ભારત-ચીન સીમાવિવાદ : ચીન દ્વારા ગલવાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયો, વિપક્ષે PM મોદીને શું કહ્યું?

ચીન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિપક્ષ સતત ઘેરી રહ્યો છે, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત તેમની પર નિશાન સાધ્યું છે.

નવા વર્ષે ગલવાનમાં ચીનનો ઝંડો ફરકાવવાના મામલે આ વખતે વડા પ્રધાનને આકરા સવાલો પૂછવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં લખ્યું છે કે, "ગલવાન પર આપણો ત્રિરંગો જ શોભે. ચીનને જવાબ આપવો પડશે. મોદીજી મૌન તોડો."

રાહુલ ગાંધીએ વર્ષના અંતિમ દિવસે પણ એક ટ્વીટ કરીને ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં 15 જગ્યાઓનાં નવા નામ રાખવાને લઈને વડા પ્રધાનને સવાલ પૂછ્યા હતા.

એ દવિસે રાહુલે એક અખબારમાં છપાયેલા અહેવાલને શૅર કરતાં પોતાના ટ્વીટમાં લખ્યું હતું :

"થોડા દિવસો પહેલાં જ આપણે 1971માં ભારતની ગૌરવપૂર્ણ જીતને યાદ કરી રહ્યા હતા. દેશની સુરક્ષા અને વિજય માટે સૂઝબૂઝ તેમજ મજબૂત નિર્ણયોની જરૂર પડે છે, પોકળ દાવાઓથી જીત નથી મળતી."

જોકે, અરુણાચલ પ્રદેશમાં નામો બદલવાનાં મુદ્દે ભારતના વિદેશમંત્રાલયે નિવેદન જારી કરીને વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, ચીને પહેલાં પણ આવા પ્રયાસો કર્યા છે, પરંતુ તેનાંથી તથ્યો નથી બદલાઈ જતાં.

પરંતુ ગલવાનની ઘટનાને લઈને ભારત સરકારે હજુ સુધી કંઈ પણ કહ્યું નથી.

ગલવાનમાં ચીનનો ધ્વજ

ચીનની સત્તાધારી કૉમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર કહેવાતા અખબાર ગ્લોબલ ટાઇમ્સે એક જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નવા વર્ષ નિમિત્તે ગલવાન ખીણમાં ચીનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022ના પ્રથમ દિવસે દેશમાં ચીનનો પાંચ તારાઓ ધરાવતો લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો, જેમાં 'હૉંગકૉગનું વિશેષ પ્રશાસિત ક્ષેત્ર અને ગલવાન ખીણ' પણ સામેલ હતાં.

રિપોર્ટ અનુસાર, અખબારને એક વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો.

એ વીડિયોમાં ભારતની સીમા પાસે ગલવાન ખીણમાં એક વિશાળ પથ્થર પર "એક ઈંચ પણ જમીન ન છોડો" એવું સૂત્ર લખેલું જોઈ શકાય છે. વીડિયોમાં ચીનના સૈનિકો ચીની જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

વીડિયોમાં ચીનના સૈનિકો કહે છે કે,"અમે અમારી માતૃભૂમિને વાયદો કરીએ છીએ કે અમે સીમાની સુરક્ષા કરીશું."

અખબાર અનુસાર, એ બાદ એક ડ્રોન વડે ચીનનો ઝંડો ઉપર લઈ જવામાં આવે છે. જેને ત્યાં ટ્રેનિંગ લઈ રહેલા ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના સૈનિકો સલામી આપે છે અને દેશને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.

ગ્લોબલ ટાઇમ્સે તેના એક દિવસ પછી ફરી બે ટ્વીટ કર્યાં હતાં. જેમાં કેટલીક તસવીરો સાથે ભારતીય મીડિયાને ટાંકીને કહેવામાં આવ્યું કે નવા વર્ષ નિમિત્તે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત અને ચીનનાં સૈનિકોએ શુભેચ્છાઓ પાઠવી અને મિઠાઈઓ વહેંચી, જેમાં પૂર્વ લદ્દાખના વિવાદાસ્પદ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

'ગ્લોબલ ટાઇમ્સ'નું કહેવું છે કે જો આ વાત સાચી હોય તેને બીજી ઑક્ટોબરે બન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરે થયેલી વાટાઘાટ બાદ એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવે.

રિપોર્ટ અનુસાર, બન્ને પક્ષો તરફથી આ પગલું ત્યારે ભરવામાં આવ્યું, જ્યારે ત્યાં છેલ્લા દોઢ વર્ષથી ઘણી જગ્યાઓને લઈને ઘર્ષણની સ્થિતિ છે.

ગત વર્ષે 5 મેના રોજ પૂર્વ લદ્દાખના પૅન્ગૉન્ગ લેક વિસ્તારમાં બન્ને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. એ બાદ બન્ને દેશોએ ધીરે-ધીરે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારો તૈનાત કરી દીધાં હતાં.

ગલવાન અથડામણ

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે વર્ષ 2020ના જૂન મહિનામાં ગલવાન ખીણમાં હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. બાદમાં ચીને કહ્યું હતું કે, તેમના ચાર સૈનિકોનાં પણ મૃત્યુ નીપજ્યાં હતાં.

એ ઘટનાને લઈને ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે, વિવાદની શરૂઆત એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં થઈ હતી, એ વખતે લદ્દાખ સરહદ એટલે કે એલએસી પર ચીન તરફથી સૈનિક ટુકડીઓ અને ટ્રકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો.

ચીનની સેનાએ આ વિસ્તારમાં તંબુ તાણ્યા હતા. જેને ભારત પોતાનો વિસ્તાર ગણે છે, ત્યાં અંદર સુધી ચીની ટ્રકો પહોંચી હતી.

આ ઘટના બાદ ભારતે હજારો સૈનિકોને સૈન્યસામાન સાથે લદ્દાખ રવાના કર્યા હતા અને ત્યાર બાદ જ 15-16 જૂનની રાત્રે લદ્દાખની ગલવાન ખીણમાં બન્ને દેશોની સેના વચ્ચે અથડામણ થઈ હતી. એ સંઘર્ષમાં ભારતીય સેનાનાં એક કર્નલ સહિત 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

ભારત અને ચીન બન્નેએ આ ઘટના માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા.

મહત્ત્વપૂર્ણ છે કે ભારત અને ચીન વચ્ચે લગભગ 3,440 કિલોમીટર લાંબી સરહદ છે, પરંતુ 1962ના યુદ્ધ પછીથી સરહદનો મોટો ભાગ સ્પષ્ટ નથી અને બન્ને દેશ તેને લઈને અલગઅલગ દાવાઓ કરતા રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો