You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Sue Gray : બ્રિટનમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે થયેલી પાર્ટીનો રિપોર્ટ જાહેર, પ્રારંભિક તારણમાં શું-શું કહેવાયું?
બ્રિટનમાં લાદવામાં આવેલા કોરોના સમયગાળાના પ્રથમ લૉકડાઉન વખતે એટલે કે મે, 2020માં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સને 'બ્રિંગ યોર ઑન બૂઝ' પાર્ટીમાં હાજરી આપવા બાબતે સિનિયર સનદી અધિકારી સ્યૂ ગ્રેની તપાસનો રિપોર્ટ જારી કરાયો હતો.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, "એ સમયે સરકારના ઉચ્ચતમ સ્તરે કામ કરી રહેલા લોકો પાસેથી અપેક્ષા રખાતા ઊંચા માપદંડોની જ નહીં પરંતુ એ સમયે બ્રિટિશરો પાસેથી અપેક્ષિત માપદંડોને જોતાં પણ આ એક ગંભીર નિષ્ફળતા છે."
નોંધનીય છે કે મે, 2020માં લૉકડાઉનના સમયે વડા પ્રધાન આવાસમાં પાર્ટીમાં હાજરી આપવા બાબતે માફી પણ માગી ચૂક્યા છે.
તેમણે એ સમયે કહ્યું હતું કે, "આ પાર્ટી ટેકનિકલી નિયમ મુજબ હતી પરંતુ તેમણે સામાન્ય જનતા તેને કેવી રીતે જોશે તે બાબતનું ધ્યાન રાખવું જોઈતું હતું."
જોકે, લેબર પાર્ટીના નેતાઓએ આ બાબતને લઈને તેમના રાજીનામાની માગ કરી હતી.
નોંધનીય છે કે વડા પ્રધાન બોરિસ જૉન્સન પર પોતાની પાર્ટીના સાસંદોનું દબાણ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.
આ સમગ્ર ઘટના અંગેના રિપોર્ટની શરૂઆતનાં તારણો જારી કરાયાં છે. જેમાં ઉપરોક્ત ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઘટના અંગેનો સમગ્ર રિપોર્ટ પ્રકાશિત નથી કરાયો, કારણ કે તે અંગેના મોટા ભાગના બનાવની તપાસ પોલીસ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટમાં શું છે?
સ્યૂ ગ્રેના રિપોર્ટના પ્રારંભિક તારણમાં જણાવાયું છે કે, "ડાઉનિંગ સ્ટ્રીટ અને કૅબિનેટ ઑફિસોમાં પાર્ટીઓને લઈને નેતાગીરી અને નિર્ણયઘડતરની નિષ્ફળતા જોવા મળી છે."
આ રિપોર્ટમાં લખાયું છે કે, "જ્યારે મહામારીમાં સરકાર નાગરિકોને પોતાનાં જીવન પર કઠોર નિયંત્રણો લાદવા માટે જણાવી રહી હતી ત્યારે આ પ્રકારના મેળાવડામાં કરાયેલ વર્તન ન્યાયસંગત ગણાવવું મુશ્કેલ છે."
"તપાસ હેઠળના અમુક મેળાવડાઓ પૈકી કેટલાકમાં બ્રિટિશ સરકારના કર્મચારીઓ પાસેથી અપેક્ષિત ઉચ્ચ માપદંડો તો ઠીક તે સમયે બ્રિટિશ નાગરિકો પાસેથી અપેક્ષિત વર્તનની તુલનાએ ગંભીર નિષ્ફળતા દર્શાવે છે."
"એવું લાગે છે કે દેશમાં તે સમયે શું બની રહ્યું હતું તે અંગે આ મેળાવડાઓનાં આયોજનની યોગ્યતા અંગે ઝાઝો વિચાર કરાયો નહોતો. આ પાસાંમાં આ પ્રકારના મેળાવડાની લોકો પર અસર અને તેમના પર ગંભીર જનઆરોગ્યનાં જોખમો સામેલ છે."
શું છે આખો મામલો
વિપક્ષ આ રિપોર્ટ સંપૂર્ણપણે રજૂ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ રિપોર્ટ બોરિસ જૉન્સનના વડા પ્રધાનપદ પર જળવાઈ રહેશે કે કેમ તે પ્રશ્નને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યો છે.
બોરિસ જૉન્સન પાછલા ઘણા દિવસોથી ડાઉનિંગ સ્ટ્રીટ અને અન્ય સરકારી ઇમારતોમાં પાર્ટીઓનાં આયોજનોને લઈને ખૂબ જ ટીકાને પાત્ર બન્યા છે.
ઘણા કન્ઝર્વેટિવ સાંસદોએ એવું નિવેદન આપ્યું છે કે આ રિપોર્ટનાં તારણો પરથી તેઓ નક્કી કરશે કે તેઓ બોરિસ જૉન્સન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે કે કેમ.
જોકે આમ પણ બોરિસ જૉન્સનનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ ઘટનાપ્રચૂર રહ્યો છે.
બે વર્ષથી થોડા વધુ સમયમાં તેમણે યુરોપિયન યુનિયનમાંથી યુકેના અલગ થવાની (Brexit)ની કામગીરી સંભાળી, કોરોનાકાળ દરમિયાન કપરી સ્થિતિ સંભાળવી પડી અને આ ગાળામાં નજીક ગણાતા સલાહકારોની બળવાખોરી અને રાજીનામાની ઘટનાઓ પણ બની.
જોકે હવે 'પાર્ટીગેટ' તરીકે ઓળખાવા લાગેલો, સત્તાવાર નિવાસસ્થાને પાર્ટીઓ કરવાનો મામલો બ્રિટનમાં રાજકારણમાં અત્યારે ગાજ્યો છે તેના કારણે જ કદાચ લંડનના મેયર રહી ચૂકેલા જૉન્સન સત્તા ગુમાવવાની શક્યતાની ઘણી નજીક આવી ગયા છે.
શું આક્ષેપો થયેલા છે અને 'પાર્ટીગેટ' છે શું?
મીડિયા અહેવાલો અનુસાર કોરોના મહામારી દરમિયાન વડા પ્રધાનના સત્તાવાર ડાઉનિંગ સ્ટ્રીટ નિવાસસ્થાને તથા અન્ય સરકારી જગ્યાઓમાં 17થી વધારે મેળાવડા અને પાર્ટીઓ થઈ હોવાના આક્ષેપો તેમની સામે થયા હતા.
આ બધા સમયગાળા દરમિયાન યુકેમાં વિવિધ સ્તરના પ્રતિબંધો લાગેલા હતા, હળવામળવા, ભેગા થવા કે પાર્ટી કરવા પર પ્રતિબંધો હતા.
નાગરિકોને બંધ કમરામાં પણ ભેગા થવાની મનાઈ હતી અને બહાર ખુલ્લામાં પણ ઘણા પ્રતિબંધો મુકાયેલા હતા. આ રીતે નાગરિકો પર પ્રતિબંધો હતા, પરંતુ વડા પ્રધાન પાર્ટીઓ કરી રહ્યા હતા તેવા આક્ષેપો છે.
મે 2020માં ડાઉનિંગ સ્ટ્રીટ ગાર્ડનમાં એકબીજાથી અંતર રાખીને રહી શકાય તે રીતે 100 જેટલા લોકોને ડ્રિન્ક્સ માટે આમંત્રણ અપાયું હતું.
એ મેળાવડાના સાક્ષી રહેલા લોકોએ બીબીસીને જણાવ્યું કે જૉન્સન અને કેરિ સિમોન્ડ્સ કે જેમની સાથે ત્યારે તેમની સગાઈ થઈ હતી, તેમની સહિત 30 જેટલા લોકો હાજર રહ્યા હતા. વડા પ્રધાને એવું કબૂલ્યું છે કે પોતે ત્યાં 25 મિનિટ્સ સુધી હાજર રહ્યા હતા, પણ એમ માનીને હાજર થયા હતા કે આ કામગારીના ભાગરૂપે છે.
જન્મદિવસની પાર્ટી
અખબારી અહેવાલો અનુસાર વડા પ્રધાનનો જન્મદિન એકાદ મહિના બાદ યોજાયો હતો અને તેના માટે ડાઉનિંગ સ્ટ્રીટના કૅબિનેટ રૂમમાં કેક પણ કાપવામાં આવી હતી.
નિવાસસ્થાનમાં રહીને કામ કરનારા સ્ટાફનું કહેવું હતું કે જન્મદિનની ઉજવણી "10 મિનિટથી ઓછા સમય" માટે ચાલી હતી.
ડિસેમ્બર 2020માં લંડનમાં કડક પ્રતિબંધો અમલી બનાવાયા હતા, ત્યારે પણ ઘણી પાર્ટીઓ યોજાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના મુખ્યમથકે પણ બેઠકો થઈ હતી, જે 'ગેરકાયદે એકત્ર થવાની ઘટનાઓ' ગણાવાઈ હતી.
આ ઉપરાંત ડાઉનિંગ સ્ટ્રીટના સ્ટાફે 16 એપ્રિલ 2021ના રોજ પણ બે મીટિંગો કરી હતી તેમ કહેવાય છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપની અંતિમવિધિની આગલી રાત્રે મિટિંગો થયાનું કહેવાય છે.
અંતિમવિધિ વખતે રોગચાળાને લગતા પ્રતિબંધો લાગુ હતા તેને ધ્યાનમાં રાખીને ક્વિન એલિઝાબેથ સૌથી દૂર એકલા બેઠા હતા. સત્તાવાર રીતે શોક જાહેર કરાયેલો હતો અને ધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવાયો હતો.
જોકે 16 એપ્રિલની આ કહેવાતી મીટિંગોમાં જૉન્સન હાજર નહોતા.
શું પ્રતિક્રિયાઓ આવી હતી?
આ પ્રકારની આક્ષેપિત મીટિંગો થયાની બાબતમાં વડા પ્રધાનની આકરી ટીકા થઈ રહી છે અને સંસદમાં વિપક્ષના નેતાઓ પણ, ખાસ કરીને લેબર પાર્ટીના નેતા કિર સ્ટાર્મર સતત તેમની ટીકા કરતા રહ્યા છે.
આ પ્રકારના આક્ષેપો પછી સૌથી પ્રથમ ભોગ બન્યા છે સરકારના પ્રેસ સેક્રેટરી એલેગ્રા સ્ટ્રેટ્ટન.
ગયા ડિસેમ્બરમાં પ્રથમ વાર નિયમભંગના અહેવાલો આવવા લાગ્યા અને સરકાર ઇનકાર કરતી રહી, પરંતુ તેના એક અઠવાડિયા પછી સ્ટ્રેટ્ટનનો એક વીડિયો લીક થઈ ગયો, જેમાં તેઓ કઈ રીતે પત્રકારોને જવાબો આપવા તેનું રિહર્સલ કરાવી રહ્યા હતા.
તેમણે એવી જોક પણ કરી હતી કે "ચીઝ ઍન્ડ વાઇન" બિઝનેસ મીટિંગ પણ થઈ હતી. બીજા દિવસે ભીની આંખે તેમણે રાજીનામું આપી દેવું પડ્યું હતું.
તે જ મહિને સલામત ગણાતી બેઠક નોર્થ શ્રોપશાયર પણ કન્ઝર્વેટિવ પાર્ટીએ ગુમાવી અને લિબરલ ડેમૉક્રેટ્સનો વિજય થયો. તેના કારણે આઘાતજનક સ્થિતિ ઊભી થઈ હતી અને ઘણાએ આક્ષેપ કર્યો કે જૉન્સન સરકારના વિવાદોને કારણે આ બેઠક ગુમાવવી પડી હતી.
આ મહિનાની શરૂઆતમાં પણ અન્ય એક કન્ઝર્વેટિવ સાંસદ ક્રિશ્ચિય વૅકફોર્ડે જાહેરાત કરી કે તેઓ પક્ષ છોડવાના છે અને વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીમાં જોડાઈ જવાના છે. જોકે તેઓ પાર્ટીગેટનો વિવાદ જાગ્યો તે પહેલાંથી જ વિપક્ષના સંપર્કમાં હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો