રશિયાની સંસદીય ચૂંટણીમાં 4500 ફરિયાદોના આરોપો વચ્ચે પુતિનની પાર્ટીની જીત
રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો છે. જોકે, પાછલી ચૂંટણીની સરખામણીએ તેમના સમર્થનમાં થોડો ઘટાડો થયો છે.
ચૂંટણીમાં મોટા પાયે ગોટાળો થયો હોવાના આરોપ થયા પરંતુ રશિયાના ચૂંટણીપંચે આ આરોપોને ફગાવી દીધા.

ઇમેજ સ્રોત, EPA
સંસદીય ચૂંટણીમાં મોટા ભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે. પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને લગભગ 50 ટકા મત મળ્યા છે.
પાછલી ચૂંટણીની સરખામણીએ પાર્ટીને મળેલા મતોમાં ઘટાડો થયો છે. વર્ષ 2016માં પુતિનની પાર્ટીને 54 ટકા મત મળ્યા હતા.
રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકારોને ચૂંટણીમાં ભાગ ન લેવા દેવાયો. ચૂંટણી દરમિયાન ગોટાળાના પણ અહેવાલો સામે આવ્યા હતા.
ચૂંટણીપંચ પ્રમાણે બીજા નંબર પર રહેલી કૉમ્યુનિસ્ટ પાર્ટીને 19 ટકા મત મળ્યા છે. કૉમ્યુનિસ્ટ પાર્ટીના મત આઠ ટકા વધ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે દેશની 450 બેઠકોવાળી સંસદમાં પુતિનના પક્ષને બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતી મળશે.
આમ તો રાષ્ટ્રપતિ પુતિનના સત્તા પર આવ્યા બાદ રશિયામાં ચૂંટણીઓ દેખાડા પૂરતી જ રહી ગઈ છે, કારણ કે દેશનાં રાજકીય સમીકરણો પર તેની કોઈ અસર નથી પડતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનિયમિતતાના આરોપ

ઇમેજ સ્રોત, EPA
સમાચાર એજન્સી એપી અનુસાર કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ગેન્નાદી ઝ્યૂગાનોવે ચૂંટણીમાં મોટા પાયે અનિયમિતતા થઈ હોવાના આરોપ લગાવ્યા છે.
એવું માનવામાં આવે છે કે જેલમાં બંધ પુતિનના ટીકાકાર એલેક્સી નવેલની દ્વારા લગાવાયેલ ભ્રષ્ટાચારના આરોપો અને રશિયાના જીવનસ્તરને લઈને વ્યક્ત કરાઈ રહેલ ચિંતાઓને કારણે પુતિનની પાર્ટીનું સમર્થન ઘટ્યું છે.
પરંતુ રશિયાના ઘણા બધા લોકોમાં પુતિન હજુ પણ ઘણા લોકપ્રિય નેતા છે. જેમને એવું લાગે છે કે પશ્ચિમના પડકાર સામે પુતિન ટકી રહેલા છે અને તેમને દેશના ગૌરવમાં વધારો કર્યો છે.
રશિયાની ચૂંટણીમાં આ વખત ઘણાં શહેરોમાં પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક મતદાન થયું.
તેમજ 1993 બાદ પ્રથમ વખત એવું થયું છે કે યુરોપિયન સુરક્ષા અને સહયોગ સંગઠન ચૂંટણીના પર્યવેક્ષક રશિયાના અધિકારીઓની પાબંદીઓને કારણે રશિયા ન આવ્યા.
એક સ્વતંત્ર દેખરેખ સંસ્થા ગોલોસનું કહેવું છે કે રવિવારે રાત્રિ સુધી મતદાન દરમિયાન અનિમયમિતતાઓના 4,500 મામલા નોંધાયા હતા. રશિયા આ સંસ્થાને 'વિદેશી એજન્ટ' ગણાવે છે.
રશિયાના ગૃહમંત્રાલયે આ દરમિયાન જણાવ્યું છે કે તેમની જાણમાં કોઈ મોટી 'ઘાલમેલ' આવી નથી.

મતદાન માટે લાંબી લાઇનો લાગી દેખાડવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images
મતદાન દરમિયાન કેટલાક પોલીસ સ્ટેશન બહાર લાંબી લાઇનો લાગેલી દેખાઈ જેના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા.
સમાચાર એજન્સી ઇન્ટરફૅક્સે પણ સમાચાર રજૂ કર્યા કે ખાસ કરીને આવું પોલીસ સ્ટેશન બહાર થયું.
પરંતુ રશિયાની સરકારના એક પ્રવક્તાએ એ દાવાઓને ખારિજ કર્યા કે લોકો દબાણમાં આવીને મત આપ્યા છે.
પરંતુ ગોલોસનું કહેવું છે કે તેમની પાસે એવા ઘણા સંદેશ આવ્યા છે કે જેમાં ઘણા લોકોએ દાવો કર્યો છે કે તેમને તેમના માલિક મત આપવા મજબૂર કરી રહ્યા છે.
આવી જ રીતે પૂર્વ યુક્રેનમાંથી પણ સમાચાર આવ્યા કે રશિયાના પાસપોર્ટધારકોને પણ સીમા પાર કરીને મત આપવા માટે આવવા દેવાયા. આ વિસ્તાર પર રશિયાના સમર્થક સૅપરેટિસ્ટ સમૂહનો કબજો છે.

મતગણતરીના કલાકોમાં જ દેશની સંસદીય ચૂંટણીમાં વિજયની જાહેરાત

ઇમેજ સ્રોત, Reuters
નોધનીય છે કે રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાર્ટીએ મતગણતરીના કલાકોમાં જ દેશની સંસદીય ચૂંટણીમાં વિજયની જાહેરાત કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે ઍક્ઝિટ પોલમાં પુતિનની સત્તાધારી યુનાઇડેટ રશિયા પાર્ટીની જીત થશે એમ કહેવામાં આવ્યું હતું.
રશિયાની સંસદીય ચૂંટણીમાં 450 સાંસદો ચૂંટાય છે. ચૂંટણીમાં કુલ 14 પાર્ટીઓએ ભાગ લીધો હતો.
એનસોમાર અને રશિયાની રિયા ન્યૂઝ એજન્સીએ ઍક્ઝિટ પોલમાં પુતિનની પાર્ટીનો 45 ટકા મત સાથે વિજય થશે એમ કહ્યું હતું.
રવિવારે સાંજે મતદાન પૂર્ણ થયું કે અમુક જ કલાકોમાં યુનાઇડેટ રશિયા પાર્ટીએ જીતનો દાવો કર્યો હતો.
સરકારી ટીવી ચેનલમાં યુનાઇડેટ રશિયાના વરિષ્ઠ અધિકારી આંદ્રેહ તુરચકનો વીડિયો જોવા મળ્યો. એ વીડિયોમાં મૉસ્કોમાં જમા થયેલા સમર્થકોને ન તેમણે જીતની વધામણી આપી બલકે આને એક સ્પષ્ટ અને ઇમાનદાર જીત ગણાવી.
રશિયાના ગૃહમંત્રાલયે પત્રકારોને કહ્યું કે એમને ત્યાં મતદાન નિયમોના ઉલ્લંઘનની કોઈ મહત્ત્વની ફરિયાદ નથી નોંધાઈ.

પશ્ચિમ પર આરોપ

ઇમેજ સ્રોત, Anadolu Agency
મૉસ્કોથી બીબીસી સંવાદદાતા સ્ટીવ રોડબર્ગનું વિશ્લેષણ
રશિયાની મૅરેથોન ચૂંટણી પૂરી થઈ પરંતુ પહેલો મત નાખવામાં આવ્યો એ પહેલાંથી એ વાજબી ચૂંટણી નહોતી લાગી રહી.
અનેક કર્મશીલો, વિરોધીઓ, રાજકારણીઓને ચૂંટણીથી વંચિત રાખવામાં આવ્યા. આમાં સૌથી મોટું અને મહત્ત્વનું નામ હાલ જેલમાં છે તે વિપક્ષના નેતા એલેક્સી નવેલનીનું છે.

ઇમેજ સ્રોત, Reuters
કોરોના વાઇરસને કારણે મતદાન ત્રણ દિવસ સુધી ચાલ્યું પણ ટીકાકારો અનુસાર લંબાવાયેલું મતદાન પારદર્શક ન રહ્યું અને ગેરરીતિને મોકળું મેદાન મળ્યું.
મતદાનમાં અનિયમિતતાના અહેવાલો સમગ્ર રશિયામાંથી મળ્યા છે. જોકે, ચૂંટણીપંચના વડાનું કહેવું છે કે 'આ ટીકા આયોજનપૂર્વકની ઝુંબેશ છે જેને વિદેશ પૈસા આપે છે.' આ વાત આગળ શું આવશે એનો સંકેત છે. રશિયા ચૂંટણી બાબતની કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટીકાને આ રીતે જુએ છે: તે પશ્ચિમ તરફ આંગળી ચીંધીને કહે છે કે આ બધું રશિયાને બદનામ કરવા માટેનું વિદેશી કાવતરું છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












