ઇસ્લામિક દેશોના સમૂહે ભારતની ટીકા કરી એ આસામનો મામલો શું છે?

ઇસ્લામિક દેશોના સંગઠન ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન એટલે કે ઓઆઈસીએ ભારત સરકારની ટીકા કરી છે.

તેમણે અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું છે અને ભારતના પૂર્વોત્તરમાં આવેલા રાજ્ય આસામના દરંગ જિલ્લામાં સેંકડો મુસ્લિમ પરિવારોને સરકારી જમીન પરથી કથિત રીતે બેદખલ કરવાના મામલામાં પોલીસની કાર્યવાહીને 'આયોજનપૂર્વક હિંસા અને જુલમ' ગણાવી છે.

ઘટના બાદ આ મામલે આસામ સરકારે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે ગુવાહાટી હાઈકોર્ટના સેવાનિવૃત્ત જજના નેતૃત્વમાં તપાસ કરાશે.

ગુરુવારે સાંજે ટ્વિટર પર જારી કરાયેલા નિવેદનમાં ઓઆઈસીએ આ મામલે મીડિયાના વલણને પણ શરમજનક ગણાવ્યં હતું.

આ સમૂહે નિવેદનમાં ભારત સરકાર સમક્ષ મુસ્લિમ અલ્પસંખ્યકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની અને તમામ ધાર્મિક અને સામાજિક મૌલિક અધિકારોનું સન્માન કરવાની અપીલ કરી છે.

નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સર્વોપરિતામાં કોઈ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે શ્રેષ્ઠ ઉપાય વાતચીત છે.

આ મામલે હજી સુધી ભારત તરફથી અધિકૃચ પ્રતિક્રિયા આવી નથી.

આસામમાં શું થયું હતું?

આસામના દરંગ જિલ્લામાં 3 નંબર ધૌલપુર ગામમાં 23 સપ્ટેમ્બરે 'દબાણ' હઠાવવાની પોલીસની કાર્યવાહી દરમિયાન હિંસક ઘર્ષણ થયું હતું, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી એકને પોલીસની ગોળી વાગી હતી.

દરંગ જિલ્લાતંત્રના જણાવ્યા અનુસાર હિંસક અથડામણમાં નવ પોલીસ અને સાત ગામવાસીઓને ઈજા થઈ હતી.

સિપાઝાર શહેરથી લગભગ 14 કિલોમીટરના અંતરે 'નો' નદીનો ખાર ઘાટ આવે છે. આ ઘાટ પરથી નદી પાર કરવા માટે માત્ર દેશી હોડીઓ જ મળે છે. નદીના સામા કિનારે 3 નંબર ધૌલપુર ગામ છે.

ગામના કેટલાક લોકોનો આરોપ છે કે જિલ્લા તંત્રે દબાણ હઠાવો ઝુંબેશ વખતે ત્રણ મસ્જિદ અને એક મદરેસાને પણ તોડી નાખ્યાં હતાં.

રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આસામ સરકારના ગૃહવિભાગે કહ્યું છે કે ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં તપાસ કરવામાં આવશે.

મુખ્ય મંત્રીએ ખાસ કરીને નદીના તટ પરના વિસ્તારોમાં આવેલી સરકારી જમીન પર 'પ્રોજેક્ટ ગોરુખુટી' શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો ઇરાદો રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવકોને ખેતીના કામમાં લગાવવાનો છે.

દરંગ જિલ્લામાં જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ છે, ત્યાં આ પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે.

દરંગ જિલ્લા તંત્રનો દાવો છે કે જિલ્લાની લગભગ 77 હજાર વીઘા જમીન પર ગેરકાયદે કબજો થયેલો છે.

OIC શું છે?

ઓઆઈસીમાં દુનિયાભરના 57 એવા દેશ છે, જ્યાં મુસ્લિમોની બહુમતી છે. ઓઆઈસી પર સાઉદી આરબ અને તેના સહયોગી દેશોને દબદબો છે.

ઓઆઈસીનો ઉદ્દેશ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સદ્ભાવ સ્થાપીને મુસલમાનોનાં હિતોની રક્ષા કરવાનો છે.

માત્ર મુસ્લિમ દેશો જ આ સમૂહના સભ્ય બની શકે છે. સભ્ય દેશો ઉપરાંત રશિયા, થાઈલૅન્ડ અને અન્ય કેટલાક દેશોને ઑબ્ઝર્વરનું સ્ટેટસ આપવામાં આવ્યું છે.

2018માં બાંગ્લાદેશે સૂચન કર્યું હતું કે દુનિયાભરના મુસ્લિમોની કુલ આબાદીના 10 ટકા કરતાં વધારે લોકો ભારતમાં રહે છે, એટલે ભારતને ઑબ્ઝર્વરનું સ્ટેટસ આપવામાં આવે, જોકે પાકિસ્તાનના વિરોધના પગલે આ શક્ય બન્યું ન હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો