જળવાયુ પરિવર્તન : ક્લાઇમેટ ચેન્જને પગલે 2021માં દુનિયાભરમાં લોકોએ વેઠવી પડી મોટી આફતો
- લેેખક, મેટ મેકગ્રાથ
- પદ, પર્યાવરણ સંવાદદાતા
એક નવા અહેવાલ મુજબ 2021માં ક્લાઇમેટ ચેન્જ સાથે જોડાયેલી હવામાનની ખતરનાક હોનારતો વિશ્વભરના લાખો લોકો માટે પીડા લઈને આવી હતી.
ચૅરિટી ક્રિશ્ચિયન એઇડના અભ્યાસમાં 10 એવી વિનાશક ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં દરેકમાં ઓછામાં ઓછું 1.5 અબજ ડૉલર કરતાં વધુનું નુકસાન થયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી મોટો આર્થિક ફટકો ઑગસ્ટમાં યુએસમાં ત્રાટકેલા ઇડા વાવાઝોડાથી અને જુલાઈમાં યુરોપમાં આવેલા વિનાશક પૂરથી પડ્યો હતો.
ઘણા ગરીબ વિસ્તારોમાં, પૂર અને તોફાનોને કારણે લોકોનું સામૂહિક વિસ્થાપન થયું અને લોકોએ ભારે પીડાઓ વેઠવી પડી હતી.
દરેક આત્યંતિક હવામાન ઘટનાઓ જળવાયુ પરિવર્તનને કારણે થતી નથી અથવા તેની સાથે જોડાયેલી નથી, તો પણ વૈજ્ઞાનિકો જોડાણોને લઈને વધુ સ્પષ્ટ થયા છે.
અગ્રણી સંશોધક, ડૉ. ફ્રેડરિક ઓટ્ટોએ આ વર્ષની શરૂઆતમાં ટ્વીટ કર્યું હતું કે વિશ્વમાં માનવપ્રેરિત જળવાયુ પરિવર્તન થકી દરેક હીટવેવની 'સંભાવના અને તીવ્રતા વધી' ગઈ છે.
તોફાનો અને વાવાઝોડાના સંબંધમાં, એવા પુરાવા છે કે જળવાયુ પરિવર્તન આવી હોનારતોને પણ અસર કરે છે.

તીવ્ર ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું પ્રમાણ વધશે

ઇમેજ સ્રોત, MARK FELIX
ઑગસ્ટમાં, ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઈમેટ ચેન્જ (આઈપીસીસી) એ તેના છઠ્ઠા એસેસમેન્ટ અહેવાલનો પ્રથમ ભાગ પ્રકાશિત કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાવાઝોડાં અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના સંબંધમાં, અભ્યાસુઓએ કહ્યું છે કે તેમને "સો ટકાની ખાતરી" છે કે આ પ્રકારની ઘટનાઓ પાછળ માનવીય પ્રભાવમાં વધારો થયો છે.
અભ્યાસમાં જણાવાયું છે કે " વધતા ગ્લોબલ વૉર્મિંગ સાથે તીવ્ર ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું પ્રમાણ, ચક્રવાતના પવનની સરેરાશ પીક પર પવનની ગતિ અને ચક્રવાતોની પીક પર પવનની ઝડપ વૈશ્વિક સ્તરે વધશે."
આ અહેવાલ પ્રગટ થયાના થોડાં અઠવાડિયાં પછી વાવાઝોડું ઇડા યુએસ પર ત્રાટક્યું.
ક્રિશ્ચિયન એઇડ મુજબ તે વર્ષની સૌથી મોટું આર્થિક વિનાશ લાવનારી હવામાનની હોનારત હતી.
ધીમી ગતિએ આગળ વધતા વાવાઝોડાથી પ્રભાવિત લુસિઆનાના હજારો રહેવાસીઓને ખસેડવા પડ્યા હતા.
આ વાવાઝોડાના પગલે અનેક રાજ્યો અને શહેરોમાં ભારે વરસાદ આવ્યો, જેમાં ન્યૂ યોર્કે પ્રથમ વખત ફ્લેશ-ફ્લડ ઇમરજન્સી એલર્ટ જારી કરવો પડ્યો હતો.
ઇડા વાવાઝોડામાં આશરે 95 લોકો મૃત્યુ પામ્યા હતા અને અંદાજિત 65 અબજ ડૉલરનું આર્થિક નુકસાન થયું હતું.

