ચીનમાં વિનાશક પૂર : 17 હજાર ઘરો ધરાશાયી, અંદાજે વીસ લાખ લોકોને અસર

ચીનના ઉત્તર ભાગે આવેલા શાંઝી પ્રાંતમાં વિનાશક પૂર આવ્યું છે, સ્થાનિક મીડિયાના પ્રમાણે પૂરના કારણે 17 લાખ કરતાં વધારે લોકો પ્રભાવિત થયા છે.

70 કરતાં વધુ જિલ્લાઓમાં ગયા અઠવાડિયે અતિભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઘરો ધરાશાયી થયાં હતાં અને ભેખડો પણ ધસી પડી હતી.

તંત્રનું કહેવું છે કે ભારે વરસાદના કારણે બચાવકામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે.

ત્રણેક મહિના અગાઉ હેનન પ્રાંતમાં પણ પૂર આવ્યું હતું, જેમાં અંદાજે 300 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ચીનના હવામાન વિભાગે પણ સ્થાનિક મીડિયાને કહ્યું છે કે સતત વરસી રહેલા વરસાદના કારણે રાહતકામગીરીને અસર થઈ રહી છે.

શાંઝી પુરાતન યુગના સ્થાપત્યોની ભૂમિ છે, એથી આ પૂર એ સ્થાપત્યો માટે પણ જોખમકારક છે.

પૂરમાં 17 હજાર ઘરો ધરાશાયી

તંત્ર તરફથી શિન્હુઆ સમાચાર એજન્સીને માહિતી આપવામાં આવી છે કે એક લાખ 20 હજાર કરતાં વધારે લોકોને ખસેડીને તેમના માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. સાથે જ તેમનું કહેવું છે કે 17 હજાર ઘરો ઘરાશાયી થયાં છે.

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે ભેખડો ધસી પડવાથી ચાર પોલીસકર્મીઓનાં પણ મૃત્યુ થયાં છે. જોકે હજી સુધી મૃતકાંક જાહેર કરાયો નથી.

એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે હેનનમાં આવેલા પૂર કરતાં પણ શાંઝીનું આ પૂર વધારે વિનાશકારી છે.

વર્ષ 1981થી 2010 દરમિયાન ઑક્ટોબર માસમાં શાંઝીના પાટનગર તાઇયુઆનમાં 25 મીમી જેટલો વરસાદ નોંધાતો હતો, જેની સામે ગયા અઠવાડિયે સરેરાશ 185.6 મીમી વરસાદ નોંધાયો છે.

વીજસંકટ વચ્ચે કોલસાની ખાણો બંધ

તાઇયુઆનમાં બચાવકામગીરી કરી રહેલા લોકો માઇકની મદદથી જાહેરાત કરી રહ્યા છે કે, "બાળકોના તમારાં માથાં પર ઊંચકી લો, વૃદ્ધો અને મહિલાઓને અહીંથી ખસેડવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગભરાશો નહીં, સૌને સુરક્ષિત સ્થળે ખસેડાશે."

શાંઝીમાં કોલસાનું ઉત્પાદન થાય છે પણ વરસાદના કારણે કોલસાની ખાણો અને કારખાનાં બંધ કરવાની ફરજ પડી છે.

ચીન પણ વીજસંકટ સામે ઝઝૂમી રહ્યું છે અને સરકાર દ્વારા વીજપુરવઠાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, એવામાં કોલસાની ખાણ બંધ થવાની માઠી અસર થઈ શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો