા. ત્રણ જ દિવસમાં ચેપ ફેલાય છે અને લક્ષણો દેખાતાં નથી. રોગચાળો ફેલાયો છે તેવી ખબર પડશે ત્યારે તે બીજા નગરમાં પહોંચી ગયો હશે."
યુરેશિયા સંસ્થાનું અનુમાન છે કે આના કારણે ઝીરો કોવિડની નીતિ ઊલટાની સમસ્યા પેદા કરે છે.
"ચીનની નીતિથી સંક્રમણ અટકવાનું નથી. ઊલટાનું વધુ ફેલાશે એટલે વધારે કડક લૉકડાઉન લગાવવાં પડશે. તેનાથી વધારે આર્થિક મુશ્કેલીઓ આવશે. લોકોમાં વધારે અસંતોષ ફેલાશે. ચીને સંક્રમણ પર કાબૂ મેળવી લીધો છે તેવા દાવા પોકળ સાબિત થશે."

રોગપ્રતિકારક, રસી અને પ્રતિબંધો

ઇમેજ સ્રોત, Getty Images
ત્રણ કારણોસર ચીનની ઝીરો કોવિડની નીતિ સામે સવાલો થઈ રહ્યા છે.
પ્રથમ કારણ એ કે આકરા પ્રતિબંધોને કારણે ઊલટાનું વસ્તીમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસવાનું અટક્યું.
હૉંગકૉંગના ચીન યુનિવર્સિટીના બાયોમેડિકલ સાયન્સ સ્કૂલના પ્રોફેસર જિન ડોંગ-યેન બીબીસી વર્લ્ડને જણાવે છે કે "વિશ્વના બીજા ભાગોમાં બે રીતે પ્રતિકારક શક્તિ આવીઃ ચેપ લાગવાથી અને કુદરતી રીતે. ચીનમાં કુદરતી ચેપથી પ્રતિકારક શક્તિ આવી નથી."
તેઓ કહે છે કે વુહાનમાં ભારે મહામારી હતી, જ્યારે અન્યત્ર મહામારી હળવી હતી. તેના કારણે વસ્તીમાં મોટા પાયે ઍન્ટીબોડી પેદા થયા નથી.
બીજું કે ચીનમાં સ્થાનિક ધોરણે વિકસાવાયેલી સિનોવેક રસી જ આપવામાં આવે છે. વધારે સારું રક્ષણ આપતી mRNA રસીને દેશમાં મંજૂરી અપાઈ નથી.
ન્યૂયૉર્ક ટાઇમ્સના લેખમાં બંને ડૉક્ટરોએ લખ્યું છે કે "હાલના સંશોધન અનુસાર ચીનની રસીથી ઑમિક્રોન સામે સાધારણ રક્ષણ મળે છે. ગંભીર બીમારી અને મૃત્યુ પણ અટકાવી શકાતાં નથી એટલે નાગરિકોને પૂરતું રક્ષણ મળ્યું નથી."
ત્રીજું કારણ આપતાં ટીકાકારો કહે છે કે કડક લૉકડાઉનને કારણે જીવન દુષ્કર બન્યું છે, આર્થિક પ્રવૃત્તિઓ ધીમી પડી છે, જેનાથી ચીન સાથે વિશ્વના અર્થતંત્રને પણ અસર થઈ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર અને કાર્નેગી મેલોન યુનિવર્સિટીના જૅક ચાઉ કહે છે, "ચીન કોરોનાને કાબૂમાં રાખવા માગે છે, જે આટલા વિશાળ દેશમાં મુશ્કેલ કામ છે. આર્થિક સત્તા હોવાથી વિશ્વ સાથે ચીનનો સંપર્ક રહેવાનો એટલે તે કામ મુશ્કેલ જ બનવાનું."
"આર્થિક રીતે પણ તે મોંઘું પડવાનું છે. સાથે જ રાજકીય જોખમ પણ રહેવાનું છે, કેમ કે લાંબો સમય સુધી લોકો પર પ્રતિબંધો લાદો તો અસંતોષ જાગે."
આ નીતિને કારણે વિશ્વના પુરવઠાના તંત્રને પણ અસર થઈ શકે છે, કેમ કે ચીન વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ છે.
આથી જ આઈએમએફનાં મૅનૅજિંગ ડિરેક્ટર ક્રિસ્ટેલિના જ્યોર્જીવાએ ચીનને અરજ કરી છે કે આ નીતિને કારણે તમારા પર અને વિશ્વ પર બોજો વધી રહ્યો છે ત્યારે તેના વિશે નવેસરથી વિચારણા કરો.

પણ શું ચીન પોતાની નીતિ બદલશે ખરું?

ઇમેજ સ્રોત, Getty Images
વિશાળ જહાજને વાળવું કેવી રીતે?
જિન ડોંગ-યેન કહે છે કે કડક નિયંત્રણોને કારણે ચેપ કાબૂમાં રહ્યો છે અને ચીનના સત્તાધીશો તેને પોતાની સફળતા તરીકે જુએ છે.
તેઓ કહે છે, "લૉકડાઉનને કારણે ચીનને કેટલાક બોધપાઠ મળ્યા. કડક પ્રતિબંધોથી વુહાનને બચાવી શકાયું અને ચીનને પણ બચાવી શકાયું. સાથે જ દુનિયા પણ બચી શકી, નહિ તો 2020ની શરૂઆતથી જ વિશ્વભરમાં વાઇરસ ઝડપથી ફેલાઈ ગયો હોત. તેના કારણે મોટી આપત્તિ આવી હોત."
તેઓ કહે છે કે આ નીતિને કારણે ચીનને બીજા પણ ફાયદા થયા છે.
તેઓ સમજાવતાં કહે છે, "તેમને લાગે છે કે આ સસ્તો પડે તેવો ઉપાય છે, કેમ કે બધું બંધ કરી દેવાનું. કડક પ્રતિબંધો રાખો એટલે ચેપ કાબૂમાં આવી જાય અને તે પછી ઝડપથી બધું ખોલી પણ શકો."
"આના કારણે ચીનનું અર્થતંત્ર વધારે ઝડપથી પાટે ચડી ગયું અને બીજા દેશોમાં નિકાસ પણ કરવા લાગ્યું. તે વખતે દુનિયા હજી કોરોના સામે લડી રહી હતી. એ રીતે ચીનને સફળતા જ મળી છે."
"જોકે હું નિષ્ણાતોની એ વાત સાથે સહમત છું કે આ નીતિને કારણે લાંબા ગાળે ચીને આર્થિક રીતે વધારે ભોગવવું પડી શકે છે અને સાથે જ જાહેર આરોગ્યની સ્થિતિ વણસી શકે છે."
જિન માને છે કે નીતિ બદલવામાં સમય લાગશે કેમ કે સત્તાધીશો અને નાગરિકો બંનેને આ નીતિ ફાવી ગઈ છે. આને સફળ નીતિ પણ ગણવામાં આવી છે, અને બીજો ભય એ છે કે નીતિ બદલવાથી નુકસાન પણ થઈ શકે.
તેઓ કહે છે, "આ બહુ મોટો દેશ છે અને નીતિ બદલવામાં મુશ્કેલી થાય, જે રીતે બહુ મોટા જહાજને વાળવું બહુ મુશ્કેલ હોય છે."
નીતિ પરિવર્તનને કારણે ચીનનું જાહેર આરોગ્યતંત્ર ભાંગી પડે તે ભય પણ નકારી શકાય નહીં એ વાત તરફ પણ તેઓ ધ્યાન દોરે છે.
તેઓ કહે છે, "આરોગ્યતંત્ર પડી ભાંગે તે કોવિડ કરતાં વધારે મોટું જોખમ છે. વુહાનમાં એવું જ જોવા મળ્યું હતું. બીમારીને કારણે નહીં, પણ આરોગ્ય સુવિધા અટકી પડી એટલે ઘણાનાં મોત થયાં હતાં."
જિન કહે છે કે નિયંત્રણ બહારના રોગચાળાને સંભાળવાની સ્થિતિ ચીનમાં નથી. "અમેરિકા, યુકે, સિંગાપોર કે જાપાનમાં થઈ રહ્યું છે એવી વ્યાપક રોગચાળાની સ્થિતિ ચીન સંભાળી શકે તેમ નથી. લાખો કેસ થાય ત્યારે તે સંભાળી શકે તેમ નથી."
જૅક ચાઉ સહમત થતાં કહે છે, "ચીનની આરોગ્ય સુવિધા ચિંતાનું કારણ છે. ઓમિક્રૉન આવી ચડે તો લાખો કેસ તે સંભાળી શકે ખરું? હૉસ્પિટલમાં ધસારો વધી જાય તેને સંભાળી શકે ખરું? આ જોખમ મોટું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ઘણા જાણકારો કહે છે કે ઑમિક્રોનનું જોખમ ટાળવા માટે ચીન પાસે એક બીજો રસ્તો પણ છે - mRNA રસી વધારે અસરકારક થઈ છે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. જોકે આ રસીને ચીન મંજૂરી આપે તેવી શક્યતા ઓછી છે.
જિન કહે છે, "ચીન પોતે રસી ઉત્પાદન કરે છે અને વિશ્વના ઘણા દેશોને મોકલે છે. બીજી રસી ના મેળવી શકે તે દેશો માટે આ રસી ઉપયોગી છે. ભલે બીજા કરતાં ઓછી અસરકારક હોય, પણ તેનાથી ઘણાના જીવ બચાવી શકાયા છે."
તેઓ સમજાવતાં કહે છે, "એક હદે ચીનની રસી ઉપયોગી છે અને ગંભીર બીમારી અટકાવે છે. હૉસ્પિટલે ઓછા લોકોએ દાખલ થવું પડે. ભલે તે ઓમિક્રૉન કે ડેલ્ટા સામે અસરકારક ના હોય, પણ આ રસીથી એક હદે સ્થિતિ કાબૂમાં રાખી શકાશે. તેથી જ તેઓ ઝીરો કોવિડની નીતિને વળગી રહેવા માગે છે."
જૅક ચાઉ કહે છે કે ચીન પોતાની રસી આપીને તેનાથી પ્રભાવ પણ ઊભો કરવા માગે છે. આ એક રાજદ્વારી ઉપાય પણ તેના માટે છે.
તેઓ ઉમેરે છે, "એ રીતે તમે જુઓ તો ચીને પશ્ચિમની mRNA રસી નકારવી પડે અને તે રીતે પોતાની રાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારવી પડે."
પરંતુ આવી નીતિ રખાશે તો ચીનના અર્થતંત્ર સામે મુશ્કેલી વધારે આવશે તેવું યુરેશિયા ગ્રૂપને લાગે છે.
યુરેશિયાના અહેવાલમાં ચેતવણી અપાઈ છે કે "દેશના બધા લોકોને સ્થાનિક રસી અને ત્યારબાદ mRNA બૂસ્ટર ડૉઝ ના અપાય ત્યાં સુધી ચીનમાં આવી સ્થિતિ રહેશે. ઓછામાં ઓછું વર્તમાન વર્ષના અંત સુધી આમ ચાલતું રહેશે. તેથી વિશ્વના અર્થતંત્રનું એન્જિન ચીન કોવિડ પહેલાંની સ્થિતિ જેવું ધમધમતું નહીં થાય."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