વૈશ્વિક કુદરતી આફતોમાં 100 અબજ ડૉલરથી વધુનો ખર્ચ

ઇમેજ સ્રોત, Getty Images
બીજા ક્રમની સૌથી ખતરનાક હોનારત તરીકે જુલાઈમાં જર્મની, ફ્રાન્સ અને અન્ય યુરોપિયન દેશોમાં આવેલા ભારે પૂરની ગણતરી થાય છે.
પાણીની ઝડપ અને તીવ્રતાએ બધા રક્ષાકવચો તોડી નાખ્યાં અને એ પૂરમાં 240 લોકોએ જીવ ગુમાવ્યો. આશરે 43 અબજ ડૉલરનું દેખીતું આર્થિક નુકસાન થયું.
અભ્યાસ પ્રમાણે, યાદીમાં હવામાનની હોનારતની મોટાભાગની ઘટનાઓ વિકસિત દેશોમાં બની હતી.
તેનું અન્ય કારણ એ પણ છે કે વીમા દાવાઓથી નાણાકીય નુકસાનનો અંદાજ કાઢી શકાય છે અને તે સામાન્ય રીતે સમૃદ્ધ દેશોમાં જ ઉપલબ્ધ છે. કેમ કે તેમને ઘરો અને વ્યવસાયોનો વીમો લેવાનું પરવડે છે.
વીમા કંપની એઓનના જણાવ્યા અનુસાર, 2021નું વર્ષમાં પાંચ વર્ષમાં એવું ચોથી વખત બનવાની સંભાવના છે કે જ્યારે વૈશ્વિક કુદરતી આફતોમાં 100 અબજ ડૉલરથી વધુનો ખર્ચ થયો હોય.

ખુવારી અને નુકસાનનો મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
અહેવાલમાં એવી ઘણી અન્ય ઘટનાઓનું પણ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે જેમાં નાણાકીય નુકસાનનો અંદાજ મેળવવો મુશ્કેલ હોય પરંતુ લોકો પર નોંધપાત્ર અસર થઈ હોય.
દક્ષિણ સુદાનમાં પૂરને કારણે 80,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા જ્યારે મે મહિનામાં ભારત, શ્રીલંકા અને માલદીવમાં ત્રાટકેલા ચક્રવાત તાઉતેથી બચવા માટે 20,000 લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. ગુજરાતમાં તાઉતે વાવાઝોડું ત્રાટક્યું હતું જેનાથી હજારો લોકો પ્રભાવિત થયા હતા.
ક્રિશ્ચિયન એઇડ અહેવાલના સંશોધક ડૉ. કેટ ક્રેમરે જણાવ્યું હતું કે "તે અતિ ભારે માનવીય અસર ગણાય."
"સ્વાભાવિક રીતે, તમારું ઘર, તમારી આજીવિકા અને બધું સર્વસ્વ ગુમાવવું અને સંસાધનો વગર જ ફરી ઊભું કરવું અતિશય અઘરું છે. ઓછામાં ઓછું જો તમારી પાસે વીમો હોય તો સમજી લો કે તમારી પાસે તે પાછું બાંધવા માટેની કોઈ પ્રણાલી છે."
અહેવાલ ભવિષ્યમાં હવામાન સંબંધિત અસરોને ઘટાડવા માટે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને રોકવા માટેના પ્રયાસો વધારવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.
તે વૈશ્વિક પર્યાવરણ પ્રહરીઓને પણ આહ્વાન કરે છે કે તેઓ ભારે આર્થિક ખુવારી વેઠતા ગરીબ દેશોને મદદ કરે.
ગ્લાસગોમાં યોજાયેલા COP26 વૈશ્વિક આબોહવા સંવાદમાં, આબોહવા-સંબંધિત ઘટનાઓને કારણે થતી ખુવારી અને નુકસાન માટે નાણાકીય સહાયના આ મુદ્દે દેશો વચ્ચે મોટો મતભેદ જોવા મળ્યા હતા.
વિકાસશીલ રાષ્ટ્રો રોકડ સહાય ઇચ્છતાં હતાં - જ્યારે ધનિક દેશોએ કહ્યું કે અમારે આ મુદ્દે વધુ ચર્ચાવિચારણા કરવી પડશે.
બાંગ્લાદેશમાં ક્રિશ્ચિયન એઇડનાં આબોહવા ન્યાય સલાહકાર નુસરત ચૌધરીએ જણાવ્યું હતું કે "જો કે COP26માં ખુવારી અને નુકસાનનો મુદ્દો એક મુખ્ય મુદ્દો બને તે સારી બાબત ગણાય, પરંતુ જળવાયુ પરિવર્તનથી કાયમી નુકસાન સહન કરી રહેલા લોકોને ખરેખર મદદ કરવા માટે એક ભંડોળ ઊભું કર્યા વિના સંવાદ સંકેલી લેવો તે નિરાશાજનક રહ્યું."
"તે ભંડોળને સજીવન રાખવું એ 2022 માં વૈશ્વિક પ્રાથમિકતા હોવી જરૂરી છે."
અહેવાલ અહીં મળી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












