મૅચ ફિક્સિંગનો એ કેસ, જેમાં પાકિસ્તાનના કોચની હત્યાના આક્ષેપો થયા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કોઈ પણ રમત ચાહે કોઈ પણ ટીમ વચ્ચે રમાતી હોય, તેમાં એક પક્ષની હાર કે બીજા પક્ષની જીત (મહદંશે) નિશ્ચિત હોય છે.

તેમાં પણ જ્યારે પરંપરાગત હરીફોની (જેમ કે ભારત-પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન-બાંગ્લાદેશ વગેરે) કોઈ મૅચનું પરિણામ 'અપસેટ' સર્જે, ત્યારે ચાહકો તેને પચાવી નથી શકતા અને અપસેટ થઈ જયા છે.

આ સંજોગોમાં સૌથી પહેલો આક્ષેપ મૅચ ફિક્સિંગનો થતો હોય છે.

સોશિયલ મીડિયા અને ચૅટઍપ્સના આજના યુગમાં 'થિયરી ઑફ કૉન્સપિરસી' વાઇરલ થતા વાર નથી લાગતી.

ક્રિકેટના મેદાન પર રોચક પળો, રેકર્ડ અને ખેલદિલીની ઘટનાઓની વચ્ચે ક્યારેક એવા કિસ્સા બની જતા હોય છે, જે હૃદયદ્રાવક અને રહસ્યમય હોય છે.

આવી જ એક ઘટના એટલે માર્ચ-2007માં પાકિસ્તાન ક્રિકેટના તત્કાલીન કોચ બૉબ વુલમરનું મૃત્યુ.

મૂળ ઇંગ્લૅન્ડના પણ ભારતમાં જન્મેલા વુલમર પોતાના વતન માટે ક્રિકેટ રમ્યા હતા.

બાદમાં તેઓ એક સમયે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના કોચ બન્યા. આ અરસામાં જ દિલ્હી પોલીસના પ્રયાસોથી મૅચ ફિક્સિંગના રૅકેટનો પર્દાફાશ થયો હતો.

શું થયું હતું એ રાત્રે?

2007નો ક્રિકેટ વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડીઝ ખાતે યોજાઈ રહ્યો હતો. 17મી માર્ચે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 'નવશીખ્યા' જેવી આયર્લૅન્ડની ટીમ સામે હારી ગઈ હતી અને વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

પાકિસ્તાનીઓ આ વાતને પચાવી ન શક્યા, તેઓ ક્રિકેટ ટીમના કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક, પાકિસ્તાની ક્રિકેટર્સ તથા કોચ બૉબ વુલમરનાં પૂતળાં ફૂંકી રહ્યાં હતાં.

58 વર્ષીય વુલમર જમૈકામાં પેગાસસ હોટલની રૂમમાં બેભાનાવસ્થામાં મળી આવ્યા હતા. વુલમરને સ્થાનિકસ્તરે બહુપ્રતિષ્ઠિત કિંગસ્ટન હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને થોડી સારવાર બાદ તા. 18મી માર્ચે સવારે તેમનું મૃત્યુ થઈ ગયું.

ક્રિકેટજગતમાં ખળભળાટ મચી જવા પામ્યો. પાકિસ્તાનમાં જ્યાં આક્રોશ અને ગુસ્સો હતો, ત્યાં દુખ, શોક અને આઘાત ફરી વળ્યાં. શું થયું તે અંગે સવાલ ઊઠવા લાગ્યા અને ક્રિકેટજગતમાં પણ કન્ફ્યુઝન અને સંતાપની સ્થિતિ હતી.

બૉબે મૃત્યુના ગણતરીના કલાકો પહેલાં બીબીસી સ્પૉર્ટ્સનાં ઍલિશન મિશેલને પોતાનો છેલ્લો ઇન્ટરવ્યૂ આપ્યો.

વુલમરે પદ છોડવાનો વાત કરી હતી, પરંતુ જેમાં કોઈ પણ કોચને થાય તેવી હતાશા અને નિરાશા વર્તાઈ હતી. પરંતુ નજીકના લોકોએ પાછળથી જણાવ્યું હતું તેમ કફનાં કોઈ લક્ષણ દેખાયાં ન હતાં.

જમૈકાના પોલીસ કમિશનર લુઇસ થોમસે પત્રકારપરિષદમાં જાહેરાત કરી કે પોસ્ટમૉર્ટમ રિપૉર્ટમાં બહાર આવ્યું કે "હાથથી ગળું દબાવી"ને હત્યા કરવામાં આવી છે. આ સંજોગોમાં બૉબ વુલમરના મૃત્યુની તપાસ 'હત્યાના ઍંગલ'થી કરવામાં આવી રહી.

વુલમર ઊંચા અને પડછંદ હતા, બળજબરીપૂર્વક રૂમમાં પ્રવેશનાં કોઈ નિશાન પોલીસને મળ્યાં ન હતાં, એટલે એક કરતાં વધુ લોકો હશે અને વુલમર તેમને ઓળખતા હશે, એટલે જ સરળતાથી પ્રવેશ શક્ય બન્યો હશે.

આને પગલે મૅચ-ફિક્સિંગ, ઝેર, ફેન કે ધર્માંધ દ્વારા હત્યા, હાર્ટઍટેક, બાથરૂમમાં પડી જવાથી મૃત્યુ અને એક તબક્કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના જ ખેલાડી ઉપર શંકા થવા લાગી. તેમના ફિંગરપ્રિન્ટ્સ તથા DNAના નમૂના લેવામાં આવ્યા.

એપ્રિલ-2000માં દિલ્હી પોલીસે ખુલાસો કર્યો હતો કે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના તત્કાલીન કૅપ્ટન હેન્સી ક્રોનિયે તથા ભારતીય સટ્ટાખોર સંજય ચાવલા વચ્ચે સંબંધ હતા. એ સમયે વુલમર જ દક્ષિણ આફ્રિકાની ટીમના કોચ હતા.

ક્રોનિયે, વુલમર અને 'પ્રકરણ'

ભારતીય ખેલ પત્રકાર પ્રદીપ પોતાના પુસ્તક (નૉટ ક્વાઇટ ક્રિકેટ)માં લખે છે કે તેમના પ્રયાસો થકી વુલમર તથા મૅચ ફિક્સિંગનો ખુલાસો કરનારા દિલ્હી પોલીસના તત્કાલીન કમિશનર કેકે પૉલ વચ્ચે મુલાકાત થઈ હતી.

એપ્રિલ-2005માં વુલમર પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કોચ હતા અને ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે પૉલના નિવાસસ્થાને બંને વચ્ચે મુલાકાત થઈ. અહેવાલ પ્રમાણે બંને વચ્ચે આ મુદ્દે રોચક વાતો થઈ.

તેઓ લખે છે, "પહેલાં તો પોલીસકમિશનરે શાંતિપૂર્ણ રીતે બૉબ વુલમરને જણાવ્યું કે હેન્સી ક્રોનિયે વાસ્તવમાં કૌભાંડમાં સંડોવાયેલા હતા અને તપાસમાં પારદર્શકતા હતી."

"પછી જ્યારે ક્રોનિયેનો બચાવ કરવામાં બૉબ વુલમર થોડા આગળ નીકળી ગયા, ત્યારે કેકે પૉલનું વલણ બદલાઈ ગયું અને કેટલાક એવા સવાલ પૂછ્યા, જેના વુલમર પાસે કોઈ જવાબ ન હતા."

મૅગઝિન લખે છે, "કેકે પૉલે વુલમરને પૂછ્યું છે કે એવું કેવી રીતે બને કે કોચ કે કૅપ્ટનની બહુ નજીકની વ્યક્તિ એ વાતથી અજાણ હોય કે તેને એ વાતની શંકા ન થાય કે કૅપ્ટન એક સટ્ટેબાજના પે-રૉલ પર છે?"

વુલમરને કમિશનર કેકે પૉલે પૂછ્યું, "હેન્સી ક્રોનિયે સટ્ટાખોરો તરફથી મળેલા પ્રસ્તાવ અને તેની પાસેથી મળતાં નાણાં વિશે કિંગ્સ કમિશન સામે સ્વીકાર કર્યો હતો; અને બુકીઓ પાસેથી મળતા પ્રસ્તાવ કબૂલ કરવા કે નહીં તેના વિશે એક કરતાં વધુ ટીમ સાથે સલાહ-મસલત કરી હતી. તો તમને આ મુલાકાતો અંગે કેમ ખબર ન હતી?"

આ સવાલો અંગે વુલમરે સંરક્ષણાત્મક વલણ અપનાવવું પડ્યું અને તેમણે કેકે પૉલને જણાવ્યું કે આ બેઠકો અંગે તેમને પછી ખબર પડી હતી.

પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન તથા 1992માં દેશને ક્રિકેટ વર્લ્ડકપ જિતાડનારી ક્રિકેટ ટીમના કૅપ્ટન ઇમરાન ખાને મૅચ ફિક્સિંગમાં દેશના ખેલાડીઓની સંડોવણીનો મુદ્દો ઉઠાવીને તે સમયે તપાસની માગ કરી હતી.

વુલમરનું મૃત્યુ કેવી રીતે થયું હતું?

મે-1948માં ભારતના કાનપુર ખાતે જન્મેલા રૉબર્ટ ઍન્ડ્રુ વુલમરનું ઉપનામ 'વુલી' પણ હતું. તેમના પિતા પણ ક્રિકેટર હતા અને બ્રિટિશ સરકાર માટે કામ કરતા હતા.

કૅન્ટની ટીમ વતી ખેલાડીની શરૂઆત કરનારા બૉબની વન-ડે કૅરિયરની શરૂઆત ઑગસ્ટ-1972માં થઈ હતી અને 1976 સુધી ચાલી હતી. પરંપરાગત હરીફ ઑસ્ટ્રેલિયા સામે ત્રણ સદીઓ ફટકારી હતી. પરંતુ તેમનો અચાનક જ અંત આવી ગયો હતો.

ઇંગ્લૅન્ડે તેમના ખેલાડીના મૃત્યુ માટે પોતાના નિષ્ણાતો તથા તપાસમાં મદદ માટે સ્કૉટલૅન્ડ યાર્ડની મદદની ઑફર કરી, જેને સ્વીકારી લેવામાં આવી.

મૃત્યુના એક વર્ષ પછી પોસ્ટમૉર્ટમ કરનારાં પૅથૉલૉજિસ્ટ ડૉ. ઍરી સેશાહની પદ્ધતિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા તથા તેમની ટીકા થઈ.

દક્ષિણ આફ્રિકાના પૅથૉલૉજિસ્ટ લૉરના માર્ટિનના કહેવા પ્રમાણે, મૃત્યુનો રિપોર્ટ વાંચ્યા પછી મને લાગ્યું હતું કે ગળું દબાવવાથી તેમની હત્યા થઈ છે, પરંતુ જ્યારે તેમણે જાતે જ પુરાવાને જોયા તો તેમને ખાતરી થઈ કે કુદરતી કારણસર તેમનું મૃત્યુ કુદરતી રીતે થયું હતું.

જમૈકાની સરકારના કાર્યકારી મુખ્ય ફૉરેન્સિક અધિકારી ફિત્ઝમોરે કોટીસના કહેવા પ્રમાણે, વુલમરના શરીરમાંથી નોંધપાત્ર પ્રમાણમાં સાઇપરમૅથરિન મળી આવ્યું હતું.

જોકે યુનિવર્સિટી ઑફ વેસ્ટ ઇન્ડીઝ ખાતે પેસ્ટિસાઇડ્સ રિસર્ચ લૅબોરેટરીના પ્રો. તારા દાસગુપ્તાના કહેવા પ્રમાણે, તે નોંધપાત્ર પ્રમાણમાં ન હતું.

મુખ્ય તપાસકર્તા બ્રિટનમાં જન્મેલા માર્ક શિલ્ડ્સના કહેવા પ્રમાણે, વુલમરના રૂમમાં માખી-મચ્છરને મારવા માટે ઘરમાં વપરાતા સાઇપરમૅથરિન સ્પ્રેને કારણે તેમના શરીરમાં મળ્યું હશે.

શિલ્ડ્સે પૅથૉલૉજિસ્ટના રિપૉર્ટ પ્રમાણે ગળાનું હાડકું તૂટી ગયું હતું, જે ગળું દબાવાના અણસાર હતા. ત્યારે એ સવાલ ઊઠ્યો કે એ હાડકું ક્યાં છે? તેનો એક્સ-રે લેવામાં આવ્યો ન હતો, એ પછી અમે એક્સ-રે લીધો તો તે સાજું હતું, એટલે તપાસ ટીમે વધુ અભિપ્રાયો લેવાનું નક્કી કર્યું.

અંતે જૂન-2007માં બીજા અઠવાડિયામાં જમૈકાની પોલીસે જાહેર કર્યું કે વુલમરનું મૃત્યુ કુદરતી કારણસર થયું હતું અને પરિવાર પણ તેને સ્વીકારે છે.

જૂન-2002માં હેન્સી ક્રોનિયેનું એક વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૅચ ફિક્સિંગના આરોપસર તેમની પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

કોવિડ-19 પછી મૅચ ફિક્સિંગ વધશે?

વિશ્વભરની 100 જેટલી ખેલ સંસ્થાઓ તથા લિગને ખેલજગતમાંથી ભ્રષ્ટાચાર તથા મૅચ ફિક્સિંગને દૂર રાખવા માટે સૉલ્યુશન્સ પૂરા પાડતી સ્પૉર્ટ્સ રડાર નામની કંપનીના કહેવા પ્રમાણે : એપ્રિલ-2020થી અત્યાર સુધીમાં કંપનીને 1100 જેટલી મૅચ સંદિગ્ધ જણાય છે, જેમાંથી 650 જેટલી મૅચ ચાલુ વર્ષમાં જ નોંધાઈ છે.

કંપનીનું કહેવું છે કે કોવિડ-19ને કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની છે.

કંપનીનું કહેવું છે કે નાના કલબ કે તેમના ખેલાડીઓને પૈસા ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા, એટલે તેઓ બીજા રસ્તા લેવા માંડ્યા છે. જેમાં મૅચ ફિક્સિંગનો પણ સમાવેશ થાય છે.

કંપનીનું કહેવું છે કે ટિયર-વન તથા ટિયર-ટુ ખેલાડીઓ પાસે રમત ઉપરાંત આવકના કેટલા સ્રોત હોય છે, જ્યારે ત્રીજા દરજ્જાના ખેલાડીઓ પાસે આવકના અન્ય કોઈ વિકલ્પ નથી હોતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો