ક્લાઇમેટ ચેન્જઃ શું કોલસાનું સ્થાન જાપાનનો 'બ્લ્યૂ હાઇડ્રોજન' લઈ શકે ખરો?
- લેેખક, રુપર્ટ વિંગફિલ્ડ-હેઇસ
- પદ, બીબીસી ન્યૂઝ, ટોકયો
સરસ મજાની પાનખરની સાંજે હું એક ટેકરી પર ઊભો-ઊભો ટોકયો બૅને નિહાળતો હતો. મારી સાથે હતા સૌમ્ય સ્વભાવના સાતમા દાયકામાં પ્રવેશી ગયેલા વડીલ ટકાઓ સાઇકી.
જોકે આજે સાઇકી-સાન જરાક રોષમાં હતા.
તેમણે પરફેક્ટ ઇંગ્લિશમાં કહ્યું , "આ તો એક જોક છે. તદ્દન વાહિયાત!"

તેમના રોષનું કારણ છે દૂર સુધી ખાડી જોવામાં નડતરરૂપ થાય તે રીતે બની રહેલી એક મોટી ઇમારત. હકીકતમાં ત્યાં 1.3 ગીગાવૉટની ક્ષમતા સાથેનું કોલસાઆધારિત વીજમથકનું નિર્માણ થઈ રહ્યું છે.
સાઇકી-સાનના મિત્ર રિકુરો સુઝુકી પણ કહે છે, "મને એ જ સમજાતું નથી કે હજીય આપણે વીજળીઉત્પાદન માટે શા માટે કોલસો બાળવો પડે છે. આ એક જ વીજમથક વર્ષે 70 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડવાનું છે!"
સુઝુકી-સાનની વાતમાં દમ છે. શું જાપાને ક્લાઇમેટ પર કોલસો બાળવાને કારણે થતી અસરને ધ્યાનમાં લઈને તેનો વપરાશ ઘટાડવા માટે પ્રયત્નો કરવા ન જોઈએ?
આમ છતાં શા માટે વીજળી માટે કોલસાનો ઉપયોગ થઈ રહ્યો છે? તેનો જવાબ છે 2011માં ફૂકુશીમા અણુમથકમાં થયેલી દુર્ઘટના.
2010માં જાપાનમાં વીજળીઉત્પાદનનો એક તૃતિયાંશ હિસ્સો અણુ ઊર્જામાંથી આવતો હતો. વધુ અણુ વીજમથકો બનાવવાની યોજના પણ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ 2011માં આ અણુ ઊર્જામથકમાં અકસ્માત સર્જાયો અને તેના કારણે જાપાનના બધાં અણુ ઊર્જામથકો બંધ કરી દેવાયાં. દસ વર્ષ પછી આજેય મોટા ભાગનાં મથકો બંધ છે અને તેને ફરી શરૂ કરવા સામે ઘણો વિરોધ પણ થઈ રહ્યો છે.
તેની સામે વીજળીઉત્પાદન માટે ગૅસ આધારિત વીજમથકોને દિવસ-રાત ચલાવવાં પડે છે. જોકે હાલમાં બ્રિટનને સમજાયું તે પ્રમાણે કુદરતી ગૅસ મોંઘો પડે છે.
તેથી જાપાન સરકારે 22 નવા કોલસા આધારિત વીજઉત્પાદન એકમો સ્થાપવાનું નક્કી કર્યું છે. આ માટે સસ્તો કોલસો ઑસ્ટ્રેલિયાથી આયાત કરવામાં આવશે. આર્થિક રીતે આ વાત બરાબર છે.
પરંતુ પર્યાવરણની દૃષ્ટિએ જરાય સારું નથી. જાપાન પર હવે કોલસાનો ઉપયોગ ઓછો કરવા માટે દબાણ થઈ રહ્યું છે.

કોલસાનો વિકલ્પ શો?

જૂનાં કોલસાનાં મથકો બંધ કરીને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો તરફ વળવાના બદલે જાપાન એક બીજો રસ્તો અપનાવી રહ્યું છે. જાપાન હવે હાઇડ્રોજન અથવા એમોનિયાનું દહન કરવા તરફ વળી રહ્યું છે.
સ્વીડનની શેમર્સ યુનિવર્સિટીના ઊર્જાનીતિના નિષ્ણાત પ્રોફેસર ટોમસ કેબર્ગર કહે છે, "સરવૈયામાં જો વેલ્યૂ નહીં દેખાય તો વીજકંપનીઓએ કોલસા આધારિત મથકોમાં રોકાણ કર્યું છે તે અચાનક નકામું થઈ જશે."
"તેના કારણે વીજઉત્પાદક કંપનીઓ માટે આર્થિક સંકટ ઊભું થશે અને તે પછી બૅન્કો અને પેન્શન ફંડો માટે મુશ્કેલી ઊભી થશે. જાપાન માટે આ પણ એક પડકાર બની રહેવાનો છે."
જોકે આ વીજમથકોને સહેલાઈથી હાઇડ્રોજન અથવા એમોનિયાના દહન માટે તૈયાર કરી શકાય છે. આ બેમાંથી એકેયના દહનથી કાર્બન ડાયોક્સાઇડ નીકળતો નથી. એટલે આ એક સારો વિકલ્પ જણાય છે.
જોકે જાપાનની સરકાર આનાથી પણ વધારે મહત્ત્વાકાંક્ષી દિશામાં આગળ વધવા માગે છે. સરકાર વિશ્વનું સૌ પ્રથમ "હાઇડ્રોજન આધારિત અર્થતંત્ર" બનવા માગે છે.
અહીં કાર નિર્માતા કંપની ટોયોટા ચિત્રમાં આવે છે.

હાઇડ્રોજન લાવી શકશે સમસ્યાનું નિવારણ?

સૂરજ મજાનો ખીલ્યો છે અને હું ટોકયોના સદર વિસ્તારમાં છું, જ્યારે ચળકાટ મારતું હાઇડ્રોજન ભરી આપતું સ્ટેશન કામ કરી રહ્યું છે. આગળ જ ઊભી છે નવી નક્કોર ટોયોટા મિરાઈ. વિશાળ લેક્સસ જેવડી જ મોટી આ લક્ઝરી કાર છે.
લેધરથી મઢેલી કૅબિનમાં દાખલ થઈને મેં સ્ટાર્ટ બટન દબાવ્યું અને શેરીમાં કાર સડસડાટ પસાર થવા લાગી. જરાય અવાજ કર્યા વિના કાર ચાલી રહી છે. બસ પાછળ થોડું પાણી રસ્તા પર છૂટતું જાય તે સિવાય કોઈ પ્રદૂષણ કાર કરતી નથી.
મિરાઇ (જાપાનીમાં તેનો અર્થ ભવિષ્ય થાય છે) કાર ટોયોટાની પ્રથમ ઝીરો-એમિશન ઇલેક્ટ્રિક કાર છે. બીજી ઇલેક્ટ્રિક કારથી અલગ મિરાઈમાં કોઈ મોટી બૅટરી પણ લગાવેલી નથી. તેના બદલે તેના બોનેટ નીચે છે ફ્યુઅલ સેલ. પાછલી સીટની નીચે હાઇડ્રોજનની ટૅંક બેસાડેલી છે.
હાઇડ્રોજન સાથે ઑક્સિજનને ફ્યુઅલ સેલમાં મિક્સ કરવામાં આવે એટલે પાણી બની જાય અને સાથે જ વીજળી પણ પેદા થાય છે. આ વીજળીથી ઇલેક્ટ્રિક મોટર ચાલે છે.
મૂન મિશન માટે અપોલો યાન રવાના થયું હતું તેમાં આ જ પદ્ધતિએ ઊર્જા પેદા કરવામાં આવી હતી.
ઘણા લોકો માટે આ ટેકનૉલૉજીની પસંદગી જરા અજૂગતિ પણ છે. આ બહુ મોંઘી છે અને બૅટરી કરતાંય વધારે સંકુલ છે. ઇલોન મસ્ક તો હાઇડ્રોજન કારને સ્ટુપિડ જ કહે છે.
ટોયોટાના પબ્લિક અફેર્સના વડા હિસાશી નાકાઈ કહે છે કે એ વાત ખોટી. તેઓ કહે છે કે કંપની ફ્યુઅલ સેલને માત્ર કાર માટે નહીં, પણ તેનાથી આગળના ઉપયોગ સુધી લઈ જવા માગે છે.
તેમણે મને જણાવ્યું કે "હું જાણું છું લોકોના વિચારો જુદા હોય છે, પણ અગત્યની વાત એ છે કાર્બનને આપણે રોકીએ. આપણે એ વિચારવાની જરૂર છે કે ફ્યુઅલ સેલ ટેકનૉલૉજીને આપણે ક્યાં સુધી લઈ જઈ શકીએ છીએ. અમે હાઇડ્રોજનને શક્તિશાળી અને અગત્યના ઊર્જા સ્રોત તરીકે જોઈએ છીએ."
નાકાઇ-સાન જે કહી રહ્યા છે તેના પર ટોયોટા કામ કરી રહી છે અને સર્વત્ર ફ્યુઅલ સેલ સુલભ બને તે માટે કામ કરી રહી છે. ઘરોમાં, ઑફિસમાં, ફેકટરીમાં અને કારમાં પણ ખરી. જાપાન હાઇડ્રોજન સમાજમાં સૌથી આગળ રહેવા માગે છે.

શું હોય છે બ્લ્યૂ હાઇડ્રોજન?

ઇમેજ સ્રોત, Reuters
આના પરથી આખરી અને સૌથી અગત્યના સવાલ પર આપણે પહોંચીએ છીએ. જાપાન કાર્બન મુક્ત ઊર્જા માટે વિચારી રહ્યું છે, પણ તે માટેનો હાઇડ્રોજન આવશે ક્યાંથી?
તેનો જવાબ છે "બ્લ્યૂ હાઇડ્રોજન".
પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરીને પાણીમાંથી હાઇડ્રોજન મેળવવામાં આવે તેને "ગ્રીન હાઇડ્રોજન" કહેવામાં આવે છે. તેમાં સમસ્યા એ છે કે ગ્રીન હાઇડ્રોજન બહુ મોંઘો પડે છે.
તેની જગ્યાએ આજે મોટા ભાગના હાઇડ્રોજન કુદરતી ગૅસમાંથી અથવા તો કોલસામાંથી પણ મેળવવામાં આવી રહ્યો છે. આ રીતે સસ્તામાં હાઇડ્રોજન મળે છે, પણ વળી તેના કારણે નુકસાનકારક વાયુઓનું ઉત્સર્જન તો થાય જ છે. પરંતુ જો આ વાયુઓને હવામાં છોડવાના બદલે તેને જમીનમાં દાટી દેવામાં આવે, તો પછી તેને "બ્લ્યૂ હાઇડ્રોજન" કહી શકાય.
જાપાન કહે છે કે અમે બરાબર આ રીતે જ આગળ વધવા માગીએ છીએ.

કેમ નવા પ્રોજેક્ટથી હતાશ છે પર્યવારણપ્રેમીઓ?

આ વર્ષની શરૂઆતમાં જાપાન અને ઑસ્ટ્રેલિયાએ વિક્ટોરિયા રાજ્યમાં એક સંયુક્ત પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રકારના કોલસાને હાઇડ્રોજનમાં ફેરવવા માટેનો છે. આ હાઇડ્રોજનને માઇનસ 253 ડિગ્રીએ ઠંડો પાડીને પ્રવાહીમાં પરિવર્તિત કરવામાં આવે છે અને પછી પાઇપ મારફતે વિશેષ ટૅંકરમાં ભરીને જાપાન રવાના કરવામાં આવે છે.
આ પ્રક્રિયા કરવા માટે સ્થાનિક ધોરણે જે વાયુઓ છૂટે તેનું શું કરવાનું? અત્યારે તો તેને સીધા હવામાં જ છોડી દેવામાં આવે છે, પરંતુ જાપાન અને ઑસ્ટ્રેલિયાએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં વાયુઓને એકઠા કરીને લેટ્રોબે ખીણમાં એક જગ્યાએ દરિયાના તળિયે દાટી દેવામાં આવશે.
જોકે આ યોજનાને કારણે ક્લાઇમેટ ચેન્જ માટે ઝુંબેશ ચલાવનારા ચોંકી ગયા છે. તેમનું કહેવું છે કે વાયુઓને એકઠા કરીને તેને આ રીતે દાટી દેવાની ટેકનૉલૉજી એટલી સચોટ સાબિત નથી. આમ કરવા જતાં જાપાન આગામી દાયકાઓ સુધી લિગ્નાઇટનો જથ્થો ખોદ્યા જ કરશે.
પ્રોફેસર કેબર્ગરના જણાવ્યા અનુસાર આ સમગ્ર યોજનામાં સૌથી મોટી ખામી આર્થિક ગણતરીની જ છે.
તેઓ કહે છે, "ટેકનિકલી આવું કરવું શક્ય છે, પરંતુ તે બહુ જ મોંઘું પડવાનું છે. અશ્મિભૂત પદાર્થો બાળવાં અને પછી તેના ધુમાડાને એકઠો કરીને દાટી દેવાની વાત હંમેશાં મોંઘી પડવાની. તેની સામે દુનિયાભરમાં હવે પુનઃપ્રાપ્ય ઊર્જા વધારે સારી રીતે મળી શકે છે."
પ્રોફેસર કેબર્ગર માને છે કે એક દાયકા પહેલાં રિન્યુએબલ ઍનર્જી બહુ મોંઘી પડતી હતી, એટલે તે વખતે જાપાને હાઇડ્રોજન પર પસંદગી ઉતારી હતી. તે વખતે યોજના તૈયાર કરી નાખી, પણ આજે હવે તેનો કોઈ અર્થ રહ્યો નથી.
તેઓ વધુમાં જણાવે છે કે "જાપાની કંપનીઓને સ્પર્ધાત્મક રહેવા માટે સસ્તી વીજળીની જરૂર છે અને આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકાર્ય બનવા માટે સ્વચ્છ ઊર્જા પણ જોઈએ. તેનો અર્થ એ કે તેમણે રિન્યૂએબલ ઍનર્જી તરફ વળવું પડશે. તેમાં મોડું થશે તેટલું જાપાનના અર્થતંત્રને નુકસાન થશે."
આ બાજુ ટોકયો બૅના કિનારે કોલસાના વીજમથકનું બાંધકામ આગળ વધી જ રહ્યું છે. આ વિશાળ વીજમથક 2023માં કામ કરતું થઈ જશે. લગભગ 40 વર્ષ સુધી તે વીજઉત્પાદન કરશે તેવો અંદાજ છે.
ટેકરી પરથી આ બાંધકામને નિહાળવા અમારી સાથે આવેલી 21 વર્ષનાં પર્યાવરણ કાર્યકર્તા હિકારી માત્સૂમોટો કહે છે, "મને જાપાન માટે શરમ આવે છે."
હિકારી કહે છે, "હું હતાશ થઈ ગઈ છું. બીજા દેશોમાં યુવાનો વિરોધ કરવા શેરીમાં ઊતરી આવે છે, પણ જાપાનમાં લોકો સાવ શાંત છે. અમારી પેઢીએ પોતાના અભિપ્રાયને જાહેરમાં વ્યક્ત કરવો જરૂરી બન્યો છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












