AUKUS સમજૂતી: અણુ સબમરીનમાં ખાસ શું છે?
ઑસ્ટ્રેલિયાની સરકારે બ્રિટન અને અમેરિકાની સાથે એક ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી કરી, જેની હેઠળ અણુશક્તિ સાથેની સબમરીનનું દળ તૈયાર થશે.
આ સબમરીનો ઑસ્ટ્રેલિયાની દરિયાકિનારેથી માંડીને દૂર સુધીની સમુદ્રી સરહદની સુરક્ષા અને દેખરેખનું કામ કરશે.

ઇમેજ સ્રોત, Reuters
'અણુયુગ'ની શરૂઆત સાથે જ 1940ના દાયકાથી ન્યૂક્લિયર પાવરથી ચાલતી સબમરીન બનાવવા રિસર્ચનું કામ શરૂ થઈ ગયું હતું.
આ પ્રયાસો પછી માત્ર છ દેશો પાસે જ અણુક્ષમતા સાથેની સબમરીન છે. આ દેશોમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને ભારતનો સમાવેશ થાય છે.
આ સ્થિતિમાં એ સવાલ થવાનો છે કે 'ન્યૂક્લિયર સબમરીન' કઈ રીતે અણુઊર્જાનો ઉપયોગ કરે છે અને તેનાથી શું થઈ શકે છે?

શક્તિશાળી ઊર્જા

ઇમેજ સ્રોત, EPA
એક વાત એ સમજવાની જરૂર છે કે અણુઊર્જાથી ચાલતી સબમરીન એ કોઈ અણુ શસ્ત્ર નથી. બહારથી તે સામાન્ય સબમરીન જેવી જ દેખાય છે. તેમાં મહત્ત્વનો ફરક એ છે કે તેને ચલાવવા માટે અણુઊર્જાનો ઉપયોગ થાય છે.
અણુઊર્જા માટે સંશોધનો પરથી વિજ્ઞાનીઓ એ જાણી શક્યા હતા કે પરમાણુનું વિભાજન કરવાથી જબરદસ્ત ઊર્જા બહાર નીકળે છે, જેનો ઉપયોગ કરીને વીજળી પેદા કરી શકાય છે.
છેલ્લાં 70 વર્ષોમાં દુનિયાભરમાં ન્યૂક્લિયર રિઍક્ટરોથી વીજળી પેદા કરનારાં વિદ્યુતમથકો ધમધમવા લાગ્યાં છે અને તેના કારણે ઘરો અને ઉદ્યોગોને વીજળી મળી રહી છે. એ જ રીતે એક અણુ સબમરીનને ચલાવવા માટે તેની અંદર એક નાનું ન્યૂક્લિયર રિઍક્ટર લગાવેલું હોય છે, જેમાંથી તેને નિરંતર ઊર્જા મળતી રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરેક પરમાણુની નાભીમાં પ્રોટૉન અને ન્યૂટ્રોન હોય છે. આ પરમાણુનું વિભાજન કરવામાં આવે ત્યારે તેમાંથી પ્રચંડ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે.
અણુ સબમરીનમાં આવી જ અણુઊર્જાનો ઉપયોગ થાય છે, તેના માટે બળતણ તરીકે યુરેનિયમનો ઉપયોગ થાય છે.
કુદરતી રીતે મળતા યુરેનિયમમાં બે પ્રકારના આઇસોટોપ હોય છે - એક U-235 અને બીજાને U 238 તરીકે ઓળખવામાં આવે છે. તત્ત્વની પરમાણુ સંખ્યા સમાન હોય છે, પણ તેનો ભાર અલગ અલગ હોય છે, જેને આઇસોટોપ પણ કહેવામાં આવે છે.
આ બંનેમાંથી U-235નો ઉપયોગ અણુઊર્જા માટે થતો હોય છે. યુરેનિયમમાંથી U-235 મેળવવા માટે વિશેષ પ્રકારના સેન્ટ્રિફ્યૂઝની જરૂર પડતી હોય છે.
ન્યૂક્લિયર રિઍક્ટર ચલાવવા માટે યુરેનિયમને શુદ્ધ કરીને તેમાંથી ઇચ્છિત માત્રામાં U-235 મેળવવાનું હોય છે. સબમરીનમાં આનું સ્તર 50 ટકા સુધીનું હોય છે.
ન્યૂક્લિયર રિઍક્ટરમાં 'શ્રેણીબદ્ધ પ્રતિક્રિયા' થાય છે અને તે રીતે સુરક્ષિત રીતે અને નિરંતર ઊર્જા મળે તેવું કરવામાં આવતું હોય છે.
રિઍક્ટરની અંદર યુરેનિયમના 235 પર ન્યૂટ્રૉનનો મારો કરવામાં આવે છે, જેના કારણે અણુવિભાજન થાય છે. અણુવિભાજનની પ્રક્રિયા શરૂ થઈ જાય અને વધુ ન્યૂટ્રૉન રિલિઝ થવા લાગે છે. આ સમગ્ર પ્રક્રિયાને 'શ્રેણીબદ્ધ નાભી પ્રતિક્રિયા' કહેવામાં આવે છે.
આ ઊર્જા એટલે હકીકતમાં ભારે ગરમી અને તેનો ઉપયોગ કરીને સબમરીનની અંદર જ વીજળી પેદા કરવા માટેના ટર્બાઇન ચલાવવામાં આવે છે.

અણુઊર્જાનાં ફાયદા અને નુકસાન શું છે?

ઇમેજ સ્રોત, Reuters
અણુઊર્જાથી ચાલતી સબમરીનનો ફાયદો એ હોય છે કે તેણે વારંવાર ઇંધણ લેવા માટે સપાટી પર આવવું પડતું નથી. અણુ સબમરીનને સમુદ્રમાં નીચે ઉતારી દેવામાં આવે ત્યારે તેની અંદર પૂરતા પ્રમાણમાં યુરેનિયમનો જથ્થો રાખવામાં આવે છે. આ જથ્થો એટલો હોય છે કે સતત 30 વર્ષ સુધી તેને પાણીની અંદર રહીને જ ઊર્જા મળતી રહે.
ડીઝલ મશીનોથી ચાલતી પરંપરાગત સબમરીનની જગ્યાએ અણુ સબમરીન લાંબો સમય સુધી પાણીની અંદર રહી શકે છે અને વધારે તેજ ગતિથી ચાલી શકે છે. ડિઝલ એંજિન ચલાવવા માટે હવાની પણ જરૂર પડે, જ્યારે રિઍક્ટર ચલાવવા માટે તેની જરૂર પડતી નથી.
હવા લેવા માટે સપાટી પર ના આવવું પડે, તેના કારણે મહિનાઓ સુધી સબમરીન પાણીની અંદર જ રહી શકે છે. છૂપી રીતે દૂર સુધી પહોંચવા અને આક્રમણ કરવા માટે આ સુવિધા બહુ કામની છે.
જોકે આ ફાયદાઓ સામે કેટલીક નકારાત્મક બાબતો પણ છે. ખાસ તો અણુ સબમરીન ચલાવવી બહુ મોંધી પડે છે.
એક ન્યૂક્લિયર સબમરીન તૈયાર કરવામાં પણ કરોડો ડૉલરનો ખર્ચ આવે છે. તે માટે અણુવિજ્ઞાનની જાણકારી અને કુશળ લોકો જોઈએ. ઑસ્ટ્રેલિયામાં યુનિવર્સિટીમાં અને સરકારી એજન્સીઓ ન્યૂક્લિયર સાયન્સ માટેના વિષયો ભણાવવામાં આવી રહ્યા છે. અણુ સબમરીન માટે કુશળ માણસોની જરૂર પડશે તેને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમો અને તાલીમ ચાલી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત બ્રિટન અને અમેરિકા સાથે સમજૂતીને કારણે આ બંને દેશોનાં જ્ઞાન અને અનુભવનો પણ લાભ મળશે.
જોકે અત્યારે એ સ્પષ્ટ નથી કે ઑસ્ટ્રેલિયામાં અણુ સબમરીનનું ઉત્પાદન થશે. તેના માટેનું યુરેનિયમ ક્યાંથી આવશે તે પણ સ્પષ્ટ નથી. ઑસ્ટ્રેલિયામાં યુરેનિયમનો ભંડાર છે, પરંતુ તેને શુદ્ધ કરીને ન્યૂક્લિયર ફ્યૂઅલ બનાવવા માટેની ટેક્નૉલૉજી નથી. આ ટેકનૉલૉજી તેણે આ બે દેશો પાસેથી ખરીદવી રહી.

અણુ કચરાનું શું કરવાનું?

ઇમેજ સ્રોત, Science Photo Library
ઑસ્ટ્રેલિયામાં 2015માં ન્યૂક્લિયર ફ્યૂલ સાઇકલ રૉયલ કમિશનની રચના થઈ હતી.
આ પંચે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં રેડિયોઍક્ટિવ કચરાને લાંબો સમય સુધી સંઘરીને રાખી શકાય છે.
જોકે આ રીતે અણુ કચરાના નિકાલની બાબતને કારણે કેન્દ્ર સરકાર અને પ્રાંત સરકારો વચ્ચે આગામી સમયમાં વાટાઘાટો કરવી જરૂરી છે.
આ વાતચીતનું શું પરિણામ આવે છે તેના પર ઘણો આધાર છે.

ગેરમાન્યતાઓ

ઇમેજ સ્રોત, Reuters
AUKUS સમજૂતીનો એ અર્થ નથી કે ઑસ્ટ્રેલિયા પોતાની જળસીમામાં અણુશસ્ત્રો ગોઠવશે. આવું કરવા માટે તેણે 'વેપર ગ્રેડ' યુરેનિયમની જરૂર પડશે.
તેના માટે યુરેનિયમ 235ને 90 ટકા સુધી શુદ્ધ કરવું પડશે. અણુ સબમરીન માટે આ ગ્રેડના યુરેનિયમની જરૂર પડતી નથી.
ઑસ્ટ્રેલિયાએ અણુશસ્ત્ર નિષેધ માટેના કરાર પર સહિસિક્કા કરેલા છે. તેથી તે અણુશસ્ત્રો બનાવી શકે તેમ નથી.
અણુ સબમરીનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ખાનગી રીતે પોતાનું મિશન પાર પાડી શકે છે. દુશ્મનની નજરે ચડ્યા વિના તે પોતાનું નિશાન પાર પાડી શકે છે.
પર્યાવરણનું અને સબમરીનમાં રહેલા લોકોની સુરક્ષા અગત્યનો મુદ્દો છે.
જોકે આધુનિક ટેક્નૉલૉજીને કારણે સુરક્ષા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. તેના પરથી એવી આશા રખાય છે કે અણુ સબમરીનમાં અકસ્માત થવાની શક્યતા ઘણી ઓછી હોય છે. તેનું જોખમ ઓછું કરી શકાય છે. જોકે આ નિર્ણયનાં રાજકીય પરિણામો શું આવે છે તે આગામી સમયમાં જ ખબર પડશે.
અત્યારે એટલું સ્પષ્ટ છે કે ઑસ્ટ્રેલિયાની નવી વિદેશનીતિમાં ન્યૂક્લિયર સાયન્સ માટે સ્વીકારની તૈયાર દેખાઈ રહી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













