ઇઝરાયલ - પેલેસ્ટાઇન સંઘર્ષ : મીડિયા કાર્યાલયો પર હુમલા બાદ અમેરિકાની ઇઝરાયલને ચેતવણી

ઇમેજ સ્રોત, Reuters
ગાઝાપટ્ટીમાં એક બહુમાળી ઇમારત પર કરાયેલા ઇઝરાયલી હુમલા બાદ અમેરિકાએ ઇઝરાયલને કહ્યું છે કે તે પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરે.
વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા જૅન સાકીએ ટ્વીટ કીને કહ્યું, "અમે સ્પષ્ટ રીતે ઇઝરાયલને કહ્યું છે કે તમામ પત્રકારો અને સ્વતંત્ર મીડિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેમની મહત્ત્વની જવાબદારી છે."
આ પહેલાં શનિવારે ઇઝરાયલના એક હવાઈ હુમલામાં ગાઝાની એક બહુમાળી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઇમારતમાં કેટલીય વિદેશી ન્યૂઝ ચેનલોનાં કાર્યાલયો હતાં.
અત્યાર સુધી આ હુમલામાં જાનની ખુવારીના કોઈ સમાચાર નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ગાઝામાં એક ટાવર બ્લૉકને તબાહ કરી દેવામાં આવ્યો હતો, જ્યાં સમાચાર સંસ્થા ઍસોસિયેડેટ પ્રેસ અને કતારની સમાચાર ચેનલ અલ-જઝીરાની ઑફિસ હતી.
રૉયટર્સ સમાચાર સંસ્થાએ કહ્યું કે, બિલ્ડિંગના માલિકને ઇઝરાયલ તરફથી હુમલાની ચેતવણીને પગલે આ હુમલા અગાઉ જ બિલ્ડિંગને ખાલી કરી દેવાઈ હતી.
આ 12 માળની ઇમારતમાં અનેક ઍપાર્ટમેન્ટ અને અન્ય ઑફિસો હતી. બીબીસીના જેરૂસલેમ બ્યૂરોએ કહ્યું કે, ગાઝાસ્થિત બીબીસીની ઑફિસ આ બિલ્ડિંગમાં નથી.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે એમણે ગાઝાસ્થિત એક ટાવરને ધ્વસ્ત કરી દીધો જેમાં હમાસનું એક ઠેકાણું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેનાએ કહ્યું કે, જે ઇમારતમાં અલ-જઝીરા અને એપીની ઑફિસ હતી એના પર એણે હુમલો કર્યો હતો.
સેનાએ એમ પણ કહ્યું કે, હુમલા અગાઉ સામાન્ય નાગરિકોને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ સમય પર ઇમારતમાંથી નીકળી જાય.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે આ ઇમારતમાં હમાસનો "સૈન્યસરંજામ" હતો અને અહીં રહેનારા લોકોનો એક "માનવમુખોટો" તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
જોકે, આ બિલ્ડિંગના માલિકે આ વાતનો ઇનકાર કર્યો છે.

ઇમેજ સ્રોત, Reuters
આ ઘટના પછી એપીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, એમના તમામ કર્મચારી અને ફ્રિલાન્સર્સને હુમલા અગાઉ ઇમારતમાંથી હઠાવી લેવામાં આવ્યાં હતા.
એપીના અધ્યક્ષ અને સીઈઓ ગૈરી પ્રુએટએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ આ ઘટનાથી સ્તબ્ધ છે.
એમણે કહ્યું કે, 'ઇઝરાયલની સેના જાણતી હતી કે ગાઝામાં એપી અને અન્ય સમાચાર સંગઠનોના બ્યૂરો ક્યાં છે, તેઓ અમારું લૉકેશન જાણતા હતા અને જાણતા હતા કે અમારા પત્રકાર ત્યાં છે. અમને ચેતવણી મળી હતી કે બિલ્ડિંગ પર હુમલો થશે.'
એપીના સીઈઓએ કહ્યું કે, તેઓ ઇઝરાયલ સરકાર પાસે માહિતી માગી રહ્યા છે અને અમેરિકન વિદેશ મંત્રાલયના પણ સંપર્કમાં છે.
આ દરમિયાન લંડનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં હજારો લોકોએ દેખાવો કર્યા છે. આ દેખાવો ઇઝરાયલના દૂતાવાસ નજીક થયાં. દેખાવકારોએ પેલેસ્ટાઇનના ફ્લેગ સાથે માર્ચ યોજી હતી. એમણે ઇઝરાયલને ઍર સ્ટ્રાઇક રોકવા માટેની અને બેઉને દેશોને વાતચીત માટેની માગ પણ કરી.

ઇઝરાયલમાં ગૃહયુદ્ધની આશંકા, પેલેસ્ટાઇન પર ધડાધડ હુમલાઓ

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓ વચ્ચે સતત પાંચમા દિવસે પણ સંઘર્ષ ચાલુ છે. ઇઝરાયલે ગાઝામાં કાર્યવાહીને વેગ આપ્યો છે તો બીજી બાજુ પેલેસ્ટાઇનવાસીઓ પણ ઇઝરાયલ પર રૉકેટ છોડી રહ્યા છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુએ ચેતવણી આપી છે કે આ હાલનાં વર્ષોમાં હમાસ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન છે અને જલદી ખતમ નહીં થાય.
શુક્રવારે સાંજે તેલ અવિવમાં સુરક્ષાબાબતો અંગે યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું, "તેમણે આપણી રાજધાની પર હુમલો કર્યો છે અને આપણાં શહેરો પર રૉકેટ છોડ્યાં છે. તેમને આની કિંતમ ચૂકવવી પડશે અને તેઓ ભારે કિંમત ચૂકવી રહ્યા છે."
આ પહેલાં નેતન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયલી સૈન્ય ગાઝામાં જરૂરી સૈન્યકાર્યવાહી કરતું રહેશે. શુક્રવાર સવારે તેમણે એક નિવેદનમાં કહ્યું હતું, "હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે."
બીજી બાજુ, હમાસના સૈન્યપ્રવક્તાએ ઇઝરાયેલી સૈન્યે જમીની સ્તરે સૈન્યકાર્યવાહી કરાઈ તો ઇઝરાયલને 'પાઠ ભણાવવાની' તૈયારી દર્શાવી છે.

વેસ્ટ બૅન્કમાં પણ હિંસા

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન ગાઝા બાદ હવે વેસ્ટ બૅન્કમાં પણ ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચેની હિંસક અથડામણ થઈ છે.
વેસ્ટ બૅન્કની હિંસામાં ઓછામાં ઓછા 10 પેલેસ્ટાઇનવાસીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે કેટલાયને ઈજા પહોંચી છે.
ઇઝરાયલી દળોએ અહીં ટીયરગૅસ અને રબ્બર બુલેટ ફાયર કર્યા છે તથા ગોળીબાર પણ કર્યો છે. બીજી બાજુ, પેલેસ્ટાઇનવાસીઓ દ્વારા પેટ્રોલબૉમ્બ ફેંકવામાં આવ્યા છે.
વેસ્ટ બૅન્કમાં તાજેતરનાં વર્ષો દરમિયાન થયેલી આ સૌથી ભયાનક હિંસા છે. અત્યાર સુધી ગાઝામાં 126 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ઇઝરાયલમાં અત્યાર સુધી 8 લોકો મૃત્યુ પામ્યા છે.

ગૃહયુદ્ધની આશંકા

ઇમેજ સ્રોત, AFP
આ હિંસક ઘર્ષણની શરૂઆત બાદ ઇઝરાયલના કેટલાક વિસ્તારોમાં ઇઝરાયલી અને આરબ લોકો વચ્ચે મારપીટ અને ઝઘડાના સમાચાર આવી રહ્યા છે. જેને પગલે ઇઝરાયલી સૈન્યે ગૃહયુદ્ધની આશંકાને પણ ધ્યાને રાખવાની વાત કરી છે.
ઇઝરાયલી સંરક્ષણમંત્રીએ ગુરુવારે સુરક્ષાદળોને આદેશ આપ્યો હતો કે તે આંતરિક અશાંતિ પર ખાસ ધ્યાન આપે અને તેને દબાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવે. ઇઝરાયલમાં અત્યાર સુધી 40થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે.
ઇઝરાયલી પોલીસનું કહેવું છે કે ઇઝરાયલમાં રહેનારા આરબ લોકોને લીધે કાયદો અને વ્યવસ્થા કાયમ રાખવામાં મુશ્કેલી પડી રહી છે.
આ દરમિયાન ઇઝરાયલી સરહદની નજીક રહેનારા પેલેસ્ટાઇનવાસીઓ પોતાનાં ઘર છોડીને જવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે ઇઝરાયલી સૈન્ય ગમે ત્યારે તેમનાં ઘરોમાં ઘૂસી શકે છે અને આને લઈને તેઓ ચિંતામાં છે.
આ લોકોએ એવું પણ કહ્યું છે કે તેમના વિસ્તારમાં ઘરોમાં પર બૉમ્બ વરસાવાઈ રહ્યા છે.

ઓઆઈસીની ઇમરજન્સી બેઠક
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તો આ દરમિયાન અહીંની પરિસ્થિતિને જોતાં ઇસ્લામિક રાષ્ટ્રોના સંગઠન 'ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશન' એટલે કે ઓઆઈસીએ રવિવારે ઇમરજન્સી બેઠક બોલાવી છે.
જેરૂસલેમ અને ગાઝામાં ઘર્ષણ વધી રહ્યું છે અને અને સ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા સાઉદી અરેબિયાની વિનંતીને પગલે ઓઆઈસીએ આ બેઠક બોલાવી છે.
આ બેઠકમાં ઓઆઈસીના સભ્યરાષ્ટ્રો સામેલ થશે. ઓઆઈસી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે પેલેસ્ટાઇનના વિસ્તારોમાં ઇઝરાયલી હુમલાઓ અંગે બેઠકમાં ચર્ચા કરાશે.
ઇઝરાયલી સૈન્ય હવે ગાઝા સરહદે પહોંચી ગયું છે અને છેલ્લા કેટલાક દિવસોથી જે ઘર્ષણ ચાલી રહ્યું છે એ જોતાં મધ્ય-પૂર્વમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે.
સંયુક્ત રાષ્ટ્રે પણ આ પરિસ્થિતને પગલે યુદ્ધની આશંકા વ્યક્ત કરી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












